ફુગાવાનો ફુગ્ગો છેતરામણો
અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યાં છે કે ફુગાવો ઘટવાના સમાચારથી ઝાઝાં હરખાવાની જરૂર નથી. ફુગાવાનો ફુગ્ગો છેતરામણો હોય છે. એ ફુસ્સ નથી થયો, ગમે ત્યારે એમાં ફરીથી, નવેસરથી હવા ભરાઇ શકે છે.
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને ૫.૦૨ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો, એ જાણીને કદાચ આપે રાહત અનુભવી હશે! હજુ આ સોમવારે જાહેર થયેલો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો સતત છઠ્ઠા મહિને માઇનસમાં રહ્યો, સપ્ટેમ્બરમાં તે -૦.૨૬ ટકા નોંધાયો. સરકારી ડેટા કહે છે કે ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવ ઘટાડાને કારણે ફુગાવો ઘટ્યો છે. અહીં સવાલ એ છે કે શું મોંઘવારી ઓછી થઇ હોય એવું તમને લાગે છે?
જવા દો એ વાત. અલબત્ત ઇએમઆઇ, એટલે કે માસિક હપ્તાની ચુકવણી કરનારા તો ઇન્ફ્લેશનના ઘટાડાના સમાચારથી રાજીના રેડ થઇ ગયા છે અને એમ માનીને હરખાઇ રહ્યાં છે કે, હાશ, હવે વ્યાજદરના વધારાની આફત ટળી!
આ વાત ઉપરછલ્લી રીતે તો સાચી છે પરંતુ અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યાં છે કે ફુગાવાનો ફુગ્ગો છેતરામણો હોય છે. એ ફુસ્સ નથી થયો અને ગમે ત્યારે એમાં ફરીથી, નવેસરથી હવા ભરાઇ શકે છે.
અર્થશાસ્ત્રીઓ કહે છે કે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત સીપીઆઈ ફુગાવાને હળવો થવાથી થોડી રાહત અવશ્ય મળી છે, પરંતુ ફુગાવો ફરી સ્પ્રિંગની માફક ઉછળી શકે છે. આગળ હજુ પણ ઘણા પડકારો છે જે ફુગાવા પર દબાણ લાવી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં નાણાકીય નીતિ સમિતિની તાજેતરની બેઠકમાં, ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ફુગાવા સંદર્ભે કેટલીક કડક અને સ્પષ્ટ વાતો કરી હતી, જેના પર ધ્યાન આપીએ તો અર્થતંત્ર અંગેની ઘણી બાબતો વધુ સ્પષ્ટ સમજાશે.
તેમણે કહ્યું હતું કે, હું ભારપૂર્વક પુનરોચ્ચાર કરવા માગુ છું કે, અમારો ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા છે. ધ્યાન રહે કે લક્ષ્યાંક બે થી છ ટકાનો નથી. અમારો ઉદ્દેશ્ય વૃદ્ધિને ટેકો આપી શકે એવા ટકાઉ ધોરણે ફુગાવાને લક્ષ્ય સુધી દોરી જવાનો છે.
રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક, જુલાઈમાં રિટેલ ફુગાવો ૭.૪૪ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચવાની પૃષ્ઠભૂમિમાં યોજાઇ હતી. ઓગસ્ટમાં, સીપીઆઇ (ગ્રાહક ભાવ સૂચકાંક) ફુગાવો ઘટીને ૬.૮૩ ટકા સુધી નીચે આવ્યો હતો.
હા, એ ખરું કે ફુગાવો ઘટ્યો છે, પરંતુ આરબીઆઈના ફુગાવાના લક્ષ્યાંકથી હજુ પણ તે ઊંચી સપાટીએ જ છે. જોકે, કેન્દ્રીય બૅન્કની એમપીસીએ રેપો રેટને ૬.૫૦ ટકાના સ્તરે યથાવત્ રાખ્યો હતો, જ્યારે એકોમોડેટિવ સ્ટાન્સ પાછું ખેંચવાનું વલણ પણ જાળવી રાખ્યું હતું.
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઝડપથી ઘટીને ૫.૦૨ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટી પર આવી ગયો છે. અલબત્ત આ રાહતના સમાચાર છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે, શું એમપીસી માટે ફુગાવા અને વ્યાજદરો અંગે પોતાનું વલણ બદલવા માટે ફુગાવાનો આ ઘટાડો કે આ સ્તર યોગ્ય કે પર્યાપ્ત રહેશે?
વિશ્ર્લેષકો કહે છે, અસંભવ! તેઓ નિર્દેશ કરે છે કે ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ ઘણા એવા પડકારો છે, જે આગામી દિવસોમાં ફુગાવા પર દબાણ લાવી શકે છે.
એક ખાનગી બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, એકતરફ જ્યારે હેડલાઇન ફુગાવામાં ઘટાડો આરબીઆઇને રાહત આપશે, ત્યારે બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવને અસર કરનારા ઓપેક ઉત્પાદનમાં કાપ અને વર્તમાન જીઓપોલિટિકલ પરિબળો હજુ ઝળુંબી રહ્યાં છે. આ લાંબા સમય સુધી ઝળુંબી રહેલી તલવાર છે, જે ગમે ત્યારે રાહતને હલાલ કરી શકે છે!
પાછલા મહિને રિટેલ ફુગાવો ઘટવા પાછળના બે મુખ્ય કારણો છે. એક, શાકભાજીના ભાવમાં સૌથી સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો હતો. દાખલા તરીકે, એક તબક્કે કિલોે રૂ. ૨૫૦ સુધી ઉછળેલા ટામેટાના ભાવ માસિક તુલનાત્મક ધોરણે ૬૦ ટકા નીચે હતા અને એ જ સાથે લીલા મરચાં અને ભીંડાના ભાવ લગભગ ૧૫ ટકા નીચે હતા. આ બધાના સરવાળે ફુગાવો નીચો રહ્યો.
બીજું, મુખ્ય ફુગાવો (કોર ઇન્ફ્લેશન) વધુ હળવો થયો છે. ઑક્ટોબરના પ્રથમ દસ દિવસના હાઈ-ફ્રિકવન્સી ફૂડ પ્રાઇસ ડેટા સૂચવે છે કે હેડલાઇન ફુગાવો ૪.૭ ટકાની નજીક આવી શકે છે કારણ કે શાકભાજીના ભાવ વધુ સાધારણ રહેશે એવી અર્થનિરિક્ષકો અપેક્ષા રાખે છે. જોકે, કઠોળ, ફળો, ખાંડ, ઈંડા, માંસ અને માછલીના ભાવમાં ક્રમિક વધારો થયો હોવાનું તેમણેે ઉમેર્યું હતું. અનાજ અને અન્ય ખાદ્ય ચીજોની સાથે મસાલાના ભાવ પણ સ્થિર રહ્યા છે.
વધુમાં, જળાશયોનું સ્તર હજુ પણ ગયા વર્ષના સ્તરથી નીચે છે અને તેમની લાંબા ગાળાની સરેરાશ અને આ પૃષ્ઠભૂમિમાં આગામી રવી મોસમમાં પાકની વાવણી પર ધ્યાન આપવું પડશે.
જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, અમને લાગે છે કે વૈશ્ર્વિક સ્તરે યુએસ ટ્રેઝરી બિલની ઊંચી ઊપજ અને સ્થાનિક સ્તરે અનિશ્ર્ચિત ફુગાવાની પૃષ્ઠભૂમિ સામે આરબીઆઈ પ્રવાહિતાની સ્થિતિને ચુસ્ત રાખે તેવી શક્યતા છે. જેમ કે, ગયા વર્ષે દરમાં ૨૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યા પછી, વધુ વૃદ્ધિ માટેનો દર ઊંચો છે, અને ચુસ્ત પ્રવાહિતા દ્વારા હકીકતમાં કડક નાણાં નીતિ પસંદગીનો વિકલ્પ જણાય છે.
સરવાળે એમ કહી શકાય કે, રિટેલ ફુગાવાનું નીચું સ્તર એમપીસીને રાહત આપવામાં મદદ કરશે પરંતુ, ફુગાવો વધવાના જે અનેક પરિબળો મોજૂદ છે તે જોતાં વ્યાજ દરો ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા નથી.
અલબત્ત એવી અપેક્ષા રાખી શકાય કે, પૉલિસી દરો થોડા સમય માટે, માનો કે ઓછામાં ઓછા નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા સુધી યથાવત્ રહેશે. આગામી મહિનાઓમાં ફુગાવાના સંકેતોને જોતાં, ચોમાસા દરમિયાન અનુભવાયેલા અસમાન વરસાદને કારણે સંભવિત નીચા કૃષિ ઉત્પાદનને કારણે ફુગાવો વકરવાનું જોખમ વધી શકે છે.
ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ફુગાવાના માળખાને આકાર આપતું મુખ્ય પરિબળ ક્રૂડ ઓઇલ કેટલુ ઉકળે કે ખદબદે છે તેના પર સ્થાનિક ફુગાવાની દિશા અને ગતિનો આધાર રહેશે.
એક ટોચના બ્રોકરેજ હાઉસના રિસર્ચ હેડે કહ્યું હતું કે, આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત સરેરાશ ૮૫-૯૫ પ્રતિ બેરલ વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, તેને કારણે રિટેલ ભાવમાં ભડકો થવાની સંભાવના ઓછી છે, કારણ કે સામે આવી રહેલી ચૂંટણીઓ છે! જોકે એ સાથે એમ પણ નોંધી લેવું કે કોઈપણ ભાવ ઘટાડાની સંભાવના પણ નથી.
અર્થશાસ્ત્રીઓ માને છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં સીપીઆઈ ફુગાવો સરેરાશ ૫.૨ ટકા રહેશે અને તેથી દર લાંબા સમય સુધી હોલ્ડ પર રહી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં રેપો રેટ પર લાંબા સમય સુધી વિરામ મળે એવી સંભાવના છે અને અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઈ નજીકના ગાળામાં સક્રિયપણે તરલતાનું સંચાલન કરશે.
સંક્ષિપ્તમાં વૈશ્ર્વિક સ્તરે ઓપેક સંગઠનના ઉત્પાદનમાં કાપના નિર્ણય, અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ પરના પ્રતિબંધ વગેરેને ક્રૂડના પુરવઠાના ઘટાડા અને હમાસ અને ઇઝરાયલ વચ્ચે ભૌગોલિક રાજકીય ભડકો થવાને લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ઓર વધારો થવાથી ફુગાવાના મોરચે વધુ દબાણ આવશે. જ્યારે આ તરફ સરકારનું વલણ ચૂંટણીલક્ષી બનશે. આ બંને વચ્ચે રિઝર્વ બૅન્કે સંતુલન જાળવવાનું છે.