
- અમૂલ દવે
તમારાં કર્મ તમારો પીછો કદી છોડતાં નથી. કર્મનાં સારાં નરસાં ફળ આપણે ભોગવવા જ પડે છે. તમે જેવું વાવો એવું લણો છો. વિશ્વશાંતિ સામે મોટો ખતરો ઊભો કરનાર તથા પ્રકૃતિ અને કુદરતી સાધનોને વિપુલ નુકસાન પહોંચાડનાર બે ખલનાયક ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની વિદાયની ઘડીઓ હવે ગણાઈ રહી છે.
નેતન્યાહુ અને ઝેલેન્સ્કીની જીદે દુનિયાને ત્રીજા વિશ્ર્વયુદ્ધના ઉંબરે પહોંચાડી દીધી છે. બન્નેના અવિચારી અને અતાર્કિક પગલાંને લીધે એમના દેશને પણ ભયંકર નુકસાન થયું છે, પરંતુ સત્તા લાલચું આ બે રાજનેતાઓની આંખ હજી ખુલતી નથી. યુદ્ધને લીધે બંને દેશ તબાહ થઈ ગયા છે. જોકે આ બન્ને સ્વાર્થી રજવડાનું પતન હવે બહુ દૂર નથી.
જ્યારે પણ ઈતિહાસ લખાશે ત્યારે નેતન્યાહુની સરખામણી હિટલર સાથે કરવામાં આવશે. હિટલરે યહૂદીઓને ગેસ ચેમ્બરમાં નાખવા જેવા સીતમ ગુજાર્યા હતા. હવે એક યહૂદી અમેરિકાના ટેકા અને શસ્ત્રોની મદદથી આખા મિડલ ઈસ્ટમાં કાળો કેર વર્તાવે છે. ગાઝા પટ્ટીમાં નરસંહાર કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એમની સામે વોરંટ બહાર પાડ્યું છે. અદાલત કહે છે કે નેતન્યાહૂએ વોર ક્રાઈમ કર્યા છે. એણે માનવતા વિરુદ્ધનાં અનેક કૃત્ય કયાર્ં છે. આ નિર્દયી રાજ્યાધ્યક્ષે ગાઝાના લોકોને રાહત સામગ્રી ન પહોંચવા દઈને પેલેસ્ટાઈન વાસીઓને જાણીબૂઝીને પાણી, અનાજ,દવા, ઈંધણ અને વીજળીથી વંચિત રાખ્યા છે. ઈઝરાયલ હવાઈ હુમલા કરીને ગાઝા પટ્ટીમાં નિર્દોષ મહિલા અને બાળકોની હત્યા કરે છે. નેતન્યાહુના આ નરાધમ કૃત્યને લીધે આખા વિશ્વમાં ઈઝરાયલ અને અમેરિકા તેની ગુડવીલ ગુમાવી રહ્યું છે. નેતન્યાહુ સામે કરપ્શન કેસ ચાલી રહ્યો છે ત્યારે એણે આમાંથી બચવા સીરિયા સામે યુદ્ધ છેડી દીધું છે. આ કેસ મે 2020થી ચાલી રહ્યો છે. એમના પર લાંચ લેવાના, છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના આરોપ છે. નેતન્યાહુને ડિસેમ્બર 2024થી જુબાની આપવાની છે. ઈઝરાયલે સીરિયા પર હુમલો કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને બીબી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. ટ્રમ્પે સીરિયા પર હુમલો કરવા નેતન્યાહુને ધમકાવ્યા છે. ટ્રમ્પના વહીવટીતંત્રે નેતન્યાહુની એકશનને મિડલ ઈસ્ટમાં શાંતિ લાવવાના અમેરિકાના પ્રયાસોની વિરોધી ગણાવી છે વાઈટ હાઉસના અધિકારીએ એમને ગાંડા અને બધા સમયે બોમ્બ ફેંકનારા ગણાવ્યા છે. અમેરિકાએ તેના રાજદૂતે કરાવેલા સીરિયા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ વિરામ પછી પણ બીબીએ સીરિયા પર હુમલો કરતાં અમેરિકા ઘણું નારાજ થયું હતું. અંતે અમેરિકાના સીરિયાના એલચી ટોમ બેરેક અને વિદેશપ્રધાન માર્ક રુબિયોએ પ્રચંડ દબાણ લાવીને ઈઝરાયલને વાર્યું હતું.
આ પણ વાંચો: પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !
આપણામાં કહેવત છે કે ‘ઘરનો ઝઘડો ઘરને ખાઈ જાય’ મિડલ ઈસ્ટમાં આવેલા સીરિયાનું પણ એવું જ છે. સાંપ્રદાયિક હિંસા, આંતરવિગ્રહ તથા બહારના દેશોની દરમિયાનગીરી સીરિયાને ચેનથી જીવવા દેતી નથી. ઈઝરાયલે સીરિયા પર હુમલો કરવા માટે ડ્રુઝના રક્ષણનું કારણ આપ્યું છે. ઈઝરાયલ દાવો કરે છે કે ડ્રુઝની બહુમતી ધરાવતા સ્વેદામાં સીરિયાનાં લશ્કરી દળો ડ્રુઝને ટાર્ગેટ બનાવી રહ્યા છે. 500થી વધારે લોકો માર્યા ગયા છે. સ્વેદામાં તબાહી જ જોવા મળે છે. ઈઝરાયલનું પગલું કાઉન્ટર પ્રોડક્ટિવ સાબિત થયું છે. ઈઝરાયલના હસ્તક્ષેપ પછી આરબના કબીલાના લડાયકો સ્વેદામાં પહોંચી ગયા છે અને આંતરવિગ્રહ ચાલુ થઈ ગયો છે. આરબ લડવૈયાઓએ ડ્રુઝ લોકોને હિજરત કરવાની ફરજ પાડી છે. ડ્રુઝ લોકો પલાયન થઈને જોર્ડન સરહદની નજીક પહોંચી ગયા છે, પરંતુ જોર્ડને તેમને પોતાના દેશમાં આવવાની ના પાડી છે. 80.000થી એક લાખ ડ્રુઝની જોર્ડન સરહદ નજીક જમાવટ થઈ છે.
સીરિયા આરબ રિપબ્લિકનો કુલ વિસ્તાર 1,85,180 ચોરસ કિલોમીટરનો છે. તુર્કી, લેબેનોન અને ઈઝરાયલ તેના પડોશી છે. તેના દેશમાં રશિયા અને અમેરિકા વગેરેનાં મથકો છે.
ડ્રુઝ અરબી બોલનારી ધાર્મિક લઘુમતી છે. આ કોમ સીરિયા, લેબેનોન , ઈઝરાયલ અને ગોલન હાઈટ્સમાં રહે છે. હકીકતમાં આ સંપ્રદાય શિયા ઈસ્લામની એક શાખા જ છે. જોકે તેની આગવી ઓળખ અને માન્યતા છે. સીરિયામાં દસ લાખ ડ્રુઝ છે. આ સંપ્રદાયના લોકો ઈઝરાયલને વફાદાર છે. ઈઝરાયલના લશ્કરમાં ડ્રુઝના ઘણા સૈનિકો છે. ઈઝરાયલમાં 1,52,000 ડ્રુઝ છે.
આ પણ વાંચો: પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!
નેતન્યાહુને લીધે ઈઝરાયલ દેવામાં ડૂબી ગયું છે. ઈરાનના મિસાઈલ હુમલા ને લીધે તેના 11 શહેરને નુકસાન થયું છે. કેટલાંયે વર્ષોથી ચાલતા યુદ્ધને લીધે તેના સેંકડો જવાન માર્યા ગયા છે. લશ્કર અડધું થઈ ગયું છે. ઈઝરાયલના 60 જેટલા સૈનિકોએ તો આત્મહત્યા કરી છે. અનેક સૈનિકો તો બીજા દેશમાં નાસી ગયા છે. તેનાં અનેક શહેરો, શેર બજાર અને બંદરોને ઈરાને ભયકર ક્ષતિ પહોંચાડી છે. આ બધાને કારણે નેતન્યાહુનું શાસક ગઠબંધન નબળું પડતું જાય છે. એમનું રાજકીય ભાવિ ડામાડોળ છે.
બીજી બાજુ અમેરિકાએ રશિયાને પચાસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, પરંતુ લાગે છે કે રશિયા આટલા દિવસમાં તો યુક્રેનનો ખેલ પતાવી દેશે. રશિયા દરરોજ એક હજાર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરે છે. રશિયા અણુ હથિયારોનું વહન કરી શકે એવા ઘાતક બોમ્બર વડે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. યુક્રેનનાં શહેરો ખંડેર બની રહ્યા છે. જ્યારે પુતિને યુક્રેનના જોકર ઝેલેન્સ્કી ને ‘નાટો’ના સભ્ય ન બનીને સમજૂતી કરવાની ઓફર આપી ત્યારે ઝેલેન્સ્કી માન્યા નહીં. યુક્રેને રશિયાનાં પાંચ હવાઈમથકો પર હુમલો કરીને 40 વિમાન-બોમ્બરને નુકસાન પહોંચાડ્યું તેથી રશિયા ભડકી ગયું છે. ટ્રમ્પની ચડામણીને લીધે યુક્રેન મોસ્કો પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. અમેરિકા અને ‘નાટો’ દેશ લશ્કરી સહાય નહીં આપે તો યુક્રેન લાંબા સમય સુધી ટકી શકે એમ નથી. રશિયા અડધું યુક્રેન હડપ કરીને બફર ઝોન બનાવશે.
આ તરફ લંબાતા જતા આ યુદ્ધથી દેશવાસીઓમાં ઝેલેન્સ્કી સામે વિરોધ વધતો જાય છે, પણ ઝેલેન્સ્કી માર્શલ લો લગાવી સત્તા પર ચીટકી રહ્યા છે, પરંતુ એમની આવી ભૂલોની પરંપરાને લીધે યુક્રેન વિશ્વ નકશામાંથી ભૂંસાઈ જાય તો નવાઈ નહીં.