ગુજરાત ડાયરી
મનોજ મ. શુકલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અસાધારણ સક્રિયતા
ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત જુલાઈ -૨૦૧૯થી કાર્યરત છે. ગુજરાતે આવા અપરિમિત સક્રિય (પ્રોએક્ટિવ) રાજ્યપાલ અગાઉ જોયા નથી. આ રાજ્યપાલ સતત ફરતા રહે છે, પ્રવૃત્તિશીલ રહે છે.ગુજરાતની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અમાપ રસ લે છે.
લોકો જ્યાં આમંત્રણ આપે ત્યાં જવાનો પ્રયત્ન તેઓ કરે છે. આચાર્ય દેવવ્રત ઓર્ગેનિક ખેતીનાં જબરદસ્ત હિમાયતી છે એટલે તેનો પ્રચાર પણ ખૂબ ઉત્સાહથી કરે છે.ઓર્ગેનિક ખેતીની વાત ગુજરાતનાં જિલ્લે-જિલ્લે પહોંચે એ માટે રાજ્યપાલ પોતાના વતન હરિયાણામાં સ્થિત ગુરુકુળમાં આવેલી અને ઓર્ગેનિક ખેતીથી સમૃદ્ધ બનેલી વાડી જોવા અને તેની પ્રક્રિયા સમજાવવા આખા ગુજરાતના તમામ કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને છેક હરિયાણા લઈ ગયા હતા. તેઓને આધુનિક ખેતી પ્રત્યે સખત નફરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ બન્યા પછી ત્યાં પણ ખૂબ સક્રિય રસ દાખવે છે.
વિદ્યાપીઠની રોજબરોજની પ્રવૃત્તિઓનું પણ મોનેટરિંગ કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દરરોજ સવારે રાજભવનમાં યજ્ઞ કરે છે અને તેનો ધૂપ આખા રાજભવનમાં (આરતીની જેમ)ફેરવાવી સમગ્ર ભવનને દિવ્ય અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન
કરે છે.
ગુજરાતનાં રાજકારણનું એક આશ્ર્ચર્ય એટલે પુરુષોત્તમ રૂપાલા
ગુજરાતનાં રાજકારણનું હાલનું એક મોટું આશ્ર્ચર્ય પુરુષોત્તમ રૂપાલા છે!રૂપાલાને લોકસભામાં લઈ જવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.માટે અત્યંત સલામત ગણાતી રાજકોટની બેઠક ફાળવી છે.પક્ષમાં એવો પણ ગણગણાટ છે કે પોતાના વતનના અમરેલી જિલ્લામાં કોઈ જનાદેશ ન ધરાવતા અને છેલ્લાં ૨૦ વર્ષથી એક પણ જાહેર ચૂંટણી નહીં જીતેલા રૂપાલાને મોદી કેમ આટલાં બધાં સાચવે છે?તેનો જવાબ એવો મળે છે(ક):- રૂપાલા પક્ષને પોતાનો પટેલ પાવર કોઈ દિવસ નથી બતાવતા(ખ):-પક્ષ પ્રત્યેની તેમની વફાદારી અકબંધ રહી છે (ગ):-શંકરસિંહ વાઘેલાએ ૧૯૯૬-૯૭માં બળવો કર્યો ત્યારે તેઓ પક્ષ સાથે રહ્યા હતા(ઘ):-કેશુભાઈ પટેલે પક્ષ સામે અને નરેન્દ્ર મોદી સામે બળવો કર્યો ત્યારે તેઓ પક્ષ અને નરેન્દ્ર મોદીની સાથે રહ્યા હતા.(ચ):- તેઓ ઉત્તમ વક્તા છે.બાકી પુરુષોત્તમ રૂપાલા છેલ્લી જાહેર ચૂંટણી ૨૦૦૨ માં લડ્યા’તા ને હાર્યા હતાં.એ પછી એમને રાજ્યસભામાં લઈ જવામાં આવ્યા હતા.મોદી હૈં તો સબ મુમકિન હૈં,હોં!
કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડલિયાનું ગુજરાતી આટલું કાચું કેમ છે?
ગુજરાતનાં રાજકારણમાં આજકાલ મનસુખ માંડવિયાની જબરી બોલબાલા છે.તેનું એકમાત્ર કારણ એ છે કે માંડવિયા નરેન્દ્ર મોદીની ખૂબ નજીક છે.સદાય ગંભીર મુખારવિંદ સાથે દેખાતા માંડવિયાને પોરબંદરની લોકસભાની ટિકિટ મળી છે.આ નિમિત્તે મનસુખ માંડવિયાએ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ કીર્તિ મંદિરની તાજેતરમાં મુલાકાત લીધી હતી.મુલાકાતને અંતે માંડવિયાએ વિઝિટર્સ બુકમાં પોતાનો અભિપ્રાય ગુજરાતી ભાષામાં લખ્યો પણ જોડણીમાં જબરો ભાંગરો વાટ્યો.લખ્યું છે કે “મૂલ્યનિષ્ઠ રાજનીતિનાં પ્રતીક અને વિશ્ર્વ ને સત્ય, અહિંસાનાં માર્ગે આજાદીનો માર્ગ ચિંધનાર કેન્દ્રનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીનું ગુજરાતી ભાષાનું જ્ઞાન આટલું કાચું કેમ હશે?ખોટી જગ્યાએ અલ્પવિરામ અને પૂર્ણવિરામ તો મૂક્યાં જ છે પણ મંત્રીજી ખુદ પોતે જ “આઝાદી ને બદલે “આજાદી લખે એ તો આપણી ભાષાની કમનસીબી જ ગણવી રહી,બીજું શું? ગુજરાતનું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે કરતા મનસુખ માંડવિયા ગુજરાતી ભાષા અંગે કેમ આટલાં બધાં અસાવધ હશે? ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર પ્રત્યેક ગુજરાતી આશ્ર્ચર્ય અને આઘાતની લાગણી અનુભવે એવી આ ઘટના છે.તુલસીદાસે સાચું જ કહ્યું છે કે “સમરથ કો નહીં દોષ ગુંસાઈ.
ઉમેદવારોની પસંદગીમાં ભા.જ.પે ડહાપણ દાખવ્યું છે
લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત ભા.જ.પ.દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૫ ઉમેદવારોની યાદી જોઈને રાજકીય વિશ્ર્લેષકો એવા તારણ પર આવ્યા છે કે ગુજરાતમાં ત્રીજીવાર ૨૬ બેઠકો મેળવી લેવાની સિંહગર્જના કરતો ભા.જ.પ.ખૂબ ગણતરીપૂર્વક ચાલે છે અને કોઈ જોખમ લેવા નથી માંગતો.આ તારણ સાચું પણ જણાય છે.કારણ કે ભરૂચના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને સાતમી વાર ભરૂચમાંથી ટિકિટ આપવી પડી એ વસાવાની તાકાત કરતાં પક્ષની લાચારી વધુ છે એમ લાગે છે.મનસુખ વસાવા આખાબોલા છે,પક્ષની શિસ્તની જરાય પરવા કરતાં નથી.બેફામ બોલે છે ને વર્તે છે.આમ છતાં તેઓને પુન: ટિકિટ આપી છે એ સૂચવે છે કે ભા.જ.પ.માત્ર પક્ષની અપરિમિત લોકપ્રિયતા પર આધાર રાખવાને બદલે નક્કર વાસ્તવિકતા સાથે સાથે ચૂંટણી લડવા માગે છે.મનસુખ વસાવાને યથાવત રાખવામાં આવ્યા એ એવું પણ સૂચવે છે કે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર ચૈતર વસાવાની આદિવાસી વિસ્તારો પરની મજબૂત પક્કડનો સાચો અંદાજ પણ ભા્.જ.પ.ને સંભવત: આવી ગયો છે.
ગુજરાત રાજ્યના મંત્રીઓની અને તેમના સ્ટાફની કઠણાઈ અને કમનસીબી.
જરાય સાચું માનવાનું મન ન થાય એવી એક વાત ગુજરાતનાં સચિવાલયમાં એવી વહેતી થઈ છે કે ગુજરાતનાં ૨-૩ મંત્રીઓ એવા છે કે જેમનાથી તેમને ફાળવાયેલો સચિવાલય અને અન્ય સરકારી કેડરનો સ્ટાફ સંપૂર્ણ કંટાળી ગયો છે.તેનું કારણ એ છે કે સરકારી અધિકારી/કર્મચારીઓને તેમની ઈચ્છા જાણ્યાં વગર સીધેસીધા મંત્રીઓનાં સ્ટાફમાં મૂકી દેવામાં આવ્યાં છે.જેઓને આવી કામગીરીમાં જરાય રસ પડતો નથી.અગાઉ એવું હતું કે મંત્રીઓને તેમનો સ્ટાફ પસંદ કરવાની છૂટ રહેતી એટલે મંત્રી સ્ટાફમાં રહેવા ઉત્સુક હોય એવા લોકો જ આવતાં અને મંત્રીઓને પણ પોતાના સ્વભાવને અનુકૂળ હોય તેવા લોકો મળી રહેતા.પરંતુ ભા.જ.પ.ની સરકાર આવ્યા પછી પક્ષની પરંપરાગત શિસ્ત અનુસાર મંત્રીઓને પોતાની વ્યક્તિગત અનુકૂળતા પ્રમાણેનો સ્ટાફ પસંદ કરવાની છૂટ નથી એટલે ‘બાવાના બેય બગડયા’ જેવી સ્થિતિ છે.આમાં સ્ટાફ અને મંત્રી બન્ને મૂંઝવણ અનુભવે છે.મંત્રી પક્ષની શિસ્તને કારણે સ્ટાફ બદલવાની માંગણી નથી કરી શકતા અને કર્મચારીઓ વહીવટીય શિસ્ત સબબ અને પોતાની કારકિર્દી બગડવાના ભયને લઈને પોતાના અસલ ખાતામાં પરત જવાની માંગણી નથી કરી શકતા.સાચું ખોટું તો રામ જાણે પણ એવું ય કહેવાય છે કે અમુક મંત્રી અને તેના સ્ટાફ વચ્ચે તો મન એટલાં ઊંચા થઈ ગયા છે કે તેઓ એકબીજાને ઓછામાં ઓછું મળવાનું પસંદ કરે છે.પ્રજા માટે આ સ્થિતિ મૂંઝવણમાં મૂકે એવી છે.પેલી ગુજરાતી કહેવત અહીં યાદ આવે કે “પાડે પાડા બાઝે એમાં ખો ઝાડનો નીકળે.