ઈઝરાયલની ઝાળ સોનાને કેટલું તપાવશે?
કવર સ્ટોરી- નિલેશ વાઘેલા
સોનાના ભાવ અને યુદ્ધનો સંબંધ યુગો પુરાણો છે. યુદ્ધ થાય એટલે રોકાણકારો સલમાત રોકાણ માધ્યમ એવા સોના તરફ દોટ મૂકે અને સોનાના ભાવમાં ઉછાળો આવે. આ વખતે જોકે ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઝંપલાવવા શક્તિશાળી દેશો પણ તત્પર બન્યાં હોવાથી બાબત સહેજ ગંભીર બની ગઇ છે. હવે જોવાનું એ છે કે હેજ ફંડો ટ્રેઝરી બિલ અને ગોલ્ડમાંથી કોના પર કળશ ઢોળે છે? આમ પણ ટેક્નિકલ એનાલિસ્ટ્સ કહે છે કે, બે સપ્તાહના ગાળામાં સોનું ઓવરસોલ્ડ ઝોનમાંથી ઓવરબોટ ઝોનમાં આવી ગયું છે.
સોનાના ભાવ અને યુદ્ધનો સંબંધ યુગો પુરાણો છે. યુદ્ધ પછી એ રશિયા અને યુક્રેનનું હોય કે ઇઝરાયલ અને હમાસનું! યુદ્ધ થાય એટલે રોકાણકારો સલમાત રોકાણ માધ્યમ એવા સોના પર સૌથી પહેલા પસંદગીનો કળશ ઢોળે અને એને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવે. આ વખતે જોકે ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં અમેરિકા જેવું જગતનો સૌથી શક્તિશાળી દેશ પણ સંકળાયો હોવાથી બાબત સહેજ ગંભીર બની ગઇ છે.
આ યુદ્ધ કેવા વળાંક લે છે તેના પર ઘણો આધાર છે, પરંતુ એ જ સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ કેવું સ્ટાન્સ અપનાવે છે અને ટ્રેઝરી બિલની યીલ્ડ પર તેની કેવી અસર થાય છે તે પણ મહત્ત્વની બાબત છે. સવાલ એ છે કે યુદ્ધની જ્વાળા સોનાને કેટલું તપાવશે અને તેના ભાવ કેટલા લાલચોળ બનાવશે?
દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ દરમિયાન પંરપરાગત રીતે સોનાચાંદીના ઘરેણાં, ભેટની વસ્તુઓ, સિક્કા વગેરેની ખરીદી કરવામાં આવે છે. હાલ સ્થાનિક બજારમાં તો સોનાચાંદીની ચમક વધી જ છે, પરંતુ વૈશ્ર્વિક બજારમાં સોનું ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઓક્ટોબર ૨૦૨૩માં સોનાના ભાવ પ્રતિ ઔંસ ૨૦૦૦ ડોલરને પાર કરી ગયા છે. આ વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સોનાની કિંમત સતત ત્રણ સપ્તાહથી વધી રહી છે અને આ ચોથું અઠવાડિયું છે, જ્યારે સોનાના ભાવ મજબૂત છે.
અલબત્ત રોકાણકારોએ વૈશ્ર્વિક અર્થતંત્ર અને ફેડરલના નીતિ દૃષ્ટિકોણની અટકળોને આધારે લેવાલી ધીમી પાડી હોવાથી મંગળવારે સોનું ઊંચી સપાટીથી નીચે ઉતર્યું હતું, પરંતુ ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે સોનું લગભગ એક વર્ષમાં તેનો સૌથી મોટો માસિક ઉછાળો તો નોંધાવી જ ચૂક્યું હતું. આ તબક્કે સ્પોટ સોનું ૧,૯૯૨.૭૯ પ્રતિ ઔંસ હતું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ ૨,૦૦૨.૧૦ની આસપાસ બોલાયું હતું. નોંધવું રહ્યું કે, મધ્યપૂર્વની કટોકટી વચ્ચે રોકાણકારો સેફહેવન માટે દોડ્યા હોવાથી પાછલા શુક્રવારે સ્પોટ સોનું ૨,૦૦૯.૨૯ જેટલું ઊંચું ગયું હતું.
