ઈન્ટરવલ

આદર્શ રાજા… આદર્શ રાજ્ય

જે રાજા સત્ય- પ્રેમ- કરુણા-ન્યાય- ત્યાગ-વિવેક- સંયમ-નમ્રતા અને ચતુરાઈ દ્વારા રાજનો વહીવટ ચલાવે તે રાજ્ય રામરાજ્ય બની શકે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

રામરાજ્યને આદર્શ માનવામાં આવે છે. આ ધરતી પર અત્યાર સુધીમાં જેટલા પણ શાસકો થયા તેમાં શ્રીરામની ગણના સર્વ શ્રેષ્ઠ રાજાઓમાં થાય છે. એમના રાજ્યમાં સાચું લોકતંત્ર હતું. શ્રીરામ વેદોમાં બતાવેલી મર્યાદામાં લીન રહીને સુનીતિપૂર્વક શાસન કરતા હતા.એમના માટે પ્રજા પોતાનાં બાળકો સમાન છે અને પોતે એમના પાલક પિતા બની રહ્યા…આવું કલ્યાણકારી રાજ્ય હજુ સુધી કોઈ રાજાનું થયું નથી.

ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં સત્ય- પ્રેમ- કરુણા- ન્યાય અને ત્યાગ જેવા ગુણોને આત્મસાત કરીને શાસન કર્યું હતું. જે રાજા વિવેક- સંયમ- નમ્રતા અને ચતુરાઈથી રાજનો વહીવટ ચલાવે તે રાજ્ય રામરાજ્ય બની શકે. ભગવાન શ્રી રામના જીવનનાં અનેક પરિમાણ છે. એ બધાને માન આપતા. એ પોતે એક સારા શિષ્ય- પુત્ર- ભાઈ અને સાચા મિત્ર હતા. ધર્મના માર્ગે આગળ વધનારા શ્રી રામ સત્યવાદી અને પોતાનું વચન પાલન કરનારા હતા. દીર્ઘદ્રષ્ટિ અને અહંકાર રહિત અને કૂટનીતિજ્ઞ હોવાની સાથે એ સાચા સમાજવાદી પણ હતા. એ બીજાના સારા ગુણોને ગ્રહણ કરનારા અને બીજાઓને એમનાં કાર્ય માટે ખુલ્લા મનથી યશ આપનારા હતા.

રામનું સંપૂર્ણ ચરિત્ર અનુકરણીય છે.એમના ચરિત્રનાં અનેક રૂપ આપણને જોવા મળે છે.એમનાં દરેક રૂપ વિશિષ્ટ છે.સંપૂર્ણ જીવનનો પ્રબંધ એમણે એટલી કુશળતાથી કર્યો કે આપણે એમની પ્રશંસા કર્યા વગર રહી ના શકીએ.ગુરુજનો અને માતા-પિતાને સન્માન આપી એમની આજ્ઞાનું પાલન કરવું- ભાઈઓને સાચો પ્રેમ કરવો અને સંકટમાં આપણા મિત્રોને નિ:સ્વાર્થ સહાયતા કરવાના પાઠ ભગવાન શ્રી રામે પોતાનાં ચરિત્ર દ્વારા આપણને શીખવ્યાં છે. પોતાની પ્રતિજ્ઞા અને વચન પાલન માટે પોતાના પ્રાણની પરવા પણ નથી કરતા. શરણમાં આવનારને શરણ આપીને એમની રક્ષાનો ભાર પોતાને શિરે લઈ લેતા. એ બધાને પ્રેમ કરે છે- વિનમ્ર સ્વભાવ ધરાવે છે.એ દૂરદર્શી અને ખૂબ સંવેદનશીલ છે. સત્ય અને ધર્મ પર દૃઢ રહીને નીતિનું એ પાલન કરનારા છે.
રામરાજ્યને શા માટે શ્રેષ્ઠ રાજ્ય ગણવામાં આવે છે?

આવો જોઈએ,રામાયણને આધારે રામરાજ્યની કેટલીક વિશેષતાઓ:
‘ચારિઅ ચરન ધરમ જગ માહીં,પૂરી રહા સપને હું અધ નાહીં;
રામ ભગતિરત નર અરુ નારી,સકલ પરમ ગતિ કે અધિકારી.’
અર્થાત્ ધર્મ તેના સત્ય,પવિત્રતા,દયા અને દાન જેવાં ચાર ચરણોથી સંસારમાં પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે.સપનાંમાં પણ ક્યારેય પાપ નથી.પુરુષ અને સ્ત્રી બધાં જ ભક્તિમાં લીન છે અને સૌ કોઈ મોક્ષના અધિકારી છે.

