ઇન્કમ ટૅક્સ રિટર્ન: કોણે કોણે ભરવા જરૂરી?
ફોકસ -પ્રભાકાન્ત કશ્યપ
તમારા મનમાં એ વાત ઠસી ગઇ હોય કે આવકવેરા અર્થાત્ ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ભરવા માત્ર એમના માટે જરૂરી છે જેમની આવક વધુ હોય છે, તો એ વાત મનમાંથી કાઢી નાખજો. અન્ય ઘણા લોકોએ આઇટીઆર કાયદેસર આઇટીઆર ફાઇલ કરવો જોઇએ જેમ કે
- જેમની કેપિટલ ગેન ( મૂડીમાં વધારા) થી આવક થઇ હોય
- જેમની આવકનું સાધન પૅન્શન હોય
- જેમની ભારતની બહાર કોઇ સંપત્તિ હોય
- જેમનું ટૅક્સ ડિડક્શન ધારા ૧૯૪એન અનુસાર થયું હોય
આ સિવાય એ સહુ લોકો માટે પણ આઇટીઆર ફાઇલ કરવી જરૂરી છે જેમણે એક વર્ષની અંદર રૂપિયા એક લાખથી વધુ વીજળીનું બિલ ચૂકવ્યું હોય. વ્યક્તિગત કે પછી બીજી કોઇ વ્યક્તિની વિદેશ યાત્રા પર ૨ લાખથી વધારે ખર્ચ કર્યો હોય. એક કે એકથી વધુ કરંટ એકાઉન્ટ હોય અને એમાં એક કરોડ કે એથી વધુ રકમ જમા હોય અથવા તો જેમના સેવિંગ એકાઉન્ટમાં કુલ ડિપોઝિટ ૫૦ લાખથી વધુ હોય. આ દરેક લોકો માટે ઇન્કમ ટૅક્સ ભરવો જરૂરી છે. આ વર્ષે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇ છે. જો ઉપરના મુદ્દાઓમાં તમે બંધબેસતા હો તો હજી પણ ઘણો વખત છે. જો રિટર્ન ફાઇલ કરવાનું ન વિચાર્યું હોય તો વિચારી લેજો. નહીં તો કાયદાકીય પરેશાનીઓમાં ફસાઇ શકો છો.
આ દેશમાં આઇટીઆરને કેટલાક લોકો બેમતલબ ડરનો વિષય બનાવી દેતા હોય છે. કેટલાક પોતાના મનથી જ અનુમાન લગાવતા હોય છે. કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે અમારી આવક પર તો ‘ટૅક્સ ડિડક્શન એટ સોર્સ ’થઇ જાય છે અને આ ટીડીએસ કપાઇ ગયા બાદ કંપની ફૉર્મ -૧૬ આપી દે છે એટલે અમારે આઇટીઆર ફાઇલ કરવાની શી જરૂર છે? જો કે આ વિચાર ખોટો છે. આ જ રીતે કેટલાક લોકોને એવું લાગે છે કે ક્યાંક એમનાથી ખોટું આઇટીઆર ફાઇલ ન થઇ જાય. જો આવું થાય તો શું કરશું એવો ડર પણ અર્થહીન છે. કારણ કે આપનું આઇટીઆર ભરવામાં કોઇ ભૂલ થાય તો આવકવેરા ખાતું એ ભૂલ સુધારવાના ઘણા ચાન્સ આપે છે, પરંતુ જો તમે કોઇ ચોરી કરવાના બદ્ઇરાદે ખોટું આઇટીઆર ભરો કે જાણીજોઇને ઓછી આવક બતાવો તો પકડાઇ જવા પર ટૅક્સ ભરવાનો થતો હોય તેના ૧૦૦થી ૩૦૦ ટકા સુધીનો દંડ ભરવો પડી શકે.
બીજી વાત એ છે કે હવે આઇટીઆર ફાઇલ કરવું પહેલા કરતા વધુ સરળ થઇ ગયું છે. બે રીતે આ કામ થઇ શકે છે. એક જૂની પ્રથા પ્રમાણે અને એક નવી પદ્ધતિ અનુસાર. તમે કોઇ પણ એક વિકલ્પ પસંદ કરી શકો છો. જૂની પ્રથા પ્રમાણે તમને ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર ટૅક્સ ફ્રી મળે છે, જ્યારે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન ૪૭ એ મુજબ તમે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટૅક્સ બચાવી શકો છો. હવે નવી પદ્ધતિ મુજબ આઇટીઆર ફાઇલ કરવા પર ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ કર નથી ભરવો પડતો. આ સિસ્ટમ અનુસાર પણ ૮૭એ અનુસાર પગારદાર વ્યક્તિ ૭.૫ લાખ રૂપિયા સુધીની અને અન્ય લોકો ૭ લાખ સુધીની આવક પર છૂટ લઇ શકે છે.
જૂની સિસ્ટમ પ્રમાણે ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ વેરો નથી ભરવો પડતો. ૨.૫થી ૫ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા ટૅક્સ ભરવો પડે છે. અને પાંચથી દસ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૦ ટકા ટૅક્સ કપાય છે. જ્યારે નવી સિસ્ટમ મુજબ ત્રણ લાખ સુધીની આવક પર કોઇ ટૅક્સ નથી. ત્રણથી છ લાખ સુધીની આવક પર પાંચ ટકા ટૅક્સ ભરવો પડે છે અને છ થી નવ લાખ રૂપિયાની આવક પર ૧૦ ટકા ટૅક્સ ભરવો પડે છે અને નવથી બાર લાખની આવક પર પંદર ટકા તો બારથી પંદર લાખ રૂપિયાની આવક પર વીસ ટકા ટૅક્સ ભરવો પડે છે.
આઇટીઆર ભરવું ઉપયોગી છે. જો તમે લૉન લેવા માગતા હો તો બૅન્ક તમારી પાસે આઇટીઆર માગે છે. જ્યારે દેશની બહાર જવા માગતા હોવ તો પણ આઇટી આર માગવામાં આવે છે.