ઈન્ટરવલ

પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…

  • અમૂલ દવે

દેવભાષા સંસ્કૃતમાં એક ઉક્તિ છે: `વિનાશકાળે વિપરિત બુદ્ધિ…’ હાલના તબક્કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આ ઉક્તિ બરાબર લાગુ પડે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સમજાવટ છતાં યુક્રેનના આ વિદૂષક (વાસ્ત્વિક જીવનમાં ઝેલેન્સ્કી વ્યવસાયે જાણીતા કોમેડિયન પણ છે !) યુદ્ધ ચાલુ રાખવાની પોતાની જીદ છોડી નહોતી. ઝેલેન્સ્કીને યુદ્ધ ચાલુ ન રાખવાની ટ્ર્મ્પએ સલાહ આપી ત્યારે યુક્રેનના આ નેતાએ પત્રકારો સમક્ષ ટ્રમ્પ જોડે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ બોલાચાલી આખા વિશ્વે લાઈવ નિહાળી હતી. ત્યાર બાદ ઝેલેન્સ્કીએ અમેરિકાએ યુદ્ધમાં કરેલી યુક્રેનને મદદ બદલ જાહેરમાં આભાર માનીને અને અમેરિકા સાથે મિનરલ ડીલ કરીને શાંત પાડ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે સરમુખત્યાર ઝેલેન્સ્કી ઝડપથી કોઈ પગલાં નહીં લે તો એનો દેશ નહીં બચે.

જોકે ઝેલેન્સ્કી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની જેમ પોતાની સત્તા બચાવવા યેનકેન પ્રકારે યુદ્ધ ચાલુ રાખવા માગે છે. આથી તુર્કીના ઈસ્તાનબુલમાં ટ્રમ્પની પહેલથી શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ થવાનો હતો એની પૂર્વસંધ્યાએ યુક્રેને તેના દોઢ વર્ષથી જેની તૈયારી કરી હતી એ સ્પાઈડર વેબ ઓપરેશન’ હેઠળ પાંચ એર બેઝ પર ભયંકર ડ્રોન સ્ટ્રાઇક કરીને રશિયાના 41 બોમ્બરને રાખ બનાવી દીધા હતા. બોમ્બર’ એ લશ્કરી જહાજ છે, જેની ડિઝાઇન એવી હોય છે કે જે બોમ્બ, મિસાઈલ અને એટમ બોમ્બનું વહન કરીને ઇચ્છિત લક્ષ્યને સિદ્ધ કરી શકે. એ વાતની ના નથી કે બ્રિટન અને યુરોપના દેશો તથા અમેરિકાના ડિપ સ્ટેટની મદદથી કરેલા આ ઓપરેશને રશિયાની કમર તોડી નાખી છે. આ ઓપરેશને રશિયાને આઠ અબજ ડોલરનું નુકસાન કર્યું છે. એટલું જ નહીં તેના સુપરપાવર તરીકેના મોભામાં મોટો ફટકો માર્યો છે. લાખો રૂપિયાનો સવાલ એ છે કે આનાથી યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાંથી શું ફાયદો મળ્યો? ઊલટાનું રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તો હવે એમનું ત્રીજું નેત્ર જ ખોલી દીધું છે. પુતિન પહેલાં તો યુક્રેનનો થોડો પ્રદેશ હડપ કરીને બફર ઝોન ઊભો કરવા માગતા હતા, પરંતુ હવે તો રશિયા સમગ્ર યુક્રેનને નકશામાંથી જ ગાયબ કરવા માગે છે.

પુતિને હવે આખા યુક્રેન પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો શરૂ કર્યો છે. પુતિને તો પહેલેથી જ ધમકી આપી છે કે રશિયાના અસ્તિત્વ સામે ખતરો આવશે તો રશિયા અણુ હથિયારોનું બટન દબાવવામાં લગીરે સંકોચ નહીં કરે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પુતિન સાથેની દોઢ કલાકની વાતચીત કરી પછી પુતિને સાફ કહી દીધું છે કે હવે યુદ્ધવિરામ નહીં થાય. રશિયા યુક્રેનને છોડશે નહીં. તે યુક્રેન પર કાળો કેર વરસાવશે. પુતિનનું રૌદ્ર સ્વરૂપ જોઈને ટ્રમ્પે તો હાથ ઊંચા કરી દીધા છે. ટ્રમ્પ કહે છે કે હાલમાં તો યુદ્ધ ચાલુ રહે એ જ સમયનો તકાજો છે.

બીજી તરફ, યુક્રેન પાસે હથિયારો, દારૂગોળો ્ ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ નથી. જો યુરોપ અને અમેરિકા મદદ નહીં કરે તો ઝેલેન્સ્કીની પાસે સરેન્ડર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. યુક્રેનના ડ્રોન હુમલાથી અમેરિકા અને યુરોપને ફાયદો થયો છે, જ્યારે યુક્રેનની કયામત આવી ગઈ છે. જો ઝેલેન્સ્કીએ `નાટો’નું સભ્ય ન બનવાની રશિયાની શરત માની લીધી હોત તો આ યુદ્ધ જ ન થાત.

ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું છે. રશિયા અગાઉ કદી ન ઉપયોગમાં લીધા હોય એવા ભયંકર પ્રલયકારી હથિયારો હવે વાપરી રહ્યું છે. જો યુક્રેન બહુ પ્રતિ હુમલા કરશે તો રશિયા તેના પર એટોમિક એટેક કરી નાખશે, જેની વિપરીત અસર આખા યુરોપમાં જોવા મળશે. આ યુદ્ધ આપણને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે..
રશિયાએ 400 ડ્રોન અને 40 મિસાઈલ વડે હુમલો શરૂ કર્યો હતો. યુક્રેને તો `સ્પાઈડર વેબ’ ઓપરેશન દ્વારા રશિયાના પાંચ હવાઈ મથક પર જંગી હુમલો કર્યો હતો, પરંતુ રશિયા તો યુક્રેનનાં 50 શહેરને રાખ બનાવવા માગે છે.

અમેરિકાનું માનવું છે કે રશિયાએ હાલમાં જે હુમલા કર્યા છે એ તો ટે્રલર છે. પુતિને બદલો લેવા આનાથી કોઈ વિકરાળ અને ભયંકર હુમલો કરવાનું આયોજન કર્યું છે. અને આનાથી આખા વિશ્વમાં ખળભળાટ મચી જશે. રશિયાએ તો ચાર પ્રાંતો રશિયામાં ભેળવી દીધા છે અને તે યુક્રેનના પૂર્વના વિસ્તારો છે. ઝેલેન્સ્કી ફરિયાદ કરે છે કે અમેરિકા, યુરોપ અને વિશ્વના દેશો રશિયાના આક્રમણ સામે કશું કરતું નથી. પુતિન યુરોપ સામે હાઈબ્રિડ વોર કરી શકે.

ઘણા નિષ્ણાતો કહે છે કે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં જે ભૂલ કરી હતી એવી ભૂલ યુક્રેને કરી છે. જાપાને તટસ્થ રહેલા અમેરિકાના હવાઈ ખાતેના હવાઈમથક પર ઓચિંતો હુમલો કરીને 328 વિમાન અને 19 જહાજોનો નાશ કર્યો હતો. આમાં 2,400 લોકો મરણ પામ્યા હતા. આનાથી અમેરિકાને બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવવુું પડ્યું. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યા પછી જાપાનને સરેન્ડર થવું પડ્યું હતું. યુક્રેને પણ સસ્તા ડ્રોન વડે રશિયાના પાંચ હવાઈમથક પર હુમલો કરીને જાપાન જેવું જ દુ:સાહસ કર્યુ છે.. હવે તે સુપરપાવર રશિયાના ક્રોધાગ્નિનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પ તો કહે છે કે ઝેલેન્સ્કી એક સરમુખત્યાર છે. હકીકત એ છે કે ઝેલેન્સ્કીએ 2019માં 75 ટકા હાંસલ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. એમની પાંચ વર્ષની મુદત મે 2024માં પતી ગઈ છે. રશિયાના યુક્રેન પરના 2022ના આક્રમણ પછી યુક્રેનને 182 અબજ ડૉલરની સહાય કરી છે. યુરોપે યુક્રેનને 121 અબજ ડૉલરની સહાય કરી છે. એવું લાગે છે કે ઝેલેન્સ્કી આ સહાયનો મોટો ભાગ ચાઉં કરી ગયા છે. ટ્રમ્પે ઈશારો કર્યો છે કે જો ઝેલેન્સ્કી પ્રમુખપદ છોડી દે તો યુદ્ધ ખતમ થઈ જાય, પરંતુ સ્વાર્થી ઝેલેન્સ્કી સત્તા છોડવા તૈયાર નથી.

ટૂંકમાં આ વિદૂષકની સત્તાલાલસા યુક્રેનને જ નહીં, આખા યુરોપને તબાહ કરશે..

આપણ વાંચો : પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.
Back to top button