ઈન્ટરવલ

ઘોઘા-પીપાવાવ-મુંબઈ જળમાર્ગ ફેરી સર્વિસ:એક નવી સુવિધા

ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ

ભૌગોલિક રીતે ગુજરાતના એક ખૂણે રહેલા ભાવનગર જિલ્લાના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે હાલ રો-પેકસ ફેરી સર્વિસનું સંચાલન દૈનિક ધોરણે સફળતાપૂર્વક થઈ રહ્યું છે. હવે સારા સમાચાર એવા આવ્યાં છે કે કેન્દ્ર સરકારનાં સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા-પીપાવાવ-મુંબઈ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે અને એ માટે જરૂરી સવલતો અંગેનો પ્રાથમિક સર્વે પણ પીપાવાવ બંદર ખાતે કરી લેવાયો છે. ઘોઘા અને મુંબઈ ખાતે તો આ ફેરી શરૂ કરવા અંગેની તમામ સવલતો ઉપલબ્ધ છે જ. આ ફેરી સર્વિસ શરૂ થાય તો વેપારીઓ અને જનતાને એક સરખો ફાયદો થાય તેમ છે.કારણ કે પીપાવાવ મુંબઈ વચ્ચે સડક માર્ગનું અંતર ૫૩૭ કિલોમીટર છે અને આ અંતર કાપતા ૧૪ કલાક જેટલો સમય લાગે છે જ્યારે પીપાવાવ-મુંબઈ વચ્ચેના જળમાર્ગનું અંતર માત્ર ૧૫૨ નોટિકલ માઈલ છે. જે અંતર શિપ દ્વારા માત્ર ૭ કલાકમાં કાપી શકાય. એટલે એનો અર્થ એ થાય કે આ ફેરી સર્વિસથી સમય અને ઈંધણની અડધોઅડધ બચત થાય તેમ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પીપાવાવ બંદર ખાતે થોડું સરસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી લેવામાં આવે તો ઘોઘા -પીપાવાવ-મુંબઈ ફેરી સર્વિસ નજીકનાં ભવિષ્યમાં જ શરૂ કરી શકાય તેવી સ્થિતિ છે. જોઈએ હવે ભાવનગરનાં ભાગ્ય ઉઘડે છે કે નહીં? બાકી આવા વિકાસલક્ષી પ્રોજેક્ટને કાર્યાન્વિત કરાવવા માટે તો ભાવનગરના રાજકીય નેતાઓએ પણ જાગૃતિ દાખવવી પડે હોં!

પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની બેઠક માટેની ઉમેદવારીનુ શું થશે?

પુરુષોત્તમ રૂપાલા , મોહનભાઈ કુંડારીયા
ગત તા.૧૪મી એપ્રિલે રાજકોટ જિલ્લાનાં રતનપર ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ ક્ષત્રિય સંમેલનમાં હાજરી આપવા આખા ગુજરાતમાંથી ઊમટી પડેલા રાજપૂતોના ભવ્ય માનવ મહેરામણ પછી સમગ્ર ગુજરાતમાં એક જ પ્રશ્ર્ન પુછાઈ રહ્યો છે કે રૂપાલાની રાજકોટ લોકસભાની બેઠક માટેની ઉમેદવારીનું શું થશે?આ અંગે મોંઢા એટલી વાતો અને અફવાઓ વહેતી રહે છે. આ અંગે બે વાત બહુ સૂચક છે અને તે વાત એ છે કે (૧):- રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયાને પક્ષ તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે તેઓએ રાજકોટની લોકસભાની બેઠકના પ્રચાર દરમિયાન સતત પુરૂષોત્તમ રૂપાલાની સાથે રહેવું અને (૨):- રૂપાલા જ્યારે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જાય ત્યારે સાથે જવું અને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું. આ સૂચવે છે કે રૂપાલા માટે ભા.જ.પ.એ પ્લાન-બી પણ સંભવત: ઘડી રાખ્યો છે.આનું કારણ એ છે કે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક સક્રિય આગેવાનોને રાજકોટમાં રૂપાલાનો ઉમેદવાર તરીકેનો પ્રવેશ ગમ્યો નથી.

યુવાનોની વાહનવ્યવહાર અંગેની ગેરશિસ્ત ચરમસીમા પર પહોંચી છે
અહીં ઉપર જે તસવીર છે એ ગુજરાતના યુવાનો દ્વારા ચલાવવામાં આવતા બાઇક અને સ્કૂટરની છે.જેમાં કાં તો નંબર પ્લેટની જગ્યાએ કશુંક લખાણ લખવામાં આવ્યું છે અથવા તો નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. અહીં મુકેલી તસ્વીરમાં જે આઠ વાહનો દેખાય છે તે આ વાતનો પુરાવો છે. આ વાહનોમાં અનુક્રમે (૧):- સુરાપુરાધામ-ભોળાદ (૨):- જય માતાજી (૩):- રાષ્ટ્ર સર્વોપરી/ભારત માતા કી જય(૪):- નંબર પ્લેટમાં માત્ર એક જ આંકડો રખાયો છે (૫):- જય માતાજી (૬):- નંબર પ્લેટમાં માત્ર બે આંકડા જ રાખ્યા છે અને (૭):- નંબર પ્લેટ વાળીને બે આંકડા ન દેખાય એવી કરી નાખી છે. આ બધું છડેચોક થાય છે પરંતુ કોણ જાણે કેમ કાં તો પોલીસ ખાતા કે વાહનવ્યવહાર ખાતાનું એ તરફ ધ્યાન નથી જતું અથવા બન્ને સરકારી વિભાગો એ તરફ ‘આંખ આડા કાન કરે છે.’ આમાં દોષ યુવાનોનાં માતા-પિતા કે વડીલોનો પણ ગણાય. કારણ કે તેઓ આવું કરતા યુવાનોને ટોકતા નથી કે અટકાવતા નથી. સરકારી વિભાગો અને વાલીઓએ આ અંગે જાગૃતિ કેળવે એ અનિવાર્ય જરૂરિયાત છે હોં!

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ કેવો કાળઝાળ છે તેનો પુરાવો આર્મી જવાનનો વિડિયો આપે છે.
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા – મહારાજાઓ સામે જે શબ્દો ઉચ્ચાર્યા એ રાજપૂતોને કેવા વાગ્યા છે તેનો હાજરાહજૂર પુરાવો આ લેખની સાથે મુકાયેલી તસ્વીરમાં દેખાતો ક્ષત્રિય યુવાન છે. જાડેજા અટક ધરાવતો આ યુવાન ભારતીય લશ્કરનો સૈનિક હોવાનું કહેવાયું છે. આ યુવાને પોતાના યુનિફોર્મમાં એક વીડિયો ઉતારીને લોકો વચ્ચે મુક્યો છે જેમાં પુરુષોત્તમ રૂપાલાને સીધું સંબોધન કરીને બધું બોલાયું છે અને તેમાં રૂપાલાને કેટલીક ધમકીઓ આપવામાં આવી છે અને તેનાં અનુસંધાને પોતાની આર્મીની નોકરી છોડવાની, વીસ વર્ષ જેલમાં જવાની તૈયારી પણ છે એવું કહેવામાં આવ્યું છે. આ વિડિયોમા બોલાયેલી વિગતોમાં સત્ય કેટલું છે એ તપાસનો વિષય હોઈ શકે પણ રૂપાલાના વિધાનો પરત્વે ક્ષત્રિયોમાં ઉકળાટ કેટલો બધો છે એ તો આ વિડિયોમા પ્રતિબિંબિત થાય જ છે હોં!

ક્ષત્રિય સંમેલન પ્રસંગે ભા.જ.પ.એ ગોઠવેલું આયોજન સફળ ન થયું?
એક વાત તો સ્વીકારવી જ પડે કે પુરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજ દ્વારા રાજકોટના રતનપર ખાતે તા.૧૪મી એપ્રિલે યોજાયેલા ક્ષત્રિય સંમેલનને બેનમૂન સફળતા મળી છે અને એ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વાણીમાં જે અદ્દભુત સંયમ રખાયો તથા ક્ષત્રિયોની લગભગ બે લાખની મેદની દ્વારા જે શિસ્ત રખાઈ તેની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પણ એવું ચર્ચાય છે કે આ સંમેલનના સંદર્ભે ભા.જ.પ.એ જે બાજી ગોઠવી હતી તે કારગત નીવડી નથી. સૂત્રો દ્વારા વહેતી થયેલી વાત જો સાચી માનીએ તો આયોજન એવું હતું કે આ સંમેલન પ્રસંગે જૂનાગઢ જિલ્લાનાં ગધેથડના મહંત લાલ બાપુ,મહંત અચલદાસજી વગેરેની મધ્યસ્થીથી પુરૂષોત્તમ રૂપાલા આ સંમેલનમાં જાય અને સમગ્ર ક્ષત્રિય સમાજની વધુ એકવાર માફી માગી લે અને સમાજ પણ ત્યાંને ત્યાં જ તેઓને માફ કરી દેવા અને ‘ઘી ના ઠામમાં ઘી પડી જાય.’ આ માટે સંતોએ પ્રયત્નો પણ કર્યા પરંતુ ક્ષત્રિય સમાજ આ અંગે ‘નમતું જોખવા તૈયાર ન થતાં’ આખું ઓપરેશન પડી ભાંગ્યું હતું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button