જો…જો, રંગભૂમિ ફરી સડસડાટ દોડતી થઈ જશે !

કિરણ ભટ્ટ
આજના અવસરે રંગદેવતાને નમન અને ‘મુંબઈ સમાચાર’ના નાટ્યરસિક વાચકોને હાર્દિક શુભેચ્છા.
‘રંગભૂમિ: ગઈકાલ- આજ ને આવતીકાલ’ની વાત કરતી વખતે વાવેલા બીજને તો પહેલાં યાદ કરવું જોઈએ. જૂની રંગભૂમિથી નવી રંગભૂમિ વચ્ચે વરિષ્ઠ કલાકારોએ જે પાયો નાખ્યો છે, જે બીજ રોપ્યા છે એના ઘટાદાર વૃક્ષના ફળ વર્તમાન પેઢી પણ ખાઈ રહી છે. અગાઉ કલાકારોને મહેનતાણું ઘણું ઓછું મળતું હતું, તેમ છતાં વૈવિધ્યપૂર્ણ અને સશક્ત નાટકો આપવાની ભાવના બળવાન હતી. નાટકમાં અભિનય કરતા કલાકારો બેંકમાં કે પછી કોઈ અન્ય જગ્યાએ નોકરી કરતા હોય તો પણ બસ – ટ્રેનની મુસાફરી કરી નિયમિત રિહર્સલ કરવા પહોંચી જતા હતા. રંગભૂમિ માટે નિષ્ઠા જબરદસ્ત હતી. પ્રેક્ષકો પણ કેવા ઉમળકા સાથે ઊમટી પડતા હતા. દૂર દૂર પરામાં રહેતા લોકો પણ દક્ષિણ મુંબઈ સુધી નાટક જોવા દોડી આવતા હતા. એ વખતે જનતા માટે ટેલિવિઝન કે એ પ્રકારનું બીજું કોઈ મનોરંજન માટેનું માધ્યમ નહોતું. એવા અનેક પ્રેક્ષક હતા જેમને ફિલ્મ કરતાં નાટક માટે વધુ રુચિ હતી, કારણ કે નાટક એક લાઈવ પરફોર્મન્સ હોય છે. દર્શક નજર સામે ખેલ ભજવાતા જોઈ શકે છે. એને કારણે દર્શકનું નાટક અને કલાકાર સાથે મજબૂત બોન્ડિંગ થઈ જતું.
મુંબઈ હોય કે અમદાવાદ કે સુરત.., અનેક વર્ષો સુધી પ્રેક્ષકોએ રંગભૂમિને વધાવી છે, છલકાવી છે અને એની સમૃદ્ધિમાં ફાળો આપ્યો છે. આજે એના ફળ અમે ચાખી રહ્યા છીએ.
હા, એક તબક્કો એવો આવ્યો કે પ્રેક્ષકો નાટકોથી ધીરે ધીરે દૂર થવા લાગ્યા. એમાંય મહામારીમાં લૉકડાઉન પછી તો નાટકના પ્રેક્ષકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો. જો કે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નાટ્ય નિર્માણ સાથે સંકળાયેલા સર્વે પોતપોતાની આવડત અને ગજા અનુસાર ભજવણી કરી પ્રેક્ષકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ પ્રશંસનીય છે.
એક વાત ખાસ ધ્યાન પર લેવા જેવી છે કે આજનો પ્રેક્ષક વધુ સ્માર્ટ છે. એની પાસે ઓટીટી પ્લેટફોર્મ જેવા વિવિધ વિકલ્પ હોવાથી નાટક જોતી વખતે કોઈ ઉણપ હોય કે કોઈ નબળાઈ હોય તો તરત એના ધ્યાનમાં આવી જાય છે અને અન્ય શૉ કે સિરિયલ સાથે એની સરખામણી કરે છે.
