નવા વર્ષે ભારતે સામનો કરવો પડશે વિદેશ નીતિમાં આવા નવા પડકારોનો
કવર સ્ટોરી -અમૂલ દવે
સાચી મિત્રતા કે મતલબી દોસ્તી? અમેરિકા સુપર પાવર છે. એનો દબદબો-રુઆબ એટલો છે કે એ છીંક ખાય તો આખા વિશ્વને શરદી થઈ જાય. ભારે બહુમતીથી ચૂંટાયેલા ડોનલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ સત્તાની ધૂરા હાથમાં લેવાના છે. હોદ્દો સંભાળ્યા પહેલાં જ એમણે કરેલાં નિવેદનોથી આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે. એમણે રચેલી ટીમ કેવી છે એના પર પણ મોટું વિશ્ર્લેષણ થઈ રહ્યું છે. ડૉલરનો ઉપયોગ ન કરીને નવા ચલણ બનાવવાની યોજના ઘડનાર ભારત સહિતના ‘બ્રિક્સ’ દેશોને ટ્રમ્પે આપેલી ધમકીની ધારી અસર થઈ છે. આ સંગઠનમાં જોડાવવાનું વિચારી રહેલા સઉદી અરેબિયાએ હવે જાહેર કયુર્ં છે કે તેણે ‘બ્રિક્રસ’માં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ભારતે તો ટ્રમ્પને શાંત પાડવા અને એમની નવી ટીમ સાથે ઘરોબો કેળવવા વિદેશ પ્રધાન સુબ્રહ્યણ્યમ જયશંકરને અમેરિકા મોકલ્યા છે. રશિયા- યુક્રેન વચ્ચેનું યુદ્ધ અઢી વષર્થી વધુ સમયથી ચાલી રહ્યું છે. વેસ્ટ એશિયામાં ઈઝરાયલ અને હિજબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે, પરંતુ એનો વારંવાર ભંગ થાય છે. ઈઝરાયલ – ઈરાન વચ્ચે ગમે ત્યારે પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળે એવી સંભાવના છે. આપણા બે પડોશી પરંતુ દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાન દરરોજ ભારત વિરુદ્ધ નવાં કાવતરા કરી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન ભારતના બીજા પડોશીને ઉશ્કેરીને ભારતને ઘેરી રહ્યા છે. આ બધાં કારણોસર 2025માં શું બનશે એ અકલ્પનીય બન્યું છે. આથી ભારતની વિદેશ નીતિને નવા વર્ષે નવાં પડકારો ઝીલવા પડશે. એની અગ્નિપરીક્ષા થશે. રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધ અને ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ- હમાસ વચ્ચેના જંગમાં ભારતે તટસ્થ રવૈયો અપનાવ્યો છે. વડા પ્રધાન મોદીએ થોડા અઠવાડિયામાં રશિયા અને યુક્રેનની મુલાકાત લેતાં એવી અટકળો ઊભી થઈ હતી કે મોદી ભાવિ વાટાઘાટોમાં મધ્યસ્થીકાર બનશે. જોકે, આવું કંઈ થયું નથી. ઈઝરાયલના કોઈ મોટા નેતા ભારત આવ્યા નથી કે ભારતના મોટા નેતા ઈઝરાયલમાં ગયા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પેલેસ્ટાઈનના વડા પ્રધાન મહમૂદ અબ્બાસીને મળીને આરબ દેશોને શાંત કર્યા છે. બહુરાષ્ટ્રીય પહેલ જેવી કે ‘આઈએમઈસી’ (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર) અને ‘આઈ2યુ2’ (ભારત, ઈઝરાયલ, યુએઈ અને અમેરિકા) વગેરે ભયમાં મુકાઈ છે. ભારત પશ્ર્ચિમ એશિયાના દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યું છે. આમ છતાં, 2025માં દિલ્હીના આપણા સાઉથ બ્લોકને ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા જોડાણ વચ્ચે સમતુલા જાળવી રાખવામાં મુશ્કેલી નડી શકે .
ભારતના અમેરિકા સાથેના વેપાર સામે જોખમ ઊભું થયું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે અમેરિકાએ કોઈની પણ પરવા કર્યા વિના ટેરિફનું હથિયાર ઉગામ્યું છે. ભારતને આમાં કોઈ છૂટ મળે એમ નથી. ટ્રમ્પે તો ભારતને ‘ડ્યુટીહંગરી’ દેશ ગણાવ્યો છે. આવા વખતે ભારતે આફતને અવસર બનાવતા આવડવું જોઈએ. ભારતે અમેરિકન માલ પરની ડ્યુટી ઘટાડવી જોઈએ અને અમેરિકામાં મળનારી નવી તકને ઝડપી લેવી જોઈએ. ટ્રમ્પે જે નિમણૂક કરી છે એમાંના મોટા ભાગના ચીન વિરોધી છે અને ભારત તરફી છે. ટ્રમ્પની ટીમમાં ઘણા મૂળ ભારતીય છે. અમેરિકા ચીનને પોતાનું દુશ્મન માને છે. અમેરિકા માને છે કે ચીન પાસે અમેરિકાના હિતો પર આક્રમણ કરવાની ક્ષમતા છે. ટ્રમ્પના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈકલ વોલ્ટેઝ, વિદેશ પ્રધાન માર્કો રુબિયો સીઆઈએ ડિરેક્ટર જોન રેડક્લિફ અને એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ ચીન વિરોધી છે. આ બધાને લીધે ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણમાં સહકાર મજબૂત થશે. જો અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર શરૂ થશે તો ભારતે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. જોવાનું એ છે કે ચીનમાં રોકાણ કરનાર અમેરિકાના બિઝનેસમેન અમેરિકાને ચીન વિરુદ્ધ પગલાં લેવામાં કેટલું આગળ વધવા દે છે. ટ્રમ્પના નિકટના એલન મસ્કના વેપારી હિત ચીનમાં છે. ભારતે મસ્કને ઈલેકિટ્રક વેહિકલનું દેશમાં ઉત્પાદન કરવા આકર્ષક ઓફર આપી હતી, પરંતુ ટ્રમ્પે ભારતને બદલે ચીન પર પસંદગી ઉતારી હતી. અમેરિકાના ચીનના રોકાણને મર્યાદિત કરવાનો ખરડો મસ્કના કહેવાથી સંસદમાં પડી ગયો હતો. ટ્રમ્પ દરેક દેશ પર 10થી 20 ટક વધુ ટેરિફ ફટકારે એવી સંભાવના છે. દરેક દેશ અમેરિકાને વશ નહીં થાય. આ દેશો અમેરિકા જે માલની નિકાસ કરે છે એના પર ટેરિફ નાખીને જવાબ આપી શકે. ચીન અને અમેરિકાના સંબંધો વકરશે તો આનો લાભ ચોક્કસપણે ભારતને થશે.
ભારત માટે બીજો મહત્ત્વનો મુદ્દો એચ-વનબી વિઝાનો છે. આ મુદ્દે ટ્રમ્પના સમથર્કો બે છાવણીમાં વિભાજિત થયા છે. મસ્ક અને વિવેક રામસ્વામી જેવા સમથર્કો કહે છે કે અમેરિકાને તેજસ્વી અને શિક્ષિત લોકની જરૂર છે અને આ માટે આ વિઝા ચાલુ રાખવા જોઈએ. મસ્ક પણ કહે છે કે જો આ વિઝા ન હોત તો હું અને રામસ્વામી જેવા લોકો અમેરિકામાં ન આવી શક્યા હોત. બીજી બાજુ, લૌરા લુમર અને ભારતીય મૂળની અમેરિકન નિકી હેલી જેવા ટ્રમ્પના સમર્થકો આનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે એ એચ-વનબી વિઝાના વિરોધી નથી., પરંતુ ટ્રમ્પે જ ચૂંટણી પ્રચારમાં વસાહતી સામે ઝેર ઓકીને ચૂંટણી જીતી છે. ટ્રમ્પે વસાહતીઓ સામેનું એમનું અક્કડ વલણ બદલાવી શકે એમ નથી. એક વાત તો નિશ્ર્ચિત છે કે ગેરકાયદે રહેતા વસાહતીઓના દિવસો ગણાઈ રહ્યા છે. એમને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે.
બીજી તરફ, ટ્રમ્પ ઈરાન સામેનું વલણ વધુ આકરું બનાવશે. ટ્રમ્પની પહેલી મુદતમાં અમેરિકાના દબાણથી ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું હતું. ભારતે ઈરાનનું બંદર ચાબહાર 10 વર્ષ માટે ભાડે લીધું છે. અમેરિકા આ બંદરને ઓપરેટ કરવાનું છોડી દેવા ભારત પર દબાણ લાવી શકે. મોદી અને ટ્રમ્પના સારા સંબંધોનો ફાયદો ભારતને થઈ શકે. સંરક્ષણને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા વિસ્તારવાદી ચીન સામે ભારતને મદદ કરી શકે. ચીન વિરોધી સંગઠન ક્વાડ શિખર પરિષદ ભારતમાં યોજાવાની છે અને ટ્રમ્પ આમાં હાજરી આપવા ભારત આવી શકે. આ સંગઠનના સભ્યો ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા છે. મોદી ક્વાડ શિખર પરિષદ પહેલાં અમેરિકાની મુલાકાત લઈ શકે.
આ બધા વચ્ચે, ભારત માટે ચીન માથાનો દુખાવો બની ગયું છે. ભારત અને ચીન અંકુશરેખામાંં લશ્કરી દળો ઓછા કરવાની સમજૂતી કરવામાં સફળ નીવડ્યા છે, પરંતુ ચીન પર વિશ્વાસ રાખી શકાય એમ નથી. ચીને સરહદ પર ગામ વસાવી દીધા છે અને જોરદાર માળખાકીય સગવડો ઊભી કરી છે. આ સમજૂતી થવાને પગલે પાંચ વર્ષ બાદ મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ સાથે શિખર પરિષદ યોજાઈ હતી. ભારત અને ચીનની વેપારી તુલામાં ભારત મોટી ખાધ ધરાવે છે. ભારતે ચીનથી થતી આયાત ઓછી કરીને ઉત્પાદન ક્ષેત્રે આગેકૂચ કરવી જોઈએ. પાકિસ્તાનની વાત કરીએ તો આપણા વિદેશ પ્રધાન જયશંકર શંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ આવ્યા. પાકિસ્તાન હાલમાં બે બાજુથી ભીંસમાં છે. ઈરાન અને અફઘાનિસ્તાન તેના પર હુમલો કરી રહ્યા છે. તદુપરાંત જેલવાસ ભોગવી રહેલા ઈમરાન ખાનને ગોલમાલ -ઘાલમેલ કરીને સત્તાથી દૂર રાખવામાં આવ્યા છે. એનાથી પાકિસ્તાનની અવામ-પ્રજા -માં ગુસ્સો છે. આ ગુસ્સો મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થશે તો પાકિસ્તાનમાં પણ સત્તાપલટો થઈ શકે.
Also read: તસવીરની આરપાર : વડોદરા (ટહુકો નગરી)ના ઈતિહાસ ને કલાત્મક વારસા પર દૃષ્ટિપાત કરીએ…
ભારતના કૅનેડા સાથેના સંબંધો વણસી ગયા છે. કૅનેડાના સત્તાવાળા એવો આક્ષેપ કરી રહ્યા છે કે શીખ નેતા નિજારની હત્યામાં ભારતનો હાથ છે. આમાં કેનેડાએ અમિત શાહનું નામ દીધું છે. ભારત એવી આશા રાખે છે કે 2025માં થનારી સામાન્ય ચૂંટણીમાં હાલના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો હારી જાય તો ભારતને રાહત મળે. શેખ હસીનાની હકાલપટ્ટી બાદ ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો બદતર થતા જાય છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. ભારતે આની સામે વિરોધ નોંધાવ્યો છે,પણ સામે પક્ષે કોઈ સાંભળતું નથી. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પાકિસ્તાનની સમીપ સરકી રહી છે. ભારતે હસીનાને આશ્રય આપ્યો હોવાથી પણ બાંગ્લાદેશ ભારત પર ગિન્નાયું છે. નેપાળ પણ ચીનની ચડામણીમાં આવીને ભારત સામે ઝેર ઓકે છે.
શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે અને માલિદવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુની ભારતની મુલાકાતથી આ દેશો સાથેની તંગદિલી ઓછી થઈ છે. એ જ રીતે ,ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રજાસત્તાક દિને ભારતની અતિથિ બનવાના છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દિલ્હીની મુલાકાત લેશે. રશિયા પાસેથી ભારત તેલ ખરીદે છે અને ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક જાતની આત્મીયતા હોવાથી અમેરિકા આ સામે વાંધો ન ઉઠાવે એવી ભારતને આશા છે. વિશ્વની આ રાજકીય સ્થિતિ પરિસ્થિતિનું પૃથક્કરણના અંતમા એટલુ જ કહી શકાય કે વિદેશ નીતિમાં ભારતને કપરાં ચડાણ છે. ભારતે તંગદોર પર ચાલીને બેલેન્સિંગ એક્ટ કરીને -સમતુલા જાળવવી પડશે.