એ જ પાત્ર સાથે ફરીવાર લગ્ન થાય ખરા?
મેરેજના ફોટો આલબમ માટે કોઈ શાણો આવું ન જ કરે !
વ્યંગ -ભરત વૈષ્ણવ
કયાંકથી મારા લગ્નનો શ્રવેતશ્યામ ( ન સમજ્યા ? બ્લેક એન્ડ વ્હાઇટ!) આલબમ અલમારી કે માળિયામાંથી ખોળી કાઢીને રાજુ રદી હરખભેર મારા ઘરે ત્રાટક્યો.ચિત્રગુપ્તનો હિસાબી ચોપડો કે જીવોના કર્મોની ખાતાવહી તફડાવી લાવ્યો હોય તેમ રાજુ રદી ગેલમાં હતો.
‘ગિરધરભાઇ, આ તમારી બરબાદીની ગાથા છે!’રાજુએ મને કહ્યું.
‘રાજુ. દુ:ખતી નસ પર બાવળના બડૂકા જેવો હાથ ન મૂક’ મેં આજીજી કરી.
રાજુએ મારા ચહેરા પર પીડાના ભાવ જાણે વાંચ્યા:
‘ગિરધરભાઇ, તમે કોઇ એંગલથી એન્જલ જેવા લાગતા નથી. તમે ઓળખાતા જ નથી. તમારા ખાનદાનને ચંબલના કોઈ ડાકુ જોડે પૈત્રૃક સંબંધ- બબંધ ખરા? ચાર્લ્સ શોભરાજ મામો-બામો થાય? આ આલબમમાં તો તમે ડોન દાઉદ ઇબ્રાહિમ જેવાં અદલોઅદલ લાગો છો. ભાભી તો જુઓ, ‘એનિમલ’ની પેલી હીરોઈન તૃપ્તી ડમરી જેવા બ્યૂટિક્વીન લાગે છે. આ તો કાગડો માલપૂડા લઇ ગયો. રાજુને મોકો મળે એટલે મોકે કા ચોક્કા અચૂક લગાવે.
રાજુ. અમારે લગ્ન થયાં ત્યારે બ્યુટિ પાર્લર- પ્રિ વેડિંગ શૂટ અને વીડિયો શૂટિંગ ફોટોગ્રાફીનો ક્રેઝ ન હતો. આખા તાલુકામાં એક ફોટોગ્રાફર હોય. મોટા ડબલા જેવા કેમેરા પર કાળું કપડું ઓઢીને ફોટો પાડે. ફોટાનું રિઝલ્ટ દૂરદર્શન લાઇવ ટેલિકાસ્ટ થતી ક્રિકેટ મેચ જેવું હોય!’ મેં બળાપો કાઢ્યો.
ગિરધરભાઇ, કસમ ખાઇને કહેજો કે લગ્નનું આલબમ કેટલી વાર જોયું છે? કેવી ફિલિંગ થઇ છે?’ રાજુએ જળમાં કંકર ફેંકી વમળ ઊભા કર્યા.રાજુ રદી સળીબાજ – અડીબાજ છે.
રાજુ, લગ્ન એ લાકડાના લાડું છે. ન ખાઇને પસ્તાવું એના કરતાં ખાઇને પસ્તાવું સારું. લગ્નના આલબમનું પણ આવું છે. લગ્નનું આલબમ સરસ મજાના મખમલી કવરમાં ડ્રોઇંગ રૂમની શોભા ગણાતું હોય.ગમે તે મહેમાનને રનિંગ કોમેન્ટરી સાથે આલબમ બતાવામાં આવે,જેમાં પેલો ભેખડે ભરાયેલો હોય. પાર્ટીને આલબમ દેખાડ્યા વિના ગજેન્દ્ર મોક્ષ થવાની શક્યતા ન હોય. સારા ઘરનો સંસ્કારી શીલભદ્ર સારસ્વત સંકોચ કે ક્ષોભના કારણે ના પાડી શકે નહીં એટલે ના છૂટકે અઢી કલાક આલબમ જોવું જ પડે. અલબત, દરમિયાનમાં કોકમનું શરબત, કારેલાની છાલના ભજિયા કે મુઠિયા , કડું કરિયાતુંના ઉકાળાથી આવભગત પણ થાય…. પછી દુખનું ઓસડ દાડા તે ન્યાયે આલબમ તેનો ચાર્મ અને મહત્ત્વ ધીરે ધીરે ક્રમશ: ગુમાવતું જાય. અર્થશાસ્ત્રમાં ઘટતા સિમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત આવે છે તદનુસાર આલ્બમ છેવટે માળિયાધીન થાય છે! મેં લાંબુલચ વક્તવ્ય ફટકાર્યું.
ગિરધરભાઇ, નવરાશ હોય ત્યારે લગ્નનું આલબમ જોવાનો ઉજમ ચડે ખરો ? એટલે કે બોકડો કત્લખાને ગયો હોય એ બધી કરુણતમ પળ પુન: તાદ્રશ કરવાની ઇચ્છા થાય ખરી? રાજુએ સવાલનો ચીટિયો ભર્યો.
રાજુ, હવે આલબમ પિરાણાના ટેકરા પર ફેંકી આવવાની ઇચ્છા થાય છે. મેં મારી મન્શા એટલે કે ડિઝાયર વ્યક્ત કરી.
ગિરધરભાઇ, મેરેજના મલેરિયામાં એક મહિલા દુ:ખી થઇ ગઇ. એણે હોંશથી લગ્ન કરેલાં (ઘણા કસાઇવાડે જતા હોય તેમ લગ્નના માંડવે આવે છે.અલબત, હોંશથી લગ્ન કરનાર લગ્ન પછી કાયમી કસાઇવાડે હોય તેમ જીવે છે.) લગ્નનું સરસ મજાનું ફોટો આલબમ બનાવેલું. હૈયાના હાર જેવી માવજત કરેલી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે. એક દિવસ પૂર આવ્યું. ઘરવખરી સાથે આલબમ પણ પાણીથી લથબથ થયું. આલ્બમ ખરાબ થઇ ગયું. હવે પહેલાં બહેન આલબમ માટે ફરી વાર પરણવાં ઇચ્છે છે. બીજા કોઇ પુરુષ સાથે નહીં, ખુદના ગોરધન સાથે. મિંયા-બીબી રાજી તો કયા કરેંગા કાજી! જરા,થોભો…એક મિનિટ. મિંયા આલ્બમ માટે લગ્ન કરવા તૈયાર નથી. બહેન નિરાશામાં ગરકાવ છે. પતિએ કયા કારણસર ના પાડી હશે તે કારણ બતાવો રાજુએ કારણ બતાવો નોટિસ- સમન્સ- વોરંટ જારી કર્યું.
રાજુ, પહેલીવાર કોઈ પરણે ત્યારે બંને અજાણ્યા હોય. માનો કે કોઈ ઓપન કાર્ડને બદલે બ્લાઇન્ડમાં રમે છે, જેમાં પડશે એવા દેવાશે કે પડ્યું પાનું નિભાવવાની ભાવના હોય, પરંતુ અમુક વરસ સાથે જીવ્યાં પછી જોખમ સાથે રહ્યા પછી એકમેકને જાણતાં હોય છે. ગમા-અણગમા રીઢા થઇ ગયા હોય . ત્રણ એકકા કે કલરની પાકી રોન હોય તો માણસ હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે ખેલી જોખમ ઉઠાવી જુગટું ખેલે પણ ખરો, પરંતુ, તમારી પાસે ત્રણ દુડી હોય તો કયો મૂર્ખો બ્લાઇન્ડમાં મોટી બાજી રમવા તૈયાર થાય?લાખના બાર હજાર થાય એ તો વેઠી લેવાય . માત્ર અઠાસી હજારનું મામૂલી નુકસાન છે એમ મન મનાવી લઇએ તોય અબજના બે હજાર કરવા જિગર અને પ્રભુની કૃપા જોઇએ! નુકસાન પછી પતાં ફેંકી બાજી ફિટાઉસ જ કરે ને?તેમાં એણે ખોટું શું કર્યું? મેં સોઇ ઝાટકીને કહ્યું.
‘ગિરધરભાઇ , તમે આ સિચ્યુએશનમાં શું કરો?’રાજુએ પૂછયું.
‘હેં હેં હેં ’ કરીને સાંભળ્યું ન સાંભળ્યું કરી નૌ દો ગ્યારહ કર્યું! મુઠીઓ વાળીને ભાગવામાં જ અસલી મર્દાનગી છે…ખરુંને,ભઈલા ?!