ઈન્ટરવલ

ક્યાં સુધી?

ટૂંકી વાર્તા -બકુલ દવે

એપોઈન્ટમેંટ લેટર મળી ગયો. સોનાલીના એકધારા અને અર્થહીન જણાતા જીવનમાં જાણે નવો સંચાર થયો. જીવન એને જીવવા જેવું લાગવા માંડ્યું. સેલરીની રકમનો આંકડો અનેકવાર વાંચ્યો ને એ રોમાંચિત થઈ ઊઠી, આટલા બધા રૂપિયા! બાવીસ વર્ષની જિંદગીમાં ક્યારેય જોયા જ હતા એટલા રૂપિયા હવે એને દર મહિનાના અંતે મળવાના હતા. એને થયું, કોઈ હાથનો મેલ કહે કે કોઈ ભલે એને ભાગ્યનો ખેલ કહે પણ આ રૂપિયા છે અદ્ભુત ચીજ. એ માણસને નિરાશાના ઊંડા હવડ કૂવાનાં અંધકારમાંથી બહાર કાઢી શકે છે ને હજ્જારો સૂરજનાં અજવાળાંથી જિંદગીને ઝળાંહળાં કરી શકે છે.

આર્થિક ભીંસના કારણે સોનાલીએ કેટકેટલાં કામ મોકૂફ રાખ્યાં હતા અથવા તો પોતે એ કરી જ નહિ શકે એમ વિચારી પડતાં મૂક્યાં હતાં. પણ હવે એ બધાં કામ કરવાનું એના માટે ધીરે ધીરે શક્ય બની તેમ હતું. સૌથી પહેલી પ્રાથમિકતા હતી એના પપ્પા-કિશોરભાઈના દાંતનું ચોકઠું બનાવવાનું અને મમ્મી-રેખાબહેનના માટે હિઅરીંગ એઈડ એટલે કે સાંભળવાનું મશીન ખરીદવાનું.
દરમિયાનમાં બીજો પણ એક એવો બનાવ બન્યો. પ્રતીક સાથે એની સગાઈ થઈ. પ્રતીકમાં સોનાલીને પોતે ઈચ્છતી હતી એવો જ જીવનસાથી દેખાયો. એ જાણે વૃક્ષ બની ગઈ ને એને સુખની લીલીછમ કૂંપળો ફૂટી રહી છે. એક પ્રશ્ર્ને એની ભીતરથી ડોકિયું કર્યું: ક્યારેક દુ:ખ કરતાં પણ સુખ જીરવવું અઘરું નથી બની જતું?

ઓફિસ મોટી હતી. સોનાલીના અલ્ટીમેટ બોસ હતો સતીશ કાણેકર. મહારાષ્ટ્રીયન હતો. ગુજરાતી સરસ બોલી શકતો. ઉંમર પચાસની આસપાસ પણ દેખાતો માંડ ચાલીસનો. નોકરીના પહેલાં દિવસની સવારે સોનાલી કાણેકરની કેબિનમાં પ્રવેશી. એણે પોતાનો પરિચય આપ્યો. કાણેકરે એપોઈન્ટમેન્ટ લેટર પર એક સરસરી નજર નાખી ને પછી વાંચવાના ચશ્માં ઉતારી એનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. સંઘેડાઉતાર કાયાને આવરી લેતી ગુલાબી સાડીમાં સોનાલી હતી તે કરતાં પણ વધુ આકર્ષક અને સુંદર લાગી રહી હતી. કાણેકરને એંશીના દાયકાની એક જાણીતી અભિનેત્રીનું સ્મરણ થઈ આવ્યું.

ઈટ ઈઝ અવર પ્લેઝર ટુ વેલકમ યુ, મિસ સોનાલી…
થેન્ક યુ, સર..
કાણેકરે એની પર્સનલ સેક્રેટરી મિસ રીટાને બોલાવી. રીટા સહેજ સ્થૂળ અને નીચી છે એની નોંધ સોનાલીથી અનાયાસે જ લેવાઈ ગઈ. રીટાનો ઘઉંવર્ણ છે તો પણ એણે ડાર્ક રંગનો ડ્રેસ પસંદ કર્યો છે જે એને બિલકુલ સ્યુટ થતો નથી. હેવી મેકઅપે ચહેરાની રહીસહી સુંદરતાને પણ દબાવી દીધી છે. બોલતી વખતે એ બિનજરૂરી રીતે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે છે. રીટા, આ છે સોનાલી જોશી ન્યુલી એપોઈન્ટેડ લેડી. એને એનું કામ બતાવી દે.

યેસ સર..
સોનાલીએ શું કામ કરવાનું છે તે રીટાએ એને સમજાવી દીધું. દરમિયાનમાં એણે સોનાલીનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ જાણી લીધું. પોતાની સગાઈ થઈ છે તે વાત સોનાલીએ જણાવી ત્યારે એને ખબર પડી કે રીટા પ્રતીકને ઓળખે છે. રીટાએ પણ વાતાવાતમાં એ જણાવી દીધું કે એ ડિવોર્સી છે. ડિવોર્સ કેમ થયાં એવો પ્રશ્ર્ન સોનાલીને જરૂર થયો, પણ એણે પૂછ્યું નહિ.

કોઈ સ્ત્રી માટે કુરૂપ હોવું ક્યારેક શાપરૂપ બની જાય છે તેમ એનું અતિશય સુંદર હોવું પણ એણે ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે એવું સોનાલી છેક બાર વર્ષની હતી ત્યારથી અનુભવી રહી હતી. એ રોજ ઓફિસમાં પ્રવેશે ત્યારે અનેક પુરુષ કર્મચારીઓની આંખો એને વીંધવાનું શરૂ કરતી. એ લોકોની આંખોમાં સોનાલીની એક ઝલક પામવાની તરસ દેખાયા કરતી. કેટલાક પુરુષો તો અકારણ એની પાસે આવી ઘનિષ્ટતા અધારવા કોશિશ કરતા ત્યારે એને મૂંઝવણ થતી પણ કોનો એ શું કહે? ખુદ સતીશ કાણેકર પણ એની પાસે આવી પોતાની મદદની જરૂર હોય તો નિ:સંકોચ જણાવવાની ઓફર કરી જતો ત્યારે એમાં સોનાલીને મદદ કરવા કરતાં એ એની નજીક આવવા ઈચ્છે છે એવી ગંધ વધુ આવતી. કાણેકર એકલો જ રહેતો હતો. હજીયે કોઈ પાત્ર મળી જાય તો પરણવા માટે ઉત્સુક હતો એ બધું રીટાએ કહ્યું ત્યારે સોનાલીને થયું કે માણસો કેવી કેવી સમસ્યાઓ લઈને જીવતાં હોય છે! રીટા ડિવોર્સી છે. કાણેકર પાસે પૈસા અને હોદ્દો છે, પણ એકલો છે. એ પોતે પણ સમસ્યાઓમાંથી ક્યાં બહાર આવી છે?

એક દિવસ રીટા સોનાલી પાસે આવી: ડિઅર, મારે વહેલા ઘેર જવું પડે તેમ છે. તું મારું એક કામ કરીશ?

સોનાલી પ્રશ્ર્નભરી નજરે એની સામે જોઈ રહી: શું કરવાનું છે?

આ બેલેન્સ મેળવવાનું છે. કરી દઈશ એટલું?

સોનાલીએ ઘડિયાળ સામે જોયું. પાંચ વાગ્યા હતા. એ વિચારમાં પડી. કામ એવું હતું કે થઈ જાય તો વાર ન લાગે પણ એ લંબાઈ જાય તો એને ઘેર જવા માટે બસ ન મળે. રિક્ષામાં ઘેર જાય તો સો રૂપિયાથી ઓછું ન લે.

શું થીંક કરે છે? પ્લીઝ ડુ ઈટ ફોર માઈ સેક.

રીટાએ પહેલી જ વાર કોઈ કામ સોંપ્યું હતું. એટલું જ નહિ, રીટા અને કાણેકર પરસ્પર ઘણાં નિકટ હતાં. એ કાણેકરબોસની ફેવરિટ હતી એટલે સોનાલી એને ના ન પાડી શકી. રીટાએ હસીને ‘થેન્ક યુ’ કહ્યું કે પર્સ હલાવતી જતી રહી. સોનાલી કોમ્પ્યુટર સામે જોતી કામમાં એવી પરોવાઈ ગઈ કે ઓફિસમાંથી એક પછી એક સૌ ક્યારે ચાલ્યા ગયા એની પણ એને ખબર ન રહી. સમય પસાર થતો રહ્યો.

અચાનક આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યાં ને ખાસ્સું અંધારું થઈ ગયું. વરસાદ કોઈ પણ ક્ષણે તૂટી પડે એમ હતું. કામ પૂરું કરવાની ઉતાવળમાં સોનાલીએ લાઈટની સ્વિચ ઓન કરવાનું ટાળ્યું. બેલેન્સ મળતું ન હતું. એણે ઊંડો શ્ર્વાસ લીધો ને ઊંચે જોયું તો એ ચોંકી ગઈ. એનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. કાણેકર એની પાસેની ખુરસી પર આવી ક્યારે બેસી ગયો?

નથી મળતું બેલેન્સ? કાણેકર હસ્યો. કોને ખબર કેમ, પણ એનું હાસ્ય સોનાલીને ડરાવી ગયું. એણે જોયું કે હવે ઓફિસમાં એના અને કાણેકર સિવાય બીજું કોઈ નથી. શાંત ઓફિસમાં ખાલી ખુરસીઓ એને ડરાવવા લાગી. એને પોતાની પર ગુસ્સો આવ્યો. રીટાનું કામ કરવાની એણે હા પાડવાની જરૂર ન હતી. પોતાની આ સ્થિતિ માટે એ પોતે જ જવાબદાર છે. ઘેરથી ફોન આવ્યો. સોનાલી પોતે જ પોતાને લઈને ચિંતિત હતી તો પણ એણે કિશોરભાઈને કહ્યું કે એ ચિંતા ન કરે.

વરસાદ વરસવો શરૂ થયો. પહેલાં ધીમી ધારે ને પછી ધોધમાર. વીજળી પણ ઝબૂકવા લાગી. એક ભયંકર મેઘગર્જના થઈ. સોનાલી ધૂ્રજી ઊઠી. હવે એ ઘેર કેમ પહોંચશે?

લાવ હું તમે મદદ કરું… કાણેકરે કહ્યું; હું તમારા માટે જ રોકાયો છું.

સહેજ આનાકાની કરી પછી સોનાલીએ નમતું જોખી દીધું. કાણેકરે થોડી જ મિનિટોમાં બેલેન્સ મેળવી દીધું. એક એન્ટ્રીમાં ભૂલ થતી હતી. સોનાલીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યુ: થેન્ક યુ. તમે ન હોત તો…

કાણેકરે એને અટકાવીને કહ્યું: આપણે એકબીજાનું કામ નહિ કરીએ તો બીજું કોણ કરશે?

લાઈટો ગઈ ને ચોમેર ઘોર અંધારું થઈ ગયું. નાના ગામમાં આ તકલીફ છે. વરસાદના બે ટીપાં પડે ને લાઈટ જાય. વીજળી અંધકારને ચીરતી વધુ તીવ્રતાથી ઝબૂકતી હતી ત્યારે બંને ક્ષણવાર માટે પરસ્પરના ચહેરા જોઈ શકતા હતા. અચાનક કાણેકર સોનાલીની સાવ નજીક આવ્યો ને અજવાળામાં એ જે નહોતો કહી શકતો તે એણે અંધારામાં કહી દીધું: સોનાલી, તું ઓફિસમાં આવી ત્યારથી હું તારા પ્રેમમાં પડી ગયો છું. આઈ વોન્ટ ટુ મેરી યુ..

પણ..પણ.. મારી સગાઈ થઈ ગઈ છે..

સો વોટ? સગાઈ જ થઈ છે ને. લગ્ન ક્યા થયાં છે? ના પાડી દે એ છોકરાને…
નહિ, એ શક્ય નથી..

અચ્છા એ શક્ય ન હોય તો બીજું ઘણું શક્ય છે….. કાણેકરે સોનાનો હાથ પકડ્યો, તું રીટાની ફ્રેન્ડ છે પણ રીટા પાસેથી કશું શીખી નહિ..

વીજળીનો તેજલિસોટો ખુલ્લી બારીમાંથી અંદર આવી ગયો. સોનાલીને થયું કે વીજળી એના માટે પડી કે શું? એણે કાણેકરના હાથમાંથી પોતાનો હાથ છોડાવી દોટ મૂકી. અંધારામાં માર્ગ કરતી ઓફિસમાંથી બહાર નીકળી ગઈ. પગમાં સ્ટૂલ અથડાયું પણ એની એણે દરકાર ન કરી. પટ્ટાવાળો ટોર્ચ લઈ અંદર આવ્યો, શું થયું મેમ?

કશું નથી થયું…શ્ર્વાસ પર કાબૂ મેળવવા સોનાલીએ કહ્યું અને સડસડાટ નીકળી ગઈ બહાર. પાછળ જોયું પણ નહિ.

આ બનાવ પછી સોનાલી સાવચેત બની ગઈ. એણે નક્કી કર્યું કે હવે એ છૂટવાના સમય પછી રોકાશે નહિ. જરૂર પડશે તો એ સવારે થોડી વહેલી આવશે અથવા રિસેસમાં કામ કરશે. કાણેકર સાથે ઝાઝો સંપર્ક નહિ રાખે. રીટા સાથે પણ કામથી કામ રાખશે. જે કઈ બન્યું તે એ ભૂલી જવા પ્રયત્ન કરશે. છેવટે એણે આ લોકો સાથે રહીને જ એણે કામ કરવાનું છે. પાણીમાં રહી મગર સાથે વેશ રાખવું સારું નહિ. ને એને બે નાની બહેનો છે. વાતને ચૂંથવાથી ઊલટું એને જ નુકસાન જશે.

ફરી એકવાર મોડી સાંજે રીટાએ સોનાલીને કશું કામ સોંપ્યું. એણે સ્પષ્ટ ના પાડી દીધી. શરમમાં હા પાડી મુશ્કેલીમાં મુકાય તે કરતા એ ના પાડી દે તે વધુ સારું. રીટાનું મોં ઊતરી ગયું પણ એ તરફ એણે લક્ષ્ય ન આપ્યું. રીટાનો અહં ઘવાયો. આજકાલની આવેલી આ છોકરી સમજે છે શું?

કાણેકર જાણે કઈ ન બન્યું હોય તેમ સોનાલી સાથે વાત કરવાની તક શોધી લેતો પણ એ ટૂંકો ઉત્તર આપી એને ટાળી દેતી. પણ એકવાર હદ થઈ ગઈ. કાણેકર સોનાલીના ટેબલ સામે આવી ઊભો રહ્યો. એણે પૂછ્યું: તેં મને મારા પ્રશ્ર્નનો જવાબ ન આપ્યો…
ક્યા પ્રશ્ર્નનો?

વરસાદ આવ્યો એ દિવસે મેં તને પૂછ્યો હતો તે પ્રશ્ર્નનો.

