ઈન્ટરવલ

ગુજરાતનો સુવર્ણકાળ : મહાક્ષત્રપ યુગ

શક સંવત કોના થકી?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

સમ્રાટ અશોક પછી ફરી ભારતવર્ષ નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. આ ગાળામાં ગ્રીક, શક, કુષાણો, પર્શિયન જેવા વિદેશી ટોળાઓ ભારતમાં આવવા લાગ્યા. ઘણાએ રાજ્ય બનાવી શાસન કર્યું, આ બધાએ ભારતની ભાષાઓ, સભ્યતા, સંસ્કૃતિ તથા ભારતીય ધર્મોને અપનાવી લીધા. ભારતીય અર્થવ્યવસ્થાનું જતન કરવા સાથે આ પ્રજાઓએ ભારતીય સ્થાપત્યો સાથે સંસ્કૃત સાહિત્યને પ્રોત્સાહન આપ્યું. મહાક્ષત્રપ સમયે ગુજરાતમાં કળા અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો સુવર્ણકાળ આપ્યો.

આપણો પ્રશ્ર્ન છે કે શક સંવત કોના થકી શરૂ થઈ એ અંગે વિદ્વાનોમાં સહમતી નથી. કુષાણ સમ્રાટ કનિષ્ક થકી શક સંવતની શરૂઆત થઈ એવું ઘણા માનતા. એકબીજાના હરીફ એવા કુષાણ રાજા શક સંવત શરૂ કરે કે કુષાણ?

પશ્ર્ચિમી ક્ષત્રપ શાસનમાં શક સંવત શરૂ થઈ હોય અંગે ચર્ચાઓ ચાલી. એક અભ્યાસ એવું માનતો કે ઇસુના સીત્તેર એંસી વર્ષ પહેલા ચાષ્ટનના સમયે શરૂ થઈ. પશ્ર્ચિમી ક્ષત્રપ શક હતાં, ચાષ્ટન સ્વતંત્ર શક રાજવી હતો. નહપાન નામના ક્ષત્રપ રાજવીએ જે વિસ્તાર ગુમાવ્યા હતાં, એ ચાષ્ટનના સમયે પરત મેળવ્યા હતાં. ચાષ્ટને શક્તિશાળી સાતવાહન રાજા શાતકર્ણિને હરાવ્યો હતો એની યાદમાં જે સંવત શરૂ થઈ એ શક સંવત તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે છેલ્લાં સો વર્ષથી અલગ અલગ મત પણ છે, આમ છતાં મહદઅંશે ચાષ્ટનના સમય સાથે સહમત છે. વિક્રમ સંવત, શક સંવત અને ગુપ્ત સંવતનો એકબીજા સાથે ખાસ મેળ પડતો નથી.

મૌર્ય યુગ અને શૃંગ યુગ પછી ઉત્તર ભારતમાં કુષાણોનું રાજ હતું, દક્ષિણમાં મોટા વિસ્તારમાં સાતવાહન રાજાઓ હતાં. આ બંને શક્તિશાળી પ્રજા વચ્ચે પશ્ર્ચિમ ભારતમાં શકો એટલે કે પશ્ર્ચિમી ક્ષત્રપો હતાં. વિદેશી શકોમાં છ વંશોએ મુખ્યત્વે ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં આશરે ત્રણસો વર્ષનો શાંતિ અને સમૃદ્ધિનો સુવર્ણયુગ આપ્યો હતો.

પશ્ર્ચિમી ક્ષત્રપમાં સૌ પ્રથમ ક્ષતરાત કુળના રાજાઓ આવ્યા, એ જ કુળે મથુરા અને તક્ષશિલામાં પણ રાજાઓ આપ્યા હતાં. પશ્વિમી ક્ષત્રપના પહેલા કુળે બે રાજાઓ આપ્યા. પ્રથમ રાજવી ભૂમક આવ્યો, એના પછી નહપાન આવ્યો. પહેલી સદીમાં રાજા બનેલો મહાક્ષત્રપ ભૂમકનો ગુજરાત, માળવા વગેરે પર આધિપત્ય હોવાનું માનવામાં આવે છે.

નહપાને વર્ષ ૦૦૩૨થી ૦૦૭૮ સુધી શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રનો પશ્ર્ચિમ ભાગ, ગુજરાત, સૌરાષ્ટ્ર, અજમેર સુધી નહપાનનો વિસ્તાર હતો, પૂર્વમાં માળવા સુધી તથા તેની રાજધાની ભરૂચ હોવાનું માનવામાં આવે છે.

નહપાન એની પાછલી અવસ્થામાં જૈન મુનિ બનીને ભૂતબલિ નામ ધારણ કર્યું હોવાની કથા જૈન સાહિત્યમાં મળે છે. જ્યારે અન્ય સાહિત્ય મુજબ નહપાને બૌદ્ધ ગુફાઓને ખૂબ મદદ કરી હોવાની નોંધ છે. નહપાને બ્રાહ્મણોને ગાયો, દાન અને બ્રહ્મભોજન કરાવ્યા હોવાની પણ નોંધ છે.

નહપાને પુષ્કરમા સ્નાન કરીને ત્રણ હજાર ગાયો તથા એક ગામ દાન કર્યું હતું. મહારાષ્ટ્રના રામકુંડ, પ્રભાસ, નારગોલ, ઉજ્જૈન, ચીખલી વગેરે સ્થળોએ પણ દાન આપ્યાની વિગતો મળે છે.
એક કથા મુજબ નહપાન તેના પ્રતિસ્પર્ધી સાતવાહન રાજાના કાઢી મૂકાયેલા મંત્રીને પોતાને ત્યાં ઉચ્ચ હોદ્દો આપ્યો હતો. મિન્સ પક્ષપલટા બે હજાર વર્ષ પહેલાં પણ હતાં. નહપાનના સમયે ગુજરાતના બંદરો ધમધમતા હતાં, સરવાળે પ્રજા અત્યંત સમૃદ્ધ હતી. સ્વાભાવિક છે કે રાજા નહપાનની તિજોરી પણ સમૃદ્ધ હશે, એ કારણે પોતાના નિવાસમાં વિદેશી યુવતીઓ, ચાંદીના વાસણો, એ જમાનામાં ય ઇંગ્લીશ શરાબ અને જાતજાતના લેપ ઇમ્પોર્ટ થતાં.

નહપાનને પહ્માવતી નામની પત્ની અને દક્ષમિત્રા નામની પુત્રી હતી. દક્ષમિત્રાના પતિનું નામ ઈષવદત્ત હતું. કુછ સમજે? નામ પરથી સમજી શકાય કે, વિદેશી શકોએ ભારતીયકરણ સંપૂર્ણ અપનાવી લીધું હતું. નહપાનના પુત્ર અંગે માહિતી નથી.
બાય ધ વે, સિક્કાની મુખ્ય બાજુ મુખ્ય રાજા અને પાછલી બાજુ તેના જે જોવા મળે તેના પરથી પહેલાં કોણ સત્તા પર હતું એ મહાક્ષત્રપના સિક્કાઓ પર જોવા મળતું. ક્ષતરાત વંશના સિક્કા ગોળ હતાં, એ પછી ચોરસ પણ આવ્યા છે.
સાતવાહન રાજાએ નહપાન વંશને ખતમ કર્યો, પણ ક્ષત્રપ રાજ્ય સલામત હતું. નહપાન પછી ગુજરાત પર ચાષ્ટન નામના રાજાનો વંશ શરૂ થયો. આ રાજાઓ કાર્દમક વંશના પણ કહેવાતા. કાર્દમક નામ કર્દમ ઋષિ સાથે પણ જોડાયેલું હતું. કર્દમ ઋષિનો વિસ્તાર સિદ્ધપુર આસપાસ હોવાનો માનવામાં આવે છે, પણ આ વંશની કશી વિગતો કે સિક્કા સિદ્ધપુર આસપાસ મળતા નથી, પણ ઇરાન આસપાસ ભટકતી આ પ્રજા ત્યાંની કર્દમા નદીને ધ્યાનમાં રાખીને નામ આવ્યું હોવાની વાયકા પણ પ્રચલિત છે. ચાષ્ટન વંશ પછી જીવદામા વંશના બે રાજાઓ આવ્યા. ચાષ્ટનની રાજધાની ઉજ્જૈન હતી, તેણે ક્ષતરાતોએ ગુમાવેલા વિસ્તાર પાછા જીત્યા. ચાષ્ટનનો વિસ્તાર નર્મદાથી રાજસ્થાન અને માળવાથી સૌરાષ્ટ્ર, કચ્છ સુધી હતો.

ચાષ્ટન પછી તેનો પુત્ર જયદામા આવ્યો, જયદામા પિતાની હાજરીમાં મૃત્યુ પામતા રુદ્રદામાએ ગાદી સંભાળી.

રુદ્રદામાએ રાજ્ય મોટું કર્યું, સિંધ અને દક્ષિણમાં કોંકણ જીતીને મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો.

રુદ્રદામાએ સાતવાહન રાજા શાતકર્ણિને બે વાર હરાવ્યો અને પકડ્યો, પણ નજીકનો સંબંધી હોવાથી માફી આપીને મુક્ત કર્યો હતો. રુદ્રદામા શક્તિશાળી હતો, પરાક્રમી હતો અને દેખાવડો હતો, અનેક રાજાઓએ તેની ક્ધયા સાથે લગ્ન કરાવ્યા હતાં. રુદ્રદામાએ સનાતન ધર્મના વિકાસ માટે છૂટા હાથે દાન કર્યું હતું. તેના રાજ્યમાં લડાઈ સિવાય મનુષ્યવધ પર પ્રતિબંધ હતો, અનેક રાજાઓને મિત્રભાવે મદદ કરી હતી. જૂનાગઢના વિકાસ માટે ઘણી મદદ કરી હતી. એક માન્યતા મુજબ તેની રાજધાની જૂનાગઢ હતી એવું માનવામાં આવે છે. રુદ્રદામા પછી તેનો પુત્ર દામજદશ્રી પછી તેનો પુત્ર જીવદામા ગાદી પર આવ્યો. જીવદામા પછી એના કાકા રુદ્રસિંહનો મોટો પુત્ર રુદ્રસેન આવ્યો. અહીં નામની પાછળ સિંહ શબ્દ પહેલીવાર સાંભળવા મળ્યો. રુદ્રસિંહ શકોમાં પહેલીવાર સંપૂર્ણ ભારતીય પરંપરાગત નામ આવ્યું. રુદ્રસિંહને ત્રણ પુત્રો હતાં, રુદ્રસેન, સંઘદામા અને દામસેન…

રુદ્રસેને વીસેક વર્ષ રાજ્ય કર્યું, એ સમય બધી રીતે લગભગ શાંતિનો યુગ હતો. રુદ્રસેને જૂનાગઢ પાસે બૌદ્ધ ભિક્ષુ સંઘ બનાવ્યો. રુદ્રસેને પોતાના પુત્ર પૃથ્વીવિશેણને વારસદાર બનાવતા તેના ભાઇ સંઘદામાએ બંનેની હત્યા કરી. સંઘદામા ગાદી પર બેસતા માલવામાં થયેલા યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સંઘદામા પછી તેનો ભાઇ દામસેન ગાદી પર આવ્યો. દામસેને તેર વર્ષ રાજ્ય કર્યું, દામસેન પછી રશોદામા પહેલો સત્તા પર આવ્યો, પણ બે વર્ષમાં મૃત્યુ પામતાં વિજયસેન મહાક્ષત્રપ બન્યો. વિજયસેને અગિયાર વર્ષ શાંતિપૂર્ણ શાસન ચલાવ્યું, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું. એના પછી બે વર્ષ માટે દામજલશ્રી ત્રીજો અને એ પછી રુદ્રસેન બીજો ગાદી પર આવ્યો, જેણે શાંતિથી બાવીસ વર્ષ રાજ્ય કર્યું. એ પછી વિશ્ર્વસિંહ, ભર્તુદામા અને વિશ્ર્વસેન ગાદી પર આવ્યા. વિશ્ર્વસેન પછી ચાષ્ટન કૂળ ખતમ થયું.

વિશ્ર્વસેન પછી કૂળ બદલાયું અને સ્વામી જીવદામાનો પુત્ર રુદ્રસિંહ બીજો ગાદી પર આવ્યો, એ પછી રશોદામા બીજો, રુદ્રદામા બીજો, રુદ્રસેન ત્રીજો કે જેણે બત્રીસ વર્ષ રાજ્ય સંભાળ્યું. ગુજરાતમાં આ દરમિયાન શાંતિ રહેતા સમૃદ્ધિ વધતી ગઇ.

રુદ્રસેન ત્રીજાની ભાણો સિંહસેન ગાદી પર આવ્યો, એ પછી રુદ્રસેન ચોથો, સત્યસિંહ અને છેલ્લે રુદ્રસિંહ ત્રીજાએ રાજ્ય કર્યું. વિદેશથી આવેલી રખડતી પ્રજા શક સંપૂર્ણ ભારતીય અને ગુજરાતી બની ગઇ.

ચંદ્રગુપ્તે માળવા પર હુમલો કરીને છેલ્લા શક રાજાને દગાથી હરાવીને મારી નાખ્યો હતો, જેની કથા બાણભટ્ટે હર્ષચરિતમાં લખી છે. શકોએ સત્તા ગુમાવી એ પહેલાં રાજસ્થાન અને માળવા પરથી કાબૂ ગુમાવ્યો હતો, આ પછી પણ બીજા વીસ વર્ષ ગુજરાત તેમની પાસે અને સાથે હતું.

ક્ષત્રપોના નામો લખીને એ યાદ આપવાની કોશિષ કરી કે આ બધા આપણા ગુજરાતના રાજાઓ હતાં. ગુજરાતની સમૃદ્ધિમાં ક્ષત્રપોનું અપ્રિતમ યોગદાન હતું. શકોએ ગુજરાતમાં ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું, રુદ્રદામાએ નહેરો બનાવવા સાથે તળાવો મજબૂત કર્યા હતાં. વૈષ્ણવ સંપ્રદાયને મહત્ત્વ આપ્યું હતું. લિપિઓના વિકાસ સાથે આધુનિક સંસ્કૃત ભાષાનો વિકાસ કર્યો હતો. શિક્ષણમાં નવી શાખાઓના વિકાસ કરવા સાથે પૌર એટલે શહેર અને જાનપદ એટલે ગામડાનો વિકાસ કર્યો હતો.

શકોએ ગુજરાત પર શાસન દરમિયાન બ્રિટીશ સિસ્ટમની જેમ અધિકારીઓના હોદ્દા બનાવ્યા હતા. બૌદ્ધ, જૈન અને સનાતન ગુફાઓ બની હતી, રક્ષણ મળ્યું હતું. મૂર્તિકળાનો વિકાસ કરવા સાથે માટીના આધુનિક વાસણો બનાવવાનો સમગ્ર ભારતીય ખંડમાં પ્રારંભ કર્યો હતો. આ કથાઓ ઈસ.ની પહેલી ત્રણ સદીની છે.

ધ એન્ડ : પ્રેમનું પહેલું કર્તવ્ય સામી વ્યક્તિને સાંભળવાનું છે.
(પોલ ટિચિલ જર્મન ફિલોસોફર)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button