ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર
અમેરિકામાં ટ્રમ્પ આવ્યા. એમને સમર્થન આપવું કે વિરોધ કરવો? સમજાતું નથી.
- સમજ ના પડે ત્યાં સુધી મૌન રહો…
શિયાળામાં સ્કૂલનો સમય મોડો કરવો જોઈએ? - ચર્ચા ચાલુ રાખો. શિયાળો પૂરો થઈ જશે…
હવે તો વર-વધૂ માટે પણ લગ્નના કપડાં ભાડે મળે છે. - રાહ જુઓ. ભવિષ્યમાં વેવાઈ-વેવાણ ને મહેમાનો પણ ભાડાથી મળશે….
જાનૈયાઓની સાથે વરરાજા પણ જાહેરમાં કેમ ડાન્સ કરે છે? - જાહેરમાં નાચવાની આ છેલ્લી તક હોય છે….
કંકોત્રીમાં ‘નો ગિફ્ટ’ લખ્યું હોય, પણ રોકડ ચાંલ્લો આપો તો લઈ લે. આવું કેમ? - એમાં રોકડ ચાંલ્લો લેવાની ના લખી નથી હોતી…
પત્ની પિયર જવાનું કહેતી નથી. શું કરું? - તમે સાસરે જવાનું બોલવાનું શરૂ કરો….
મારે ફિલ્મમાં કામ કરવું છે. - કરો. ફિલ્મ રિલીઝ થાય તો ટિકિટ મોકલજો…
મને ટીવી ડિબેટમાં બોલાવે છે તો શું કરું ? - જાવ એ પહેલાં પત્ની સાથે દલીલ કરતાં શીખી લો….
કાગડો દહીંથરું લઈ ગયો. હવે શું? - કાગડો પાછો આવે તો પૂછી લે જો….
પંચતંત્રની વાતો આજે ચાલે ખરી? - જમાનો પ્રપંચ તંત્રનો છે…
સ્વપ્નની દરેક વાત સાચી પડે તો ? - જાગ્યા પછી જાહેરમાં મારામારી થઈ જાય…
ચલણી સિક્કાની બે બાજુ હોય તો ખોટા સિક્કાની? - ચારેબાજુ…
બૅન્કનું ઉઠમણું થાય તો કોણ રડે? - જેનું એમાં ખાતું ન હોય એ જાહેરમાં વધુ રડે…
શૅરબજાર નીચું જાય તો શું ઊંચું જાય? - શૅરહોલ્ડરનું બ્લડ પ્રેશર….
ભ્રષ્ટાચારની કમાણીથી બનાવેલા ઘરની તકતી પર કટકી કૃપા કેમ લખાતું નથી? - યે અંદર કી બાત હૈ…