દાઢી હો તો તો મિશિગનની માનુની જેવી, વરના
વ્યંગ – ભરત વૈષ્ણવ
પુરુષના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળ સમૂહને દાઢી તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં ‘પોગ્નોલોજી’ કહે છે. એના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે.
દાઢીનું સંવર્ધન અને જતન કરવાનો શોખ એ કંઈ આજકાલની વાત નથી. એ વાતનો નક્કર પુરાવો આપણને રામાયણની સિરિયલમાં પાષાણ યુગના પુરુષો પણ દાઢીવાળા જ મળે છે. વળી, ઋષિ મુનિઓ તો દાઢીધારી જ હોય. અરે, સીતાને ઉપાડી જવાવાળો અ-સાધુ એવો રાવણ પણ દાઢીધારી હતો.
આજની વાત કરો તો દાઢી એ વ્યક્તિત્વની નિશાની છે. સ્ટાઈલીશ અને સ્માર્ટ મેઈક ઓવર કરવા માટે દાઢીનું ઑપ્શન અપનાવવામાં આવે છે. લગભગ મોટા સેલિબ્રિટીસ દાઢીધારી જ મળે. સૌથી મોટો નેતા હોય કે સૌથી મોટો અભિનેતા હોય- ફેમસ ક્રિકેટર હોય કે ફેમસ સીંગર હોય.દાઢી વગર એના સ્ટારડમમાં કંઈક ખૂટતું હોય એવું લાગે.
દાઢી રાખવાના ફાયદા છે. રોજેરોજ શેવિંગ કરવાની જફામાંથી બચી જવાય. મોંઘા મોંઘા શેવિંગ ક્રીમ, આફ્ટર શેવ, રેઝર્સ જેવા ખરચામાંથી બચી જવાય. ગાલ પર વાળ હોવાથી ફેર એન્ડ હેન્ડસમ લગાડવાની જગ્યા ના રહેતા આવા ફેરનેસ ક્રીમના પણ પૈસા બચાવી શકાય. વળી ના કરે નારાયણ ને કોઈ થપ્પડ-શપ્પડ મારી દે તો ગાલ પરના વાળના કવચને કારણે કદાચ ઓછું વાગે. વળી આજના જમાનાની છોકરીઓ પણ બોયફ્રેન્ડ તરીકે બિઅર્ડ બોય પસંદ કરતી થઈ ગઈ છે, કારણ કે એ જાણે છે કે દાઢી ઉગાડવી અને એને મેઈનટેઈન કરવી એ ધીરજવાન છોકરો જ કરી શકે અને પોતાને પણ આવો ધીરજવાન છોકરો જ સંભાળી શકશે. જે દાઢીની આળપંપાળ કરી શકે એ લાડીની આળપંપાળ પણ કરી શકે. ડિસન્ટ દાઢી કેરી કરવા માટે ધીરજની સાથે એસ્થેટિક સેન્સ પણ જોઈએ.
એક સમયે દાઢી વધારવી દેવદાસનું લક્ષણ ગણવામાં આવતું હતું. પ્રિયતમાનું બીજે લગ્ન ગોઠવાઈ જાય,મોટું દેવું થઈ જાય, જીવનમાં ઘોર અંધકાર છવાઈ જાય, ત્યારે માણસની દાઢી વધી જાય. શ્રાવણ માસના એકટાણાં કર્યા છે એવી જાણ કરવા માટે દાઢી વધારવી પડે, પરંતુ આજે સ્માર્ટ મેક ઓવર માટે કોર્પોરેટ બિઅર્ડ, ફ્રેન્ચ બિઅર્ડ કે સર્કલ બિઅર્ડ રાખવામાં આવે છે.
ફેશન વર્લ્ડમાં પણ દાઢી ડંકા વગાડવા માંડી છે. આમ દાઢીએ તો સ્માર્ટ અને મેનલી દેખાવા માટે પુરુષોનું હાથવગું કુદરતી રફ ટફ ઘરેણું છે.
આ જ રીતે, દાઢી – મૂંછ મર્દાનગીનું પ્રતીક ગણાય છે. અલબત, ઘણા લોકો સાંઠ વરસના થાય તો પણ દાઢી ઊગતી નથી. વિદ્વાનોમાં દાઢી આવવી કે ઊગવી શબ્દના બેફામ પ્રયોગ સંદર્ભે વિરોધ પ્રવર્તે છે. કેમ કે , છોડની જેમ દાઢી મુખના ખામણાં કે કૂંડામાં આરોપવી પડતી નથી
દાઢી રાખનાર માટે લિમિટેડ ઓપ્શન રહે છે. ઋુષિમુનિ જેવી દાઢી રાખો. ફ્રેન્ચ કટ રાખો. લગભગ આ દાઢી કુટુંબ નિયોજનના ઊંધા ત્રિકોણના સિમ્બોલ પરથી શોધાયેલ હશે તેમ ‘મુન્નાભાઇ એમબીબીએસ’ ફેઇમ સંજય દત કહે છે. એક જમાનામાં સંજય દત પણ ફ્રેંચ દાઢી રાખતો હતો. આપણને ફ્રેન્ચ વસ્તુનું આકર્ષણ ખાસ્સું છે. ફ્રેન્ચ ફ્રાય, સ્પ્રે, ફ્રેન્ચ લીવ, ફ્રેન્ચ કિસ અને ઘણું બધું. ઊંધા ત્રિકોણ પ્રકારની દાઢીને ફ્રેન્ચ કે ફ્રાન્સ દેશ સાથે શું સહસંબંધ છે ? શા માટે અમેરિકન કે જમૈકન દાઢી નહીં?? એવો વેલિડ સવાલ વાહિયાત રાજુ રદીને થાય છે.
અમિતાભ બચ્ચન ‘નમકહલાલ’ ફિલ્મમાં ‘મૂંછે હો તો નથ્થુલાલ જૈસી , વર્ના ના હો’ કહે છે. એનો અર્થ કે માત્ર નથ્થુલાલને મૂંછ ઊગે છે અને બીજા બધાને મકાઇ ડોડાના રેશમી મુલાયમ પૂંછ ઊગે છે.વાળ વગરનો ટાલિયો કહેવામાં આવે છે, પરંતુ જે સૂંઘી ન શકે તેને શું કહેવાય તે શબ્દ પ્રચલિત નથી તેમ જેને દાઢી ન હોય તેને શું કહેવાય તે જોવા માટે ભગવદ ગો મંડળ ચેક કરવું પડે.ટાલિયો નર સદા સુખી કહેવાય. બટ વોટ એબાઉટ દાઢાળા નર?
હવે કેટલાય સમાજ દાઢી- મૂંછની ફસલની કટાઇ ન કરવાના તાલીબાની ફતવા બહાર પાડી નાઇ સમાજના પેટ પર લાત મારી રહ્યા છે. રામાયણ-મહાભારતકાળમાં, દાસ, દાસી, લુહાર, સુથાર ઇવન ધોબી સમાજનો ઉલ્લેખ છે , પરંતુ, હજામ કે નાયી સમાજનો ઉલ્લેખ નથી, કેમ કે મહિલાની માફક પુરૂષો કેશ રાખતા હતા, દાઢીમૂંછ પણ રાખતા હતા.એટલે નાયી સમાજ માટે આંધળાના શહેરમાં અરીસો વેચવા જેવી પ્રવૃત્તિ કરવાની રહે. શહેરોમાં આજકાલ હેર કટિંગ સલૂન કે યુનિસેકસ સલૂન ચાલે છે . જૂના જમાનામાં ગામડા ગામમાં શહેરો જેવી હજામતની દુકાન ન હતી.એ સમયે નાયી ઘર ઘર ફરીને કુટુંબના તમામ સભ્યોનું હજામત કરતા અને બદલામાં અનાજ મેળવતા.
દાઢી વધવા કે ન આવવા માટે ડીએનએ જવાબદાર છે. પુરૂષોમાં દાઢી અને ટાલ માટે જનીન તત્ત્વો કારણભૂત છે. જેનો સ્ત્રીઓમાં અભાવ હોય છે!! સ્ત્રીઓને કપાળમાં કૂવો હોય છે તેમ કહેવાય છે. એટલે હેન્ડપંપ સિંચવામાં આવે તેમ ગમે ત્યારે ગમે તેટલી વાર ગમે તે જથ્થાનાં આંસુ વહેડાવી શકે છે. પુરૂષોને હૃદયરોગ આવવા માટેનું નિમિત્ત બનનાર નારીઓને ક્યારેય હૃદયરોગનો હુમલો થતો નથી.!એ જ રીતે ટાલિયા નરની માફક ટાલ મારફત સુખી થઇ શકતી નથી.
કેટલીક મહિલાઓએ પુરૂષોના દાઢીમૂંછ સાથે દાઢીમૂછ ઘસીને પુરૂષ સમોવડી બનવાનો મહિલાર્થ કર્યો છે.દાઢી અને મૂછના કારણે એક મહિલાએ દશકાઓ સુધી ટોણા અને અસલામતીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે મહિલા એના દાઢી મૂછને પ્રેમ કરવા લાગી છે. મહિલાનું કહેવું છે કે એ હવે આનાથી બહાર આવી ચૂકી છે. હવે મહિલા દાઢી શેવ નથી કરતી. પરંતુ પોતાને કોન્ફિડેંટ માને છે.
આ મહિલાનું નામ અનિસા બેનેટ છે. એ કેનેડાના ન્યુ ફાઉન્ડલૈંડની રહેવાસી છે. અનિયમિત પિરિયડ્સ પછી ૧૨ વર્ષની ઉંમરમાં બેનેટ પહેલી વખત હોર્મોનલ ડિસઓર્ડર પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. આ દરમિયાન એની અંદર હિરસુટિઝમ ડેવલપ થઈ ગયો. હિરસુટિઝમ એવી અવસ્થા કહેવાય છે જેમાં શરીર પર વધુ પડતા વાળ ઉગવા લાગે છે.૪૧ વર્ષના બેનેટે કહ્યું કે મારી પ્યૂબર્ટીની શરૂઆત સાથે જ મારી મૂછો ઉગવા લાગી હતી. એના કારણે સ્કૂલમાં પણ મારા સહાધ્યાયી, મિત્રો વગેરે મને ચીડવતા હતા. એ સમયે મને બધા મંકી અને અન્ય નામોથી ચીડવતા. કિશોરાવસ્થામાં બેનેટની મા તેની દાઢી અને મૂછને બ્લીચ કરી દેતી હતી. પરંતુ વધતી ઉંમર સાથે મૂછ અને દાઢી ઘાટી થવા લાગી હવે તેના મોં, હાથ અને છાતી તેમ જ પેટ અને પગના ભાગે રૂંવાટીના બદલે ઘાટા અને જાડા વાળ છે.
અમેરિકાના મિશિગનની માનુની સમૃદ્ધ દાઢીની માલિકણ છે. એને બકરી દાઢી આવતી નથી. એની દાઢીની લંબાઇ અગિયાર ઇંચ એટલે કે લગભગ એક ફૂટ છે. તેર વરસની ઉંમરથી દાઢી પહેલી નજરના પ્રેમની માફક દેખાવા માંડેલી. એને પોલિસ્ટિક ઓવરિયને લીધે દાઢી વધે છે, જેમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સને લીધે વાળ વધે છે. એરીકની ઉંમર એકત્રીસની છે. હાલમાં દાઢીની લંબાઇ એકાદ ફૂટ છે.એરિક સો વરસની થશે ત્યારે એની દાઢીની લંબાઇ લગભગ સવાત્રણ ફૂટની હશે તેમ ત્રિરાશી માંડી રાજુ રદી અનુમાન લગાવે છે.