ઈન્ટરવલ

ચૂંટણી ટિકિટની હાયવોયની આડ-અસરના આટાપાટા

વ્યંગ -ભરત વૈષ્ણવ

ચૂંટણી એટલે ચૂંટણી.પછી ભલે, ગ્રામ પંચાયતની હોય કે લોકસભાની હોય.ચૂંટણીને ટેકન ફોર ગ્રાંટેડ ગણવી નહીં. એટલે આપણે ચંદીગઢના મેયરની ચૂંટણીને પણ સાધારણ નહીં, પણ અસાધારણ બનાવેલી. એ ચૂંટણીની નોંધ સુપ્રીમ કોર્ટે લેવી પડી. આ કંઇ લોકશાહીની નાની સિદ્ધિ નથી. એટલે જ ‘ચાણક્ય’ કહી ગયા છે કે ‘ચૂંટણી એ સાધારણ નથી પણ અસાધારણ છે’.
યાર, સામે દલીલ ન કરો.. (જયારે કોઈ જાણીતી વ્યક્તિ ન મળે એ વાત ‘ચાણક્ય’ ના નામે ચઢાવી દેવાનો રાજકારણમાં ટ્રેન્ડ ચાલે છે!)

ચાલો, ઓલ્ડ ચાણક્યે નહીં કહ્યું હોય તો લેટેસ્ટ અને ન્યુએસ્ટ ચાણક્યે કીધું હશે એમ માનીને વાત આગળ વધારીએ…

હાં, તો હાલમાં લોકસભાની ચૂંટણી સૌના દિલોદિમાગ પર હાવી છે. એના પર જ ઘણાનું ભાવિ લટકેલ છે. ચૂંટણીમાં સફળ ન થનારનું ભાવિ વૈતાલની જેમ લટકવાનું છે એમાં મીનમેખ નથી. ચારે બાજુ એક જ ખેલા છે…. મમતાજીની જેમ ‘ખેલા હોબે’!.

જો કે, ચૂંટણીમાં ભાગ લેવા માટે રેલવે કે પ્લેનની ટિકિટ ન ચાલે.જયુડિશિયલ કે નોનજયુડિશિયલ ટિકિટ પણ ન ચાલે. ટોય ટ્રેનની ટિકિટ પણ ન ચાલે.ક્યાંક ફરવા જવું હોય તો ટ્રાવેલ એપ પર જઇને ટિકિટ બુક કરી શકો. મુવી, ક્રિકેટ મેચની ટિકિટ બુક કરી શકો….ઈત્યાદિ -ઈત્યાદિ…..

આખો દેશ ડિજિટલની માળા જપે છે. એ સમયે ચૂંટણી લડવા માટેની ટિકિટ ‘ઓફ લાઇન’ કેમ મળતી નથી તેવો પ્રશ્ર અમારો પ્રાણપ્રિય(પ્રાણ લઇને જાય તેવો પ્રિય!) રાજુ રદી પૂછે છે.

ચૂંટણીનો કારોબાર ઓફલાઇન અને આઉટ ઓફ લાઇન હોય છે. ચૂંટણી લડવી તો દુષ્કર છે, પરંતુ, ચૂંટણી લડવા માટેનું દસ બાર પાનાનું ફોર્મ ચાર સેટમાં ભરવાનું તો કઠિનતમ કામ છે. જે કોલમમાં કંઇ લખવાનું ન હોય ત્યાં લીટો ન મારો તો રિટર્નિંગ ઓફિસર નામનો જલ્લાદ તમારા ફોર્મ અને તમને બંનેને ફાંસીએ ચડાવી દે છે!. ઘણીવાર નજીવી ભૂલને લીધે પાર્ટીએ જેને લડવા મેન્ડેટ આપેલો હોય તે મૂરતિયો લડ્યા વગર લીલા તોરણે ગરબાની માફક ધૂમધામથી પાછો આવે છે. હમણા આસિમ રજા નામના ઉમેદવારનું ફોર્મ ક્ષુલ્લક કારણસર રદ થયું…

