ઈન્ટરવલ

કોઇનાં વસ્ત્રો ફાડીએં તો આપણાં પટોળાં ફાટે..!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

એક મસ્ત મજાની ચોવક છે : “કુનીં ઉફણ ધીત પિંઢજા કનાં ખેંધી કહેવું તો એમ છે કે, ‘કરણી તેવી ભરણી’, ‘હાથનાં કર્યાં હૈયે વાગે’! એટલે આ ચોવકનો અર્થ થાય છે : પોતાની ભૂલ પોતાને જ નડે! પરંતુ અહીં સાધન બન્યું છે : ‘કુનીં’… કુનીંનો અર્થ થાય કાંઠાવાળું માટીનું વાસણ, જેમાં ખીચડી કે એ પ્રકારનું ખાવાનું રાંધવામાં આવે છે. ‘ઉફણધી’ એટલે ઊભરો આવવો. ‘ત’ અહીં ‘તો’ના અર્થમાં ગોઠવાયો છે. ‘પિંઢજા’ એટલે પોતાના અને ‘કનાં’નો અર્થ થાય છે કાંઠા. ‘ખેંધી’ એટલે ખાસે. જો એ હાંડલીમાં ઊભરો આવશે તો પોતાના કાંઠા જ ખાસે! ઉદાહરણ તરીકે દૂધનો ઊભરો યાદ કરો, ઉભરાય એટલે તપેલાંની કોર પર ચોંટે પછી નીચે ઢોળાય! આમ, કોઇ એવું ભૂલભરેલું કામ ન કરવું કે જેથી ‘પોતાના જ હાથે પગ પર કૂહાડી વાગે’!

વ્યવહારોની આપ-લે ના સંવાદો સાંભળવા જેવા હોય છે. તેમાં પણ કોઇ કામ કે મજૂરી માટે કોઇ સ્ત્રી સાથે તેનાં મહેનતાણા અંગે નક્કી કરવાનું આવે ત્યારે થતો સંવાદ અને શબ્દો કેવા સૂરિલા હોય છે તે આ ચોવક બતાવે છે : “કીં નતી ગુરાં નેં લજ સેં તીં મરાં સીધો અર્થ થાય છે : કાંઇ (વધારે) નથી માગતી અને (તોય) લાજથી મરું છું! સવાલ : મહેનતાણું કેટલું લઇશ? જવાબ : (કાંતો, તમે જે આપશો તે અને કાંતો…) આટલું. સવાલ : આવડું બધું હોય? જવાબ : કામ પ્રમાણે જ માગ્યું છે, વધારે નથી માગ્યું. સવાલ : તો પછી આવડી શરમાય છે કેમ? જવાબ : (વધારે માગ્યું હોય છતાં પણ) અરે! આ તો કાંઇ ન માગવા બરાબર છે, એટલે શરમાઉં છું! અહીં ‘કીં’ એટલે કાઇં ‘નતી’ એટલે નથી અને ‘ગુરાં’નો અર્થ થાય છે : માગવું કે માગ્યું. ‘લજ’ એટલે લાજ (શરમ), ‘સેતીં’ અહીં ‘થી’ ના અર્થમાં છે, ‘મરાં’નો અર્થ છે : મરું છું.

આપણે ઘણી વખત મજાકમાં લગ્નને ‘લાકડાંના લાડુ’ સાથે સરખાવીએ છીએં… ઘણાંના જીવનમાં એ મજાક તેમને ભારે પડી જતી હોય છે! જ્યાં સુધી લગ્ન ન થયાં હોય ત્યાં સુધી ‘પરણ-વા’ લાગુ પડે છે અને પછી ‘કરડ-વા’ લાગતા હોય છે… આ, હું નથી કહેતો હો કે! ચોવક આવું કંઈક કહે છે : “કૂંવારા કોડેં મરેં પેંણેલા પીલજી મરેં ‘કૂંવારા’ એટલે કુંવારા જ! ‘કોડેં’ એટલે ‘હોંસે’, ‘મરેં’ નો અર્થ મરે અને ‘પેંણેલા’ એટલે પરણેલા, ‘પીલજી’ નો અર્થ થાય છે : પિલાવું… અને ‘મરેં’ એટલે… મરે! પરણ્યા ન હોય ત્યાંથી પરણવાની હોંશ હોય અને પરણ્યા પછી (ઘાંચીના બળદ જેવું) પીલવાનું કે પિલાવાનું!

ગુજરાતીમાં એક કહેવત આપણે ઘણીવાર બોલતા હોઇએ છીએં કે, ‘જેવી કરણી તેવી ભરણી’, ‘જેવું કરો તેવું પામો’. અર્થ તો એજ થાય છે કે, જેવાં કર્મ તેવાં ફળ! ચોવક છે : “કેંજા ચીરફા઼ડીયોં, ત પાંજા પટોરા ફાટેં અહીં ‘કેંજા’ શબ્દને મૂકવામાં આવ્યો છે તેમાં ‘કોઇના’ એવો અર્થ સમાવિષ્ટ છે. ‘ચીર’ એટલે વસ્ત્રો. ‘ફા઼ડીયોં’ નો અર્થ થાય છે ફાડીએં. ‘ત’ નો અર્થ છે ‘તો’ અને ‘પાંજા’ નો અર્થ છે આપણાં કે પોતાનાં. ‘પટોરા’ એટલે પટોળાં! સરળ અર્થ છે કે, કોઇ (સ્રીનાં)નાં વસ્ત્રો ફાડીએં તો આપણાં પટોળાં પણ ફાટે! જેવું કરો તેવું પામો!

એક ‘કુંવારા’ માટેની ચોવક યાદ આવી ગઇ : “કૂંવારે જા સૌ, પેંણેલે જી વૌ એક શબ્દ તમને થોડો અજાણ્યો લાગશે… ‘વૌ’ તેનો અર્થ થાય છે, વહુ કે (પરણેલા પુરુષની) પત્ની.. સમજાઇ ગયું ને? કુંવારાના સૌ અને પરણેલાની (સાથે માત્ર તેની) વહું! માત્ર આટલું કહેવા માટે ચોવક નથી રચાઇ. તેનો ભાવાર્થ તો એવો થાય છે કે : સંસારના વહેવાર એવા હોય છે કે, ભડ વ્યક્તિ સાથે બધા રહેશે પરંતુ નબળી વ્યક્તિ સાથે પોતાનાં અંગત સંબંધીઓ જ રહેશે, અન્ય કોઇ પર ભરોસો રાખવો નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button