ઇઝરાયલ પર હમાસના હુમલાના એક દિવસ પહેલા, એટલે કે છઠી ઑક્ટોબરના રોજ સોનું ૧,૮૦૯.૫૦ના સ્તરે રહ્યું હતું અને આ મહિને બુલિયનમાં આઠેક વધારો થયો છે, જે નવેમ્બર ૨૦૨૨ પછી સૌથી વધુ છે.
આ અઠવાડિયે રોકાણકારોનું ધ્યાન યુએસ ફેડરલ રિઝર્વના આજના બુધવારના નાણાકીય નીતિના નિર્ણય પર છે, ત્યારબાદ શુક્રવારે યુએસ માસિક જોબ રિપોર્ટની અસર પણ વર્તાશે. વિશ્ર્લેષકો માને છે કે, જો સંઘર્ષ મુખ્ય ક્રૂડ ઉત્પાદક દેશો સુધી ન પ્રસરે તો સોનાના ભાવના પ્રીમિયમમાં થોડા ઘટાડો થઇ શકે છે, પરંતુ ગોલ્ડ ૨૦૦૦ ડોલર સાથેની રમત વહેલાસર બંધ કરે એવી સંભાવના ઓછી છે.
આવો જોઇએ સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? ગયા વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સોનામાં તેજીનો દોર જોવા મળ્યો હતો અને હવે મધ્યપૂર્વમાં સંઘર્ષ અને તણાવના કારણે રોકાણકારો ફરી યલો મેટલ તરફ દોડી રહ્યાં છે. સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે અને વર્તમાન સંજોગોમાં લોકો ફરીથી સોના તરફ આકર્ષાઈ રહ્યા છે.
વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં, સોનાનો વૈશ્ર્વિક દર ૧૮૨૩ પ્રતિ ઔંસ હતો, જ્યારે મે ૨૦૨૩ સુધીમાં, સોનાનો દર ૨૦૫૧ પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. જોકે ઓક્ટોબરમાં સોનાના ભાવ ફરી એકવાર ઘટીને ૧૮૨૦ પ્રતિ ઔંસ થઈ ગયા હતા, આ ભાવ ચોથી ઓક્ટોબર, ૨૦૨૩ના છે.
આ પછી, સોનામાં જોવા મળેલો ઉછાળો ખૂબ જ આશ્ર્ચર્યજનક હતો અને ૨૫ દિવસમાં સોનું ફરી એકવાર ૨૦૦૫ ડોલર પ્રતિ ઔંસના દરે આવી ગયું હતું. હાલ વિશ્ર્વના ઘણા દેશોમાં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. જો જોવામાં આવે તો આ ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા, જાપાન, ચીન અને તાઈવાન સહિતના કેટલાક અન્ય દેશોમાં સોનું મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થયુું છે અને આ દેશોમાં ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાતમી ઓક્ટોબરથી ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે, જેની સમગ્ર વિશ્ર્વ પર નકારાત્મક અસર પડી રહી છે. વૈશ્ર્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારને તેને કારણે મોટો ફટકો પડ્યો છે અને મોટા શક્તિશાળી દેશો પણ તેમાં ઝંપલાવવા તત્પર હોવાથી ત્રીજા વિશ્ર્વયુદ્ધના પણ ભણકારા વાગી રહ્યાં છે.
આ કારણોસર, રોકાણકારો સામાન્ય રોકાણથી તેમનું ધ્યાન સોના તરફ ફેરવી રહ્યા છે અને હાલના સમયમાં સોનાની ખરીદી વધી છે. બીજું મોટું કારણ એ છે કે અમેરિકામાં સરકારી દેવું ૩૩ ટ્રિલિયન ડોલરના સ્તરને વટાવી ગયું છે, જેના કારણે ડોલરની કિંમત પર અસર થઈ રહી છે. ડોલર અને સોનાની કિંમત વચ્ચેના કોરિલેશનને કારણે તેની અસર સોનાના ભાવમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
સોનામાં ઉંચુ ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળી રહ્યું છે અને આ માત્ર ભારત કે અમેરિકાની વાત નથી, ચારે બાજુ જોવા મળી રહી છે.બોન્ડ યીલ્ડ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ છે, પરંતુ આમ છતાં, ફંડ્સ સોનું ખરીદતા જોવા મળી રહ્યા છે, જે સૂચવે છે કે ફંડ્સ પણ સોનાની ખરીદીમાં વિશ્ર્વાસ ધરાવે છે.
ભારત અને ચીન જેવા દેશોમાં સોનાનો વપરાશ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૩માં ચીનમાં સોનાનો વપરાશ ગત વર્ષની સરખામણીમાં ૭.૨ ટકા વધ્યો છે. તે જ સમયે, ચોથા ક્વાર્ટરમાં ભારતમાં સોનાનો વપરાશ વાર્ષિક ધોરણે ૧૦-૧૫ ટકા વધવાની ધારણા છે.
ભારતમાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. આ મહિને સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંપૂર્ણ અપેક્ષા છે કારણ કે નવેમ્બરમાં સોનાની ખરીદી માટેના સૌથી મોટા તહેવારો ધનતેરસ અને દિવાળી આવી રહ્યા છે. ૧૦મી નવેમ્બરે ધનતેરસ અને ૧૨મી નવેમ્બરે દિવાળી પર સોનાની જંગી ખરીદી થવાની સંભાવના છે. જોકે, સોનાના ઊંચા ભાવને કારણે જ્વેલર્સ પણ માને છે કે ઘરાકી રૂંધાઇ શકે છે.
એ યાદ રહે કે આપણે સોનાના આંતરરાષ્ટ્રીય પરિદૃશ્ય અને તેના ભાવની મુવમેન્ટને અસરકર્તા પરિબળોની વાત કરી રહ્યાં છીએ, આપણે ભાવના અંદાજ કે આગાહીની વાત નથી કરી રહ્યાં. ભૌગોલિક રાજકીય તણાવ અને સ્થિતિસ્થાપક યુએસ આર્થિક ડેટા વચ્ચે સોનાના દર ૨૦૦૦ ડોલરની નજીક અટકી ગયા છે અને બે અઠવાડિયાની મજબૂત તેજી પછી કોન્સોલિડેટ થઈ રહ્યા છે કારણ કે આ ભાવ તેની પ્રતિકાર સપાટીની નજીક છે અને બીજી તરફ મજબૂત જીડીપી અને ટ્રેઝરી ઉપજ તેની તેજીને અવરોધે છે.
છેલ્લા ક્વાર્ટરમાં યુ.એસ.નું કુલ સ્થાનિક ઉત્પાદન ૪.૯ ટકાના વાર્ષિક દરે વધ્યું છે, જે ૨૦૨૧ના ચોથા ક્વાર્ટર પછી સૌથી ઝડપી છે. તે ફેડરલ રિઝર્વની આક્રમક નાણાકીય નીતિના પ્રકાશમાં યુએસ અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને સ્પષ્ટપણે દર્શાવે છે કારણ કે તેઓએ તેના મૂલ્યમાં વધારો કર્યો છે. એક વર્ગ એવું પણ માને છે કે, ઇઝરાયલ અને હમાસના સંઘર્ષને કારણે સર્જાયેલું રિસ્ક પ્રીમિયમ સમાપ્ત થઈ ગયું છે અને સોનું હવે ભૌગોલિક રાજકીય તણાવને કારણે નહીં પણ આર્થિક ડેટા અનુસાર આગળ વધશે.
બજારે પહેલેથી જ મધ્ય પૂર્વની ચિંતાઓને હાલ તુરંત માટે ડિસ્કાઉન્ટ કરી દીધી છે, જોકે સાથે એ પણ સત્ય છે કે, મધ્ય પૂર્વના અન્ય દેશોમાંથી કોઈપણ નવી વૃદ્ધિ સોનામાં વધુ રિસ્ક પ્રીમિયમ ઉમેરી શકે છે, એ બાબત રસપ્રદ છે કે મજબૂત યુએસ જીડીપી ડેટા પછી યુએસડી અને ટ્રેઝરી યીલ્ડની નરમાઇ દર્શાવે છે કે રોકાણકારો હવે તેમના વલણને જોખમથી જોખમમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે સપ્તાહના ગાળામાં સોનું ઓવરસોલ્ડ પ્રદેશમાંથી ઓવરબોટ ઝોનમાં આવી ગયું છે.