
કવર સ્ટોરીઃ નિલેશ વાઘેલા
જી નહીં, ક્રિકેટની મોસમ જામી છે એટલે શીર્ષક વાંચીને ક્યાંક ગેરસમજ નહીં કરતા, આ કોઇ સોના કે સોનું નામના ક્રિકેટરે મારેલી સેન્ચૂરીની વાત નથી, આ વાત સોનાના ભાવતાલ કે વળતરને લગતી પણ નથી, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડમાં નોંધાયેલા નવા વિક્રમની વાત છે.
રોકાણની વાત આવે ત્યારે હંમેશાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટોપમાં રહે છે, કારણ કે તેમાં જોખમનું પ્રમાણ ઊંચું હોવા સાથે વળતર પણ ઊંચું મળે છે અને એટલે જ રોકાણકારો ગાડરિયા પ્રવાહમાં તણાઇને શેરબજાર પર ઓળઘોળ થતાં હોય છે. જોકે આ વખતે કંઇક નવું થયું છે!
ગોલ્ડ ઇટીએફએ ઇક્વિટીને પાછળ મૂકી દીધી છે. ગોલ્ડ ઇટીએફમાં જાન્યુઆરી 2026માં રોકાણ પ્રવાહ 100 ટકા વધીને રૂ 24,040 કરોડની સપાટીએ પહોંચ્યો છે. અલબત્ત આ આંકડો ઇક્વિટીના રોકાણ પ્રવાહથી સહેજ જ નીચો છે, પરંતુ આગળ જતાં તફાવત વધતો જાય એવી સંભાવના છે.
ગોલ્ડ ઇટીએફ તરફ વધતા રોકાણકારોના આકર્ષણ પાછળ ઇટીએફની એક રોકાણ માધ્યમ તરીકેની સવલતો ઉપરાંત સોનાના સતત વધી રહેલા ભાવ અને તેને કારણે વળતરમાં થઇ રહેલા વધારો મુખ્ય છે. ટોચના અર્થનિરિક્ષકો એવી આગાહી કરી રહ્યા છે કે ડોલર સતત નબળો પડી રહ્યો છે તે જોતાં સોનાના ભાવ આગળ પણ વધતા રહેવાની સંભાવના છે.
સિલ્વર ઇટીએફનું આકર્ષણ પણ વધી રહ્યું છે પરંતુ ચાંદી સટ્ટાકીય એસેટ હોવાને કારણે અને તેમાં હાલ ક્રિપ્ટો કરન્સીની માફક જંગી અફડાતફડી થઇ રહી હોવાથી સલામતી સાથે સારા વળતરની આશા ધરાવતા રોકાણકારો સોના અને ગોલ્ડ ઇટીએફ તરફ દોટ માંડી રહ્યા છે.
ચાંદીની વધતી માગ અને માગ વધવાના કારણો સૌ જાણે છે, પરંતુ સોનામાં પણ પુરવઠા કરતા માગ વધુ જ રહી છે અને આગળ જતાં માર્કેટ એનાલિસ્ટ અનુસાર ડોલરની નબળાઇ સાથે સોનાના ભાવ વધતા રહે એવી સંભાવના છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો ડોલરનું રિઝર્વ ઘટાડી રહી છે અને તેને સ્થાને ગોલ્ડ રિઝર્વ વધારતી જાય છે. આ ટ્રેન્ડ હજુ આગામી કેટલાંક વર્ષો સુધી ચાલે અને ડોલર સતત નબળો પડતો જાય એવી સંભાવના વચ્ચે સોનાની માગ અને ભાવ વધતા રહે તો તેના વળતરમાં પણ વધારો થતો રહે એવી શકયતા છે.
હવે મુખ્ય મુદ્દા તરફ પાછા ફરીએ તો, જાન્યુઆરી 2026માં સોનામાં રોકાણ કરનારા એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ વધારો પાછલા વર્ષના અંતિમ ક્વાર્ટરથી શરૂ થયેલા વેગના વિસ્તાર સમાન છે. બજારની એકંદર અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે સલામત રોકાણની શોધમાં નીકળેલા રોકાણકારો જાણે ગોલ્ડ ઇટીએફમાં રાહતનો વિસામો મેળવવા માગે છે.
જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. 24,039.96 કરોડનો પ્રવાહ જોવા મળ્યો, જે ડિસેમ્બર 2025ના રૂ. 11,646.74 કરોડ કરતા 106 ટકા વધારે છે. તાજેતરના મહિનાઓમાં જાન્યુઆરીનો આ આંકડો સૌથી વધુ માસિક પ્રવાહ દર્શાવે છે. આ વધારા સાથે, ગોલ્ડ ઇટીએફ રૂ. 24,028.59 કરોડના ઉક્ત મહિનાના ઇક્વિટી રોકાણ પ્રવાહથી સહેજ આગળ છે.
વર્ષના મોટાભાગના સમય માટે સામાન્ય રહ્યા પછી, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પ્રવાહનો વેગ 2025ના અંતિમ તબક્કા દરમિયાન વધવના માંડ્યો. ઓક્ટોબરમાં પ્રવાહ રૂ. 7,700 કરોડ, નવેમ્બરમાં રૂ. 3,741.79 કરોડ રહ્યા બાદ તે ડિસેમ્બરમાં ફરીથી વધ્યો હતો. રોકાણકારોનો પ્રેફ્રેન્સ બદલાઇ રહ્યો છે. પાછલા બે મહિનામાં સતત વધારો મલ્ટી એસેટ ફંડ્સની બહાર સોનાની તરફ રોકાણકારોની સ્પષ્ટ શિફ્ટ સૂચવે છે.
ગોલ્ડ ઇટીએફના મજબૂત પ્રદર્શને જાન્યુઆરીમાં ઇટીએફ અને વિદેશી ફંડ કેટેગરીમાં કુલ ચોખ્ખા પ્રવાહને રૂ. 39,954.63 કરોડ સુધી પહોંચાડ્યો, જે ડિસેમ્બરમાં રૂ. 26,723.24 કરોડ હતો. અન્ય ઇટીએફમાં સતત રસ જોવા મળ્યો, જ્યારે વિદેશમાં રોકાણ કરતા ફંડ્સ ઓફ ફંડ્સમાં સ્થિર પરંતુ સામાન્ય પ્રવાહ જોવા મળ્યો, જે સૂચવે છે કે રોકાણકારો વ્યાપકપણે જોખમ લેવાને બદલે પસંદગીના વધારાનો અનુભવ ચકાસી કરી રહ્યા છે.
બીજી તરફ, ઇન્ડેક્સ ફંડ્સમાં જાન્યુઆરી 2026માં રૂ. 23 કરોડનો નજીવો રોકાણ પ્રવાહ જોવા મળ્યો. બજારના નિષ્ણાતોના મતે, તાજેતરના મહિનાઓમાં ગોલ્ડ ઇટીએફ પ્રવાહમાં વધારો વૈશ્ર્વિક આર્થિક અનિશ્ચિતતા, નાણાકીય નીતિમાં ઘટાડાની અપેક્ષાઓ અને સતત ભૌગોલિક રાજકીય જોખમોને કારણે રોકાણકારો ગોલ્ડ ઇટીએફ તરફ ઢળી રહ્યા છે.
આ વધારો સૂચવે છે કે રોકાણકારો સોનાને એક સલામત અને વિશ્ર્વસનીય રોકાણ વિકલ્પ તરીકે જુએ છે, ખાસ કરીને શેરબજારની અનિશ્ર્ચિત પરિસ્થિતિઓમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણનો વધારો, રોકાણકારોને સાવચેતી અને વિવિધતા સાથે રોકાણ કરવાનું આશ્ર્વાસન આપે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ભારતીય રોકાણકારો માટે એ રીતે પણ એક સારા સમાચાર છે, કારણ કે તે સોનામાં રોકાણ કરવાની તકો શોધી રહેલા ઇન્વેસ્ટર્સને એક નવું અને સરળ માધ્યમ પુરું પાડે છે.
ભારતમાં સોનાની માગ હંમેશાં ઊંચી રહી છે અને ગોલ્ડ ઇટીએફમાં વધારો આ માગને પૂર્ણ કરવાનો એક માર્ગ છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે, જેમાં સોનાની કિંમતોમાં વધારો, સુરક્ષા, સરળતા અને ઓછા ખર્ચનો સમાવેશ થાય છે. ગોલ્ડ ઇટીએફ રોકાણકારોને સોનાના ભાવ વધારાનો લાભ લેવાની તક આપે છે, જ્યારે તેઓને સોનાના ભૌતિક રૂપમાં રોકાણ કરવાની જરૂર નથી.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનો એક અન્ય ફાયદો છે કે તે સરળ છે. રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં ઓનલાઇન અથવા તેમના બ્રોકરેજ એકાઉન્ટ દ્વારા રોકાણ કરી શકે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનો ખર્ચ પણ ઓછો છે, કારણ કે તેમાં સોનાના ભૌતિક રૂપમાં રોકાણ કરવાની જરૂર નથી.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું વિચારી રહેલા રોકાણકારો માટે, તે મહત્ત્વપૂર્ણ છે કે તેઓ તેમના રોકાણના ઉદ્દેશ્યો અને જોખમ સહનશીલતાને ધ્યાનમાં લે. ગોલ્ડ ઇટીએફ બધા રોકાણકારો માટે યોગ્ય નથી અને રોકાણકારોએ તેમના રોકાણના નિર્ણયો લેતા પહેલા તેમના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે સંપર્ક કરવો જોઈએ.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાના ફાયદાઓને ધ્યાનમાં લેતા, તે સ્પષ્ટ છે કે તે એક સારો રોકાણ વિકલ્પ છે. જોકે, રોકાણકારોએ તેમના રોકાણના નિર્ણયો લેતા પહેલા તેમના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે સંપર્ક કરવો જોઈએ.



