પ્રાસંગિક: ટ્રમ્પને લીધે ફરી `હિન્દી-ચીની ભાઈ ભાઈ’!

- અમૂલ દવે
જીયો પોલિટિક્સમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન હોતું નથી. ભારત પર હાલમાં તો એવી પનોતી બેઠી છે કે તેની ડિપ્લોમસીની દરરોજ અગ્નિપરીક્ષા થાય છે. હાલમાં ભારતની સ્થિતિ એવી છે કે એક બાજુ ખડક અને બીજી બાજુ ઊંડા પાણી છે. અમેરિકા અને ચીનના શિંગડા વચ્ચે ભારત ફસાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એવું વાંકુ પડ્યું છે કે એ મોદીનું અપમાન કરવાનો કોઈ મોકો જતા કરતા નથી. ટ્રમ્પે પચાસ ટકા ટૅરિફ લગાડી દીધી છે. ભારત અને અમેરિકા વચ્ચેની વેપારતુલામાં ભારત પ્લસમાં હતું. અમેરિકાને સ્માર્ટફોન, દવા, હીરા તથા સવિર્સ સેક્ટરમાં ભારત નિકાસ કરે છે. હવે ભારત માટે અમેરિકામાં નિકાસ કરવી લગભગ અશક્ય બની ગઈ છે. ટ્રમ્પ જાણીબુઝીને ભારતને નીચા પાડવા પાકિસ્તાનને ખોળે બેસાડી રહ્યું છે.
બીજી બાજુ, વિસ્તારવાદી ચીન છે. મોદીને પ્રતીતિ થઈ ગઈ છે કે ટ્રમ્પ જેવા મિત્ર હોય તો દુશ્મનની શી જરૂર? મોદી અમેરિકાની ટૅરિફથી થનારા નુકસાનને સરભર કરવા ચીન તરફ ઢળી રહ્યા છે.
હાલમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારતની મુલાકાતે આવી ગયા.. હવે મોદી મહિનાના અંતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની સમિટમાં ભાગ લેવા જવાના છે. 2018 પછી મોદી પહેલી વાર ચીનની મુલાકાતે જઈ રહ્યા છે ચીન જરા પણ વિશ્વાસ પાત્ર નથી. વેપારતુલામાં પણ ચીનનો હાથ ઘણો ઉપર છે. તાજેતરના
ઓપરેશન સિંદૂર’ માં ચીને પાકિસ્તાનને સાથ આપ્યો હતો. ભારતીય લશ્કર જનરલના કહેવા મુજબ ભારત પાકિસ્તાન નહીં પરંતુ ચીન સામે લડી રહ્યુ હતું. ચીને પાકિસ્તાનને ઉપગ્રહના ઈનપુટ, હથિયારો અને રણનીતિ એમ દરેકમાં મદદ કરી હતી.
આ પણ વાંચો: પ્રાસંગિક: રશિયા- યુક્રેન યુદ્ધ બંધ થવાનું આશાનું કિરણ જાગ્યું…
હવે ભારત એવી લાચાર અને નિસહાય સ્થિતિમાં મુકાઈ ગયું છે કે તેને અવિશ્વસનીય અને વિસ્તારવાદી ચીનને મસ્કા મારવા પડે છે. ટ્રમ્પને લીધે `હિન્દી-ચીની ભાઈ ભાઈ’નો નારો ફરી બુલંદ થઈ રહ્યો છે.
ચીન સાથે વેપાર વધારવાથી ભારતને ક્યો લાભ થશે.? ભારત અને ચીન બન્ને ખનીજ તેલના મામલામાં પરાવલંબી છે. ભારત અને ચીન વિદેશી રોકાણકારોને સસ્તા લેબરની લાલચ આપે છે. ચીન પ્રોડકશનમાં અવ્વલ નંબરે પહોંચી ગયું છે. માસ પ્રોડકશનને લીધે ચીન જેટલો સસ્તો માલ કોઈ આપી શકતું નથી. ચીને તો ભારતને રેર અર્થ મેટલ, ટનલ બોરિગ મશીન અને ખાતર આપવાનું બંધ કરી દીધું હતું. ચીનના વિદેશ પ્રધાન વાંગની મુલાકાત બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત ભારત તરફથી કરવામાં આવે છે, પરંતુ ચીને હજુ સત્તાવાર જાહેરાત કરી નથી!
