યુદ્ધના મેદાનમાં અર્જુન કેવી રીતે મોહમુક્ત થાય છે ?
દીવાદાંડીની જેમ મહાભારતના અઢારે આઢાર પર્વ પર કઈ રીતે પ્રકાશ પાડે છે ભગવદ્ ગીતા….
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા
કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ- પાંડવ સેના સામસામે હતી. તે સમયે અર્જુનને કૌરવ પક્ષમાં ભીષ્મપિતામહ- દ્રોણાચાર્ય-કૃપાચાર્ય અને એમના પરિવારના લોકોને જોયા ત્યારે અર્જુને ધનુષ -બાણ નીચે રાખી દીધાં ને યુદ્ધમાં ઊતરવાની ના પાડી દીધી હતી..અર્જુને ત્યારે શ્રીકૃષ્ણને કહે છે કે પૂજ્ય ગુરુજનો અને સગાં- સંબંધીઓની હત્યા કરીને લોહીથી ખરડાયેલી ભૂમિ અને રાજ્ય મેળવવાની ખુશી મારે નથી જોઈતી.આના કરતાં ભીખ માગીને જીવન પસાર કરવાનું હું વધુ પસંદ કરીશ.
અર્જુનનો આ વિષાદ જોઈને તે સમયે શ્રીકૃષ્ણે ધર્મ અને કર્મનું દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું હતું. અર્જુનને જે સમજાવે છે- જે બોધ આપે છે એ વખતે શ્રીકૃષ્ણ- અર્જુન વચ્ચે થયેલો સંવાદ એટલે શ્રીમદ્ ભગવદ ગીતા ….
આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી અર્જુનને જીવનની વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે. શ્રીકૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહભંગ થઈ જાય છે. એ મહાભારત યુદ્ધમાં લડવા માટે તૈયાર થઈ જાય છે. ગાંડિવ ધારણ કરીને દુશ્મનોનો નાશ કરી ફર્રી ધર્મની સ્થાપના કરે છે.
કૃષ્ણએ જે દિવસે અર્જુનને આ ઉપદેશ આપ્યો તે દિવસ માર્ગશીર્ષ શુક્લ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી’ પણ કહે છે. (બે દિવસ પછી મોક્ષદા એકાદશી આવે છે.) એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવત ગીતામાં કહ્યું છે કે મહિનામાં માગશર મહિનો હું છું….
શ્રીમદ્ભ ભગવત ગીતા મહાભારતની બરાબર મધ્યમાં આવેલી છે. મહાભારતના પહેલા છ પર્વ: આદિપર્વ-સભાપર્વ-વનપર્વ-વિરાટપર્વ-ઉદ્યોગપર્વ અને ભીષ્મપર્વ છે. એ ભીષ્મપર્વના ૨૫થી ૪૨ અધ્યાયો એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા…એક બાજુ છ પર્વ અને બીજી બાજુ બાર પર્વ. આમ બરાબર વચ્ચે ભગવદ્ ગીતાનું સ્થાન છે. એમ કહી શકાય કે મહાભારતની બરાબર વચ્ચે એટલે કે જાણે એક બાજુ પાંડવોની સાત અક્ષૌહિણી સેના અને બીજી બાજુ કૌરવોની બાર અક્ષૌહિણી સેના હોય અને એની વચ્ચે જાણે કૃષ્ણ- અર્જુનને ગીતા પ્રબોધતા હોય એવો બરાબર દીવાદાંડી જેવો દેખાવ ભગવદ્ ગીતાનો થયો છે. દીવાદાંડીની જેમ આ ગીતા મહાભારતના અઢારે અઢાર પર્વ ઉપર પોતાનો પ્રકાશ પાથરી રહી છે.
