ઈન્ટરવલ

માસ્ક્ડ આધાર કાર્ડ હૈં તો બચના મુમકિન હૈં

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

રેગ્યુલર આધાર કાર્ડ , માસ્ક્ડ આધાર કાર્ડ

માસ્ક્ડ આધાર કાર્ડ. આ ઉપયોગી બાબત છે જેની હજી ઘણાંને ખબર નથી. જાણ છે એ લોકોય આળસમાં રાચે છે અને માસ્ક્ડ આધાર કાર્ડ મેળવવામાં ઢીલ કરે છે, જે ક્યારેક નુકસાનકારક સાબિત થઇ શકે.

સૌથી પહેલા જાણીએ કે માસ્ક્ડ આધાર કાર્ડ એટલે શું? યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) તરફથી ભારતીય નાગરિકના સત્તાવાર ઓળખપત્ર તરીકે અપાતા આધારકાર્ડનો દુરુપયોગ થવા માંડયો છે. આને પગલે યુઆઇડીએઆઇ દ્વારા એને રોકવા માટે નવી પહેલ હાથ ધરાઇ.

થાય શું માસ્ક્ડ આધાર કાર્ડમાં? આધાર કાર્ડ પર લખાયેલા બાર આંકડાના નંબરમાંથી પહેલા આઠ આંકડા પર કાળી પટ્ટી લગાવીને એને સંતાડી દેવાય. નામ, ફોટા અને સરનામાને લીધે મૂળ વ્યક્તિની ઓળખ થઇ શકે પણ આ આધાર નંબરનો દુરુપયોગ અંકુશમાં આવી જાય. આમાં માત્ર આધાર નંબરના છેલ્લાં ચાર આંક દેખાય, જે લગભગ બંધે સ્વીકાર્ય છે.

તો માસ્ક્ડ આધાર કાર્ડ મેળવવું શા માટે? કયાંથી? કેવી રીતે? યુઆઇડીએઆઇના નિયમ મુજબ માત્ર સત્તાવાર અને વેરિફાઇડ વ્યક્તિ સંસ્થાને જ કોઇના આધાર કાર્ડની વિગતો મેળવવાનો અને સંગ્રહ કરવાની છૂટ છે. આ રીતે હોટલ, સિનેમાઘર કે પબ કોઇના આધાર કાર્ડની વિગતો મેળવી કે સંગ્રહ ન કરી શકો. પણ એ આધાર કાર્ડ વગર હોટલમાં રૂમ કેવી રીતે મળે? અહીં માસ્ક્ડ આધાર કાર્ડ હાથવગું થઇ પડે. રેસ્ટોરાં-પબમાં પણ આલ્કોહોલ પીરસવા અગાઉ ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડની જરૂર પડે, ત્યાં પણ માસ્ક્ડ આધાર કાર્ડ ચાલે. હા, બૅન્કના કેવાયસી અને વીમાની પૉલિસી લેવામાં માસ્ક્ડ આધાર કાર્ડ ન ચાલે.

માસ્ક્ડ આધાર કાર્ડ મેળવવાનું આસાન છે. સૌથી પહેલા વેબસાઇટ myaadhaar. uida.gov.in પર લોગઇન કરો. પછી આધાર નંબર કે એન્રોલમેન્ટ આઇડી કે વરચ્યુઅલ આઇડી ભરો. ત્યારબાદ કેપચા ચેલેન્જ પાર પાડે. એના પછી ‘સૅન્ડ ઓટીપી’ બટન પર ક્લિક કરો. એ જ પાના પર એક નવું બટન દેખાશે. જે પૂછશે કે ડુ યુ વૉન્ટ અ માસ્ક્ડ આધાર? આના પર ક્લિક કરો અને અપાયેલા બૉકસમાં ઓટીપી ટાઇપ કરો. ત્યારબાદ ‘વેરીફાય ઍન્ડ ડાઉનલોડ’ બટન પર ક્લિક કરો. આનાથી માસ્ક્ડ આધાર કાર્ડની પીડીએફ ડાઉનલોડ થઇ જશે. આ માસ્ક્ડ આધાર કાર્ડ મેળવવા માટે કોઇ ફી ચુકવવી પડતી નથી.

એક સ્પષ્ટતા. માસ્ક્ડ આધાર કાર્ડ સાયબર ફ્રોડનો શિકાર બનતા સો ટકા બચાવે એવું નથી. આ તો ઘરનો મુખ્ય દરવાજો, પછી જાળી અને એક-એક બારી બંધ કરીએ તો ચોરીની સંભાવના ઘટી જાય એવું છે. આધાર કાર્ડ કે એના નંબર થકી થતી ઠગાઇથી બચી શકાય.

આમાં કદાચ કંઇ ન સમજાયું હોય તો ગૂગલ કરો, સ્વજનોને પૂછો અને માસ્ક્ડ આધાર કાર્ડ મેળવી લો તરત જ.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
સૌ પ્રથમ માસ્ક્ડ આધાર કાર્ડથી સાયબર ઠગોની ચુંગાલમાંથી છૂટવા માટે પહેલું કદમ ઉઠાવીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button