હોય તેનો સોસ હોય, નહોય તેનો ન હોય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
કેટલાક લોકોના બોલવાથી જ કામ થતાં હોય છે, જ્યારે મોટાભાગના લોકોએ પરિશ્રમ કરીને કામ કરવાં પડતાં હોય છે. એવું એક ચોવક આ રીતે કહે છે : “કરમીજી જિભ નેં અકારમીજા ટાંટીયા જેનાં કામ માત્ર જબાન ચલાવવાથી થતાં હોય છે તેને ચોવક ‘કરમી’ એટલે કે સદ્ભાગી કહે છે જ્યારે જેઓ ટાંટિયા તોડીને કામ કરતા હોય છે તેને ‘અકરમી’ એટલે કે, કમનસીબ તરીકે ઓળખાવે છે.
એક બહુ જ તલસ્પર્શી અર્થ ધરાવતી ચોવક અત્યંત પ્રચલિત છે : “કોડી જે઼ડો કિપાર નેં વિચમેં ભમરો શબ્દાર્થ છે: કોડી જેવું (કે જેટલું) કપાળ અને તેની વચ્ચે ભમરો! પણ અહીં જે ‘ભમરો’ શબ્દ છે તેનો અર્થ ભ્રમર નથી પરંતુ કપાળ પરનો વાળનો ચકરાવો એવો થાય છે! કોડી એટલે કોડી, ‘કિપાર’નો અર્થ કપાળ કે લલાટ, ‘વિચમેં’ એટલે વચ્ચોવચ. ભાવાર્થ ગર્ભિત છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ જે સ્થાને હોય તે સ્થાન અશોભનીય બની જાય છે!
શરીરમાં એવું કહેવાય છે કે, નવ નાડી હોય છે. તેમ છતાં પણ શરીરનો કોઈ ભરોસો નથી હોતો. દેહ ગમે ત્યારે પડી જાય છે જ્યારે એ નાડીઓ કામ કરતી બંધ થઈ જાય છે. એવા શબ્દાર્થવાળી એક ચોવક છે: “નોં ના઼ડીયો જીવ આય એટલે કે નવ નાડીવાળું શરીર છે. ભાવાર્થ અનેકાર્થી હોઈ શકે, જેમ કે સમયનો કે શરીરનો કોઈ ભરોસો નહીં, કે પછી ગમે તે વ્યક્તિ પર ભરોસો ન કરાય.. વગેરે.. વગેરે!
છતાં માનવ જીવનમાં ભરોસાનો આધાર ઘણો જ રાખવો પડતો હોય છે. પરસ્પરના અસ્તિત્વ પર આશા રાખવી જ પડતી હોય છે. ચોવક કહે છે: “હોય તેંજો સોસ, નવેં તેંજો કે઼ડો સોસ ‘હોય’ અને ‘તેંજો’નો અર્થ થાય છે તેનો ‘સોસ’ એટલે આધાર કે ભરોસો, ‘કેં઼ડો’નો અર્થ થાય છે કેવો. જે આપણી આસપાસ હોય તેવાં પરિબળનો આધાર કે કોઈ વ્યક્તિ હોય તો તેના પર વિશ્ર્વાસ રખાય, જો આવું કોઈ કે કાંઈ ન હોય તો કોનો આધાર રાખવો!
સમાજમાં નબળા લોકો પર વધારે દુ:ખ જોવા મળતું હોય છે. અહીં નબળા લોકોનો અર્થ વિસ્તૃત રીતે લેવાનો છે. જેમ કે સામાજિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે નબળા.. ચોવક ચાર ટૂંકાક્ષરી શબ્દોમાં અનોખી રીતે કહે છે: “હેમ પ્યો હેંઢીયેં તેં ‘હેમ’ શબ્દનો અર્થ છે: ઠંડી કે બરફ. ‘પ્યો’ એટલે પડ્યો. ‘હેંઢીયેં તેં’ આ બે શબ્દ સમૂહનો અર્થ થાય છે: એરંડાના પાક પર હીમ વર્ષાથી એરંડાને નુકસાન થતું હોય છે. અહીં સમાજના નબળા વર્ગને એરંડાના છોડ સાથે સરખાવીને ચોવક એટલું જ કહેવા માગે છે, નબળા પર દુ:ખ!
ગુજરાતીમાં એક કહેવતથી આપણે પરિચિત છીએ: જેવી સંગત તેવી રંગત! કચ્છી ચોવક એ જ વાત માંડતા કહે છે: “જે઼ડ વાસ વસે તે઼ડી બુદ્ધિ અચે ‘જે઼ડો’ એટલે જેવો. ‘વાસ વસે’નો અર્થ થાય છે સંગત, અને ‘તે઼ડી’નો અર્થ થાય છે, તેવી. ‘બુદ્ધિ’ એટલે બુદ્ધિ. જેવી સંગત તેવી રંગત… જેવો સંગ તેવો રંગ! તેથી આગળ જઈને કહું તો, માણસ કેવું વાંચે છે, તેના મિત્રો (સંગત) કેવી છે, એની અસર તેનાં વાણી, વિચાર અને વર્તન પર પડતી હોય છે.
આ ચોવક પણ સરસ છે: “હો઼ડી નેં નોં અગ઼ીયાં વેંધે ઓરખાજે ‘હો઼ડી’ એટલે નાવ કે નૌકા અને ‘નોં’ એટલે ઘરની વહુ. ‘અગ઼ીયાં વેંધે’નો અર્થ થાય છે, આગળ જતાં કે સમય જતાં, ‘ઓરખાજે’ એટલે ઓળખાય. નૌકા પાણીમાં આગળ વધે ત્યારે અને ઘરની વહુવારુ સમય જતાં ઓળખાય, પણ ભાવાર્થ છે: અનુભવ થાય ત્યારે જ તેમની સાચી ઓળખ થાય!