ભગવદ્ ગીતા અને રામાયણ એ બંને આપણા રાષ્ટ્રીય મહાકાવ્ય છે. અનાદિકાળથી હજારો વર્ષોથી આ બે મહાકાવ્યનાં જે પાત્ર છે એ ભારતના લોકોનાં જીવન સાથે એટલાં બધાં વણાયેલા છે કે આપણા આદર્શો – પત્ની સીતા જેવી, પુત્ર રામ જેવો, ભાઈ લક્ષ્મણ જેવો… આમ આ બધાં પાત્રો આપણા જીવન સાથે અતૂટ રીતે વણાયેલા છે. હજારો વર્ષો સુધી એ બંને કાવ્ય અમર રહ્યા છે. રામાયણ એક નીતિ કાવ્ય છે,જ્યારે મહાભારત એ એક વ્યાપક સમાજશાસ્ત્ર છે. એક લાખ શ્લોકો એમાં મહર્ષિ વેદ વ્યાસે રચ્યાં છે.અસંખ્ય ચરિત્ર એમાં છે. મહાભારતની એક ખાસિયત એ છે કે, ઈશ્વર સિવાય બધાની મર્યાદા એમાં બતાવી છે. યુધિષ્ઠિર સત્યવાદી હોય તો પણ એની મર્યાદા અને દુર્યોધન ગમે તેટલો દુષ્ટ હોય પણ એના જે સારાં ગુણો છે, એ પણ અહીં દર્શાવામાં આવ્યા છે.
હવે આપણને સહજ સવાલ એ થાય કે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે એનું શું કારણ હતું? આટલા બધા સૈનિકો અને મોટું સૈન્ય જોઈને ગભરાઈ ગયો એટલા માટે એણે યુદ્ધ કરવાની ના પાડી….?
સમગ્ર મહાભારતમાં અર્જુનનું ચરિત્ર જોતાં એવું લાગે છે ખરૂં કે અર્જુન ડરી જાય? વિરાટ ગુપ્તવાસ દરમિયાન જ્યારે ગાયો હાંકી જતા હતા ત્યારે ભીષ્મ, દ્રોણ વગેરેને જેણે એકલા હાથે પાછા હટાવ્યા હતા એવો વીર અર્જુન શું આ સૈન્ય જોઈને ડરી જાય? એ વાત ગળે ઉતરે એવી નથી..તો વળી બીજા કેટલાક એવું કહે છે કે અર્જુનમાં અહિંસાવૃત્તિ પ્રવેશી ગઈ એ દૂર કરવા માટે શ્રીકૃષ્ણએ એને હિંસાવૃત્તિનો બોધ ભગવદ્ ગીતા દ્વારા આપ્યો. જે અર્જુને યુધિષ્ઠિરનું સામ્રાજ્ય સ્થાપવા માટે આટલી બધી તૈયારીઓ કરી. લોકોની સાથે સંધિ કરી એવો અર્જુન શું એ નહોતો જાણતો કે આટલા બધા સૈનિકો મારી સામે છે-મારા સંબંધીઓ સાથે યુદ્ધ કરવું પડશે એને શું ખબર ન હોતી ?! આમ છતાં ઓચિંતા શા માટે અર્જુને ના પાડી?
શ્રી કૃષ્ણ માનસશાસ્ત્રી હતા.શા માટે અર્જુન યુદ્ધ કરવા નથી માગતો, એ એમણે બરાબર પકડી પાડ્યું. એ જાણતા હતા કે અર્જુનનો ઉછેર ક્ષત્રિયના કુળ- ક્ષત્રિય વાતાવરણમાં થયો છે. એની રુચિ -એનું વલણ- એની ક્ષમતા -એનું સામર્થ્ય યુદ્ધ કરવામાં જ છે અને યુદ્ધમાં એકાએક આવી રીતે અહિંસા વૃતિમાં આવી જાય એ અર્જુનને માટે શક્ય જ ન હતું . આ તો સગાં-વહાલાંઓને જોઈને એને મોહ થયો : આ મારા છે અને આ પારકા છે…મારાથી એની સાથે યુદ્ધ ન કરાય…’ એ જાતનો મોહ ઉત્પન્ન થયો હતો..એનામાં સગાંનો મોહ પ્રવેશ્યો છે અને એ મોહને કારણે અર્જુન કહેવા લાગ્યો કે મારે યુદ્ધ નથી કરવું…’ અરે ! કુલધર્મ ખતમ થઈ જશે-લોહીથી ખરડાયેલી ભૂમિ કરતાં ભીખ માંગવી સારી ત્યાંથી લઈને યુદ્ધથી થતી ઘણી ઘણી ખરાબી અને ખાનાખરાબી પર અર્જુને પ્રકાશ પાડ્યો, પણ એ બધું તો એનો પ્રજ્ઞાવાદ હતો….એને દૂર કરવા માટે કૃષ્ણ ભગવાને ગીતા કહી.