ચીન સાથે વેપાર કરવામાં મોટો ભય ડમ્પિંગનો છે. ચીન તેના માલ ડમ્પિંગ કરીને ભારતના ઉદ્યોગોને ખતમ કરી શકે. ચીન સાથેના વેપારમાં ભારતે હંમેશાં એ ભૂલ કરી હતી કે તેને ભારતમાં ઉત્પાદનની પરવાનગી આપી નહોતી. ચીને અમેરિકાની મોટી કંપનીઓને ચીનમાં ઉત્પાદન કરવાનું આમંત્રણ આપીને તેની ટેકનોલોજી હસ્તગત કરી લીધી હતી. ભારતે વપરાશકારમાંથી ઉત્પાદક બનવું હોય તો તેને ચીનને ભારતમાં ઉત્પાદન કરવાની છૂટ આપવી પડશે.
આ પણ વાંચો: પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…
ભારત ચીન વિરોધી ક્વેડ' અને અમેરિકા વિરોધી
બ્રિક્સ’ બન્નેનું સભ્ય છે. બાઈડન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે પ્રોબ્લેમ નહોતો. ટ્રમ્પે છ મહિના પહેલાં સત્તા સંભાળી ત્યારથી જ બ્રિક્સ' સામેની હલચલ તેજ કરી દીધી. વેપારમાં ડૉલરનો ઉપયોગ બંધ કરવાની
બ્રિક્સ’ની હિલચાલથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા. ભારતે તો અમેરિકાને ખાતરી આપી હતી કે તે આવા પ્રસ્તાવનું સમર્થન નહીં કરે. મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ટ્રમ્પે `બ્રિક્સ’ દેશો પર વધારાની ટેરિફ ઝીંકવાની ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પ એ સમજતા નથી કે અમેરિકા સુપરપાવર છે એની ના નહીં, પરંતુ જગતમાં એ એકલો સુપરપાવર નથી. ટ્રમ્પ રશિયા સાથેના કોલ્ડ વોરને પણ ભૂલી ગયા છે. યુક્રેન સાથે સમાધાન કરવા ટ્રમ્પ હજી પુતિનને મનાવી શક્યા નથી. ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવાનું પુતિન બહાના કાઢીને ટાળી રહ્યા છે.
ભારત અને રશિયાની મૈત્રી ઘણી જૂની છે. ભારતે 1971માં પાકિસ્તાનના દાંત ખાટા કર્યા એમાં રશિયાનો સતત ટેકો કારણભૂત હતો. ભારતે છેલ્લાં થોડાં વર્ષોમાં રશિયાથી અંતર રાખીને અમેરિકા તરફ વધુ ઢળ્યું હતું.હવે ટ્રમ્પને લીધે ભારતને તેના સમીકરણો ફરી બદલવા પડ્યા છે.. ભારત રશિયાની વધારે નિકટ આવે એની પાસેથી હથિયારો અને તેલ ખરીદે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રશિયા આપણને તેલ ડિસ્કાઉન્ટમાં આપે છે… રશિયા પાસેથી શસ્ત્રો લેવા પણ લાભદાયક છે, કારણ કે રશિયા 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા પણ તૈયાર છે. રશિયા પાસે અમેરિકા કરતાં પણ ઘાતક અને જીવલેણ હથિયારો છે. જોકે ચીનની વાત અલગ છે. સિનારિયો એવો છે કે મોદીને જવું હતું યુએસ, પહોંચી ગયા ચીન!
ચીન સામે તો અમેરિકાએ સરેન્ડર કરી નાખ્યું છે. ચીન તો ભારત કરતાં પણ વધારે પેટ્રોલ રશિયા પાસેથી ખરીદે છે એટલું જ નહીં, પરંતુ રશિયાને યુદ્ધમાં બધી રીતે ટેકો આપે છે. ચીનની મદદને લીધે જ રશિયા આજે વિજેતા બની શક્યું છે. ચીનને તો ટ્રમ્પે ત્રણ મહિનાની રાહત આપી છે. અમેરિકાને ખબર છે કે સેમિક્નડક્ટર અને રેર અર્થ એલિમેન્ટમાં ચીનની મોનોપોલી છે અને ચીન પર ટૅરિફ લગાડવાનો અર્થ પોતાના પગ પર કુહાડી મારવી જેવો હશે.