વર્તમાન સમયમાં ધર્મ ઉપર સંકટ છવાયેલું છે. માનવી જૂઠાણાંનું હરતું ફરતું પૂતળું બની ગયો છે. એક જૂઠાણાંને છુપાવવા બીજા સો જૂઠાણાં બોલી નાખે છે..દયા બતાવવાની વાતો દૂર રહી પણ બીજા કોઈ કૃપા વરસાવવાની મહેરબાની કરે તો એમની પણ મજાક ઉડાવે છે.ધર્મના ચારેય ચરણની ઉપેક્ષા કરીને અધાર્મિકતાની આંધળી ખાઈમાં સતત ગરકાવ થઈ રહ્યો છે.આજે દરેક સ્થળે પાપાચારનો પ્રસાર થઈ રહ્યો છે.

માધ્યમોનાં મથાળાંપર- લૂંટ- હત્યા- અપહરણ અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધો વધી રહ્યા છે.. સંબંધો ગૌણ બની ગયા છે. ફક્ત સંપત્તિ જ મુખ્ય છે. પૈસા કમાઈ લેવાની આંધળી દોડમાં વ્યસ્ત છે.નાણાં માટે ગમે તે કરવા તૈયાર છે. આજે માણસને એના ગુણોથી નહીં પણ બૅંક બેલેન્સથી જ ઓળખવામાં આવે છે.ભક્તિ સાધનાનો લોપ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ ઈશ્ર્વરના ચીંધ્યા માર્ગે ભક્તિ કરતો હશે તો એને ઢોંગી અને પાખંડી કહેવામાં આવે છે.

બીજી તરફ્, રામરાજ્ય વખતે દૈહિક, દૈવિક અને ભૌતિક સમસ્યાથી કોઈ જ પીડાતું નથી.બધા મનુષ્ય એકમેકને પ્રેમ કરતા હતા.વેદોમાં બતાવેલી મર્યાદાઓમાં રહીને પોતપોતાના ધર્મનું પાલન કરતા હતાં.

આજકાલ રામરાજ્યથી વિપરિત માણસ દૈહિક, દૈવિક અને ભૌતિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે..એની દિનચર્યા અને ખાવા- પીવાની આદતોમાં ફેરફાર થવાને કારણે એ વિવિધ બીમારીઓનો શિકાર બની રહ્યો છે.જે બીમારીઓનું નામ પહેલા કોઈએ કદીયે સાંભળ્યું નહોતું એવી ઉપરાંત ડાયાબિટીસ,બ્લડપ્રેશર,હૃદય રોગ,કેન્સર અને કોરોના જેવી વિવિધ બીમારીઓનો
ભોગ બની રહ્યો છે.હાલના ફાસ્ટફૂડના જમાનામાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણોનું આ પરિણામ છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે.પહેલા મનુષ્યનું જીવન પવિત્ર હતું.હવે એનું મન કલુષિત થઈ ગયું છે.સંસારની ભૌતિકતામાં તે એવી રીતે અટવાઈ ગયો છે કે,એના જીવનમાંથી આધ્યાત્મિકતાનો લોપ થઈ ગયો છે.દયા, સહાનુભૂતિ,મમતા,પરોપકાર, ત્યાગ,તપ જેવી દૈવીય ગુણોને ભૌતિકતાએ ડંખી લીધો છે. એ માત્ર પોતાની જાતને જ પ્રેમ કરે છે.જો તે કોઈને પ્રેમ કરે પણ છે તો તે માટેનો કોઈ સ્વાર્થ હોય છે.વેદોમાં બતાવવામાં આવેલી મર્યાદાઓનું એ જાણી જોઈને ઉલ્લંઘન કરે છે.

જ્યારે રામ કદી કોઈ ઊંચ- નીચ,નાના -મોટા અથવા રાજા – પ્રજા વચ્ચેના ભેદભાવને માનતા નહોતા. એ સાચા અર્થમાં સમદૃષ્ટા અને સમાજવાદી હતા..એમને માટે જે કોઈ એક કદમ આગળ વધે તો પોતે દસ કદમ આગળ વધીને એમને ગળે મળતા હતા.

જ્યારે રામના રાજયાભિષેકની ઘોષણા થઈ જાય છે પછી પરંપરા મુજબ રાજકુળના સૌથી મોટા પુત્રને જ સિંહાસન સોંપવામાં આવે છે.રાજકાજ સંબંધિત જ્ઞાન આપવા માટે તેમજ રાજ્યાભિષેકની ખબર આપવા માટે રાજા દશરથ ગુરુ વશિષ્ઠને રામની પાસે મોકલે છે.આ સૂચના મળ્યા પછી રામ એમના મનમાં વિચારે છે:
અમે બધા ભાઈઓએ એક જ કૂખે જન્મ લીધો.ખાવું,પીવું,સૂઈ જવું,બાળપણમાં રમત ગમત,કાન વીંધાવવા,યજ્ઞોપવિત અને વિવાહ જેવા તમામ પ્રસંગે એક સાથે રહ્યા, પરંતુ આ એક જ અનુચિત વાત થઈ રહી છે કે બાકીના બંધુઓને છોડીને રાજ્યાભિષેક ફક્ત મોટાભાઈનો એટલે કે મારો થઈ રહ્યો છે….
પોતાના ભાઈઓ માટે રામનું આ પ્રમાણેનું કથન પોતે સમદર્શી અને સમાજવાદી હોવાનું સાબિત કરે છે.

એક સાચા સમાજવાદી હોવાને નાતે શ્રી રામમાં કોઈ ભેદ દ્રષ્ટિ નહોતી.

વનવાસ દરમિયાન પોતાને મદદરૂપ બન્યા હતા એ નિષાદરાજને શ્રી રામે બોલાવી એને આભૂષણો તથા વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે આપીને કહ્યું કે,હવે તમે ઘરે જાવ અને ત્યાં મારું સ્મરણ કરતા રહેજો તથા મન,વચન,કર્મ અને ધર્મના માર્ગે ચાલજો.તમે મારા મિત્ર છો અને ભરત સમાન ભાઈ છો. અયોધ્યામાં કાયમ આવતા- જતા રહેજો.

આ જ પ્રમાણે સાચા સમાજવાદી રામ એક નીચ કુળના વ્યક્તિને આટલું માન આપે છે અને તેને અપનાવીને કાયમને માટે તેને પોતાનો બનાવી લે છે.

કેવટ પણ નીચલા વર્ણનો હતો. રામ,સીતા,લક્ષ્મણ અને નિષાદરાજ ગુહ ગંગા કિનારે આવીને કેવટને હોડી તૈયાર કરવા જણાવે છે, પણ કેવટ હોડી લાવતો જ નથી.એ કહે છે કે તમારા (શ્રીરામના)પગમાં પારસમણી અથવા કોઈ જડીબુટ્ટી છે. જેથી ચમત્કાર થઈ જાય છે. મારી હોડી સાથે જો કોઈ ચમત્કાર થઈ જ ગયો, તો હું મારી રોજી – રોટી કેવી રીતે કમાઈશ ? એટલે પહેલા તો તમે મને તમારા પગ ધોઈ લેવા દો અને તે પછી હું મારું હોડકું લાવીશ….કેવટની નીડરતા, સ્પષ્ટ વાણીથી રામને ક્રોધ નથી આવતો. એ પ્રેમપૂર્વક પોતાના પગ ધોવાનું સૌભાગ્ય બક્ષે છે….
માનવી અને માનવી વચ્ચે કોઈ ભેદ ઊભો ના કરે એ જ સાચો સમાજવાદી છે. કોઈને હલકો માનીને તેનો તિરસ્કાર ના કરે અને કોઈના ઉપર અત્યાચાર ના કરે.સ્વયં શાંતિથી જીવે અને અન્યને પણ જીવવા દે. સાચા સમાજવાદના પાઠ આપણે ભગવાન શ્રી રામ પાસેથી શીખવા જોઈએ. જેમણે શોષિતો અને દલિત લોકોને ગળે લગાવીને સમાજમાં એમને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું હતું.

આમ પ્રસંગે – પ્રસંગે શ્રીરામના જીવનમાં સમાજવાદ દેખાઈ આવે છે.આદર્શ રાજા હોવાની પ્રતીતિ વખતો વખત થાય છે.આથી જ આજે પણ લોકો રામરાજ્યને સાચા લોકતંત્ર તરીકે યાદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button