ગુજરાત ડાયરી
મનોજ મ. શુકલ
વિસનગરમાં સરદાર કરતાં રાષ્ટ્રીય બજરંગ વધુ મહાન છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રના સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત કરવા માટે તેમનું જગતમાં સૌથી ઊંચું બાવલું ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે મુક્યું.નરેન્દ્ર મોદીની આ ભાવના વિસનગરના બજરંગ દળ સુધી પહોંચી નથી એવું લાગે છે. તેનું કારણ એ છે કે મહેસાણા જિલ્લાના વિસનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું જ્યાં મુકવામાં આવ્યું છે તે સ્થળે સ્થાનિક બજરંગ દળે સરદારને ઢાંકી દે એવડું મોટું બોર્ડ સંસ્થાની પ્રસિદ્ધિ માટે મુકી દીધું છે! (તસ્વીરમાં જોઈ શકાય છે) પત્રકારત્વના શિક્ષણ સાથે સંકળાયેલા પ્રા.હરિ દેસાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ અંગે અવાજ ઉઠાવીને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને એવો સવાલ પૂછ્યો છે કે “વિસનગરમાં સરદારસાહેબનું આ માન ગણાય કે અપમાન ગણાય? અહીં સવાલ એ પણ પેદા થાય કે વિસનગરમાં વસતાં પટેલ સમાજના કોઈ આગેવાનોનું પણ સરદારની આવી અપમાનજનક અવગણના તરફ ધ્યાન નહીં ગયું હોય? આ સૂચવે છે કે બજરંગ દળની વિસનગર શાખા પાસે ઠરેલ કે પરિપક્વ નેતૃત્વ નથી હોં!
ગુજરાતમાં ભા.જ.પ.માં અત્યારે માહોલ સાવ જુદો અને આશ્ર્ચર્યજનક બની ગયો છે
ડિસેમ્બર-૨૦૨૨માં ગુજરાતમાં ભા.જ.પ.એ વિધાનસભામાં ૧૫૬ બેઠકો મેળવીને ગુજરાતના રાજકારણમાં ભારે છાકો પાડી દીધો હતો, પરંતુ ત્યારબાદ માત્ર ૧૫ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગુજરાતમાં પક્ષમાં ખુલ્લો વિરોધ થશે તેવી તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. આનો પ્રારંભ વડોદરાના પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ કર્યો. તમામ પ્રકારનું રાજકીય નુકસાન વ્હોરી લેવાની તૈયારી સાથે રંજન ભટ્ટને વડોદરા લોકસભાની ચૂંટણી માટે સતત ત્રીજી વખત અપાયેલી ટિકિટનો છડેચોક વિરોધ કરીને તેઓએ બળવાનું રણશિંગું ફૂંક્યું. એ પછી વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપવાનું નાટક કરીને ‘બળતામાં ઘી હોમ્યું.’ અહીં એ પણ નોંધવું પડશે કે જ્યોતિ પંડ્યાની રાજકીય શહીદી એળે નથી ગઈ. ભા. જ.પ.એ વડોદરામાં પોતાના ઉમેદવાર બદલવા જ પડ્યા છે. એ રીતે જ સાબરકાંઠાની લોકસભાની બેઠક માટે પસંદ કરેલા ઉમેદવાર ભીખુજીની અટક ઠાકોર છે કે ડામોર છે? એ અંગે વિવાદ સર્જાયો અને ભીખુજીને આપેલી ટિકિટ પણ રદ્દ કરવી પડી. એ ટિકિટ રદ્દ થયા પછી ભીખુજીના ટેકેદારોએ પણ દેખાવો કર્યા. ભીખાજી ઠાકોરની જગ્યાએ કૉંગ્રેસમાંથી આવેલા શોભના બારૈયાને ટિકિટ અપાતા મેઘરજ ગામ સજ્જડ બંધ રખાયું. ભીખાજીને જ્યારે પુછાયું કે શોભનાબેન કેટલી લીડથી જીતશે? ત્યારે ભીખાજીએ ‘જવાબ નથી આપવો’ એમ તોછડાઈથી કહીને નીકળી ગયાં.રાજકોટમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થવાનું નામ નથી લેતો બીજી બાજુ વલસાડના લોકસભાના ભા.જ.પ.ના ઉમેદવાર ધવલ પટેલ સામે પોસ્ટર યુદ્ધ અને લેટર વોર શરૂ થઈ ગયું છે.આવું બધુ કૉંગ્રેસમાં બનતું પણ ભા.જ.પ.માટે આ બધું નવું છે.આ બધી ઘટનાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો એવું તારણ નીકળે છે કે (૧):-ભા.જ.પ.માં જે ભરતી મેળો શરૂ થયો છે તેનાથી પક્ષમાં જે નારાજગી પ્રવર્તે છે તેની આ આડ અસર છે(૨):- આ બનાવો સૂચવે છે કે પક્ષની શિસ્તમાં પાતળી તડ પડવાની શરૂઆત થઈ ગઈ છે(૩):- પક્ષમાં પાટિલ અંગે પણ છુપો ગણગણાટ ચાલી રહ્યો છે (૪):-પક્ષના નિષ્ઠાવાન, સમર્પિત કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયા છે તે અંગે પણ પૂરતો અસંતોષ પ્રવર્તે છે. (૫):-દૂરથી એવું પણ દેખાય છે કે સર્વોચ્ચ મોવડીઓનો ડર પણ ધીમે, ધીમે, સંભવત: ઓગળવા માંડ્યો છે.
વાહનવ્યવહાર મંત્રી તરીકે હર્ષ સંઘવીએ ગુજરાત એસ.ટી.માં નવા પ્રાણ ફૂંક્યા છે
ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના(જેને લોકો એસ.ટી.ના ટૂંકા લોકપ્રિય નામે ઓળખે છે)ચેરમેન તરીકે ૧૯૬૦ થી ૧૯૭૦ના દસકામાં એકવાર જામનગરના કે.પી.શાહ નામના એક બાહોશ વણિક નેતાને નીમવામાં આવ્યા હતા.આ કે.પી.શાહના સત્તા કાળમાં એસ.ટી.નફો કરતી થઈ ગઈ હતી અને કર્મચારીઓને બોનસ પણ અપાતું હતું.એ પછી ૧૯૯૦થી એસ.ટી.ના વળતા પાણી શરૂ થયા પણ હમણાંથી એસ.ટી.નો વહીવટ પાછો એક જૈન વણિક નેતા એવા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પાસે આવ્યો છે ત્યારથી ગુજરાત એસ.ટી.માં નવા પ્રાણ ફૂંકાયા છે. એવું દેખાય છે કે હર્ષ સંઘવી ગૃહ વિભાગમાં આપે છે એટલું જ ધ્યાન એસ.ટી.તંત્રને સુધારવા, વિકસાવવા માટે પણ આપે છે.એનો પુરાવો એ છે કે (૧) છેલ્લા ૧૪ મહિનામાં રૂ.૫૨૫ કરોડનાં ખર્ચે વિવિધ પ્રકારની ૧૫૭૧નવી બસો લોકોની સેવામાં મુકવામાં આવી છે (૨) અગાઉ દરરોજ ૨૫ લાખ મુસાફરો એસ.ટી.માં મુસાફરી કરતા હતા હવે એ સંખ્યા ૨૭ લાખ પર પહોંચી ગઈ છે (૩) ગત દિવાળીનાં તહેવારોમાં ૧.૩૨ લાખ લોકોએ એક જ દિવસમાં ઓન લાઈન બુકિંગ કરાવી એસ.ટી.માં મુસાફરી કરી હતી. (૪) અમદાવાદમાં ઓટોમેટિક ટિકિટ મશીન પણ મુકાવ્યું છે અને (૫) અમદાવાદ- ગાંધીનગર વચ્ચેની શહેરી બસ સેવાનો લાભ છેલ્લા એક વર્ષમાં ૭૨,૬૯,૪૦૯ મુસાફરોએ લીધો છે જે સૂચવે છે કે લોકો એસ.ટી.ની સેવા લેવા તરફ વળ્યા છે અને એ માટે હર્ષ સંઘવી અભિનંદનના અધિકારી તો છે હોં!
ગુજરાતના ક્ષત્રિય આંદોલનમાં બીજાં રાજ્યોના ક્ષત્રિય નેતાઓ કેમ જોડાઈ ગયા છે?
ગુજરાતના રાજકારણમાં પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ ખાતેની લોકસભાની બેઠક પરની ઉમેદવારી વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં એક નવું આશ્ર્ચર્ય ઉમેરાયું છે અને એ આશ્ર્ચર્ય એ છે કે બીજાં રાજ્યોના રાજપુત નેતાઓ આ આંદોલનનું નેતૃત્વ કરવા આવી પહોંચ્યા છે. આમાં કરણી સેનાનાં રાજ શેખાવત, શેરસિંહ રાણા, મહિપાલસિંહ મકરાણા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ આયાતી નેતાઓને નિમંત્રિત કરીને બોલાવાયા છે કે તે બધાં ‘માન ન માન મૈં તેરા મહેમાન’ની કહેવત અનુસાર પરાણે માથે પડ્યા છે. અલબત, સ્થાનિક ક્ષત્રિય આગેવાન અને આ આંદોલન સાથે સક્રિય રીતે સંકળાયેલા યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા(ગોંડલ) જે રીતે આ બહારનાં નેતાઓનો પ્રચાર કરે છે એ જોતાં આ નેતાઓ સ્થાનિક નેતાઓનાં નિમંત્રણથી પણ કદાચ આવ્યા હોય એવું બને, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતનાં ક્ષત્રિયોને આંદોલન ચલાવવા માટે બીજાં રાજ્યોના નેતાઓની શું જરૂર પડી? આ અંગે એવું કહેવાય છે કે આંદોલન લાંબું ચલાવવાનું થાય તો તે માટે આર્થિક આયોજન પણ કરવું પડે અને એ માટે સમગ્ર રાષ્ટ્રનાં ક્ષત્રિયોની સહાય મળી રહે તે માટે તેમજ ગુજરાત નેતા દ્વારા ક્ષત્રિયો માટે કેવું અયોગ્ય બોલાયું છે તેનાં પ્રચાર-પ્રસાર માટે આ આંદોલનમાં બીજાં રાજ્યોના રાજપુત નેતાઓનો પ્રવેશ થયો છે. આ વાત જો સાચી છે કે ખોટી એ સંશોધનનો વિષય છે, પરંતુ બીજાં રાજ્યોના ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતિથી આંદોલનને નુકસાન તો નહીં થાયને?એવી ભીતિ ગુજરાતનાં રાજકીય નિરીક્ષકો સેવી રહ્યાં છે હોં!