રંગીલા રાજકોટનો ઈતિહાસ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો રાજકોટની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન.
કાઠિયાવાડનું પાટનગર અને રંગીલું શહેર એટલે રાજકોટ, જે આજે મેગા સિટીની રેસમાં દોડી રહ્યું છે. વધતા જતા હાઈરાઈઝ બિલ્ડિંગો અને મોલ કલ્ચરે રંગીલા રાજકોટને આગવી ઓળખ આપી છે. અહીંના માનવી મેચ્યોરિટીવાળા છે. તેની લાઈફસ્ટાઈલ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. તેની અમીટ છાપ માનસપાટ પર તેજલિસોટા પાડે છે…! તો ધંધાદારીઓ બપોરે દુકાનો બંધ રાખી વામકુક્ષી પણ કરે છે…! જોકે હવે આવું નહીંવત છે. સૌરાષ્ટ્રનો ધબકાર ઝીલતું સિટી છે. રાજકોટના ઈતિહાસ પર દૃષ્ટિ કરીએ તો રાજકોટ શહેરની રાજગાદી સૌ પહેલા સરધાર હતી…! રાજકોટના રાજા અહીં આવ્યા અને ટીમ્બા પર ‘કોટ’ બનાવ્યો જેના પરથી રાજ-કોટ શહેરનું નામ પડ્યું હશે…! સૌ પહેલા રાજકોટની સ્થાપના રાજકોટના રાજવી પરિવારે કોઠી કમ્પાઉન્ડમાં કરી હતી.
સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા ૨૨૨ રજવાડા હતા. બ્રિટિશરોએ ૧૮૨૦માં પોતાની કોઠી સ્થાપી જે હાલમાં કોઠી કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે. લાખાજીરાજ બાપુએ રાજકોટમાં સૌ પ્રથમ ટ્રામ શરૂ થયેલી તે ટ્રામ બેડીગામ સુધી ટ્રામ સેવા ચાલુ હતી…! હાલ જૂની ખડપીઠ છે ત્યાં ટ્રામનું રેલવે સ્ટેશન પણ હતું. તેની ટિકિટ બે આના હતી…! રાજકોટ બે વિભાગમાં વહેચાયેલું હતું. રાજકોટમાં ટોટલ સાત પ્રવેશદ્વાર હતા. જેમાં રામનાથ પરા પાસે સરધાર નાકું, ગામની અંદર રૈયા નાકું, આગળ જતાં પાણી ગેઈટ અને પછી કોઠારીયા નાકું આવતું. આ સાતેય નાકામાં મોટા અણીદાર સોયાવાળા દરવાજા હતા જે નગરની સુરક્ષા કવચ માટે બનાવામાં આવ્યા હતા.
રાજકોટમાં ૧૪ મોટા અને ૧૭ નાના મળી કુલ ૩૧ રાજાએ જમીન ખરીદીને ખાસ ભવ્યતાતિભવ્ય ઉતારાઓ પોતાના માટે બનાવડાવ્યા હતા. જેમાં મુખ્યત્વે જૂનાગઢના ત્રણ ઉતારા, જામનગર, ભાવનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, મોરબી ગોંડલ, પાલીતાણા, ઘ્રોલ, લીંબડી, માંગરોળ, વઢવાણ, ધરમપુરના બે ઉતારા, વાંકાનેર, સાયલા, થાણાદેવડી (અમરનગર) ખીરસરા, વીરપુર, મેંગણી હાઉસ, સાંગણવા હાઉસ, લોધીકા, પારડી, મુળી, માળીયા, માણાવદર, લાઠી, સરદારગઢ, ઢાંક, ઢોલરા, બીલખા અને જેતપુરના ઉતારાઓનો સમાવેશ થતો હતો. જ્યુબેલી બાગમાં આવેલ અરવિંદભાઈ મણીઆર હોલ જે પહેલા કોનોટ હોલથી ઓળખાતો અને ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી તેમાં વિધાનસભા બેસતી…! રાજકોટમાં જુદા જુદા વિસ્તારો અલગ અલગ નામે ઓળખાય છે. ભૂતખાના ચોક રાજકોટમાં આવેલ છે. લોકો પહેલા એવું માનતા કે અહીં ભૂત રહેતું તેવા ભૂતખાના ચોકમાં ભવ્ય ઈમારત આવેલ છે તે મેસોનિક હોલવાળા બિલ્ડિંગનું નિર્માણ ૧૯૦૬માં કરવામાં આવેલ. મેસોનિક ક્લબમાં રાત્રે મીણબત્તી જલાવતા જેથી રાત્રીના નીકળતા રાહદારીઓ બી જતા ને અહીં ભૂત થાય છે તેવું માનતા. આથી તેની બાજુના ચોકને ભૂતખાના ચોક તરીકે ઓળખાય છે. આ રાજકોટ આજે રંગીલું સિટી વિકસીત બનતું જાય છે. તેમાં તાજેતરમાં બસ ડેપો આ રસ્તા પર અત્યાધુનિક સુવિધાને ભવ્ય લેટેસ્ટ બસ સ્ટેન્ડ કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવું બસ સ્ટેન્ડ પણ સુંદરતમ છે. આથી રાજકોટમાં પ્રાચીન તેમજ અર્વાચીન સ્થાપત્યો આજે પણ રંગીલા રાજકોટની આન, બાન, શાન છે.