પાંચાળ પ્રદેશ થાનગઢનું વાસુકિ નાગદેવતાનું ઐતિહાસિક મંદિર…
તસવીરની આરપાર -ભાટી એન.
પાંચાળની ભૂમિને પવિત્ર ગણવામાં આવી છે. જેમાં મુખ્ય સ્થાન એટલે આજનું ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવેલ છે. તે થાનગઢ સ્થાન પુરાણ (થાન પુરાણ) માં આ ભૂમિનો સૂર્ય તેમ જ સૂર્યભૂમિ તરીકે ઉલ્લેખ છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પથ્થરાળ ડુંગરો આવેલ છે. જેને ઠાંગાનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પાંડવોની ભૂમિનો જે વિસ્તાર આજે પાંચાળ વિસ્તાર એક કાળે અહીં દહીં દૂધની રેલમછેલ હતી…! પશુઓ તથા પશુપાલકોના પિયર જેવા પાંચાળમાં આવેલ પૂર્વાભિમુખ કમળ તળાવના સુંદર તટે થાનગઢનું નાનું તળાવ તેને અડીને ૮૦૦ વર્ષ જૂના ખૂબ જ ઘટાટોપ રણનું ખખડધજ ખાસું ઊંચું અને થડને જોઇને કોઇ ચમત્કારી જગ્યાનો અહેસાસ થાય તેની નીચે શ્રીવાસુકિ નાગદેવતાનું વિખ્યાત મંદિર આવેલું છે. જેનો પુરાણા ઇતિહાસ મુજબ કાળુસિંહજી જયારે સૌરાષ્ટ્રની યાત્રા પ્રવાસે નીકળેલા ત્યારે ચાંદીના કરંડિયામાં વાસુકી નાગ દેવતાને સાથે લાવેલ ત્યારે વાસુકિ દાદાએ જણાવેલ કે જોતું આ કરંડિયો જે જગ્યાએ મૂકીશ ત્યાં તારે મારી સ્થાપના કરવી પડશે. સૌરાષ્ટ્રમાં જામ લશ્કર સાથે યુદ્ધ કર્યું, ત્યારે વાસુકિદાદાએ કાળુસિંહજીને પ્રત્યક્ષ સહાય કરેલ યુદ્ધ પૂરું થયા બાદ થાનગઢમાં એક સ્થળે કરંડિયો જમીન પર મૂકી દીધો. વાસુકિ દાદાના વચન મુજબ કાળુસિંહે વિશાળ મંદિર બંધાવ્યા બાદ વાસુકિદાદાની સ્થાપના કરી “શેષ અને સૂરજ બેઉં સમોવડ વદીએ એકે ધરતી શિર ધરી, બીજા ઉગ્યે વાણા વાય.
પુરાણ ગ્રંથોમાં સાર દેવો અને દાનવોએ અમૃત મંથન માટે મેરુ પર્વતનો રવૈયો કર્યો તેમ જ વાસુકિ નાગનું નેતરું કરવામાં આવેલ જે કથા ખૂબ જ પ્રચલિત છે. નાગ એ વિષ્ણુ સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાનના જેટલા અવતારો થયા તેની સાથે નાગદેવતાની કોઇ શક્તિઓનું મહત્ત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાનના મુખ્ય બે અવતાર પ્રચલિત છે. મોટા ભાઇ બલરામ શેષ નાગનો અવતાર હતા. શ્રીમદ્ ભગવત ગીતામાં અર્જુનને એમ કહેતા દેખાડયા છે કે ધનજંય સર્પોમા હું વાસુકી નાગોમાં હું શેષ નાગ છું. આમ ભારત ખંડમાં નાગ પૂજા ખૂબ પ્રચલિત છે. પ્રાચીન સમયથી આ પ્રણાલી ચાલી આવી છે. ગુજરાતમાં થાનગઢનું શ્રી વાસુકિ મંદિર અતિ પ્રાચીન છે.
વાસુકિ દાદા ધન-ધાન્ય સંતાન સંપતિના દાતા ગણાય છે. થાનગઢમાં જો કોઇ દાદા હોય તો તે ફકત વાસુકિ દાદા છે…! આ મંદિર પર્યાવરણની દૃષ્ટિએ સારું છે. ગામની પાદરની બાજુમાં છે. તેને અડી વિશાળ તળાવ આવેલ છે. બાજુમાં પ્રાચીન વાવ મંદિરને ફરતા ઘટાટોપ વૃક્ષો આંબલી, રણનાં વૃક્ષો છે. આખો દિવસ વૃક્ષની શિતળ છાયડી રહે છે અને પક્ષીઓનું કલરવથી નેચરલ નયનરમ્ય સ્થળ લાગે છે. અઢારે વરણ જેને અપાર શ્રદ્ધાથી મસ્તક નમાવે છે તેવા નાગદાદાના દર્શન કરી દુ:ખડા દૂર થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ ઐતિહાસિક સિટી છે. વાસુકિ મંદિરની બાજુમાં સમાધીઓ છે અને પાળિયા પણ છે. શ્રીચંદ્રમૌલીશ્ર્વર મહાદેવ, હનુમાનજી, અંબાજી, વિશ્ર્વકર્મા દાદા અને સુંદર મજાની નાગણેચી માતાજીની મૂર્તિવાળું મંદિર છે. ચોકમાં શીતળા માતાજી છે. આમ થાનગઢના હૃદયસમા વિસ્તારમાં આવેલ વાસુકિ સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન થાય છે. તેમ જ સમયાંતરે ધાર્મિક કાર્યક્રમો ચાલતા હોય છે. તો એકવાર થાનગઢ વાસુકિ દાદાના દર્શન કરવા જરૂર પધારો. જય વાસુકિ દાદા. ‘માતા તારી નાગણી પિતા શંકર દેવ, નઝર ભરીને નીરખ્યો નવકુળનો ભાણેજ.