ઈન્ટરવલ

ચાલતાનું નસીબ પણ ચાલતું રહે અને સૂતાનું…?

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

વાલિયા લૂંટારાને ઘરના સભ્યોને પૂછવા જવું પડ્યું કે, મારા પાપમાં તમે ભાગીદાર છો? પરિવારના સભ્યોએ જ્યારે જવાબ આપ્યો કે, ‘ના’! તમારાં કર્મ તો તમારે ભોગવવાનાં રહેશે! અને તે ક્ષણથીએ વાલિયો લૂંટારો મટી ગયો અને રામ સ્મરણ કરતાં કરતાં ઋષિ વાલ્મીકિ બની ગયો! આ વાત મને એટલે યાદ આવી કે, કચ્છી ચોવક, એજ ભાવાર્થ સાથે મારી સ્મૃતિમાં ડોકાઈ! ચોવક છે: “સૌ પિંઢ પિંઢજે તૂં મેં તરે અહીં ‘પિંઢ પિંઢજે’ બે શબ્દોનો સમૂહ છે જેનો અર્થ થાય છે: પોતપોતાનાં! ‘તૂ’ એ એવો એકાક્ષરી શબ્દ છે, જે કચ્છીમાં બહઅર્થી છે. અહીં ‘તૂ’ એટલે કર્મ એવો અર્થ યોગ્ય ભાવે મૂકવામાં આવ્યો છે. ‘મેં’ શબ્દનો અર્થ થાય છે: માં ‘તરેં’ એટલે તરે. સઘળો ભાવાર્થ એ છે કે: સૌ પોતપોતાનાં કર્મે-ધર્મે તરે!

આપણે સૌ નસીબમાં બહુ માનતા હોઈએ છીએં. ખોટું નથી માનવું જ જોઈએ, પરંતુ ‘નસીબ પણ જે કર્મ કરે, કામ કરે તેને જ ફળતું હોય છે.’ એક ચોવક પણ એવું જ કહે છે: “હલધલ જો નિસીબ હલે, સુમઘલ જો સુમેં ‘હલધલ જો’ શબ્દ સમૂહ પ્રયોજાયો છે, જેનો અર્થ થાય છે: હાલનારનો કે કામ કરનારનો. ‘નિસીબ’ એટલે નસીબ અને ‘હલે’ એટલે હાલે, અહીં ભેગું હાલે એવા અર્થમાં છે. એ અડધી ચોવકનો અર્થ થાય છે: જે હાલતા રહે છે (કામ કરતાં રહે છે.) તેની સાથે તેનું નસીબ પણ ચાલતું હોય છે અને ‘સુમઘલ’ એટલે સૂતા રહેનાર કે બિનઉદ્યમી અને ‘સુમે’નો અર્થ થાય છે: (નસીબ સૂતું રહે). બાકીની અડધી ચોવકનો અર્થ થાય છે: જે સૂતા જ રહે છે કે બિન-ઉદ્યમી હોય છે. તેનું નસીબ પણ સૂતું જ રહે છે!

આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ કે, ‘અહીંના કર્યાં અહીં જ ભોગવવાનાં હોય છે.’ એ પણ એક કર્મનાં ફળની વાત છે. ચોવક કહે છે: “હિતે જો મિડે હિતઈં આય આ ચોવકમાં અર્થ સમજવા માટે બે શબ્દને જોડવા પડશે. ‘હિતે જો’ એટલે અહીંયાનું અને ‘મિડે’ શબ્દનો અર્થ થાય છે: બધું. ‘હિતઇં આય’ આ પણ બે શબ્દો છે, જેને જોડતાં અર્થ થાય છે: અહીં જ છે. શબ્દાર્થ સ્પષ્ટ પણ કહે છે કે: અહીંનું બધું અહીં જ છે. મતલબ કે જેવું અને જેટલું વાવીએ તેવું અને તેટલું ફળ મળે, કે, ભોગવવું પડે! ભાવાર્થ એજ છે કે, ‘વાવો તેવું લણો’ વાત આખરે કર્મના ફળ મેળવવાની જ છે.

આપણે ગુજરાતીમાં એવી કહેવતનો પણ પ્રયોગ કરતાં હોઈએ છીએં કે, ‘તલવારનો ઘા સોઈથી ગયો’ આફત તો મોટી આવવાની હતી પણ (પ્રભુ કૃપાએ) થોડેથી જ બચી ગયા! પણ, ચોવક એ અર્થ કઈ રીતે વ્યક્ત કરે છે તે જુઓ: “હુઈ ત ફાંસી, પ જેલ સેં પતી વ્યો ‘હુઈ ત’ એ પણ શબ્દ છે જેનો અર્થ થાય છે: હતી તો. ‘પ’ એકાક્ષરી શબ્દ છે, અને તેનો અર્થ થાય છે: પણ. ‘જેલ સેં’ એટલે જેલથી. પતી વ્યો’નો અર્થ છે: પતી ગયું. શબ્દોને જોડતાં અર્થ થાય છે કે: સજા તો ફાંસીની થવાની હતી પણ જેલની સજા થતાં બચી જવાયું! મતલબ કે મોટી સજા નાની સજામાં પૂરી થઈ ગઈ!
કચ્છી કવિ ‘તેજે’ બહુ સરસ વાત કરી છે કે,
“ભાઈબંધેં ત ચ્યાં અસીં વિઠા અંઈયોં
જરૂર પઈ તડેં મિડે વિછા જ ર્ચા!

અર્થ એ છે કે, મિત્રોએ તો કહ્યું હતું કે, જરૂર પડે તો અમે બેઠા છીએં, અને જ્યારે (દુ:ખ આવ્યું) જરૂર પડી ત્યારે ખરેખર એ ‘બેઠાજ રહ્યા’! બસ એવાં અર્થમાં એક ચોવક રચાઈ છે: “સૌ સારા પ છાલ કમ મ યે, ‘સૌ સારા’નો અર્થ આપ સૌ જાણો છો. ‘પ’ એટલે પણ ‘છાલ’નો અર્થ છે: ભગવાન ન કરે ને…’ ‘કમ’ એટલે કામ, જરૂર કે ગરજ. ‘મ પે’ એ, એકાક્ષરી બે શબ્દો છે જેનો અર્થ થાય છે: ન પડે. ચોવકનો અર્થ થાય છે: આમ તો બધા જ (મિત્રો-સંબંધીઓ) સારા પણ ભગવાન ન કરે કે તેમની જરૂર પડે! (કોઈ કામ આવતું નથી!)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button