ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર
દેશમાં સૌથી વધુ શું ફગાવી દેવાય છે?
- આક્ષેપો…
સૌથી ઝડપથી શું પ્રસરે? - અફવા…
બુલડોઝર બાબાથી બચવા શું કરવું જોઈએ? - ન્યાય દેવીના શરણે જવું…
ઉધાર લેવું સારું કે રોકડા આપવા? - મને તો ઉધાર લીધેલી વસ્તુ વેચીને રોકડા કરવાનું ગમે…
રોજ રામાયણ થતી હોય તો મહાભારત ક્યારે?. - રામાયણ પત્યા પછી….
નેતાની પત્નીને નેતી કેમ કહેવાતી નથી? - મંત્રી મંડળમાં ઠરાવ બાકી હશે.!
કૂતરાં અને ગધેડા વચ્ચે ઝઘડો કરાવીએ તો શું થાય? - એવા વાનરવેડા ના કરાય.
દુ:શાસન ક્યાં હોય? - શાસનમાં.
તડકા અને કડકા વચ્ચે ફરક શું? - તડકો ગરમ અને કડકો નરમ ઠંડો હોય..
પ્રેમી યુગલ બગીચામાં કેમ વધુ જતાં હશે? - એન્ટ્રી – એકટિવિટી – એકાંત બધું ફ્રીમાં મળે એટલે…
નવદંપતી ગોળ ફેરા કેમ ફરે છે? - ‘લગ્ન સંસારમાં પણ આમ ફરતા રહેશો’ એવી શીખ આપવા માટે
જોરુના ગુલામ હોય તો જોરુના રાજા કેમ નહી? - જોકર કેમ ભૂલી ગયા?
અમુક સંતો લોકોને ત્રણ સંતાન પેદા કરવાની સલાહ આપે છે. આવું કેમ? - સલાહ આપતા સંતોએ કયાં કોઈ સંસારીનું ઘર ચલાવવનું હોય છે..
વટહુકમમાં કોનો વટ પડે? - હુકમ કરનારનો.
અમુક લોકો સિક્યોરિટી ગાર્ડ સાથે કેમ બાથડે છે? - પોતાને બુદ્ધિવાન કે બહાદુર દેખાડવા…
ગાંધી માર્ગે ચાલવા શું કરું? - પહેલાં પગરખાં ઉતારી નાખો…
રૂપિયો ગગડીને ક્યાં જતો હશે? - જ્યાંથી આવ્યો ત્યાં…