ઈન્ટરવલ

મને માફ કરજે…

ટૂંકી વાર્તા – વિભૂત શાહ

ટપૂસ ટપૂસ કરતું ટાઢોડું ટઢિયાળું બારીનાં બારણાં પર ટકોરા મારતું હતું. વરસાદી ભીની ભીની ઠંડી હવાને લીધે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. સુમિતા એની સામે ટગર ટગર એકી નજરે જોઈ રહી હતી, પછી નજર ફેરવી બારી તરફ આતૂરતાપૂર્વક જોઈ રહી. એના ચહેરાના ભાવ પરથી એને એવું લાગ્યું કે સુમિતાને બારી ખોલી બહાર પડતો ઝીણો વરસાદ જોવો હતો, પણ એણે એના શરીરને અડીને જોયું તો એ ઠંડુગાર થઈ ગયું હતું. એના હાથ-પગ લાકડાના ગઠ્ઠાની જેમ ઠરી ગયા હતા. બારી ખોલે એટલે ભેજવાળી હવા અંદર આવે અને સુમિતાને પાછી રૂંધામણ થાય એટલે એણે બારી ખોલી નહીં. એની પાસે બેસી હળવેકથી એના જૂઠા પડી ગયેલા હાથ-પગ ઘસ્યા, પછી એને કાંબળો ઓઢાડી દીધો.

સુમિતાએ આંખો પટપટાવી કશો ઈશારો કર્યો, પણ એ બરાબર સમજ્યો નહીં. સુમિતાને કશું કહેવું હતું પણ એનાથી બોલાતું નહોતું. ખાલી હોઠ ફફડતા હતા. એ મુંઝાઈને એની સામે જોઈ રહ્યો, પછી એકાએક ટીપોય પર પડેલી એક શીશીમાંથી એને બે ટેબલેટ્સ આપી દીધી. થોડી વાર પછી એની અસર થશે અને પછી એ ભાંગ્યું-તૂટ્યું બોલી શકશે, પછી તો એના મનમાં શું છે અને એને શું કહેવું છે એ બરાબર સમજી શકશે. એને પોતાને અને સુમિતાને પણ રાહત થશે. સુમિતાની આંખો આમતેમ ચકળવકળ ફરતી હતી. એ એનો નેહ-નમણો ચહેરો જોઈ રહ્યો, પછી એના માથાના વિખરાયેલા વાળ સરખા કરી એના કપાળ પર લાલ બિંદી કરી. સુમિતાના હોઠ સહેજ ફરક્યા, એની આંખો ભાવ-ભીની થઈ ગઈ, સુમિતાની આજુબાજુ ઓશિકા સરખાં મૂક્યા, પછી બેડ-રૂમનાં બારણાં હળવેકથી બંધ કરી એ બહાર આવ્યો.

એ ક્યાંય સુધી બેડ-રૂમનાં બંધ બારણાં તરફ લટૂર લટૂર જોઈ રહ્યો. સુમિતા પરણીને આવી એ રાતે મુગ્ધ અભિસારિકાની જેમ પગનાં ઝાંઝરનો મધૂર નાદ કરતી, કમરને વળાંફ આપી, સહેજ મીઠો ઠમકો, લટકો કરી કેવી મલપતી ચાલે આ જ બેડ-રૂમની અંદર આવી હતી! અને એણે જ હળવેકથી બેડ-રૂમનાં બારણાં બંધ કરી દીધાં હતાં!… પછી પાસે આવી પલ્લવ-કૂંપળ જેવા એના કોમળ હાથ લંબાવી સાવ અડોઅડ સામસામે એકબીજાનો ચહેરો રાખી, એકબીજાની હથેળી રાખી કેવો કર-સંપુટ રચ્યો હતો! અને અચાનક પ્રબળ આવેગથી એના રતુંબડા ગાલ પર એને ઉપરાઉપરી પ્રમત્ત ચુંબનોની હેલી વરસાવી દીધી હતી! પછી એ એના કાનમાં ધીમેથી, મીઠા અવાજે બોલી હતી… ‘હું ઈચ્છું છું કે મારા ગાલ પરની આ ભીનાશ ક્યારેય સુકાય નહીં…’ પણ એ તો જોતો હતો એની સરકી ગયેલી સાડીમાંથી ઉપસી આવેલો એનો ઉન્નત કંકણ-ઘાટ ઉર-પ્રદેશ… એ એના તરફ ઝૂક્યો હતો… પહેલાં મધૂર કાતર તીરછી નજરે એણે સહેજ આનાકાની કરી… પછી લગીર નમીને….

એને એમનાં લગ્નનું આલ્બમ જોવાનું મન થયું, સામે કબાટમાં જ હતું, એ સહેજ ચાલવા ગયો પણ એના પગ ઢીલા પડવા લાગ્યા, પાછા પડવા લાગ્યા, ક્યાંય સુધી ઊભો રહ્યો પણ પગ ઉપડ્યા જ નહીં. એને સુમિતાનો લાચાર, મજબૂર, ગરીબડો ચહેરો જે દેખાવા લાગ્યો, એ પાસે પડેલી ખુરશીમાં બેસી ગયો, થોડી વાર પછી એ પરાણે માંડ માંડ ઊભો થયો ને આલ્બમ લેવાને બદલે સીધો રસોડામાં ગયો.