ચૂંટણીમાં ટિકિટ મેળવવી એ આકાશના તારા તોડવા કે આકાશમાં પુષ્પો ખીલવવા કરતાં પણ કઠિનતમ સાધના છે. જેટલા સંપર્કો હોય તેનો ઉપયોગ કરવો પડે. ઘણીવાર પક્ષના પ્રેસિડેન્ટ ટિકિટ અપાવવામાં નિષ્ફળ નીવડે ત્યારે પાર્ટીનો ચપરાસી ચપટી વગાડતાં ટિકિટ અપાવી દે!

ચૂંટણીની ટિકિટ ભલભલા સંબંધો બગાડવા માટે કાફી છે. પિતા-પુત્રના સંબંધ ચૂંટણીની ચોપાટમાં દાવ પર લાગે છે. બાપ સિટિંગ એમપી હોય પાર્ટી બાપને હડસેલી દીકરાને ટિકિટ આપી દે. માની ટિકિટ પુત્રની જગ્યાએ પુત્રીને મળે. ચૂંટણીમાં બાપને ટિકિટ મળે અને જુવાનજોધ બેટો ખેતરના ચાડિયાંની જેમ લટકી જાય! યુવાન પુત્ર જયંત સિંહા ચૂંટણી લડવાનો ઇન્કાર કરે પણ યશવંત સિંહા નામના બ્યાંશી વર્ષીય પાપા (બાર વરસના બાપની જેમ) ‘અભી ના જાઓ છોડકે, દિલ અભી ભરા નહીં’ ગીત ગાઇને ખુરશીને રીઝવવા મથતો હોય! બા રિટાયર થાય, પરંતુ પાપા ધરાર રિટાયર ન થાય.

ચૂંટણીમાં પતિ- પત્ની સામસામેની પાર્ટીમાંથી ટિકિટ મેળવે અને બંને ચુનાવમાં હારી જાય એવું બને છે. હાલમાં બિશ્નુપુર સીટ પર સુજાતા અને સૌમિત્ર ખાન (સૌમિત્ર એટલે બધાના મિત્ર. મતલબ અજાતશત્રુ) વાત જાણો. વિધિની વક્રતા એ છે કે સૌમિત્રની પત્ની જ પતિની મિત્ર નથી. અલબત, કોની પત્ની પતિની મિત્ર હોય છે? સૌમિત્ર અને સુજાતા ડિવોર્સી પતિ-પત્ની છે, જે બિશ્નુપુર સીટ પર સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. બેઉ બળિયા બાથે વળગ્યા.હવે જોવાનું રહે છે કે કોણ કોને નાથે છે? કે પછી બંનેને હારનો કડવો ઘૂંટડો પીવો પડે છે. ક્રિકેટની જેમ ચૂંટણી પણ અનિશ્ર્ચિતતાથી ભરેલી છે. છેલ્લા મતની ગણતરી સુધીમાં બાજી અને બાજીગર બંને બદલાઇ જાય છે!

ચૂંટણીમાં સાસુ-વહુ હંમેશની જેમ સામસામે લડતા હોય છે. નણંદ અને ભાભીને એકમેક સાથે ખાસ બનતું નથી. બંનેની ‘તુંતુંમેંમેં’ જીવનમાં ચાલતી હોય છે. મહારાષ્ટ્રની બારામતી સીટ સિટિંગ એમપી સુપ્રિયા સુળે નણંદ છે. એની સામે અજિતદાદા પવારની પત્ની એટલે ભાભી સુનેત્રા પવાર નણંદ સામે ભાગ્ય અજમાવી રહી છે. હવે જોઇએ કે લેડી લક કંઇ લેડીની ફેવર કે અનફેવર કરે છે!

ક્યાંક ‘સસરા-જમાઇ’ ‘આ દેખે જરા કિસમેં કિતના હૈં દમ’ની જેમ સામસામા ટકરાય છે. . સસરા- જમાઇ ‘હમ કિસીસે કમ નહીં ’ની અન- ફ્રેન્ડલી મેચ રમતા હોય છે. સાળા- બનેવી પણ ‘દો દો હાથ’ અજમાવતા હોય છે. સામસામા પરિવાર ન હોય એવી ચૂંટણી ફિક્કી બની જાય છે.

ચૂંટણીની ટિકિટ મેળવવા તન,મન,ધન (અલબત, પારકું ધન) લૂંટાવું પડે છે. ચિક્કાર પીવડાવું પડે છે અને ટલી થવું પડે છે!…ચૂંટણીની ટિકિટ સંબંધો તોડે છે તો ક્યાંક સંબંધો બનાવે છે.

બિહારમાં અશોક મહાતો નામના ગેંગસ્ટર એક જેલબ્રેક કેસથી કુખ્યાત છે. સત્તર વરસની સફળ જેલયાત્રા કરનાર મહાતો સાહેબ ખુદ ટિકિટ લડે તો નોમિનેશન રદ થાય તેવી પરિસ્થિતિ. ચૂંટણી લડવા માટે બાંસઠ વરસે અનિતાદેવી નામની મહિલા સાથે યુદ્ધના ધોરણે ઘડિયા લગ્ન કરવા પડ્યા છે, જેથી પત્નીને ચૂંટ્ણી લડાવી શકે..

તમારે ચૂંટણી લડવી હોય અને પાર્ટીની ટિકિટની ઝંઝટ કે ખટપટમાં ન પડવું હોય તો અપક્ષ ઉમેદવાર તરીકે લડવું એમ કુખ્યાત ચુનાવજીવી કે પદ્મનાભન કહે છે. સ્વપ્રેરણાસ્ત્રોત એવા વર્લ્ડઝ બિગેસ્ટ ઇલેકશન લૂઝર કે.પદ્મનાભ રાષ્ટ્રપતિથી લઇને ગ્રામ પંચાયતની ૨૩૮ ચૂંટણી પરાજયવિષા સાથે અનાસકતભાવે લડ્યા છે. વ્યવસાયે ટાયર રિપેરર છે, પરંતુ એમની જીતના ટાયરમાં સદૈવ પરાજયનું પંકચર પડે છે. ૨૦૨૪ની ચૂંટણીમાં પણ એમણે નામાંકન દાખલ કર્યું છે
માનો કે તમે અપક્ષ ઉમેદવાર છો. તમારે પાર્ટીના મેન્ડેન્ટની પરવા કરવાની નથી. ચૂંટણીનું ફોર્મ ભરવાના અંતિમ દિવસ અને અંતિમ કલાકે તમે વાજતે ગાજતે ફોર્મ ભરવા ઘરેથી બાઇક પર નીકળો છે. જંગ જીતવા માટેનાં બ્યુગલો વાગે છે. રસ્તામાં, બાઇકનો કલચ વાયર તૂટે છે. કલચ વાયર રિપેર કરાવી કલેક્ટર કચેરી પહોંચો છો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના સમયનો ‘ધી એન્ડ’ થઇ ગયો છે….
આ ઘટના મુઝફફરનગર બેઠક પર વ્યવસાયે વકીલ અપક્ષ આનંદ કુમાર સાથે થઈ છે.. વાસ્તવમાં કલચ વાયર એના જીવનની પ્રગતિ પરનો સજ્જડ બ્રેક વાયર પુરવાર થયો.

હવે આ આનંદકુમાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં નામાંકન કરવાના છે કેમ કે, હાર્યો જુગારી જ નહીં પણ હાર્યો ઉમેદવાર પણ બમણું રમે છે. જો કે, આ વખતે એ કલચ, બ્રેક, ગિયર વાયર, પેટ્રોલની ટાંકી, ટાયરમાં હવા સુધ્ધાં એડવાન્સમાં ચેક કરાવે એવી ઢગલાબંધ સલાહ એમને અત્યારથી જ મળવા માંડી છે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure