ઈન્ટરવલ

શું ડૉલરિયા ફંડનું તેજ હણાઇ ગયું છે?

એક તબક્કે ઘેરબેઠા ગ્લોબલ ફંડમાં રોકાણ કરી ડોલરનો દલ્લો કમાઇ લેવા પડાપડી કરનારા રોકાણકારો કેમ ઠંડા પડી ગયા છે! શું ડૉલર રળી આપનારા ગ્લોબલ ફંડસનું તેજ હણાઇ ગયું છે? જો એવું છે તો એનુ કારણ શું?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની તીવ્રતા વધતી જણાઇ રહી છે અને તેમાં વિશ્ર્વની મહાસત્તા અમેરિકાએ ખુલ્લેઆમ પોતાની વિરાટ વૉરશિપ અખાતના દરિયામાં ઉતારીને ત્રીજા વિશ્ર્વયુદ્ધની શક્યતાની અટકળોને બળ આપ્યું છે. આ યુદ્ધમાં અત્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક શક્તિશાળી દેશ સંકળાયેલા છે.

સરવાળે આ પરિસ્થિતિને કારણે બીજા બધા આર્થિક પરિબળો પર એક નકારાત્મક અંધકારનું આવરણ છવાઇ રહ્યું છે ત્યારે આપણે એ જાણવાની કોશીશ કરીએ કે એક તબક્કે ઘેરબેઠા ગ્લોબલ ફંડમાં રોકાણ કરી ડોલરનો દલ્લો કમાઇ લેવા પડાપડી કરનારા રોકાણકારો કેમ ઠંડા પડી ગયા છે. શું ગ્લોબલ ફંડનું તેજ હણાઇ ગયું છે? જો એવું છે તો એનુ કારણ શું?

પાછલા વીસ મહિનામાં વૈશ્ર્વિક બજારોમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સના સંચાલન હેઠળની અસ્કયામતોમાં ઘટાડો થતો રહ્યોે છે. લાંબાગાળાની કેટેગરીનું સરેરાશ વળતર પણ ડેટ ફંડ બકેટમાંના કેટલાક સાધનોની સરખામણીમાં નિસ્તેજ પરિણામ આપી રહ્યાં છે.

આપણે એ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ કે ગ્લોબલ ફંડની આ અવદશાનું કારણ શું છે? અને શું હજુ પણ તે એક સારા પોર્ટફોલિયો વૈવિધ્યકરણનું માધ્યમ છે? શું આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ હજુ પણ ભારતીય રોકાણકારો માટે અર્થપૂર્ણ છે?

શેરબજારના પીઢ અભ્યાસુઓ અનુસાર વૈશ્ર્વિક ઇક્વિટી બજારો દ્વારા વિતરિત નજીવા વળતર, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતાં વિદેશી રોકાણ પરની ટોચમર્યાદા અને કરવેરાના ફેરફાર જેવા કારણોસર પાછલા બેે વર્ષમાં આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સના સબ્સ્ક્રિપ્શનમાં ઘટાડો થયો છે.

આ ઘટાડો ઘણો ધ્યાનપ્રેરક અને આ પ્રકારની સ્કીમ ચલાનવારા ફંડો માટે ચિંતાપ્રેરક છે, કારણ કેે જાન્યુઆરી ૨૦૨૦ના પ્રારંભથી વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. રોકાણકારો વિદેશમાં રોકાણ માટેના આ વિકલ્પથી ઘણા ઉત્સુક હતાં.

આ સંદર્ભે ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૨૦ના અંતે ભારતીય બજારમાં ૩૩ વિદેશી ફંડના સંચાલન હેઠળ કુલ ૭,૫૯૮ કરોડની અસ્કયામતો હતી, આ ફંડોની સંખ્યા અંતે વધીને ૬૬ સુધી પહોંચી છે. સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં તેમની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો રૂ. ૪૭,૮૫૦ કરોડની સપાટીએ પહોંચ્યો છે, જે છ ગણા જેટલો ઉછાળો દર્શાવે છે.

જો કે, આ વૃદ્ધિનો મોટો ભાગ આ સમયગાળાના પ્રથમ ૨૪ મહિનામાં આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં આ ફંડ્સની એયુએમ રૂ. ૪૮,૨૭૮ કરોડ નોંધાઇ હતી. વધુમાં, જાન્યુઆરી ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળા દરમિયાન માત્ર ૧૦ ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ દર્શાવે છે કે વિદેશી ફંડ્સમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સ જાન્યુઆરી ૨૦૨૨થી શરૂ થતા પાછલા વીસ મહિનામાં કે તેથી વધુ સમયગાળામાં એક અવરોધ સાથે અથડાયા છે.

આપણે વળતર કે રિટર્નનો ચાર્ટ જોઇએ તો, આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સ સપ્ટેમ્બરના અંત સુધી એક વર્ષના ધોરણે ૨૨ ટકા ઉપર છે, પરંતુ લાંબા ગાળાના ધોરણે તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ત્રણ વર્ષના સમયગાળામાં આ ફંડ્સે માત્ર પાંચ ટકા જેવું વળતર આપ્યું છે, જ્યારે ૧૦ વર્ષનું વળતર પણ ફક્ત છ ટકા જેટલું રહ્યું છે, જે કેટલાક ડેટ ફંડ્સ કરતાં પણ ઓછું છે!

હવે એ જાણવાનો પ્રયત્ન કરીે કે, વિદેશી મ્યુચ્યુઅલ ફંડમાં શું ખોટું થયું છે અને શું તે હજુ પણ ભારતીય રોકાણકારના પોર્ટફોલિયોમાં સ્થાન માટે યોગ્ય છે? અ સંદર્ભે કે ટોચની એસેટ મેનેજમેન્ટ કંપનીના રિસર્ચ હેડે અમુક કારણો આપ્યો છે.

તેમના મતાનુસાર ઇન્ટરનેશનલ ફંડ્સે બે-ત્રણ વર્ષ પહેલાં ધ્યાન ખેંચવાનું શરૂ કર્યું હતું કારણ કે તે વખતે અમેરિકામાં ટેક્નોલોજી શેરોનું પ્રતિનિધિત્ત્વ કરનાર ઇન્ડેક્સ નેસ્ડેક-૧૦૦માં ધૂમ તેજીનો માહોલ હતો. ફેસબુક, હવે મેટા, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અને ગૂગલ, હવે આલ્ફાબેટ, મળીને ફાંગ સ્ટોક્સ નામે જાણીતી કંપનીઓને રોકાણકારોએ સર આંખો પર ચઢાવી દીધી હતી.

તેજી ચાલી ત્યાં સુધી વધું ઠીક રહ્યું પરુતં, ૨૦૨૨ પછી મંદીને કારણે આવા ફંડ્સમાં રોકાણકારોનો રસ ઘટવા લાગ્યોે કારણ કે વળતર નબળું પડવા લાગ્યું છે.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડના દૃષ્ટિકોણથી વધુ મહત્ત્વની વાત એ છે કે, જાન્યુઆરી ૨૦૨૨માં ફંડોના વિદેશી રોકાણ પર સાત અબજ ડોલરની મર્યાદા લદાઇ હોવાથી મોટો ફટકો પડ્યો હતો.

વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ની વચ્ચેના બે વર્ષ દરમિયાન, ભારતીય રોકાણકારોએ આંતરરાષ્ટ્રીય સ્કીમ્સમાં ત્રણથી ચાર અબજ ડોલરનું રોકાણ પહેલા જ કરી દીધું હતું અને એકંદરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પર સાત અબજ ડોલરની મર્યાદા લદાવાને કારણે ફટકો પડ્યો હતો અને આ ટોચમર્યાદાને કારણે ફંડોએ આંતરરાષ્ટ્રીય ભંડોળમાં નવેસરથી પ્રવાહ બંધ કરવો પડ્યો હતો.

૨૦૨૨ અને ૨૦૨૩માં વ્યાજ દરોમાં તીવ્ર વધારો થવાને કારણે યુરોપ અને યુએસમાં અનિશ્ર્ચિતતા અને આર્થિક મંદીનો માહોલ રહ્યો છે. ચીનનું અર્થતંત્ર પણ ધીમું પડી રહ્યું છે. જ્યારે બાકીની દુનિયાની ગતિ ધીમી પડી રહી છે, ત્યારે ભારતનો સિતારો ચમકી રહ્યો છે તો રોકાણકારો ભારત તરફ વધુ આકર્ષાઇ રહ્યં છે.

યુએસ અને યુરોપ જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં જીડીપી વૃદ્ધિ ખૂબ મજબૂત રહી નથી. આથી, પાછલા દસથી બાર વર્ષથી આ દેશોનું વળતર એટલું મજબૂત રહ્યું નથી. પાછલા પાંચ વર્ષથી ચીનમાં પણ મંદી જોવા મળી રહી છે અને હાલમાં તે સ્ટેગફ્લેશન તરફ નજર કરી રહ્યું છે.

આથી અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું નથી અથવા જીડીપી વૃદ્ધિ અટકી રહી છે તે મુખ્ય કારણો છે જેના કારણે છેલ્લા ૧૦ વર્ષમાં વળતર નબળું દેખાઈ રહ્યું છે.

વિકસિત અર્થવ્યવસ્થાઓમાં મજબૂત જીડીપી વૃદ્ધિ આગળ વધતી જોઈ શકાતી નથી. ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા વધુ ડહોળાઇ રહી છે. આથી સ્વાભાવિક રીતે આવી અર્થવ્યવસ્થાઓમાંથી વળતર એટલું નોંધપાત્ર ન હોઈ શકે.

વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૦ વચ્ચેનો દાયકો ઊભરતાં બજારોમાંનો એક હતો જ્યાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવાં અર્થતંત્રોએ સારો દેખાવ કર્યો હતો. તેનાથી વિપરિત, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન વિકસિત બજારોએ સારું પ્રદર્શન કર્યું હતું, કારણ કે વ્યાજ દરો ખૂબ જ નીચે આવ્યા હતા અને તેમના બજારોએ સારું પ્રદર્શન કર્યું હતું.

ટોચના ફંડ મેનેજરો માને છે કે, ૨૦૨૦થી ૨૦૩૦ ફરી ઉભરતા બજારોનો દાયકો હોવો જોઈએ. વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જો રોકાણકારોને સારું વળતર જોઇતું હોય તો તેમણે યુરોપ અને અમેરિકાની તુલનામાં એશિયા અને ઊભરતાં બજારોમાં રોકાણ કરવું પડશે અને એ કહેવાની જરૂર જ નથી કે ભારત સૌથી મજબૂત અર્થતંત્રોમાંનું એક હોવાને કારણે ભારતમાં જ વધુ સારું વળતર મળવાની સંભાવના છે.

ફંડ મેનેજરો જોકે સાથે એવી ટિપ્પણી પણ કરી રહ્યાં છે કે, જો રોકાણકારો તેમના વ્યવસાયો અને રોકાણોનો મોટો હિસ્સો ભારતમાં હોવાને કારણે તેમના રોકાણમાં વિવિધતા લાવવાનું વિચારી રહ્યા હોય અને તેઓ સંપૂર્ણપણે ભારત તરફ જોડાયેલા હોય તો તેઓ સોના અને વિદેશી રોકાણને વિકલ્પો તરીકે જોઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો