સો કરોડનો ચેક ને ખાતામા માત્ર રૂપિયા ૯૯,૯૯,૯૯,૯૮૩ ઓછા !
વ્યંગ – ભરત વૈષ્ણવ
‘અલ્લાહ કે નામ પર કુછ દે દો, ભગવાન કે નામ પર કુછ દેદો.’ મંદિરની બહાર શણિયું પાથરી ભીખ માગતા ભિખારીએ ગુહાર લગાવી.
‘આ, લો બાબા.’ રાજુ રદીએ ઘોબાવાળા એલ્યુમિનિયમના વાટકામાં સિક્કો નાખ્યો. ભિખારી ‘અંધ’ હતો. એણે આંખ ખોલી સિક્કો જોયો. રાજુએ પચાસ પૈસાનો સિક્કો
નાખેલો.
અરે, તમે તો મોટો ભિખારી નીકળ્યા. પચાસ પૈસા ચલણમાંય ચાલતા નથી. મારા અક્ષયપાત્રમાં પચાસ પૈસાનો સિક્કો નાખી આશીર્વાદમાં કુબેરનો ખજાનો મેળવવો છે? લો, આ તમારો સિક્કો .’ આમ કહી ભિખારીએ સિક્કો પરત કર્યો.
રાજુ રદીના ઘરે માસીબા આવેલાં. રાજુ રદીના મોટા ભાઇને ઘરે પુત્ર રત્ન જન્મેલ. માસીબા તાબોટા પાડી આશીર્વાદ આપવા આવેલાં. એમનો તો આશય હતો કે રાજુ રદીના ઘરેથી નેક તરીકે એક લાખ રૂપિયા વસૂલવાનો, પણ ત્યાંથી મળ્યા માંડ એક હજાર રૂપિયા… માસીબા નારાજ થઇ ગયા.
સૌરાષ્ટ્રમાં એક કદાવર નેતા હતા. નસીબજોગે ભારત સરકારમાં મંત્રી પણ હતા. મનુબાપા તરીકે જાણીતા. કોઇ પણ કાર્યક્રમમાં ફંડફાળા ઉઘરાવવામાં આવે તો સૌ પહેલાં મનુબાપા એમના તરફથી એક લાખ રૂપિયાનું દાન નોંધાવે. કાર્યક્રમના આયોજક મનુબાપા પાસે દાનની રકમ લેવા જાય ત્યારે મનુબાપા કહે મારે દાન આપવાનું ન હોય. મારે તો દાનની સરવાણી ફૂટે તે માટે માત્ર જાહેરાત કરવાની હોય!
દાન એટલે શું?
સામે ઊભેલી કે બેસેલી વ્યક્તિના હાથમાં એક રૂપિયાનો સિક્કો થમાવી દેવો એ દાન છે? મંદિરમાં ભગવાન સામે ભારતના બજેટના વોલ્યુમ જેટલી માગણી રજૂ કરી ગોલકમાં બે-પાંચ કે દસ રૂપિયા નાખવા એ દાન છે કે પછી મંદિરના ભંડારામાં એક સિંગતેલનો ડબ્બો કે દસ કિલો ચણાની દાળ આપવી એ દાન ગણાય?
દાનનાં આ સ્વરૂપ છે. દાન શબ્દ સંકુલ છે. માનવ સંસ્કૃતિની શરૂઆતથી દાનની બોલબોલા રહી છે. દાન આપવું અને દાન લેવું એ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય છે. જો કે, આજના જમાનામાં કોઇ દાન આપતું નથી એ વાત અલગ છે! આપણી કમાણી પર આપણા પરિવાર ઉપરાંત પશુ, પંખી, પ્રાણીનો પણ પર્યાપ્ત હક્ક હોય છે. આપણે ભોજન કરતાં પહેલા અબોલ પ્રાણીઓનો પણ વિચાર કરીએ છીએ. જમતા પહેલાં ગૌ ગ્રાસ અને શ્ર્વાન ગ્રાસ અલગ કાઢવામાં આવે છે. દાનની આ રીત સાચી અને સારી રીત છે. આપણે જમી લઇએ પછી વધેલું ભોજન ગાય કે કૂતરાંને આપવું એ પશુ પંખીનો અનાદર છે. આજે પણ ગામડાંમાં ભોજન પહેલાં રામરોટી એટલે જે કાંઇ રાંધવામાં આવેલ હોય તે તમામ વાનગી પ્રથમ કાઢી મંદિરના પૂજારીને ઘરે આપવાની પ્રથા અમલમાં છે!