એક પ્રશ્ર્ન થાય કે જો શ્રીકૃષ્ણ ખરેખર ભગવાનના અવતાર હોય તો એ અર્જુનના રસ-રુચિ-વલણને ફેરવી ન શકે? ભગવાન ધારે તો લાલ ફૂલના છોડમાં સફેદ ફૂલ પણ ઉગાડી શકે છે? શ્રીકૃષ્ણ જો ભગવાનના અવતાર હોય તો અર્જુનની વૃત્તિ જ એમણે ફેરવી નાખવી જોઈએ, છતાં શ્રીકૃષ્ણએ એવું કેમ ન કર્યું? અર્જુનને બધું બોલવા દીધો ત્યારે અને ઉપદેશ દેવો પડ્યો. આવું બધું કરવાની શી જરૂર પડી? જો શ્રી કૃષ્ણ ત્યારે અર્જુનને કહ્યા વગર સીધી જ વાત કરી દે કે, હા, ચાલ, ચાવી ફેરવીને તારા રસ, રુચિ, વલણ હું બદલાવી નાખું અને એ પ્રમાણે અર્જુનમાં ફેરફાર આવે. જો આમ થાય તો એમાં અર્જુનનો પુરુષાર્થ શું? અર્જુનના ઈચ્છા- સ્વાતંત્ર્યનું શું ?.સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે જ દરેક વ્યક્તિનું ઘડતર થતું હોય છે.એમાં ભગવાન કાંઈ કરતા નથી. ભગવાન ધારે તો કરી શકે.સર્વ સમર્થ છે, પણ ઈચ્છા સ્વાતંત્ર્ય સૌ કોઈને ભગવાને આપ્યું છે. એને અનુસરીને જ સૌએ પોતાનું કામ કરવાનું હોય છે.બધા કહેતા હોય છે કે નસીબમાં હશે તેમ થશે.એમ નહીં, તમારો પુરુષાર્થ તમારે કરવાનો છે. શ્રીકૃષ્ણ પર બધો આધાર રાખવાનો નથી.
છેલ્લે અર્જુન કહે છે કે શ્રીકૃષ્ણ તમે મારી નાડ પકડી છે. એટલે છેલ્લા શ્લોકમાં અર્જુને કહ્યું:
હે અચ્યુત,આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું.હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ. મારો મોહ નાશ પામ્યો છે…’
અર્જુને એમ નથી કહ્યું કે હું બીકણ હતો, હવે નિર્ભય બન્યો છું. અર્જુને છેવટે એમ જ કહ્યું છે કે, હે અચ્યુત! મારો મોહ નષ્ટ થયો છે, અને મને મારા સાચા સ્વરૂપનું ભાન થયું છે. ..
દરેક અવતારની જયંતી ઉજવાય છે. પણ ગીતા એક માત્ર ગ્રંથ છે, જેની જયંતીની ઉજવણી થાય છે..વિશ્ર્વની એકસોથી વધુ ભાષામાં તેનું ભાષાંતર થયું છે. ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે,‘ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ.’
મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા કે હું શ્રીમદ્ ભગવત ગીતાનો અધ્યાય કરતો તો હિંમત મળતી હતી.સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યા ત્યારે ગીતા સાથે રાખેલી.
આમ,માત્ર શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ નહીં, પરંતુ નાત -જાતના સીમાડાને પાર સમગ્ર માનવ સમાજ માટેનો ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા…