ભારતીય શેરબજાર વિદેશીઓ માટે નફાકારક!
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ માને છે કે ભારતીય શેરબજાર હજુ પણ સાબૂત છે અને વિદેશી ફંડો ઘરવાપસી કરી રહ્યા છે. સરકાર ભારતને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનાવવા માગે છે.

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
નાણાં પ્રધાન નિર્મલા સીતારાણને શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા થઇ રહેલી સતત વેચવાલી અંગે એવું કથન કર્યું છે કે, ભારતીય શેરબજાર સારું વળતર આપી રહ્યું હોવાથી વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ થઇ રહ્યું હોવાની શક્યતા છે.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની યોજના અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે અગાઉ જ આ મોરચે ઘણાં પગલાં લીધા છે અને ભારત સરકાર દેશને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનાવવા માગે છે અને એ તેના ભાગરૂપે કેન્દ્રીય અંદાજપત્રમાં જકાત દરોનું સુતાર્કિકીકરણ ચાલુ રાખશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત ટેરિફની પૃષ્ઠભૂમિમાં આ એક મહત્ત્વપૂર્ણ દાવો છે.
પ્રથમ શેરબજાર તરફ પાછાં વળીએ કારણે કે તે વર્તમાન, પ્રસ્તુત અને બહોળા વર્ગને સ્પર્શતી બાબત છે. નોંધવું રહ્યું કે વર્ષ 2025માં અત્યાર સુધીના બે મહિનાથી પણ ઓછા સમયમાં શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય ફંડોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ પાછું ખેંચી લીધું છે અને એકધારા પછડાટને કારણે રોકાણકારો ચિંતિત થયા છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ના ડેટા મુજબ, આ વર્ષે, 14 ફેબ્રુઆરી સુધી, એફઆઇઆઇ વર્ગે ભારતીય ઇક્વિટી બજારમાંથી 12 અબજ ડોલરનું નેટ સેલિંગ નોંધાવ્યું છે. 2024માં આ જ વિદેશી ફંડો સ્થાનિક બજારમાં 124 મિલિયન ડોલરના નેટ બાયર રહ્યા હતા.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદ દરમિયાન શેરબજારને લગતા સવાલના જવાબમાં સીતારામને કહ્યું કે ભારતનું અર્થતંત્ર સાબૂત છે અને પ્રોફિટ બુકિંગ કરીને રોકાણકાર સારું વળતર મેળવી રહ્યાં છે.
આ બેઠકમાં તેમની સાથે રાજ્યકક્ષાના નાણાં પ્રધાન પંકજ ચૌધરી, નાણાં સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, સીબીટીડીના ચેરમેન સીબીઆઇસીના ચેરમેન અને દીપામ, ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટના સચિવ ઉપસ્થિત હતા. નાણાં પ્રધાન કહે છે કે ‘આજે ભારતીય અર્થતંત્રમાં એવું વાતાવરણ છે જેમાં રોકાણ સામે સારું વળતર મળી રહ્યું છે અને આથી જ વિદેશી રોકાણકારો નફો ગાંઠે બાંધી રહ્યા છે.’
જોકે એક નિરીક્ષણ એવું પણ છે કે ભારતમાં વિદેશી રોકાણકારો દ્વારા જોરદાર વેચવાલી થઇ રહી હોવાનો જે ઘોંઘાટ છે એ ખોટો છે અને મોટા પાયે હિજરતના કોઈ સંકેતો નથી.
એફઆઇઆઇએ જાન્યુઆરીના અંત સુધીના ચાર મહિનામાં 21 બિલિયન ડોલરના મૂલ્યના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમની સંપત્તિમાં 148 બિલિયનના ઘટાડાનો માત્ર 14.2 ટકા જેવા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો તેમના પોર્ટફોલિયોમાં થયેલા અવાસ્તવિક નુકસાનને આભારી છે.
ટ્રમ્પની ટેરિફ પણ શેરબજારની મંદી માટે જવાબદાર છે. મહેસૂલ સચિવ તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે ટ્રમ્પના પ્રસ્તાવિત ટેરિફ વધારા સહિત, ચાલુ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે એફઆઇઆઇ વેચવાલી કરી રહ્યા છે, પરંતુ તેઓ એક ઊભરતા બજારમાંથી બીજા બજારમાં સ્થળાંતર નથી કરી રહ્યા. જ્યારે પણ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા હોય છે, ત્યારે તેઓ (એફઆઇઆઇ) જે દેશમાંથી આવ્યા હોય તે દેશમાં પાછાં ફરે છે.
નાણાં મંત્રાલયે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતના ઇક્વિટી બજારો સ્થિતિસ્થાપક છે. ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને વૈશ્ર્વિક અવરોધો છતાં પણ તે વિકાસ ચાલુ રાખશે. ભારતના ઇક્વિટી બજારો ફક્ત ટ્રમ્પના ટેરિફથી જ નહીં પરંતુ ભારતીય કંપનીઓના નબળા ત્રીજા ક્વાર્ટરની કમાણીથી પણ પ્રભાવિત થયા છે. 26 સપ્ટેમ્બરના રોજ 26,216.05 પોઈન્ટના જીવનકાળના ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ 12.4 ટકા ઘટ્યો છે.
પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજના અંગે, સીતારામને કહ્યું કે 2025-26 માટે ભારતના બજેટમાં દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે તેની મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટીને તર્કસંગત બનાવવાની યોજના બનાવી છે અને ભારત સમયાંતરે તેની સેફગાર્ડ ડ્યૂટીઝ અથવા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીઝની સમીક્ષા કરે છે.
ભારત અને અમેરિકા તાજેતરમાં 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડોલર સુધી વધારવા અને આ માટે જકાતમાં ઘટાડા અને બજારોમાં પ્રેવશ સરળ બનાવવા સંદર્ભે એક દ્વીપક્ષીય કરાર માટે સંમત થયા છે. નાણાં પ્રધાને સ્પષ્ટ વિધાન કર્યું છે કે, આપણે ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી દેશ બનવા માટે તૈયાર છીએ અને પરિણામે ડ્યુટીમાં ઘટાડા અને તર્કસંગત બનાવવાની જાહેર કરવામાં આવેલી પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને સરકાર તેના પર નજર રાખશે.