સોનાલી સમસમી ગઈ. એનો ચહેરો આક્રોશથી લાલ થઈ ગયો. ગતકડું કરી કાણેકર ચાલ્યો ગયો. જતાંજતાં એણે રીટા સામે ભદ્દું સ્મિત કર્યું. રીટા પણ હસી. સોનાલીએ આ જોયું ને એ ફફડી ગઈ. એણે નોકરીથી હાથ ધોવા પડે એવું તો નહિ બને ને?

થોડા દિવસ પછી કોને ખબર ક્યાંથી ઓફિસમાં વાત વહેતી થઈ કે વરસાદ પડ્યો તે રાત્રે મોડા સુધી સોનાલી કોઈની સાથે ઓફિસમાં હતી. પટ્ટાવાળા વિઠ્ઠલે એને રંગે હાથ પકડી. કોઈએ કહ્યું અમે તો પહેલેથી જ એના શિથિલ ચારિત્ર્ય વિષે જાણતા હતા. કર્ણોપકર્ણ વાત ફેલાતી ગઈ. એમાં મસાલો ઉમેરાતો ગયો અને સૌ સીસકારા લઈ એનો સ્વાદ માણતા રહ્યા. વાતનું વતેસર થતું રહ્યું. લોકો આવી મજાને એમ જલદી જતી કરવા તૈયાર ન હતા. કોઈ સોનાલીને સીધું કઈ કહેતું ન હતું પણ એની પીઠ પાછળ કાદવ ઊડી રહ્યો હતો એનાથી એ અજાણ ન હતી. છતાં પણ એણે એવું જ રાખ્યું કે એ કઈ જાણતી નથી. ઘણીવાર એને થતું કે એ કાદવથી નખશિખ ખરડાઈ ગઈ છે અને ગંધાય છે. લોકો એનાથી દૂર ભાગી રહ્યાં છે એને ચીસ પાડીને કહેવાનું મન થતું હતું કે આ બધું જૂઠ્ઠું છે, ઉપજાવી કાઢેલું છે. પણ તેમ કરતાં એ પોતાને બળપૂર્વક રોકી રાખતી. કોઈ વાતનો ખુલાસો કરવો એનો અર્થ એ કે બધા જે કહે છે તે પોતે સ્વીકારે છે. એણે શા માટે કૈ આ વિષે કઈ બોલવું જોઈએ? છેવટે જે સત્ય છે તે એક દિવસ જરૂર બહાર આવતું હોય છે.

પણ સત્ય બહાર આવે તે પહેલાં વાત ઊડતીઊડતી પ્રતીક પાસે પહોંચી. એને સોનાલી પર વિશ્ર્વાસ હતો. એ માનવા તૈયાર ન હતો કે સોનાલીને અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ હોય પણ વરસાદની રાતે સોનાલી ઓફિસમાં રોકાઈ હતી ને એની સાથે કોઈ પુરુષ હતો એ જાણ્યા પછી પ્રતીક પણ વિચારતો થઈ ગયો કે લોકો આટઆટલું કહે છે તો વાતમાં સાવ જ કઈ ન હોય એવું કેમ બને? ધુમાડો છે તો આગ પણ હોવી જોઈએ.

આ સાચું છે? પ્રતીકે પૂછ્યું.
સોનલી સ્તબ્ધ થઈ ગઈ. એ પ્રતીકના ચહેરા સામે તાકી રહી: પ્રતીક, તું પણ? પરસ્પર વિશ્ર્વાસના આધારે તો આપણે જીવવાનું છે ને તું પણ.. એની આંખોમાં ભીનાશ તગતગવા લાગી. નિરાધાર વાત પર ખુલાસો આપવાનું એને ક્યાં ફાવતું હતું? એટલીસ્ટ, પ્રતીકને એનામાં ભરોસો હોવો જોઈએ. કાલે કોઈ એને એમ કહે કે કોઈ યુવતી સાથે પ્રતીકને અવૈધ સંબંધ છે તો પોતે એ માની લેશે? તે માટે એની પાસે જવાબ માગશે? એ ચૂપચાપ બેસી રહી. પણ ફફડતી રહી કે જેના આધારે એ ટકી રહી છે એ ટેકો પણ ખસી જશે?

તેં મને જવાબ ન આપ્યો. પ્રતીકે જાણે ઊલટતપાસ આદરી.

કાણેકરે પણ એની પાસે પ્રશ્ર્નનો જવાબ માગ્યો હતો ને હવે પ્રતીક પણ એની પાસે જવાબ માગી રહ્યો છે. પ્રશ્ર્ન પૂછવાવાળા અનેક છે ને સોનાલી એક.

શું જવાબ આપું? સોનાલી ઓશિયાળી નજરે પ્રતીકની સામે જોઈ રહી, તારો પ્રશ્ર્ન જવાબ આપવા જેવો હોય તો આપું ને?

પ્રતીકે ચર્ચા લંબાવી નહિ. એને એ અર્થહીન લાગ્યું.

પ્રતીક સાથે આ મુલાકાત સોનાલી માટે અંતિમ બની રહી. પ્રતીકે સગાઈ ફોક કરી નાખી. સગાઈ તૂટી એનું દુ:ખ સોનાલી કદાચ પચાવી જાત પણ એના માટે પ્રતીકે જે કારણ આપ્યું એ અસહ્ય હતું. સગાઈ તૂટી એ જાણીને કેટલાક પોતાને મનગમતો અર્થ તારવશે. જે કાંઈ નથી બન્યું એની પર એ લોકો થપ્પો મારી દેશે ને કહેશે કે એ જરૂર બન્યું હશે. એવું ન હોય તો સગાઈ તૂટે? હવે એણે ડાઘ લઈને એણે જીવવાનું?

સોનાલીને કામ કરવામાં એકાગ્રતા ટકતી ન હતી. આખ્ખું વિશ્ર્વ જાણે એની સામે આંગળી ચીંધી રહ્યું હતું. રસ્તા પર ચાલની ત્યારે પણ એને સતત એવું થયા કરતું કે બધાં એની સામે જુએ છે ને એની વાત કરી રહ્યાં છે. એનાં પપ્પા અને મમ્મીના ચહેરા પર પણ હતાશા વ્યાપી ગઈ હતી. પ્રગટ રીતે કશું ન બન્યું હોય એવી રીતે એ રહેતાં હતાં પણ અંદરથી એ વેરવિખેર થઈ ગયાં હતાં. સોનાલી ખોતરાઈ રહી હતી: પપ્પા-મમ્મી પણ પ્રતીક જેવું વિચારતાં હશે? એમની સ્થિતિ એને અકળાવી રહી હતી. સોનાલી પોતાની અંદર ઊંડી ઊતરતી જતી હતી તેમતેમ એ બહારની દુનિયાથી અલગ થતી જતી હતી. ક્યારેક એને નોકરીમાંથી રાજીનામું આપી ક્યાંક દૂરદૂર ચાલ્યા જવાની ઈચ્છા થઈ આવતી પણ એ પણ ક્યાં શક્ય હતું? તો શું શક્ય હતું?

એક સવારે સોનાલીએ પોતાનું અસ્તિત્વ મિટાવી દીધું. એ દૂરદૂર એવી જગ્યાએ ચાલી ગઈ જ્યાં એની તરફ કોઈ આંગળી ચીંધી શકે તેમ ન હતું. પોલીસે કહ્યું કે આત્મહત્યા છે પણ એ હત્યા હતી ને હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. આવા કેટકેટલા હત્યારા સમાજમાં ખુલ્લા ફરતા હશે? એ કેટકેટલી સોનાલીઓની હત્યા કરતા હશે? ક્યાં સુધી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button