અલબત્ત ,તેમ છતાં પ્રેક્ષકો સારી સંખ્યામાં આવે છે, પણ નવ યુવાન પેઢીની ગેરહાજરી ખટકે છે. એમને નાટક જોવાનું આકર્ષણ થાય એ માટે અનેક કોશિશો વર્ષોથી થતી આવી છે ,પણ ક્યાંક પ્રયત્નો ઓછા પડે છે. જો કે, નાટક લાઈવ આર્ટ છે અને આ પ્રકારની કળાને અમરત્વ પ્રાપ્ત હોય છે. એ કાયમ જીવંત રહે છે. આજે નહીં તો આવતીકાલે ’રિસાઈ ગયેલા’ પ્રેક્ષકો પાછા થિયેટર સુધી દોડતા આવશે એની મને ગળા સુધી ખાતરી છે.
રંગભૂમિ સાથે અનેક વર્ષનો મારો નાતો રહ્યો છે. એક અભિનેતા, દિગ્દર્શક અને એક નિર્માતા તરીકે સુધ્ધાં. અનેક દિગ્ગજ લેખક – દિગ્દર્શકના નાટકમાં મેં અભિનય કર્યો છે. આદરણીય શૈલેષ દવેનો હું માનીતો હતો. નાટકમાં મારી હાજરી એ શુકનિયાળ (લકી ચાર્મ) માનતા. નાનો તો નાનો, પણ મારા માટે રોલની તજવીજ કરતા. એમના ‘અકસ્માત’ નામના નાટકમાં મારી કોઈ ભૂમિકા નહોતી, પણ નાટકની કથા અનુસાર એમના અવસાન પામેલા પુત્ર તરીકે મારો ફોટોગ્રાફ સ્ટેજ પર રાખી મારી હાજરી રાખી હતી.
નિર્માતા તરીકે પણ મારું ફલક વિશાળ છે. મારા હાથ નીચે તૈયાર થયેલા ભરત ઠક્કર, નિમેષ શાહ વગેરે જેવા અનેક યુવા નિર્માતાઓ આજે એકથી એક સુંદર નાટક આપી રહ્યા છે એ આનંદની – પોરસાવાની વાત છે. સતત નવો વિષય લાવવાની તેમની કોશિશ પ્રશંસનીય છે. આ કોશિશ સાથે પ્રેક્ષકોની રુચિનો મેળ જે દિવસે બેસી જશે ત્યારે ફરી રંગભૂમિ અગાઉની જેમ અને પછી અગાઉ કરતા પણ વધુ ધમધમી ઊઠશે એમાં મને લગીરે શંકા નથી.
એક ખાસ વાત પર મારે ધ્યાન દોરવું છે કે જૂના નાટકો થોડા ફેરવીને કે પછી નવા કલાકારો સાથે રિવાઇવ કરી ભજવાય છે એમાં અલગ કલાકારોનો અભિનય પ્રેક્ષકોને આનંદ આપે છે. મોટાભાગના ગુજરાતી નાટકોને સોલ્ડ આઉટ શૉ વિના ચાલતું નથી એ હકીકત છે, પણ હવે તો એમાંય ગાબડું પડ્યું છે. સોશિયલ ગ્રૂપની સંખ્યા ઘટી છે. એનો માર પણ રંગભૂમિ સહન કરી રહી છે. બીજી એક વાત એ પણ છે કે અગાઉ કલાકારનું નામ જોઈ પ્રેક્ષકને નાટક જોવાનું ખેંચાણ થતું. હવે એવા કલાકાર લગભગ નથી રહ્યા. આજે એવા કલાકાર છે, પણ જૂજ સંખ્યામાં. એ અભિનેતાઓ સતત નાટકની ભજવણી કરતા રહે છે એ રંગભૂમિ માટે ઘણી સારી વાત છે. આજે ભલે રંગભૂમિ થોડી આર્થિક ભીંસ અનુભવતી હોય, એની સાથે સંકળાયેલા નિર્માતાઓ કોઈ માનસિક ભીંસ નથી અનુભવતા. સતત કશુંક સરસ આપવાની એમની કોશિશના સઢમાં આવતીકાલે એવો પવન ભરાશે કે રંગભૂમિ સડસડાટ દોડવા લાગશે એની મને ગળા સુધી ખાતરી છે.