ઈન્ટરવલ

વિનમ્રતા: ઈશ્ર્વરે આપેલું એક અમૂલ્ય વરદાન

વિનમ્રતા એ કાયરતા કે નબળાઈ નથી, પરંતુ વ્યક્તિના જીવનમાં સુખ- સમૃદ્ધિ લાવનારું પ્રેરક પરિબળ છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

અબ્રાહમ લિંકન એક વખત બગી મારફત શહેરની બહાર ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં એક ખેત મજૂર સામે મળે છે. એ અબ્રાહમ લિંકન પાસે જઈને એમને સેલ્યુટ કરે છે. આ જોઈ અબ્રાહમ લિંકન બગીના દરવાજા પાસે આવીને પેલાને પણ એ જ અદબથી સેલ્યુટ કરે છે.

આ દૃશ્ય એમના પીએ જોઈ રહ્યા હતા. ત્યાંથી નીકળ્યા પછી પીએ એમને કહે છે કે, ‘સાહેબ તમે પ્રેસિડેન્ટ છો એટલે એ તમને સેલ્યુટ કરે,તે સ્વાભાવિક છે,પણ આપે એને સેલ્યુટ કરવાની ક્યાં જરૂર છે? એ તો સામાન્ય મજૂર છે.’

આ સાંભળીને અબ્રાહમ લિંકન બોલ્યા, ‘ભાઈ,એ મજૂર આપણા દેશની સમૃદ્ધિના પાયાના પથ્થર છે.એના થકી જ આપણો દેશ આટલો સમૃદ્ધ છે અને મુખ્ય વાત એ કે એક સામાન્ય મજૂર વ્યક્તિ વિનમ્રતા પ્રગટ કરવાની તક ના છોડતો હોય તો હું તો એક પ્રેસિડેન્ટ છું.’

આટલી વિનમ્રતા, આટલી સાદગી, આટલો લાગણીસભર વ્યવહાર અને એ પણ પ્રેસિડેન્ટ બન્યા પછી.આથી જ આજે પણ અબ્રાહમ લિંકનને માત્ર અમેરિકા જ નહીં , પરંતુ વિશ્ર્વ આખું યાદ કરે છે.
આપણે જાણીએ છીએ કે શુભ કાર્ય કરતાં પહેલાં કંકુનો ચાંદલો કરીએ છીએ તેના પર ચોખા લગાવીએ છીએ.તો ચોખા જ શું કામ ? ઘઉં,બાજરી જુવાર કેમ નહીં ? કેમ કે, ઘઉંના છોડમાં ઘઉંની ડુંડીઓ હંમેશાં ઉપર તરફ જ રહે છે.

બાજરી અને જુવારના પાકમાં પણ ડુંડીઓ ઉપરની તરફ જ રહે છે,નીચે નમતી નથી.પરંતુ એક કમોદ જ એવી છે કે જેમાં પાક આવતાં તે નીચે તરફ નમે છે. સંસારનો નિયમ છે કે ‘જે નમે તે સૌને ગમે.’ માટે ચોખાને આપણા કપાળમાં સ્થાન પ્રાપ્ત થાય છે. વૃક્ષો પાસેથી પણ આપણને આ વિનમ્રતા શીખવા મળે છે. જ્યારે તેનાં પર ફળ આવે છે ત્યારે તે નીચે નમે છે અને આસાનીથી માણસો તેનો આનંદ લઈ શકે છે. જીવનની સાચી ખુશી આપવામાં છે, લેવામાં નહીં. અને ત્યારે જ તમે આપી શકો, જ્યારે તમારામાં ઉદારતા, પ્રેમ, દયા અને વિનમ્રતા હોય.

મહાત્મા ગાંધી પણ આવી વિનમ્રતાથી જ ‘મહાત્મા’નું બિરુદ પામી શક્યા છે.ભારતના રજવાડાંઓને એક સૂત્રમાં જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાપુરુષો વિનમ્ર, સરળ અને સહજ હતા
અને એટલે જ એમના એક સાદથી સેંકડો લોકો પોતાની સરકારી નોકરી છોડીને દેશ સેવા માટે જોડાઈ ગયા હતા.

આથી જ જીવનમાં હર હંમેશ વિનમ્રતા રાખીને જીવન જીવવાથી લોકો તમને એનાં હૃદયમાં સ્થાન આપશે અને તમારું જીવન સફળ થશે. જીવનમાં સફળતા પામવા માટે નમ્રતાના સદ્ગુણ હોવા ખૂબ જરૂરી બને છે

. વ્યક્તિ ઉંમરથી કે પદથી મોટી હોઈ શકે,પણ જો એનામાં નમ્રતા નહીં હોય તો તે સફળ થઈ શકે નહીં.

વ્યવહારમાં વિનમ્રતા એક મોટી શક્તિ બનીને આગળ આવે છે.કોમળતાનું આયુષ્ય લાંબું હોય છે, જયારે કઠોરતાનું આયુષ્ય ટૂંકું હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતાએ ઉપદેશ આપતા કહ્યું કે, ‘જે મનુષ્ય જીવનમાં વિનમ્રતાનો ગુણ કેળવે છે તેઓ ગમે તેવા ઝંઝાવાત સામે પણ ટકી શકે છે.’ આપણા સમાજમાં મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો પોતાના કામમાં તો કુશળ હોય છે પણ પોતાના કઠોર સ્વભાવને કારણે ઘરમાં કે કાર્યાલયમાં હંમેશાં પરેશાનીઓ ભોગવે છે.

વિનમ્રતા એ કાયરતા કે નબળાઈ નથી, પરંતુ વ્યક્તિના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવનારું પ્રેરક પરિબળ છે.

આચાર્ય રજનીશ વિનમ્રતાને એક પ્રસંગ દ્વારા સમજાવે છે.બે પનિહારી ઘડા લઈને નદી કિનારે પાણી ભરવા માટે જાય છે.એક પનિહારી વિચારે છે કે હું શું કામ નીચે નમુ ? એ તો અક્કડ બનીને ઊભી રહે છે. નમતી નથી.

આથી વહેતા પ્રવાહ પાસે ઊભી હોવા છતાં તેનો ઘડો ખાલી રહે છે. જ્યારે બીજી પનિહારી વાંકી વળીને વહેતા પ્રવાહમાંથી પોતાનો ઘડો છલોછલ ભરી લે છે. આમ જેનામાં વિનમ્રતા છે તે કંઈક પ્રાપ્ત કરી શકે છે. વિનમ્રતા એ બહુ ઉત્તમ વસ્તુ છે. વિનમ્રતા દ્વારા આપણે મુશ્કેલ કાર્ય પણ આસાનીથી પૂર્ણ કરી શકીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો