બીજાને છેતરવા માટે કરવામાં આવતો દેખાડો એટલે દંભ
The First and the Worst of all frauds to cheat oneself. All sins are easy after that.' - Beilly અર્થાત પોતાની જાતને છેતરવી એ કોઈ પણ પ્રકારના પ્રપંચમાં સૌથી ખરાબ અને પહેલા નંબરનો પ્રપંચ છે…
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
દંભ શબ્દનો અર્થ રોમન સામ્રાજ્યમાંથી ઉદ્ભવ્યો છે, જ્યારે કલાકારો નાટ્ય પ્રદર્શનમાં ભાગ લેતી વખતે વિવિધ પ્રકારના માસ્કનો ઉપયોગ કરતા હતા. આનાથી પાત્રની ભાવનાત્મક સ્થિતિ પ્રદર્શિત થતી. હંમેશાં ઘટનાની નિંદા જ થવી જોઈએ નહીં. દરેક વ્યક્તિના જીવનમાં એક એવી પરિસ્થિતિ હતી, જેમાં તેણે વાર્તાલાપ કરનારથી સત્ય છૂપાવવું પડતું, જૂઠું બોલવું પડતું અને કડવા સત્યને બદલે મીઠા જૂઠાણાંનો ઉપયોગ કરવો પડતો.
નાટ્ય પ્રદર્શનમાં કલાકારો માટે તો પાત્રને તાદૃશ કરવા માટે માસ્ક પહેરવો જરૂરી બનતો હતો, પરંતુ વર્તમાન સમયમાં લોકો પોતાના વર્તન, વ્યવહાર અને વાસ્તવિકતાને છૂપાવવા માટે માસ્ક પહેર્યા વગર ચહેરા ઉપર કૃત્રિમ ભાવ પ્રદર્શિત કરતા જોવા મળે છે!
જે ગુણ, સાધના, કલા કે કૌશલ્ય આપણામાં ન હોય તેવા દેખાડવા કરવા પડતા ડોળને દંભ કહેવામાં આવે છે. તેનાથી ઊલટું જે દોષ કે ખામી આપણામાં હોય તેને યોગ્ય જગ્યાએ ઢાંકી રાખવી તે કપટ કહેવાય છે.દંભ અને કપટ આમ જોવા જઈએ એકબીજાના પૂરક છે અને એકબીજાને મદદરૂપ થનાર છે. આ બંનેનો આશ્રય લઈને અજ્ઞાની અને ભોળા માણસોને પોતાની જાળમાં ફસાવીને શીશામાં ઉતારીને પોતાની મુરાદો પૂરી કરવી તે દંભ કે કપટ કરવાનો હેતુ હોય છે. કોઈને છેતરીને પોતાનો સ્વાર્થ સાધવો તે પાપ કહેવાય છે. નબળી મુરાદ વાળાએ દંભી કપટીની જાળમાં ફસાઈને છેતરાવું એ પાપ તો નથી પણ મૂર્ખતા તો જરૂર ગણાય. આપણે એવા મૂર્ખ ના બનીએ એ વાતની જાગૃતિ જરૂર રાખવી જોઈએ.
ભક્તિ કરવામાં પણ બીજા ભક્તો સાથે ઈર્ષા કરવી અથવા લોકોને દેખાડવા માટે દંભ કરવો તેમાં પણ પોતાની અંદરની નબળાઈ અને મલીનતા જ પ્રદર્શિત થાય છે. ભક્તિમાં દંભ કરનારાઓ પ્રત્યે પરમાત્મા રાજી થતા નથી. પરમાત્માનો રાજીપો અંતરના શુભ ઈરાદાવાળા લોકો ઉપર થાય છે.ક્રિયાના અતિરેકથી કે દેખાડાથી નહીં. ઈર્ષા સાથે કરવામાં આવતી ભક્તિથી ભગવાન રાજી થતા નથી, કારણ કે આવા ભક્તિ કરનારા ભક્તનો છૂપો ઈરાદો શુદ્ધ હોતો નથી. લોકો મને સારો કહે અથવા લોકો આગળ હું શ્રેષ્ઠ દેખાઉ એવી લોકચાહના માટે કે પોતાની શક્તિથી પણ અતિરેક થઈને કરવામાં આવતી ભક્તિ કે સત્સંગથી ભગવાન રાજી થતા નથી. વિવિધ ધર્મમાં દંભને વખોડવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં દંભ એક પાપ છે. એક માનસિક બીમારી છે, જે કબૂલાત દ્વારા મટાડવી જોઈએ એટલે કે ભગવાન પાસેથી ઉપચાર મેળવવો જોઈએ.
ઈસ્લામવાદીઓ ભારપૂર્વક જણાવે છે કે દંભી વ્યક્તિ ફક્ત પોતાને આસ્તિક બતાવે છે. વાસ્તવમાં તે એવી નથી. આ ધર્મમાં ભગવાનમાં અવિશ્ર્વાસ કરતા પણ દંભને વધુ ખરાબ પાપ ગણવામાં આવે છે.
યહૂદી ધર્મ પણ આવા વર્તન અને દંભની નિંદા કરે છે. દંભી લોકો પાસે વાણી અને હૃદય અલગ હોય છે, જ્યારે એક આસ્તિક વ્યક્તિના આત્મામાં અને તેના અવાજમાં સત્ય હોય છે.
