પાર્ટ-ટાઇમ જોબની લાલચને નામે ફૂલ-ટાઇમ ચીટિંગ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
સાયબર છેતરપિંડીની એક વિશિષ્ટતા કે વિચિત્રતા છે. આના શિકારોની યાદીમાં વધુ સંખ્યા શિક્ષિત અને અતિ-શિક્ષિતોની હોય છે. સદ્ભાગ્યે અભણ કે ઓછું ભણેલા ટૅકનોલૉૅજીની લપથી અજાણ હોય એટલે બચી જાય.
ઉંમર ૩૩ વર્ષ અભ્યાસ સોફટવેર એન્જિનિયર બહુરાષ્ટ્રીય ક્ધસલટિંગ અને ઇન્ફોર્મેશન ટૅકનોલૉજી સર્વિસિઝ કંપનીમાં ઊંચા હોદ્દા પર સારો પગારદાર પહેલી નજરે લાગે કે આવો માણસ ભાગ્યે જ કોઇ ઠગની જાળમાં ફસાય.
આ યુવાનને વૉટ્સઍપ પર એક મેસેજ મળ્યો. અમારી કંપનીને પાર્ટ-ટાઇમ જોબ માટે માણસો જોઇએ છે. કરવાનું શું? કેટલીક હૉટેલને પ્રમોટ કરવા માટે માત્ર રેટિંગ આપવાનું?
પછી પાર્ટ-ટાઇમ નોકરી-દાતાએ એક લિન્ક મોકલાવી, જેમાં કામકાજની વિગતવાર સમજ અપાયેલી હતી. આપણા આ ટૅકનો-સેવીને સૂચના મળી કે તમે કોઇ પણ એક હોટેલને રેટિંગ આપીને એનો સ્ક્રીનશૉર્ટ અમને આ જ વૉટ્સઍપ નંબર પર મોકલી દો.
લ્યો, આમાં શું મુશ્કેલ છે? ભાઇએ ફટાફટ યાદીમાંની એક હોટેલને રેટિંગ આપીને સ્ક્રીન શોર્ટ રવાના કરી દીધો. અને ઘડીના છઠ્ઠા ભાગમાં એના બૅન્ક ખાતામાં રૂ. ૨૦૦ જમા થઇ ગયા. વાહ! ક્યાં બાત હૈ?
ખુશખુશાલ થઇને ભાઇ તો મંડી પડ્યા. રેટિંગ આપતા ગયા ને જોતજોતામાં ખાતામાં પૂરા રૂ. ૧૩૦૦ આવી ગયા. ચપટી વગાડવા કરતા ય ઓછી જહેમતમાં તેરસો રૂપિયા મળી જાય એ કોને ન ગમે? એટલે હવે એ વૉટ્સઍપ નંબર પરથી આવતી એક-એક સૂચના જાણે પરમ સત્ય. એના પર શંકા થાય કેવી રીતે.
એ જ નંબર પરથી નવી સૂચના આવી કે ટેલીગ્રામ એપ પર તમારો અકાઉન્ટ બનાવીને અમારા ગ્રૂપમાં જોડાઇ જાઓ. ત્યાં એને નવી ઓફર (કહો કે શરત) જણાવાઇ. તમે જેટલું રોકાણ કરશો એટલા વધુ ટાસ્ક/કામ અપાશે. આમાં વધુ ટાસ્ક અને વધારે કમાણીની શકયતા દર્શાવાઇ. પછી એને લિન્ક મોકલાઇ જાય અને જેમાં એના ઓનલાઇન વર્ચ્યુઅલ વોલેટના લોગ-ઇન અને પાસવર્ડની વિગતો હતી. આમાં એ પોતાના ખાતામાં જમા થતી રકમ જોઇ શકશે એમ પણ જણાવાયું.
આ સોફટવેર એન્જિનિયર રોકાણ કરતો ગયો, ટાસ્ક પતાવવા માંડ્યો અને પોતાના ખાતામાં રોકાણ વત્તા નફો જોઇને મનોમન પોરસાવવા માંડ્યો. વધુને વધુ કમાવા માટે વધુને વધુ રોકાણ કરતો ગયો. કુલ રૂ. ૧૮.૩૪ લાખનું રોકાણ કર્યું. એના ઉપર નફો દેખાવા માંડ્યો.
પણ લલચામણી રકમ એના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર ન થઇ, ક્યારેય નહીં, અને ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મુંબઇ ક્રાઇમ બ્રાંચની સાયબર પોલીસે આ અપરાધમાં વપરાયેલા સાત બૅન્ક ખાતા ક્રિઝ કરવાની નોટિસ આપીને આગળની તપાસ હાથ ધરી છે.
સવાલ એ જ થાય કે આટલું બધું ભણેલા માણસને આમાંથી ક્યાંય શંકા કેમ ન ગઇ?
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
પાર્ટટાઇમ નોકરીનો ગોળ કોણીએ લગાવીને ફૂલટાઇમ ઠગાઇ કરતી ૧૦૦થી વધુ વેબસાઇટ પર કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે પ્રતિબંધ મૂક્યો. તો કેટલાં બધા છેતરાયા હશે? ને કેવી મોટી રકમની ઠગોએ ઉચાપત કરી હશે?