દાન સ્વૈચ્છિક હોય. દાન બળજબરીથી લઇ શકાય નહીં. દાન કેવી રીતે કરવું એ પણ વિચારણાનો મુદ્દોે બની રહે છે. ઢોલ પીટીને દાન આપવામાં તાત્ત્વિક રીતે કશું ખોટું નથી. બાકી ડાબા હાથે દાન આપીએ તો જમણા હાથને ખબર ન પડે અગર જમણા હાથે દાન આપવામાં આવે તો ડાબા હાથને ખબર ન પડે તે શ્રેષ્ઠ દાન છે.
દરેક ગોરધન મોટો દાનવીર હોય છે. પોતાની કે પડોશીની પત્ની પર તન,મન અને ધન કુરબાન કર્યા પછી જગતનું કાયમી, દૈનિક રક્તદાન કરે છે. પત્ની ગોરધનનું જે લોહી ચૂસે છે એને લોહીની બોટલની સંખ્યામાં કહીએ તો સહેજે લાખ બોટલ લોહી નાખી દેતા કંમ્પલસરી દાનમાં હોમી દેતો હશે! છતાં ઘરવાળીની છણકી જ માણવા મળે છે!
૨૦મી સદીમાં દુનિયાના સૌથી મોટા દાનવીર ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા છે. જમશેદજૂથએ ૧૦૨ બિલિયન ડૉલર એકઠું કર્યું. રૂપિયા ૮,૪૭,૫૭૪ કરોડનું દાન કરેલું…ભામાશા માતૃભૂમિને બચાવવા સર્વસ્વનું દાન કરી દાનવીર ભામાશા કહેવાયા હતા. શિબિરાજાએ હોલાને બચાવવા ખુદના શરીરના માંસનું દાન કરેલ. રામસેતુના નિર્માણ સમયે એક ખિસકોલી રેતીમાં આળોટી તે રેતી રામ સેતુ ખાતે ખંખેરી રામસેતુના નિર્માણમાં યોગદાન આપેલ. ભગવાન બુદ્ધની મૂર્તિના નિર્માણ સમયે એક ગરીબ છોકરીએ એની વાળીનું એવું દાન કર્યું કે મૂર્તિ પર સ્મિત આવી ગયેલું.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના સિમ્હાચલમ ખાતે વરાહ લક્ષ્મી મંદિર છે. મંદિરની સંચાલન સમિતિ દરરોજ દાનપેટી ખોલી આવેલ દાનની રકમ બેંકમાં જમા કરાવે છે. એક દિવસ દાનપેટી ખોલતાં આનંદનો પાર ન રહ્યો. હાઇલા…. કોઇ પરમ ભગવદીય ધર્માત્માએ મંદિરને દાન આપીને માલામાલ કરી દીધા હતા. દાનની રકમ જોઇને તમામની આંખ ચમકી ઉઠી. મંદિરનાં અધૂરાં કામો હાથ ધરી શકાશે તેની ખાતરી થઇ ગઇ. મહાલક્ષ્મી માતાએ જાણે એવો ચમત્કાર કર્યો હતો કે દાતાએ ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ એટલે કે સો કરોડ રૂપિયાનું દાન પેટે ચેકથી આપેલું…! સંચાલન સમિતિએ ચેક વટાવવા બેંકમાં ભર્યો! એ મહાન દાનવીરના
બેંક એકાઉન્ટમાં ૯૯,૯૯,૯૯,૯૮૩ એટલે કે નવાણુ કરોડ નવાણું લાખ નવાણુ હજાર નવસો ત્ર્યાસી ક્યાં રૂપિયા જ હતા?
મોટા માણસો ચેક ફાડે તો બેલેન્સ થોડી જુવે? અરે પ્રભુ, એના ખાતામાં ૯૯,૯૯,૯૯,૯૮૩ ની રકમ ઓછી હતી. ખાતામાં માત્ર ને માત્ર સત્તર રૂપિયા જ જમા હતા!
આમ માતાજી સાથે માનવીએ ધોખો કર્યો. અરે, એના કરતાં તો સાહેબ પાસે ચાર રૂપિયા વધારે હતા એટલે ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં પ્રાગટ્ય દિવસ પર દર્શન કરી કવરમાં એકવીસ રૂપિયાનું જંગી દાન પોતે કરેલું તેવો મંદિરના પૂજારીનો દાવો છે!