દંભનો ખ્યાલ સત્યને છૂપાવવા પર આધારિત છે અર્થાત દંભી લોકો અન્ય માટે રમત રમે છે. પોતે જે દર્શાવે છે તેવું ખરેખર અનુભવતા નથી. તદ્દનુસાર પરિસ્થિતિ પ્રત્યેની એમની ધારણા એ જે બતાવવા માગે છે તેનાથી અલગ હોય છે, જેનો અર્થ એ છે કે આવી વ્યક્તિનું વર્તન પણ એના મૂલ્યો અને વલણની વિરુદ્ધ હોય છે.
જે પાણી ખારું હોય છે તે વધારે શીતળ હોય છે. જે વધુ પડતો વિવેક બતાવતો હોય છે તે દંભી હોય છે. જે વધુ પડતું મીઠું બોલતો હોય છે કે ધૂર્ત હોય છે. કોઈ વાત – વર્તનમાં અતિરેક જોવા મળે કે અનુભવાય ત્યારે એની વિશ્ર્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઈ હશે તે સવાલ પણ થાય.
જેમાં સહજતા નથી તે દંભ છે. જેવા હોય તેવા દેખાવું તે રીતે વ્યક્ત થવું એમાં પ્રમાણિકતા છે.પોતે ન હોય તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન કરવા પડતા નથી.એમાં નીતર્યાં નીર જેવી પારદર્શકતા હોય છે. સહજતા કુદરતી છે. એમાં મનુષ્યત્વનો રંગ અને સુગંધ હોય છે.સહજ ન દેખાવું તે અપાકૃતિક છે કાગળના ફૂલ જેવું.કાગળના ફૂલોને બનાવટી રંગ હોય છે અને સુગંધ તો બિલકુલ હોતી જ નથી.એને વૃક્ષોનો પરિચય નથી હોતો.વૃક્ષો ફૂલોના જનક હોય છે,ને જે જનક છે તે ઈશ્વર છે.દંભને ઈશ્વર સાથે સંબંધ નથી.પ્લાસ્ટર ઉખડી ગયેલી દીવાલને રંગ રોગાન કરવાથી એની જીર્ણ હાલતને છૂપાવી શકાતી નથી.સૌંદર્ય પ્રસાધનોથી ચહેરાની કુરૂપતા છાની રહેતી નથી.
કેટલાક માણસો ગમે ત્યારે ગમે તેની સામે હાથ જોડી નમ્રતા દેખાડવાના દેખાવ કરતા હોય છે.હાથ જોડવા – ઝૂકી જવું એની સાથે પ્રેમ અને આદર્શ જોડાયેલા હોય છે.તે યંત્રવત હાથ જોડવામાં કે ઝૂકી જવામાં ક્યાંય દેખાતા નથી.કોઈકે કહ્યું છે, ’નમન નમન મેં ફેર હૈ,બહોત નમે નાદાન !
નમવાની – હાથ જોડવાની ક્રિયામાં સમર્પણ હોય.વારંવાર નમન કરતા માણસમાં આવા સમર્પણનો અભાવ દેખાઈ આવે છે.આ પ્રકારના દંભી માણસો દેવસ્થાનમાં પણ સાચા હૃદયથી ન જઈ શકે.ત્યાં પણ અહંકાર નડે છે.એ પોતાની જાતને છેતરે છે.પોતાની જાતને છેતરવી એટલે પોતાના આત્માને છેતરવો.આત્માને છેતરવો એટલે પરમાત્માને પણ છેતરવો.’આત્મા સો પરમાત્મા.’ જે પોતાની જાતને છેતરે છે તે પોતાનામાં પણ શ્રદ્ધા ધરાવતો નથી.જેને પોતાનામાં શ્રદ્ધા નથી,વિશ્વાસ નથી એને આત્મા સાથે – ઈશ્વર સાથે શું સંબંધ હોય ? એ સૌથી મોટો નાસ્તિક છે.
હાથ જોડાય કે ન જોડાય,માથું ઝૂકે કે ના ઝૂકે તો પણ માણસ નમ્રતા પ્રગટ કરી શકે છે.સાચા હૃદયથી મૌન રહીને પણ આદર અને પ્રેમ પ્રગટ કરી શકે છે.ચોખ્ખું હૃદય માણસના ચહેરાનું બિંબ આત્માના સરોવરમાં ડહોળાઈ જવા દેતું નથી. હૃદયની નિર્મળતા સત્યની ધાર તીક્ષ્ણ બનાવે છે.માણસમાં દંભ પ્રગટાવવાની શક્યતાઓને ભૂંસી નાખે છે.માણસને સો ટચના શુદ્ધ સોના જેવો બનાવે છે અને સોનાને કદી કાટ લાગતો નથી. દંભ જેવા વ્યક્તિત્વના લક્ષણને બાયપાસ કરવા માટે જીવનના નિયમો અને સિદ્ધાંતોની વિશ્વસનીય પ્રણાલીનું નિર્માણ કરવું જરૂરી છે.જે વર્તન મૂલ્યોના આધારે બાંધવામાં આવે છે,તો આવી વ્યક્તિ તેની વાણી અને ક્રિયાઓ પર વધુ નિયંત્રણ રાખશે.અસત્ય અને નબળાઈને ટાળશે.
‘મૂર્ખ લોકોમાં એક ચોક્કસ સંપ્રદાય છે, જેને દંભી કહેવામાં આવે છે, જે સતત પોતાને અને બીજાઓને છેતરવાનું શીખે છે,પરંતુ વાસ્તવમાં એ તો અન્ય કરતાં પોતાની જાતને વધુ છેતરે છે.’ (લિઓનાર્ડો દા વિન્સી)