થોડીક વારમાં ગોપા અને અંજન સ્કૂલેથી આવી ગયા. બંને ભૂખ્યાં ડાંસ લાગતાં હતાં, એમાં ય ગોપાનો ચહેરો થાક અને ભૂખને લીધે વીલાઈ-ચીમળાઈ ગયો હતો. એની ઉંમરની હસતી-કૂદતી ફુલ-ગુલાબી રમતિયાળ છોકરીને બદલે એ ઉદાસ ને ગમગીન દેખાતી હતી, આજે તો આવીને ખાસ કશું બોલતી પણ નહોતી. એનાથી એ જોવાતું નહોતું એટલે એને ભાવતી વાનગીઓ કે નાસ્તો રાંધવાની ચોપડીઓમાંથી જોઈ જોઈને તૈયાર કર્યો હતો, થોડાક પૈસા હતા એટલે કેકે અને સેન્ડ-વિચ બજારમાંથી તૈયાર પણ લાવ્યો હતો, છતાંય ગોપાએ પટે ભરવા ખપ પૂરતું જ ખાધું. એના ચહેરા પર આનંદ દેખાતો નહોતો, એને ખુશમિજાજમાં લાવવા કોઈના કોઈ બહાને એ બોલાવતો હતો, એના મનને કચડી રહેલો બેડ-રૂમનો તણાવ જેટલો સહન થઈ શકે એટલો એ હળવો કરવા માગતો હતો, પણ ગોપાનો અવાજ જાણે ચાલ્યો ગયો હતો. એ મૂંગી થઈ ગઈ હતી.

અંજને કશી ફરિયાદ કર્યા વિના એ રાજી થઈને ખઈ લીધું અને પછી રસોડું સરખું કરવામાં પપ્પાને મદદ પણ કરવા લાગ્યો ને પછી આછું મીઠું-ગમતીલું હસીને બોલ્યો, “પપ્પા, હવે તમે થોડોક આરામ કરો, હવે હું ને ગોપા મમ્મી માટે ટમેટાનો સૂપ બનાવીે છીએ, તમે જોજો, બરાબર થાય છે કે નહીં, ન થયો હોય તો અમને શીખવાડજો.

એ એના અંજન સામે જોઈ રહ્યો… પંદર વર્ષનો છોકરો અચાનક મોટો, ડાહ્યો ને ધીર-ગંભીર થઈ ગયો હતો. એ ડ્રોઈંગ-રૂમના સોફા પર આંખો મીંચી આડો પડ્યો. એ ખરેખર થાકી ગયો હતો. સૂતાં સૂતાં કાલે ફેમિલી ડૉક્ટર વિજય સોનપાલ ન્યૂરો સર્જનને લઈ ઘેર આવવાના હતા. એમ્બ્યુલન્સમાં બે-ત્રણ હોસ્પિટલમાં જઈ આવ્યો હતો, પણ કશું પરિણામ આવ્યું નહોતું, ઊલટાની દિવસે દિવસે એની દશા વધારે બગડતી જતી હતી, પહેલાં તો એ બરાબર બોલી શકશે કે નહીં… બસ એક વાર બરાબર બોલે તો મનને ટાઢક વળે, પહેલાંની જેમ એને સાંભળવા માટે એ ટળવળતો હતો… ન્યૂરો સર્જન આવીને શું એને પહેલાંની જેમ બોલાવી એક વાર ઊભી કરી શકશે? કેટલા પૈસા ચાર્જ કરશે? પૈસાની વ્યવસ્થા કરવી પડશે. હવે તો એમનેમ પણ સુમિતાને એમ્બ્યુલન્સમાં લઈ જવી ફાવે એમ નહોતું.

થોડી વાર પછી એ પાછો બેડ-રૂમમાં ગયો.

અંજન ચમચી વડે સુમિતાને ધીમે ધીમે સૂપ પીવડાવતો હતો. નાનકડી ગોપા સુમિતાના કોરા વિખરાયેલા વાળમાં તેલ નાખી એનું માથું ઓળતી હતી. વિધિએ આ બે નાના બાળકો સાથે કેવો ખેલ ખેલ્યો હતો! એ હચમચી ગયો.

સુમિતાની આંખો મિંચાયેલી હતી. એ હળવા દબાતા પગલે એની પાસે ગયો.

એનો લબડી પડેલો જૂઠો જમણો હાથ
સહેજ ઊંચકીને સરખો કર્યો, ચાદરમાં
લપેટી દીધો. સુમિતાએ આંખો ખોલી
એની સામે જોયું. એના ચહેરા પર
આછું મીઠું સ્મિત ફરક્યું અને એણે ધીમે ધીમે હોઠ ફફડાવ્યા અને ઊંડા શ્ર્વાસ લઈ બહુ મહેનત કરી તરડાતા શબ્દોમાં બોલી, ‘બં…ને…કે…વાં…ડા…હ્યાં… છે! બિ…ચા…રાં…મા…રે…લી…ધે…’ પછી અચાનક અટકી ગઈ. આગળ એનાથી બોલાતું નહોતું.

આંખના પલકારા મારી લાચાર મજબૂર નજરે ગોપાને જોઈ રહી. એણે સુમિતાના તેલવાળા માથા પર વહાલથી હાથ ફેરવ્યો, પછી ગોપાની પીઠ પણ પ્રેમથી પસવારી. અંજનને પણ હેતથી થાબડી એના હાથમાંથી સૂપનો બાઉલ લઈ લીધો અને બંનેની સામે જોઈ કહ્યું, “જાવ, હવે હોમ-વર્ક ના હોય તો ટી.વી. જુઓ કે પછી રમવું હોય તો રમો. બંને સારું કહી ધીમા હળવા પગલે જતાં રહ્યાં. અંજને સૂપ તો પીવડાવી દીધો હતો. એણે ખાલી બાઉલ ટીપોય પર મૂક્યો અને સુમિતાની બેબસ આંખોમાં આંખો મિલાવી એની સામે આછું-ફિક્કું સ્મિત કર્યું.

-પછી એની સામે જોઈ સુમિતા કશું બોલવાનો પ્રયત્ન કરતી હતી, એના હોઠ પરાણે ફફડતા હતા. એના તરફ નીચે ઝૂકીને એ જે કહેવા માગતી હતી એ સાંભળવાની એણે પણ કોશિશ કરી, પણ સાવ ધીમા ભાંગ્યા-તૂટ્યા શબ્દોમાંથી એને કશું પણ સમજાતું નહોતું. સુમિતા વારંવાર બને એટલા જોરથી હોઠ ફફડાવતી હતી, પણ હોઠ ભેગા થઈ છૂટા પડી જતા હતા. બહુ જ ધ્યાનથી એના હોઠ સામે મીટ માંડીને કશુંક સમજવાની એણે ઘણી મથામણ કરી પણ એક શબ્દય ચોખ્ખો સંભળાયો નહીં. એ મૂંઝાઈને, અકળાઈને એની સામે જોઈ રહ્યો. સુમિતાએ હવે થાકીને એનો બોલવાનો પ્રયત્ન છોડી દીધો. એને શ્ર્વાસ ચડતો હતો. એણે હોઠ બીડી દીધા. એનો ચહેરો ઢીલો પડી ગયો હતો.

એણે પોતાના હાથ ઊંચા-નીચા કરી એને ફરી વાર વધારે જોરથી બોલાવવાની, એનો જુસ્સો વધારવાની કોશિશ કરી, પણ એ પોપચાં પણ બીડી દેતી હતી, પછી થાકીને એના હાથ પણ હેઠા પડ્યા.

થોડી વાર પછી સુમિતા આંખો ખોલી વારંવાર નજર ફેરવી બારી સામે જોતી હતી, એટલે એને ખ્યાલ આવી ગયો કે એ બારી વિશે કશું કહેવા માગે છે, પણ ઠંડી હતી, રાત પડવા આવી હતી. બહાર અંધારું ઘેરાયું હતું એટલે એ બારી ખોલવાનું તો કહે જ નહીં. એ મૂંઝાઈને બારી સામે ટગર ટગર જોઈ રહ્યો, પછી એને એકદમ ઓચિંતો ખ્યાલ આવ્યો કે આજે પૂનમ છે… એમનાં લગ્નની પહેલી રાતે પણ પૂનમ હતી. એ બંનેએ આ જ બારીમાંથી ઊગતો ચંદ્ર જોયો હતો… સુમિતાને ખ્યાલ હશે કે આજે પણ
પૂનમ છે!

એને મનમાં એકાએક ઝબકારો થયો. એ પોતે જ સુમિતાની સામે જોઈ પ્રેમાળ અવાજે મોટેથી બોલ્યો, “આ બારી ખોલું? તારે પૂનમનો ચંદ્ર જોવો છે? સુમિતાનો ચહેરો ખુશીથી ચમકી ઊઠયો ‘એણે આંખો પટપટાવી હા પાડી. એ ખુશ ખુશ થઈ ગયો, પણ બારી ખોલીને અહીંથી ચંદ્ર કેવી રીતે દેખાય! પણ પછી હિંમત કરી બધું જોર ભેગી કરી ઉત્સાહ અને ઉમળકાથી પલંગ ધીમે ધીમે બંને બાજુથી ખસેડવા માંડ્યો અને બારી પાસે લઈ ગયો અને બારી ખોલી નાખી. ઠંડા પવનનો સુસવાટો અંદર ધસી આવ્યો.

બહાર હજુ અંધારું હતું. સામે વૃક્ષની ડાળી પર કાળી કલગીવાળું બુલબુલ ચુપચાપ બેઠું હતું. ઝાંખા પ્રકાશમાં એ દેખાતું હતું. પહેલાં તો સુમિતા બુલબુલને જોઈને બુલબુલની જેમ જ ટહુકી ઊઠતી હતી, પણ અત્યારે તો હવે એને બુલબુલ ક્યાંથી દેખાય! અને કેવી રીતે ટહુકે! હાથે કરીને એણે સુમિતાને બુલબુલ વિશે કશું કહ્યું નથી, ઊલટાનું એને વધારે દુ:ખ થાય.’

આકાશમાં થોડાંક થોડાંક વાદળાં હતા, પણ ક્ષિતિજ બાજુ આકાશ ચોખ્ખું હતું. ચંદ્ર ઊગવાની રાહ જોઈ એ બારી પાસે ઊભો રહ્યો. થોડીવાર પછી ચંદ્રની શીતળ, પીળચટ્ટી, ચમકતી કોર દેખાઈ કે તરત જ એણે જોરભેલ પલંગ બારી પાસે વધારે ખસેડ્યો ને પછી સુમિતાને પીઠ પાછળથી બંને હાથનો ટેકો આપી બેઠી કરીને પછી ધીમે ધીમે પગનો ટેકો આપી એના બંને હાથે સુમિતાનું માથું હળવેકથી બારીની સાખ પર ટેકવ્યું.

સુમિતા મીટ માંડીને અમી નજરે ઊગતા ચંદ્રને જોઈ રહી… એની આંખમાંથી પણ અમી ટપકતું હતું… વહાલથી સુમિતાનું માથું પસવારતાં પસવારતાં એણે સુમિતાના ગાલ પર હળવું ચુંબન કર્યું… લગ્નની પહેલી રાતે એણે એના રતુંબડા ગાલ પર ઉપરાઉપરી પ્રમત્ત ચુંબનોની હેલી વરસાવી દીધી હતી ત્યારે એ એના કાનમાં ધીમેથી મીઠા અવાજે બોલી હતી… હું ઈચ્છું છું કે મારા ગાલ પરની આ ભીનાશ ક્યારેય સુકાય નહીં… અત્યારે કશું બોલવા માટે ખાલી એના હોઠ ફફડતા હતા…

બીજા દિવસે સવારે જ ફેમિલી ડૉક્ટર વિજય સોનપાલ ન્યુરો સર્જન ડૉ. જે.કે. મશરૂવાળાને લઈ ઘરે આવ્યા. સુમિતાનો કેસ-હિસ્ટ્રી તો ડૉ. સોનપાલે એમને કહ્યો જ હતો. સુમિતાને જોઈ-તપાસી પછી ડ્રોઈંગ-રૂમમાં જઈ એમણે તો પાંચ મિનિટમાં જ કહી દીધું, “જુઓ મિ. હિરેન દેસાઈ, તમે તમારી પત્નીની બહુ જ સારી કાળજી, સાર-સંભાળ રાખો છો, પણ… પછી બોલતાં બોલતાં એ અટકી ગયા.