આ પણ વાંચો: પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાના કહેવાથી ચીને હોર્મુઝ સામુદ્રધુની બંધ ન કરવા ઈરાનને સમજાવ્યું હતું. આથી જ અમેરિકાએ ચીનને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. ટ્રમ્પમાં એટલી તાકાત નથી કે ચીન આગળ પોતાની મનમાની ચલાવી શકે. ચીન સામેનુ ટે્રડવોર અમેરિકાને ભારે પડી શકે એમ છે. ચીનનો સસ્તો માલ અમેરિકાને ન મળે તો અમેરિકામાં ફુગાવો વધી જાય અને મોંઘવારીની બૂમરાણ મચી જશે.
બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એટલા વણસી ગયા છે કે ભારતની તરફેણ કરનાર ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોલ્ટોનને ત્યાં ટ્રમ્પે દરોડા પડાવ્યા છે. અમેરિકાની સરકારના પ્રધાનો ભારત વિરોધી નિવેદન આપી રહ્યા છે. ભારતે અમેરિકા સાથે હથિયારો ખરીદવાનું મોકૂફ રાખી દીધું છે.
હવે આપણે ચીન સાથેના સંબંધો વિસ્તારતા પહેલાં સાવાચેતી રાખવાની જરૂર છે. ચીનના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા બાદ તરત જ પાકિસ્તાન ગયા. ભારત અત્યાર સુધી ચીન સાથે વેપારનું વિસ્તરણ કરતા પહેલાં સીમા વિવાદ નિવેડો લાવવાની વાત કરતું હતું, પરંતુ હવે ભારતે આ વાતને કોરે મૂકી દીધી છે. ચીન અને ભારતે વેપાર સામેની અડચણો દૂર કરવાનું નક્કી કર્યું છે. વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતા બે દેશ અનેક વેપારના રૂટ શરૂ કરશે. માલ સમુદ્ર વાટે નહીં, પરંતુ બોર્ડર વાટે મોકલવામાં આવશે. નવી દિલ્હી અને બીજિંગ બે દેશ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા સંમત થયા છે. વાંગને મળ્યા બાદ મોદીએ લખે છે કે ભારત અને ચીન વચ્ચેના સ્થિર અને સકારાત્મક સંબંધ વિશ્વ શાંતિમાં પણ યોગદાન આપશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કહે છે કે શાંતિ અને એખલાસનુ નવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા થોડાં વર્ષની તંગદિલી આપણા હિતમાં નહોતી.સરહદ વિવાદ અંગે પણ વાતચીત થઈ છે.
આ પણ વાંચો: પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !
જો કે, મોદીએ ચીન સાથેની મંત્રણામાં સાવધાન રહેવું પડશે. ચીને નેપાળ, શ્રીલંકા, ભુતાન, મ્યાનમાર, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વગેરે દેશોને પોતાના પક્ષમાં લઈને ભારતને ચોમેરથી ઘેરી લીધું છે. ભારતે 2020માં ગલવાન સરહદે 20 જવાનની શહાદત ન ભૂલવી જોઈએ. ભારતે એ પણ ન ભૂલવુ જોઈએ કે વેપારમાં તે 100 અબજ ડૉલરની ખાધ ધરાવે છે. ચીન આપણા અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે. તેની નજર લદાખ અને સિક્કિમ પર પણ છે. 2020ની અથડામણ બાદ ભારતને ચીની સરહદ પર એક લાખ જવાનો તહેનાત કરવા પડ્યા છે જેનો ભારતને દર વર્ષે 10 અબજનો ખર્ચ આવે છે. અમેરિકા ભારતની પ્રગતિ જોઈને આનંદિત થાય છે. તે માનતું કે ચીન સામે એક મજબૂત હરીફ ઊભો થાય છે.
બીજી બાજુ ચીનને ભારત આગળ આવે એ જરા પણ ગમતું નથી. ચીન ભારત પ્રત્યેના આદર કે ભય ધરાવતો નથી. ચીને ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિમાં આવવા દીધું નથી. ચીને ભારતની ન્યુક્લિયર સપ્લાઈર ગ્રૂપમાંની એન્ટ્રી રોકી નાખી છે.
ભારતે અમેરિકા અને ચીન વચ્ચે હેજિંગ કરવું પડશે. વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને તકવાદ અપનાવવો એ છટકું હશે. આશા છે કે મોદી ઈતિહાસમાંથી પાઠ શીખશે અને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ 1962માં કરેલી ભૂલ નહીં દોહરાવે.