ઈન્ટરવલ

તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…

કાઠિયાવાડમાં રાજવીઓનાં રજવાડાં હતાં ત્યારે પ્રજાવત્સલ્ય રાજાઓમાં આર્ષદૃષ્ટિને દૂરંદેશીતા જબરજસ્ત હતી. જેનું જીવન પ્રેરણાદાયી હોય, સમાજમાં રિસ્પેક્ટેબલને આત્મસંતોષી વ્યક્તિત્વને સમષ્ટિગત કાર્યશૈલીની પ્રણાલિકાનું ગૌરવગાન થતું હોયને ભૂરી… ભૂરી… પ્રશંસા જન… જન… કરતો હોય તેવા સૌરાષ્ટ્રના રાજવીઓમાં શિરમોર વ્યક્તિની ગણનામાં એક નામ ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા એ ગોંડલના ઉત્તમોત્તમ રાજવી હતા. જેને (ગોેંંડલબાપુ)ના હુલામણા નામે ઉદ્બોધન કરતા તેમનો જન્મ ૨૪-૧૦-૧૮૬૫, કારતક સુદ પાંચમ, ધોરાજીમાં થયેલ અને તેમનું અવસાન ૯ માર્ચ ૧૯૪૪ના થયેલ. માતા: મોંઘીબા, પિતા: સંગ્રામસિંહજી ભાણજી જાડેજા. ભગવતસિંહજી મહારાજાનો રાજ્યાભિષેક ૨૫ ઓગસ્ટ ૧૮૬૯માં પિતા સંગ્રામસિંહજીનું અવસાન થતા ગોંડલ રાજની ગાદી પર બેઠા અને ત્યારબાદ નાની ઉંમરે રાજવી તો બન્યા પણ ઈ.સ. ૧૮૮૪માં ગોંડલની સ્વતંત્ર સત્તા સંભાળી. અભ્યાસ માટે ૧૮૭૫માં રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયા. ૧૮૮૭ સ્કોટલેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી. (ડૉક્ટરી અભ્યાસ) કરી ૧૮૯૦માં તે યુનિવર્સિટીમાંથી એમ. બી. સી. એમ. અને એમ. આર. સી.પી. ૧૮૯૫માં એફ.આર.સી.પી. અને એમ.ડી. આયુર્વેદનો અભ્યાસ કરી બુદ્ધિમતાને કામે લગાડી ગોંડલમાં ૧૮૮૭માં સૌપ્રથમ ટેલીફોન લાઈન દરબારગઢથી હજુર બંગલા સુધી શરૂ કરી.

ગોંડલનું રજવાડાની ૧૬૩૪માં સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે ઠાકુર કુંભોજી પ્રથમ મેરામનજીએ ગોંડલની ગાદી સંભાળી હતી. તેમના પછીના રાજાઓએ રાજ્યનો વિસ્તાર કર્યો અને ગોંડલને સમૃદ્ધ બનાવ્યું. ગોંડલના નોંધપાત્ર મહારાજાઓમાં અગ્રક્રમે મહારાજા ભગવતસિંહ (૧૮૬૬-૧૯૪૪) તેઓ ગોંડલના સૌથી પ્રજા વત્સલ્ય શાસકોમાંના એક હતા. તેઓ શિક્ષણ, આરોગ્ય, રેલવે, ટેલિફોન સેવા અને સમાજ સુધારણાના હિમાયતી હતી. તેમણે ગોંડલમાં અનેક શાળાઓ, હોસ્પિટલો તેમ જ જાહેર સુવિધાઓ પૂરી પાડી હતા. તેઓ અક્ષરજ્ઞાનનું વિસ્તૃત ભંડોળ એકત્ર કરી લોકબોલીમાં બોલતા શબ્દોને તારવી તેમણે ‘ભગવદો મંડલ’ નામનો ગુજરાતી ભાષાનો દળદાર શબ્દકોષ સંપાદિત કર્યો અને પ્રવીણ પ્રકાશને આ ગ્રંથનું પ્રકાશન કરી સમાજ હિતમાં સ્તુત્ય કાર્ય કર્યું છે.

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી સૌરાષ્ટ્રમાં રેલવેના પાયોનિયર ગણાય છે…!? જી, હા. સૌરાષ્ટ્રમાં રેલવે શરૂ કરવાનું બહુમાન સર ભગવતસિંહજીના ફાળે જાય છે. ગોંડલ રેલવે સ્ટેશનની સ્થાપના ઈ.સ. ૧૯૩૨માં કરવામાં આવી હતી. તે પહેલા હાલ નગરપાલિકા કચેરી બેસે છે તે બિલ્ડિંગ રેલવે સ્ટેશન હતું…! ગોંડલના હેરિટેજ રેલવે સ્ટેશન (Haritage Railway Station)) જે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલવે સ્ટેશન-હેરિટેજ રેલવે સ્ટેશનનાં પુન:વિકાસ તથા ૧૫૦૦ રોડ, ઓવર બ્રિજ અંડર પાસ બનાવ્યા છે, તે અંતર્ગત ૬ કરોડના ખર્ચે ગોંડલ રેલવે સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવેલ, જેથી ગોંડલનું રાજવી સમયનું બિલ્ડિંગને કેશરી-ઓફ વ્હાઈટ રંગના અદ્ભુત કોમ્બિનેશનથી રંગરોગાન કરી સુંદરતમ બનાવેલ છે. ગોંડલના રાજવી ભગવતસિંહે આ રેલવે સ્ટેશનની વચ્ચે ગોંડલ સ્ટેટનો લોગો કોતરાવેલ છે જેમાં લખ્યું છે. સજ્યં ચ સત્યં ને વચ્ચે લાલ તલવારને ગોલ્ડન રંગનું મુઠિયુંથી આ રેલવે સ્ટેશનને ચાર ચાંદ લગાવે છે. આ રેલવે સ્ટેશનથી સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટથી ટ્રેન સેવા બ્રોડગેજ ને ઈલેક્ટ્રિક સજ્જ ટ્રેનો ચાલે છે. આજે આ ગોંડલ રેલવે સ્ટેશન રાજવી ઠાઠની પ્રતીતિ તંતોતંત કરાવે છે. આપ સોમનાથ જાવ તો ગોંડલ રેલવે સ્ટેશન અચૂક જોજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button