ડૉ. મશરૂવાળા ઘણી જ મીઠાશથી ‘હિરેન દેસાઈ’ બોલ્યા હતા. હિરેને ઘણા લાંબા સમય પછી પોતાનું ‘હિરેન’નામ મીઠાશથી સાંભળ્યું. એ જાણે પોતાનું નામ પણ ભૂલી ગયો હતો.
ડૉ. મશરૂવાળા પછી આગળ શું કહે છે એ સાંભળવા એ એમની સામે ચિંતા અને આતુરતાથી જોઈ રહ્યો.

ડૉ. મશરૂવાળાએ પછી કહ્યું, “તમારાં પત્નીને પાર્કિન્સન ને પછી આગલાં સ્ટેઈજમાં મોટરન્યુરોન ડિઝીજ છે. હિરેને રૂંધાયેલા અવાજે પૂછયું, “એના ગરદન નીચેના આખા શરીરને લકવા થઈ ગયો છે. એને આવું બધું શાથી થયું? ડૉ. મશરૂવાળાએ જવાબ આપ્યો, “એમના મગજમાં ડોપામાઈનની ખામી છે, એમના મગજના ચેતાકોષો, સેલ્સ, ધીમે ધીમે મરતા જાય છે.
હિરેનનો ચહેરો વીલો પડી ગયો. સહેજ હતાશાથી મંદ અવાજે એણે કહ્યું, પહેલાં તો એ થોડું ઘણું પણ બોલી શકતી હતી, હવે એ માંડ ભાંગ્યા-તૂટ્યા બે શબ્દો બોલે છે, ને એ પણ એટલું ધીમેથી કે સાંભળી શકાય નહીં, એટલું બોલતાંય એને શ્ર્વાસ ચડે છે.

ડૉ. મશરૂવાળાએ એને સાંત્વના આપતા કહ્યું, “હું તમને આ બીજી ભારે ટેબલેટ્સ લખી આપું છું. સવારે પાણીમાં કે જ્યૂસમાં ઓગાળી એક સાથે બે ટેબલેટ્સ આપજો. એની અસર રહેશે ત્યાં સુધી એ થોડું ઘણું બોલી શકશે. હિરેને સહેજ અધીરાઈથી પૂછયું, “પણ હવે આનો ઉપાય શો?

ડૉ. મશરૂવાળાએ એકદમ કશો જવાબ ના આપ્યો. થોડી વાર પછી કશોક વિચાર કરીને કહ્યું, “જુઓ, આમ તો હવે કોઈ મેડિકલ ટ્રિટમેન્ટ કામ લાગે એમ નથી. એક સર્જિકલ ચાન્સ લઈ શકાય. ઓપરેશન દ્વારા ઍમ્બ્રોયોનિક સ્ટેમ સેલ્સ એમનાં બ્રેઈનમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, પણ એ બહુ ટફ ને ખર્ચાળ ઓપરેશન છે ને એ સોએ સો ટકા સફળ થશે કે કેમ એ પણ કહી શકાય નહીં ને કોઈ સ્ત્રીના ગર્ભમાંથી એ સ્ટેમ સેલ્સ કાઢવા પડે.

બીજો કોઈ ઉપાય આપણા હાથમાં નથી. ક્યાં સુધી એમની આવી સ્થિતિ રહેશે એ પણ કહી શકાય નહીં. ટર્મિનલી ઈલ છે પણ ટર્મિનલ એન્ડ ક્યારે આવશે એ કહી શકાય નહીં. મને બહુ અફસોસ છે કે હું તમને કશી મદદ કરી શકતો નથી, બસ હવે જેમ તેમ કરતા આવ્યા છો એમ બને એટલા એમને ખુશ રાખજો. એમની બધી ઈચ્છા પૂરી કરજો.

ક્ષુબ્ધ-મૂઢ મને હિરેન એ જે કહેતા હતા એ સાંભળતો હતો, પછી થોડાઘણા સંકોચથી હિરેને એમના વિઝિટીંગ ચાર્જનું પૂછયું. એના આશ્ર્ચર્ય વચ્ચે ડૉ. મશરૂવાળાએ જવાબ આપ્યો, “મેં તમને કહ્યું એમ હું તમને કશી પણ મદદ નથી કરી શકતો, એટલે મારે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવાનો નથી. ડૉ. સોનપાલે મને કહ્યું કે તમે એકલે હાથે તમારી પત્નીની અને બે બાળકોની ઘણી જ સંભાળ રાખો છો. ઠેઠ સુધી આવી કાળજી સ્નેહપૂર્વક રાખશો એવી આશા રાખું છું. ને પાછા જતાં જતાં બોલ્યા, “ને હા, અમારું એક ટ્રસ્ટ પણ છે, તમારે પૈસાની જરૂર પડે તો મને કહેજો, એમાં હું તમને ચોક્કસ મદદ કરી શકીશ, સંકોચ વગર આવજો.

એમના ગયા પછી હિરેન ક્યાંય સુધી ચકિત-દિગ્મૂઢ થઈને બેસી રહ્યો. આવું કશું ના માની શકાય એવું પણ બની શકે છે! આટલા મોટા ડૉક્ટર છતાંય આટલી બધી નમ્રતા! આટલી બધી માનવતા!
-પછી એ હળવા પગલે સુમિતાની પાસે ગયો. એ સમજી ગઈ હોય એમ હોઠ ફફડાવવાનો પ્રયત્ન કરીને એણે કશું પૂછયું નહીં. લાચાર દયામણી નજરે એની સામે જોઈ રહી. હિરેને એના માથા પર હળવે હળવે હાથ ફેરવ્યો ને પછી એનો જૂઠો પડી ગયેલો હાથ હાથમાં લઈ પંપાળતો ક્યાંય સુધી સૂનમૂન થઈને બેસી રહ્યો.

બીજા દિવસે સવારે ડૉ. મશરૂવાળાએ લખી આપી હતી હવે રોજ સવારે ટેબલેટ્સ લીધા પછી એ થોડુંક થોડું તૂટક તૂટક બોલી શકતી હતી. એ વખતે એ અંજન અને ગોપા સાથે બને એટલી વાતો કરી લેતી હતી. એ બંને સ્કૂલે જાય પછી એ હિરેન સાથે એ માંદી હોય જ નહીં એમ એમના જીવનની ઘણી બધી જૂની વાતો નવેસરથી ઉમંગ-ઉમળકાથી ઉપાડતી હતી. એને લીધે હિરેનને ઘણી ટાઢક વળતી હતી. માનસિક શાંતિ થતી હતી, જોકે, ઓફિસ જવામાં ઘણી વાર મોડું થઈ જતું હતું. પણ ત્યાં કોઈ બોલતું નહોતું.

જ્યારે ઠંડીના હોય ત્યારે એ બારી ખોલી નાખતો હતો. એમાંથી ક્યારેક પવનની ફર ફર, ક્યારેક પવનની લહેર તો ક્યારેક પવનની કોમળ ઝાપટ સુમિતાના ચહેરા પર વાગતી હતી, પણ એ એને ગમતું હતું. હમણાં હમણાંથી એક નાનું લીલી-ભૂરી ઝાંયવાળું ટિચકૂડિયું પંખી રોજ સામે વૃક્ષની ફેલાયેલી ડાળી પર આવતું હતું અને ટિક ટિકી કરીને જાણે કોઈને બોલાવતું હતું, પણ કોઈ આવતું નહીં, એ જોઈને સુમિતા મરક મરક હસતી હતી, પણ એક દિવસ સવારે એના માંડ માંડ પરાણે બોલાતા શબ્દોથી જબરજસ્ત વિસ્ફોટ થયો. અંજન અને ગોપા સ્કૂલે ગયા પછી હિરેને એના પલંગ પાસે બેસી ભીના નેપકીનથી એનો ચહેરો સાફ, ચોખ્ખો ચોખ્ખો કરી એના કપાળે બિંદી લગાવી, પછી હંમેશની જેમ એના માથા પર વહાલથી હાથ પસવારતો હતો ત્યાં તો હોઠ ફફડાવી એ ધીમેથી બોલી, “મારું કહ્યું માનશો? મારી એક ઈચ્છા પૂરી કરશો? હિરેને ઉમળકાથી જવાબ આપ્યો, “હા, હા, કહે તારી ગમે તે ઈચ્છા હશે એ પૂરી કરીશ. સુમિતા એકદમ કશું ના બોલી, આંખો મીંચી દીધી, એને બોલવામાં શ્રમ પડતો હતો, પછી ધીમે ધીમે બોલી, ‘અંજન અને ગોપાને… અંજન અને ગોપાને કોઈ બોર્ડિંગ-સ્કૂલમાં મોકલી દો… અહીં… કે આબુ… કે સિમલા…’ આ સાંભળી હિરેન તો હેબતાઈ જ ગયો. એને ભારે આઘાત લાગ્યો.

  • ત્યાં તો પાછી એ તૂટક તૂટક બોલી, “બંને મને બહુ વહાલાં છે, મારી આંખના રતન છે, મારી માળાના મણકા છે, પણ રોજે રોજ બારે દહાડાને બત્રીસે ઘડી મારું આવું જૂઠું પડી ગયેલું, માંદલું-ખોખલું મુડદાલ શરીર જોઈ જોઈને એમનું મન ચીમળાઈ જશે, એ બંને પર મૂરઝાઈ જશે, ભણી નહીં શકે… પછી એનાથી આગળ બોલાતું નહોતું એટલે એ અટકી ગઈ.
    હિરેન તો દિગ્મૂઢ જ થઈ ગયો હતો. એ ગમગીન અવાજે બોલ્યો, “સુમિ, એમ તારાથી બાળકોને અળગાં ના કરાય, જોતી નથી તને કેટલો બધો પ્રેમ કરે છે! તને કેટલી સાચવે છે! એમ પાંદડાં ને ફૂલડાંને ડાળીથી છૂટાં ના કરાય.

એ નારાજ થઈ ગઈ. એનો ચહેરો ઢીલો પડી ગયો, પછી તો એ મમતે ચડી, રોજ સવારે એ જ કહેતી… “અંજન અને ગોપાને… મારી ઈચ્છા પૂરી કરો.

છેવટે થાકીને લાચાર-હતાશ થઈને હિરેને એને કહ્યું, “સારું સારું, તું તારો જીવ ના બાળીશ, તારી ઈચ્છા પ્રમાણે અંજન અને ગોપાને આબુની બોર્ડિંગ-સ્કૂલમાં મોકલી દઈશ. બસ! પછી એ આડું જોઈ ગયો. અંજન અને ગોપા તો આ સાંભળીને ગુમ-સૂમ જ થઈ ગયા. ગોપા તો હીબકાં ભરી ભરી ધ્રૂજવા લાગી અને રડતાં રડતાં જ બોલી, “પપ્પા, અમને આવી શિક્ષા શા માટે કરો છો! અમે મમ્મીનું અને તમારું બધું કામ, બધું કહ્યું તો કરીએ છીએ. અંજન પણ એની સાથે જ રડમસ અવાજે બોલ્યો, “પપ્પા, અમે તમારા વગર નહીં રહી શકીએ, ને… ને… તમારા એકલા પર કેટલો બધો ભાર…

હિરેને મૂંગા મૂંગા બંનેને પંપાળી સાંત્વના આપતો હતો, પછી એણે ઢીલ-ગળગળા અવાજે બંનેને સમજાવ્યાં, “મમ્મી, તમારા ભલા માટે જ કહે છે, આવા માંદગીનાં વાતાવરણમાં તમે અહીં બરાબર ભણી નહીં શકો… ને મમ્મીની ઈચ્છા પૂરી કરવી એ આપણાં બધાની ફરજ છે, તમે મારી ચિંતા ન કરશો. બોલતાં બોલતાં એને ડૂમો ભરાઈ આવ્યો, એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
જતાં જતાં સુમિતાએ હિરેનને આંખનો ઈશારો કરી બંનેને એની પાસે લાવવા કહ્યું, પછી એમને છાતી સરસાં ચાંપ્યા, વહાલથી ચુંબન કર્યું ને પછી હોઠ ફફડાવી ધીમા અવાજે આશીર્વાદ આપ્યા, “ખૂબ ભણજો, હોશિયાર થજો, આગળ વધજો…

એમના ગયા પછી સુમિતા ખૂબ રડી.
હિરેન એના પલંગ પાસે મૂગો મૂંગો બેસી રહ્યો હતો. કશુંક નવુંનકોર લૂગડું ફાટતું હોય એવો ઝરડ ઝરડ એના મનમાં ઘસરકો પડતો હતો. અંજન અને ગોપાના તાજા લીલાછમ ઝાકળભર્યા-ઉમંગભર્યા માસૂમ મુલાયમ ચહેરા એની આંખ સામે તરવરતા હતા… ઘરમાં ઊડાઊડ કરતાં ચકલાંનો માળો વિંખાઈ ગયો.

ફેમિલી ડૉક્ટર સોનપાલ અવાર-નવાર આવતા રહેતા હતા. સુમિતાને બીજો કશો ચેપ ન લાગે અને બેક્ટેરિયા કે જીવ-જતું ના થાય એટલે એન્ટિસેપ્ટિક પ્રવાહી પલંગ પર અને બાજુ છંટાવતા હતા. ડૉ. સોનપાલની સૂચનાથી હિરેન સુમિતાના હાથ-પગ આછા ગરમ પાણીથી ઝારતો હતો અને પછી એનું આખું શરીર ચોખ્ખું કરતો હતો. ચાઠાં કે ચકામા ના પડે એટલે આખા બરડા પર ટેલ્કમ પાઉડર છાંટતો હતો. બેડ-પેનમાંથી ક્યારેક દુર્ગંધ આવતી હતી એટલે ડૉ. સોનપાલ પફર્યુમ પણ છટાવતા હતા.

એ ઓફસે જાય ત્યારે સુમિતાની દેખરેખ રાખવા અને બેડ-પેન સાફ કરવા એક બાઈ પણ રાખી હતી, પણ પછી તો એ કંટાળીને જતી રહી, એટલે હિરેન ઓફિસેથી વચ્ચે વચ્ચે ઘેર આવી બધું સાફ-સૂફ કરી જતો.

સુમિતાની સ્થિતિ દિવસે દિવસે વધારે બગડતી જતી હતી. એના ચહેરા પર હવે ફેફર, સોજા દેખાતા હતા, બોલતી વખતે ઘણી વારા મોંઢામાં અને નાકમાં ફીણ આવતાં હતાં. એની આંખો પણ ઘણી વાર લાલચોળ થઈ જતી હતી ત્યારે હિરેન રૂની પૂણીઓ દૂધમાં બોળી એનાં પોચાં શીતળ પેલ એની આંખો પર મૂકતો હતો. એના હોઠ સૂકા અને ફિંક્કા પડી જતા હતા ત્યારે ગ્લુકોઝ નાખી લીંબુનું પાણી એનાં મોંમાં મૂકતો હતો. દિવસમાં દસથી બાર વાર એને કશોક ને કશોક પ્રવાહી ખોરાક આપતો, ત્યારે એ મોં કટાણું કરી બેળે બેળે ગળે ઉતારતી હતી. એને ઘણી પીડા થતી હોય એમ એ ઊંચી ગઈ હોય એવી રીતે આંખો મીંચીને પડી રહેતી ને ક્યારેક અચાનક કશુંક બબડતી હતી.

એનું આખું શરીર પીળું પડી ગયું હતું. એના જૂઠા પડી ગયેલા શરીરને પણ કદાચ સારું લાગે એટલે હિરેન એને પોચા હળવે હાથે પંપાળતો હતો. એ વખતે સુમિતાના ફિક્કા ચહેરા પર મંદ મલકાટ ફરકી જતો હતો અને જ્યારે એનો ચહેરો ચોખ્ખો કરી હિરેન એના કપાળ પર નાનકડી લાલ બિંદી લગાવતો ત્યારે તે અચૂક આંખો ખોલી એની સામે માયાળુ દયામણી નજરે જોઈ રહેતી… ઘણી વાર સવારે એ બબડતી… આ દુનિયામાં મને જ આવું કેમ થયું! મેં શા પાપ… હિરેન રાતના અંધારામાં જાગતો સૂતો હોય ત્યારે એના મનમાં પણ આ જ શબ્દો પડઘાયા કરતા… આ દુનિયામાં મને જ આવું કેમ થયું!’

હિરેન આખા બેડ-રૂમની ફરસ પર ઘસી ઘસીને ફિનાઈલના પોતાં કરતો તોય ક્યાંથી ને ક્યાંથી માખીઓ આવીને સુમિતાના મોંઢા પર બણબણ્યા કરતી ને એના ચહેરા પર આવીને બેસી જતી. સુમિતા એને ઉડાડી શકતી નહીં એટલે બેચેનીથી અકળાઈને કમકમી ઉઠતી. વિહ્વળ થઈ જતી અને માખીઓ ઉડાડવા એનો કમજોર ચહેરો આમતેમ પછાડતી.

હિરેને એક-બે વાર આ જોયું એટલે એને પણ સુમિતાની દશા જોઈ કમકમાં આવી ગયા. એ તરત જ સવારે બજારમાં જઈ મોટી મચ્છરદાની લઈ આવ્યો અને સુમિતાના પલંગની આજુબાજુ બાંધવા લાગ્યો. સુમિતા એની પાંપણો ઉઘાડ-બંધ કરી એ જોતી હતી. એણે આંખોનો ઈશારો કરી હિરેનને એની પાસે બોલાવ્યો. મચ્છરદાની બાંધવાની પડતી મૂકી હિરેન એની પાસે બેસી એના કાન સરવા કરી એની તરફ નીચે ઝૂક્યો.

સુમિતાએ સવારે જ ટેબલેટ્સ લીધી હોવાથી એનાથી થોડું થોડું બોલાતું હતું. એણે એના હોઠ ફફડાવી ધીમેથી કહ્યું, “તમે મને બહુ સાચવો છો, મારો બહુ ખ્યાલ રાખો છો, મેં તમને બહુ પજવ્યા છે, હેરાન કર્યા છે, પણ હવે… હવે મારે મારા આ નકામા દેહનો ત્યાગ કરવો છે, આ મંદવાડ-ગંદવાડ, આ દોજખ-નરકમાંથી છૂટી જવું છે, હવે મારાથી નથી જીરવાતું, મારો જીવ ડહોળાય છે, મારા આ યાતનાભર્યા જીવનોન અંત, નિકાલ લાવી દો. બોલતાં બોલતાં એને ડચૂરો બાઝયો.

હિરેન સ્તબ્ધ-દિગ્મૂઢ થઈ ગયો.

  • ત્યાં તો એ ફરી પાછી ગળગળા અવાજે બોલી, “મારું માન રાખો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો, મારે માથે વહાલથી હાથ ફેરવી મને કાયમ માટે સૂવડાવી દો, મારો વેદનામાં તરફડતો જીવ શાંત કરી દો. બોલતાં બોલતાં એનો શ્ર્વાસ રૂંધાઈ ગયો.

આ સાંભળી હિરેન ધ્રુજી ઊઠયો. એ એકદમ ખિન્ન થઈ ગયો. સુમિતાના માથે હાથ થપથપાવી એ ઢીલા નરમ અવાજે બોલ્યો, “સુમિ, તું આમ હતાશ ના થઈ જા, ધીરજ રાખ, ધરપત રાખ, મન કઠણ કરી મારે ખાતર દુ:ખ સહન કરી લે… તારો ચહેરો જોઉં છું ત્યારે મને શાંતિ થાય છે.

  • ત્યાં તો સુમિતા રડતા સાદે બોલી ઊઠી, “હિર, હવે તમે મારી આ માયા-પાશનો ફાંસલો તોડી નાખો, મારા આ જુઠા પડી ગયેલા શરીરમાં, મારા આ ઘસાઈ ગયેલા શરીરમાં મારો જીવ પરાણે લટકી રહ્યો છે, મારા જીવતરની દોરી ખેંચી લો હિરેન, તમે તમારો વિચાર ના કરો, મારો વિચાર કરો. મને અસહ્ય વેદના થાય છે… ઝબૂક ઝબૂક થતો મારો આ દીવો હળવી ફૂંક મારી ઓલવી નાખો, મારામાં કશી લાગણી, કશું ચેતન જેવું રહ્યું નથી, મારા પર દયા કરો, વેદનાના આ નરકમાંથી મારો છુટકારો કરો, હવે હું તમારે શરણે છું, હું પોતે મારી મેળે આત્મહત્યા નથી કરી શકતી એટલે લાચાર છું… એટલે હિરેન મારે બદલે તમે તમારા હાથ મારા ગળાની આસપાસ વીંટાળી મારો શ્ર્વાસ રૂંધી નાખો… મારા પર મરણ-પછેડી ઓઢાડી દો… હિરેન… હિરેન…

હિરેન મૂઢ થઈને મૂંઝાઈને બેસી રહ્યો હતો. એ થરથર ધ્રૂજતો હતો. – પણ સુમિતા જિદે, મમતે ચડી હતી. રોજ સવારે જેવી ટેબલેટ્સ લે એટલે પછી રૂંધતા શ્ર્વાસે બબડતી હતી… એકનું એક જ રટણ કર્યા કરતી હતી… “મને પારાવાર પીડા થાય છે, હિરેન, હું મારો પાલવ પાથરીને તમને આજીજી કરું છું, મારી મરણચીસ સંભાળો, હું વેદનામાં સબડું છું, રિબાઉં છું, મારે એમાંથી છુટકારો, મોતનું સુખ જોઈએ છે, તમને પાપ નહીં લાગે… પુણ્ય મળશે…

એક દિવસ સવારે ફેમિલી ડૉક્ટર સોનપાલ આવ્યા ત્યારે એમને પણ એણે એ જ કહ્યા કર્યું, “હવે મારા આ વેદનાભર્યા જીવતરનો કશો અર્થ નથી, મને જેટલું જીવાડશો એટલું વધારે હું આ યાતનાભર્યા નરકમાં સબડીશ, મને છેવટે મોતનું દયા-દાન કરો, મારા પર રહેમ કરો, તમને મારી દશા જોઈ દયા નથી આવતી? ક્યાં સુધી આમ રિબાવશો! હવે મારે શાંતિથી, સુખેથી મરવું છે… મને સુખેથી મરવાનો હક નથી?

સુમિતાનો આ મોત માટેનો તલસાટ-પછડાટ હિરેનથી જોવાતો નહોતો. એ વેદનાભરી નજરે ડૉ. સોનપાલની સામે જોઈ રહ્યો.

  • પછી ડ્રોઈંગ-રૂમમાં એણે ડૉ. સોનપાલને કહ્યું, “તમને શું લાગે છે? આપણે શું કરવું જોઈએ? ડૉ. સોનપાલે સહેજ નારાજ થઈને જવાબ આપ્યો, “તમારે આવો અજુગતો પ્રશ્ર્ન મને ના પૂછવો જોઈએ. કોઈ પણ ડૉક્ટર ગમે તેવા સંજોગોમાં એના દર્દીને મારી નથી નાખતો. મારો ધર્મ તમારી પત્નીને જીવાડવાનો છે, મારી નાખવાનો નહીં. ને પછી સહેજ અટકીને આગળ બોલ્યા, ‘મિ. દેસાઈ, મારી એક વાત પણ સાંભળી લો, તમે ગમે તે રીતે દર્દીને મારી નાખો, તોય એ બીજાને ખબર પડ્યા વગર રહે નહીં, ઉપરથી એ માનવહત્યાનો ગુનો બને છે અને ડૉક્ટર તરીકે અમને એ તરત જ ખબર પણ પડી જાય અને અમે એ વાત છુપાવી શકીએ નહીં.

ડૉ. સોનપાલ શું કહેવા માગતા હતા એ સમજી ગયો. કશું બોલ્યો નહીં. એનું મન આંધળું થઈ ગયું હતું. -ત્યાં તો બીજા દિવસે સવારે સુમિતાએ એના ભાંગ્યા-તૂટ્યા પણ દૃઢ શબ્દોમાં વિચિત્ર માગણી કરી… ‘હિરેન, મને છેવટે કોઈ વકીલ રોકી આપો, આ વેદનાભર્યા જીવનમાંથી છુટકારો મેળવવા કોર્ટ મને જરૂરથી મરવાનો હક આપશે.’

  • પાછી રોજ એની એ જિદ, એની એ હઠ.

છેવટે હિરેન એક મોટા વકીલ નાણાંવટીને ઘરે બોલાવી લાવ્યો. સુમિતાની દશા જોઈ એમણે કહ્યું, “આવો કેસ હજુ સુધી આપણે ત્યાં બન્યો નથી, મને આશા નથી, પણ આપણે હાઈકોર્ટમાં પ્રયત્ન કરી જોઈએ, પણ પછી એમણે કહ્યું હતું અમે કોર્ટે સુમિતાનો મરવાનો હક માન્ય રાખ્યો નહીં. એ સાંભળીને એ હોઠ દબાવીને મૂંગી મૂંગી કણસતી પડી રહી.

દર્દભરી રાત ઉપર રાત પસાર થતી હતી. હવે સુમિતા ટેબલેટ્સ લીધા પછી પણ ખાસ કશું બોલતી નહોતી. ક્યારેક પાંપણો ઉઘાડ-બંધ કરી વેદનાભરી નજરે હિરેનને જોઈ લેતી. હવે એનું શરીર બોદું, બરડ અને દોદરું થઈ ગયું હતું. ધમણ ચાલતી હોય એમ એનો શ્ર્વાસ પણ જોશભેર ચાલતો હતો. આંખમાં ચીકણા પિયા વળતા હતા. નાક અને હોઠમાં વધારે ફીણ ભરાતાં હતાં. એક દિવસ અચાનક એ પરાણે બબડી… “મારા માથાના કકડા થાય છે, સાટકા વાગે છે… પછી એ શ્ર્વાસ લેવા માટે તરફડિયાં મારવા લાગી, પણ ધીમે ધીમે એની પાંપણો ઊંચી કરી બેબસ બેબાકળી નજરે હિરેનની સામે જોયું. પછી હોઠ ફફડીને બંધ થઈ ગયા… જાણે હિરેનને કહેતી હતી… “ધત્ત, તમે મારું કહ્યું ના કર્યું ને! મારી છેલ્લી ઈચ્છા… એ રાતે હિરેન ક્યાંય સુધી એની પાસે બેસી રહ્યો. સુમિતાનો શ્ર્વાસ હવે રૂંધાતો હતો એનો ચહેરો વેદનાથી તરફડાતો હતો, એ તરફડતી હતી, ડચકાં ખાતી હતી, હિરેન લાચાર દયામણું મોં કરી એને જોઈ રહ્યો હતો, એ રડું રડું થઈ રહ્યો હતો, પછી અચાનક એ ઊભો થયો, રસોડામાં ગયો ને દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ-સાકરનું પાણી ભેગું કરી પછી સુમિતાની પાસે આવી ચમચી વડે એના મોંમાં મૂક્યું, પણ એ પરપોટા થઈ પાછું બહાર આવ્યું.

  • છેવટે એ શાંત થઈ ગઈ. એની આંખો મીંચાઈ ગઈ. એનો દીવો ઓલવાઈ ગયો. એના જીવતરની દોરી તૂટી ગઈ. એના જીવતરની દોરી તૂટી ગઈ. એનો છૂટકારો થયો. બરાબર આસો સુદી માણેક-ઠારી ઠંડી પૂનમે જ રિબાઈ રિબાઈને એના વેદનાભર્યા જીવનનો અંત આવ્યો.

અગ્નિ-સંસ્કાર વખતે સ્મશાનમાં એની ચિતાની ભડ ભડ બળતી જ્વાળાઓમાં હિરેનને એની મરણચીસો સંભળાતી હતી. ઘેર આવીને બેડ-રૂમમાં ક્યાંય સુધી એ ખાલી પલંગની સામે જોઈ રહ્યો, પછી ધીમેથી બબડ્યો… ‘સુમિતા, મને માફ કરજે, મેં તને મારી ના નાખી…’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો