કવર સ્ટોરીઃ આઇપીઓના ઘોડાપૂરમાં તણાતા પહેલાં સાવધાન!
ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ આઇપીઓના ઘોડાપૂરમાં તણાતા પહેલાં સાવધાન!

નિલેશ વાઘેલા

સામાન્ય રીતે પ્રાથમિક બજારની કામગરીનો આધાર સેક્ધડરી માર્કેટ પર નિર્ભર હોય છે, પરંતુ આ વર્ષ તેમાં અપવાદ રહ્યું છે. ભારતનું પ્રાથમિક બજાર સંખ્યાના ધોરણે અભૂતપૂર્વ તેજીમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યારે સેક્ધડરી માર્કેટ એક પછી એક અવરોધોનો સામનો કરી રહ્યું છે. આ અવરોધોમાં કોર્પોરેટ કમાણીના ઘટાડાથી લઈને યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો સમાવેશ થાય છે.

એકલા સપ્ટેમ્બરમાં બે ડઝનથી વધુ કંપનીઓ પ્રાથમિક બજારમાં આવી હતી. આ આંકડો જાન્યુઆરી 1997 પછીનો એક મહિનામાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. આ ઉપરાંત ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એક નવો રેકોર્ડ બન્યો છે, જેમાં કંપનીઓએ રૂ. 30,000 કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું સાપ્તાહિક કલેકશન છે.

આ વર્ષે લગભગ 200 કંપનીઓએ પ્રારંભિક જાહેર ઓફર માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) પેપર્સ ફાઇલ કર્યા છે. આ તેજીનું એક મહત્ત્વનું કારણ એ છે કે રોકાણકારોને પહેલાથી જ લિસ્ટેડ ઇશ્યૂ કરતાં મોટાભાગના નવા ઇશ્યુમાં વધુ સારું વળતર મળ્યું છે. જો કે, હવે તેજીની ઇમારતમાં તિરાડો દેખાવા લાગી છે.

આ વર્ષે મેઇન બોર્ડના કુલ 83 આઇપીઓમાંથી ત્રીજા ભાગથી વધુ કંપનીઓએ તેમના પ્રવેશ સાથે લગભગ 35 ટકા સુધીની નુકસાની કરીને રોકાણકારોના પોર્ટફોલિયો લાલ રંગમાં રંગી નાખ્યા હતા. આમાંથી અડધાથી વધુ લિસ્ટિંગ સપ્ટેમ્બરથી થયા હતા અને તેમાંથી ચાર શેર લિસ્ટિંગના દિવસે 20 ટકાથી વધુ ગબડ્યા હતા.

સરેરાશ ડેબ્યુ-ડે ગેઇન 2025માં ઘટીને નવ ટકા થઈ ગયો છે, જે એક વર્ષ પહેલાં ત્રીસ ટકા હતો. જોકે, લિસ્ટિંગ પછીના મિશ્ર પ્રદર્શન અને સેકન્ડરી માર્કેટમાં અસ્થિરતા હોવા છતાં, આઇપીઓની સંખ્યામાં તેજી અવિરત ચાલુ રહી છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી, લગભગ રૂ. 1.2 ટ્રિલિયન એકત્ર કરવામાં આવ્યા છે અને અંતિમ આંકડો ગયા વર્ષના રેકોર્ડ રૂ. 1.6 ટ્રિલિયનને વટાવી જવાની તૈયારીમાં છે.

તાજેતરમાં બજારમાં પ્રવેશેલા અને લિસ્ટેડ થઇ ચૂકેલા ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા જેવા ઇશ્યૂઓ પહેલાથી જ વધુ મોટી ઓફરો માટે ટોન સેટ કરી ચૂક્યા છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એેએમસી, લેન્સકાર્ટ, ફોનપે, ફિઝિક્લવાલા, મીશો અને પાઈન લેબ્સ સહિત અનેક મોટા આઇપીઓ પાઇપલાઇનમાં છે.

બજારના નિષ્ણાતો જણાવે છે કે અગાઉ લિસ્ટેડ શેરો જેવી જ ગતિ હવે નવા લિસ્ટેડ શેરોમાં પણ જોવા મળે એવી શક્યતા છે. જોકે, લિસ્ટિંગ બાદ કેટલાક શેરોના નબળા પ્રદર્શનથી એકંદર સેન્ટિમેન્ટને વધુ નુકસાન થવાની શક્યતા નથી, કારણ કે સંસ્થાકીય રોકાણકારો વધુ સક્રિય બન્યા છે. રિટેલ સેન્ટિમેન્ટ પર અસર થાય છે, પરંતુ સંસ્થાકીય રોકાણકારો વધુ સમજદાર હોય છે અને ટૂંકા ગાળાના ઊથલપાથલથી ડરતા નથી.

આઇપીઓનો લગભગ 5ચાસ ટકા હિસ્સો વ્યક્તિગત રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે. નાના રોકાણકારો પરની આ નિર્ભરતા ઘટાડવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો બજાર નિયમનકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે લોબિંગ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સેબી દ્વારા આ વિચાર થોડા સમય માટે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ રોકાણકારોના વિરોધના ડરને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો.

વધુ રિટેલ ભાગીદારીથી ઇન્ડિયા ઇન્કને વધુ નુકસાન થવાની સંભાવના નથી એવું બજારના વિશ્લેષકો માને છે. કંપનીઓ આગામી સમયમાં રૂપિયા ત્રણ ટ્રિલિયનથી વધુ મૂલ્યના આઇપીઓ લાવી રહી છે. જોકે, વિશ્લેષકો ચેતવણી આપે છે કે જેમ જેમ આઇપીઓ ચક્ર પરિપક્વ થાય છે, તેમ તેમ વધુ પડતી કિંમતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.

ગ્લોટિસ અને ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સ જેવી કેટલીક તાજેતરની લિસ્ટિંગમાં તેમના શેરના ભાવ ઇશ્યૂ ભાવથી ત્રીસ ટકાથી વધુ નીચે ગયા છે, જેનાથી રોકાણકારોનો વિશ્ર્વાસ ડગમગી ગયો છે. ટાટા કેપિટલ અને વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ જેવી મોટી ઓફર પણ રોકાણકારોને નિરાશ કરી ગઈ છે.

એક ટોચના રિર્સ્ચ એનાલિસ્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, તેજીના અંતિમ તબક્કામાં આવતા ઇશ્યૂ પર પૈસા ગુમાવવાની શક્યતા ખૂબ ઊંચી છે. પ્રારંભિક તબક્કામાં, રોકાણકારો મૂલ્યાંકનને ધ્યાનમાં લીધા વિના પૈસા કમાય છે. પરંતુ ટોચ પર, કિંમત આક્રમક બને છે, જેનાથી નફા માટે બહુ ઓછો અવકાશ રહે છે. ટૂંકમાં ગમે તે ભરણાંમાં બેધડક અરજી કરવાના અને લિસ્ટિંગ ગેઇન બુક કરવાના દિવસો પૂરા થઈ ગયા છે.

નવા શૅરમાં તેજીની મોસમનો અંત નિકટ?

આ વર્ષે મેઇન બોર્ડના કુલ 83 આઇપીઓમાંથી ત્રીજા ભાગથી વધુ કંપનીઓએ તેમના પ્રવેશ સાથે લગભગ 35 ટકા સુધીની નુકસાની કરીને રોકાણકારોના પોર્ટફોલિયો લાલ રંગમાં રંગી નાખ્યા છે.

2024ની સરખામણીમાં લિસ્ટિંગ પછીના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અનુકૂળ બજાર પરિસ્થિતિ અને મજબૂત પ્રદર્શને નિયમનકારો, ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો અને રોકાણકારો સહિતના તમામ હિસ્સોદારો સંતુષ્ટ રહ્યા હતા તે હવે ભૂતકાળની વાત છે.

ગયા વર્ષે 91 મેઇનબોર્ડ લિસ્ટિંગમાંથી, ફક્ત 18 ઇશ્યૂમાં પ્રથમ દિવસે નુકસાન થયું હતું, જે સામાન્ય રીતે 20 ટકા સુધી મર્યાદિત હતું. એે સમયે સરેરાશ ભાવવધારો ત્રીસ ટકા હતો, જેમાં પાંચ કંપનીઓના શેર શરૂઆતના દિવસે બમણાથી વધુ વધ્યા હતા.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ઇન્વેસ્ટર્સ ઇક્વિટીને સ્થાને રેઇટ પાછળ કેમ દોડી રહ્યા છે?

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button