
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
શૅરબજારમાં દિવસ-રાત એક કરનારા અને આખું જીવન વીતાવી નાખનારાને પણ ઘણીવાર તેજી-મંદીના આગમનના અણસાર મળતા નથી કે કારણો સમજાતાં નથી. એક સમયે કંપનીના રિઝલ્ટ જાહેર થયા બાદ એના શૅરમાં વધઘટ વર્તાતી હતી પણ હવે ન જાણે કયા ચાલક બળ એમાં ઉઠાપટક કરે છે એ ભલભલાને કળાતું નથી.
આમ છતાં શૅરબજાર અને એમાંથી ઝટપટ કમાણીનું અદમ્ય આકર્ષક ઘણાંને રહે છે એ વાતેય સાવ સાચી. શૅરબજારમાં રોકાણ માટે ઊંડો અભ્યાસ, ચપળતા (ક્યારે કેટલા શૅર લેવા અને ક્યારે કેટલા વેચી નાખવા), હિમ્મત અને ઊંડા ગજવા કે સારા બેલેન્સવાળા બૅન્ક અકાઉન્ટ જોઈએ. આ પાર્ટ-ટાઈમ પ્રોફેશનલ નથી. આ કારણસર જ ઘણાં ઊંધા માથે પછડાય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા થકી લલચાવનારી વાતો માથે મરાય. એક યુવાન વેપારીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક માર્કેટમાં નિશ્ર્ચિત કમાણીની તક આપતી જાહેરખબર જોઈ. એ જાહેરખબર નીચે આપેલી લિન્ક પર ક્લિક કર્યું. આ સાથે તેઓ એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયા. કોઈક મુખર્જી બાબુ આ ગ્રૂપ ચલાવતા હતા. ઘણાં સભ્યો પોસ્ટ કરતા હતા કે આ ગ્રૂપના પ્રતાપે પોતે આટલા રૂપિયાની કમાણી કરી, પોતાનું મૂડીરોકાણ અમુક ટકા વધી ગયું. આથી અનેક પોસ્ટ જોઈને યુવાન વેપારીને વિશ્ર્વાસ બેસી ગયો કે અહિં નસીબ અજમાવવા જેવું ખરું હો.
આ ભાઈએ દિલચસ્પી દર્શાવતા મુખર્જી મોશાયે સલાહ આપી કે તમે સૌથી પહેલાં એક એપ ડાઉનલોડ કરો. તેમણે તરત ડાઉનલોડ કરીને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી લીધું. આના માટે તેમણે પોતાના બૅન્ક ખાતાની વિગતો આપવી પડી. આ ભાઈએ શરૂઆત કરી ૫૦ હજારના ઈન્વેસ્ટમેન્ટથી. પહેલા જ સોદામાં તેમને નોંધપાત્ર ફાયદો થયો. આ નફામાંથી થોડીક રકમ તેમણે કઢાવી લીધી. આ એકદમ ઝડપી વળતરદાયક શ્રીગણેશથી ઉત્સાહમાં અનેકગણો વધારો થયો. આને પગલે યુવાને અમુક દિવસો બાદ માતબર રકમનું રોકાણ કર્યું, પૂરા ૫૦ લાખનું. આની સામે પણ ઘણો નફો થયાનું એપ પર દર્શાવાયું. એકદમ ખુશખુશાલ થઈને ભાઈએ એપ પરના પોતાના ખાતામાં પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો તો આંચકો લાગી ગયો. તેમને મેસેજ મળ્યો કે આપનું એકાઉન્ટ લોક થઈ ગયું છે. આવું શા માટે? પોતે કોઈ ભૂલ કરી નથી કે નિયમોનો ભંગ કર્યો નથી.
આ ભાઈએ તરત મુખર્જીનો સંપર્ક કર્યો. મુખર્જી બાબુએ ઠંડે કલેજે સલાહ આપી કે જરાય ગભરાવાની જરૂર નથી, વધુ થોડું રોકાણ કરો એટલે અકાઉન્ટ અનલોક થઈ જશે. આ સાચું માનીને તેણે વધુ ૧૩.૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું.
હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે એમ માનીને અકાઉન્ટમાંથી પૈસા કઢાવવા ગયા તો ફરી એનો એ મેસેજ: આપનું અકાઉન્ટ લોક છે. ફરી મુખર્જીને ફોન કર્યો તો એની એ સલાહ: વધુ પાંચ લાખ ઈન્વેસ્ટ કરો એટલે અકાઉન્ટ ખુલી જશે. પણ હવે આ રોકાણકારની આંખ થોડી ખુલી ગઈ. તેને શંકા ગઈ. વધુ રોકાણને બદલે તેણે વિનંતી કરી કે મારું ખાતું અનલોક કરે. એની વિનંતી બહેરા કાને અથડાયા બાદ તેણે પોલીસને ફરિયાદ કરી. કુલ નુકસાન ૬૩.૫૦ લાખ, નફો તો ગણ્યો જ નથી.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અજાણી લિન્ક ક્લિક કરવી એટલે ઝેરીલા સાપને છંછેડવો.