ઈન્ટરવલ

દક્ષિણ ભારતની ભાષાઓ વિશે આપણે કેટલા જાગ્રત?

ભાષા-સંસ્કૃતિ-સાહિત્ય- ગીત-નૃત્યો-પહેરવેશ, ઈત્યાદિનો આપણી પાસે હજારો વર્ષ પ્રાચીન અદ્ભુત વારસો છે..
આવો, આ પ્રજાસત્તાક અવસરે એ વૈભવને પણ યાદ કરી લઈએ

ઔર યે મૌસમ હંસીં…- દેવલ શાસ્ત્રી

ભારતીય ભાષાઓ વિશે એક મુદ્દો હંમેશાં ચર્ચાતો રહે છે કે આપણે દક્ષિણ ભારતના પ્રવાસમાં જઈએ તો ત્યાંની સ્થાનિક પ્રજા હિન્દી જાણતી હોવા છતાં હિન્દીમાં જવાબ આપતી નથી, અંગ્રેજી અથવા સ્થાનિક ભાષામાં વાત કરવું વધુ પસંદ કરે છે.

આ વિષય પર ભૂતકાળમાં ઉત્તર ભારતના એક મુખ્ય મંત્રી સાથે પત્ર વ્યવહાર કરતી વખતે દક્ષિણના મુખ્ય મંત્રીએ લખ્યું હતું કે જૂજ સંખ્યામાં હિન્દી અથવા ઉત્તર ભારતીય લોકોને દક્ષિણ ભારતની ભાષા અને સાહિત્યમાં રસ હોય છે…
એ વાત અમુક અંશે સાચી પણ છે કે એ ભાષા વિશે આપણી પાસે લગભગ શૂન્ય જાણકારી છે.

આઝાદી પછી ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અંગે માગ હતી, પણ દક્ષિણના રાજ્યોની ભાષાઓને પણ સન્માન આપવા ‘રાજ્યભાષા’ જેવો શબ્દ આપીને બંધારણમાં લગભગ બધા રાજ્યોની ભાષાનો સ્વીકાર કરવામાં આવ્યો. દેશની કરન્સી પર સત્તર ભાષા સમાવીને દુનિયાને એકતા અને સમાનતાનો આગવો માર્ગ દર્શાવ્યો. કેવળ ભાષાઓની વાત બંધારણ પૂરતી મર્યાદિત નથી , પણ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ભાષાની દૃષ્ટિએ વિવિધતા ધરાવતા દેશોમાં ભારત અગ્રસ્થાન પર છે. રામ- કૃષ્ણ અને શિવના આ દેશમાં અસંખ્ય ભાષાઓ તથા સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં હજારો વર્ષથી અનેરી એકતા ધરાવે છે. શ્રીરામકથા થકી ઉત્તરથી દક્ષિણ ભારતમાં એકતા આવી .એ જ રીતે શ્રીકૃષ્ણ થકી પશ્ર્ચિમથી પૂર્વ સુધી એકસરખું ચૈતન્ય ફેલાયું. અનેકતામાં એકતાનું ઉદાહરણ એટલે ભારતીય ભાષાઓની આગવી ઓળખ.

ભારતીય ભાષાઓ અંગે એવું માનવામાં આવે છે કે ભલે દરેક શબ્દ માટે અલગ અલગ ભાષામાં વિવિધતા હશે, પણ એ બધાનું વ્યાકરણ લગભગ એકસમાન છે. ઊર્દુ – હિન્દીના વ્યાકરણમાં જરા પણ ફર્ક નથી, જે વિશ્ર્વની એકમાત્ર ઘટના કહી શકાય.

કેવળ ભાષાની વિવિધતાનો જ પ્રશ્ર્ન નથી, પણ ભાષાઓનો ઉદ્ભવ- જન્મનો ગાળો પણ અલગ અલગ છે. તમિળ ભાષા લગભગ અઢી હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. એની સરખામણીએ ગુજરાતી કે મલયાલમ જેવી અસંખ્ય ભાષાઓ પાંચસો, સાતસો કે વધુમાં વધુ હજાર વર્ષ જૂની છે. આમ તમિળ જેવી ભાષા અન્ય ભાષાઓ કરતાં દોઢ બે હજાર વર્ષ જૂનો શબ્દભંડોળ ધરાવે છે. તમિળ જેવી ભાષાના આદિકવિ બે હજાર કરતાં વધારે વર્ષ પહેલા સર્જન કરી ગયા જ્યારે ગુજરાતી જેવી ભાષામાં આદિકવિ નરસિંહ મહેતાએ પાંચસો-છસો વર્ષ પહેલાં કવિતાઓ લખી. આમ દરેક ભાષાઓના આદિયુગ, મધ્યયુગ અને આધુનિક યુગની પરિકલ્પના અલગ અલગ છે-વિભિન્ન છે. આ ઉપરાંત ધર્મ- સમાજ- જ્ઞાતિ વત્તા ભૌગોલિક પરિસ્થિતિ જેવા અસંખ્ય પરિબળને કારણે આપણે ત્યાં અસંખ્ય ભાષા અને બોલીઓનું સર્જન થતું જ રહ્યું છે.

એક સમયે સામાન્ય ગુજરાતી માણસ માટે દક્ષિણ ભારતીય ભાષા અને નાગરિક એટલે મદ્રાસી..! ધીમે ધીમે સમજ કેળવાતી ગઇ અને દક્ષિણ ભારત વિશે ઘણી ગેરસમજ દૂર થઇ. જેમ જેમ પરિચય થતા ગયા એમ સમજાયું કે દક્ષિણ ભારતમાં તમિળ – તેલુગુ-મલયાલમ તથા ક્ધનડ જેવી ચાર પ્રમુખ ભાષા છે તથા અન્ય નાની- મોટી ભાષાઓ તો અલગ.

ભાષાની દૃષ્ટિએ વાત કરીએ તો તમિળ ભાષા પાસે અદ્ભુત પૌરાણિક સાહિત્ય છે. એની અસર હેઠળ મધ્ય યુગ તથા આધુનિક યુગમાં પણ શાનદાર સાહિત્ય સર્જાયું છે.

જે રીતે ગુજરાતી ભાષાના વ્યાકરણના ગ્રંથો પ્રારંભમાં લખવામાં આવ્યા એ જ રીતે બાવીસસો ત્રેવીસસો વર્ષ અગાઉ તોલકાપ્પિયનાર નામના કવિએ ‘તોલકાપ્પિયમ્’ નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો, જેણે તમિળ ભાષાના સંવર્ધન અને વિકાસમાં અદ્વિતીય ભાગ ભજવ્યો. પ્રકૃતિ-પ્રેમ અને સૌંદર્ય સાહિત્ય લખાયું જે ‘અહમ્’ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે, રાજવીઓ અને યુદ્ધની કથાઓ તથા એમની વાતોને ‘પુરમ્’ કહેવામાં આવે છે. તમિળ સાહિત્યમાં પ્રારંભથી ‘અહમ્’ અને ‘પુરમ્’ નો સમન્વય થયેલો છે.

તમિળ મહાકવિ તિરુવલ્લુવરનું ‘તિરુક કુરલ’ ત્રણ ભાગમાં લખાયેલું છે, પહેલા ભાગમાં ધર્મ અંગે નિયમો વિશે વાત કરવામાં આવી છે. બીજા ભાગમાં સત્તા, સંપત્તિ તથા ર્ફાજકારણ પર છણાવટ કરવામાં આવી છે તો ત્રીજા ભાગમાં પ્રેમની વાતો આલેખવામાં આવી છે, જેના દુનિયાભરની ભાષાઓમાં ભાષાંતર થયા છે. આ ગ્રંથ એટલા માટે અનન્ય છે કે તે આજે પણ આધુનિક વિચાર ધરાવતો ગ્રંથ લાગે. એ યુગમાં માણસ જન્મથી સમાન જ હોય છે, જે માણસ પાસે પવિત્રતા અને સહજતા નથી એ ધર્મની વાત કરે ત્યારે એ દંભ બની જાય છે.

મહાત્મા ગાંધી સહિત અસંખ્ય દેશ -વિદેશની મહાન વ્યક્તિઓએ પોતાના જીવનમાં આ ગ્રંથોના આદર્શનો સ્વીકાર કર્યો છે. પૌરાણિક ગ્રંથોમાં દારૂબંધી અંગે ખાસ ઉલ્લેખ મળતા નથી, પણ બે હજાર વર્ષ અગાઉ લખાયેલા આ ગ્રંથમાં દારૂના વ્યસનથી સમાજને જાગ્રત કરવામાં આવ્યો હતો.

બીજી તરફ્, ઇલંગો અડિગલ જેવા સાધુ થયેલા ચેર રાજકુમારે ‘શિપ્પદિકારમ્’ જેવો પવિત્ર ગ્રંથ આપ્યો. આ ગ્રંથના દેવી ‘ક્ધનગી’ અર્થાત શક્તિનું પગમાં સોનાની ઝાંઝર પહેરવાથી દેવી તરીકે પૂજન થતાં નારીઓએ સોનાના ઝાંઝર ત્યાગી ચાંદીના પહેરવાના શરૂ કર્યા. આ કથાની અસર સમગ્ર ભારતીય ઉપખંડમાં પડી છે. આ ક્ધનગી દેવીને બીજી ઘણી લોકકથાઓ પણ તમિળ સાહિત્યમાં છે. તમિળ ભાષામાં જૈન ધર્મ પર સાહિત્ય લખાયું છે. પેરુમકથૈ- જીવક ચિન્તામણિ અને બે હજાર કરતાં વધારે છંદ સાથે ચુલામણિ, વલૈયાપતિ, કુંડલકેશી જેવા જૈન ગ્રંથો પર તમિળ સિવાયની ભાષાઓમાં પણ ઘણું લખાયું છે.

તમિળ ભાષાની વાત હોય અને ‘કંબન રામાયણ’નો ઉલ્લેખ રહી જાય એ કેમ ચાલે? વાલ્મીકિ રામાયણ જેટલું મહત્ત્વ કંબન રામાયણ ધરાવે છે. શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ પર તમિળ ભાષામાં અવ્વલ દરજજાનું કાર્ય થયું છે.

તેલુગુ ભાષા પણ ભારતીય ઉપખંડની અદ્વિતીય ભાષા છે. ગુજરાતી- મરાઠી ભાષાના ઉદય સાથે તેલુગુ ભાષા જન્મી હતી. તેલુગુમાં લખાયેલી રંગનાથ રામાયણનો આગવો ફાળો છે. રંગનાથ રામાયણ કૃતિ આધારિત અસંખ્ય કાવ્ય, લખાણો અને નાટકો લખાયા છે. ભાસ્કર રામાયણમાં અરણ્યકાંડ અનુપમ રીતે લખાયો છે. તેલુગુ કરતાં એકાદ સદી પહેલાં ક્ધનડ ભાષા જન્મી હોવાનું કહે છે. જો કે ઘણા વિદ્વાનોના મતે ક્ધનડ ભાષા બે હજાર વર્ષ જૂની ભાષા છે. ક્ધનડ ભાષાના પ્રારંભના સમયથી જૈન સાહિત્ય મળ્યું છે. પંપ નામના કવિવરે જૈન અને સનાતન પર સાહિત્ય સર્જન કર્યું હતું. બારમી શતાબ્દીમાં વિદેશીઓના આક્રમક સમયે લોકોનો આત્મવિશ્ર્વાસ ઘટવા લાગ્યો હતો ત્યારે મહાન બસવેશ્ર્વર દ્વારા વીરશૈવવાદનો પ્રારંભ થયો અને પ્રજાને દુશ્મનનો સામનો કરવા એક કરી હતી. માધવાચાર્યએ અદ્વૈતથી દ્વૈતની વાત કરીને શ્રીકૃષ્ણ ભક્તિ પરંપરાનો વિકાસ કર્યો.

હા, દક્ષિણ ભારતની વાત થતી હોય ત્યારે મલયાલમ ભાષા કેમ ભૂલાય ? મલયાલમમાં મલય એટલે પર્વત અને આલમ એટલે સમુદ્ર… સરળ અર્થમાં પર્વતો સાથે સમુદ્રવિસ્તાર. મલયાલમમાં રામચરિત સૌથી જૂનું સાહિત્ય છે. શંકરાચાર્યના પ્રભાવ હેઠળ મલયાલમમાં ધર્મ આધારિત ઘણું સાહિત્યસર્જન થયું. શૈવ, વૈષ્ણવ સાહિત્ય સાથે શૃંગારિક સાહિત્યમાં મલયાલમ ભાષાનું આગવું પ્રદાન છે. દક્ષિણ ભારતમાં ફક્ત ચાર જ ભાષા છે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. મુખ્ય ચાર ભાષા ઉપરાંત બીજી દશથી પંદર નાની -મોટી ભાષા છે. સ્વાભાવિક છે કે દરેક રાજ્ય પાસે પર્વતો, જંગલ, વિશાળ દરિયા કિનારા, પૌરાણિક ઇતિહાસ, સપાટ જમીન વિસ્તાર હોય તો અલગ અલગ કલ્ચર- સંસ્કૃતિ પણ હોવાની… આ દરેક પાસે આગવી માન્યતાઓ તથા અલાયદી સ્થાનિક સંસ્કૃતિ પણ હોય જ. આપણે તો દરિયામાંથી ફક્ત એકાદ ચમચી જેટલું આચમનીમાં પાણી લઇ રહ્યા છીએ. અહીં આ લખવાનો હેતુ એટલો જ છે કે વિશાળ દેશ પાસે અસંખ્ય ભાષા-સંસ્કૃતિ- પહેરવેશ- નૃત્યો- સાહિત્ય- માન્યતા- વનસંપદા- ધનસંપદા સહિત બીજી અસંખ્ય વિવિધતા છે, છતાં આઠ દાયકાથી એક થઈને બેઠા છીએ… પ્રજાસત્તાક દિવસે આ વૈભવને ફરી યાદ કરીએ અને દેશની એકતા જાળવવામાં આગવું યોગદાન આપીએ.
ધ ઍન્ડ :

આગવી ભાષાની સમૃદ્ધિ ધરાવતા તમિળમાં રામનામની સુંદર કલ્પના લખવામાં આવી હતી. રામમાં ‘ર’ એટલે અગ્નિ, ‘અ’ એટલે સૂર્ય અને ‘મ’ એટલે ચંદ્ર….. આમ રામ એ જ બ્રહ્મ છે !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button