મોરચો

ટૂંકી વાર્તા – અનિલ રાવલ
મુંબઇની એક સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં એક ખૂબ જ લોકપ્રિય વિધાનસભ્યની સફેદ રંગની કાર આવીને ઊભી રહી. પાછલી સીટમાં બેઠેલો માણસ ઝડપથી બહાર આવ્યો. આખીય ઝૂંપડપટ્ટીમાં જંગલની આગની જેમ વાત ફેલાઇ ગઇ. `બાબુલાલ આ ગયે…બાબુલાલ આ ગયે.’ ઝૂંપડાવાળાઓ એને વીંટળાઇ વળ્યા. બાબુલાલ આ એરિયાના વગદાર વિપક્ષી વિધાનસભ્ય હિમંતસિંહનો ખાસમખાસ માણસ. વરસોનો વફાદાર. બાબુલાલ કોઇ પણ કામ માટે હંમેશા તૈયાર.. પોતાના આકાનો પડતો બોલ ઝીલે. ધાર્યું કામ પાર પાડવાની એની કૂનેહથી ખુદ વિધાનસભ્ય હિમંતસિંહ પણ ખુશ હતો. પણ બાબુલાલના ચહેરા પર પક્ષના એક અદના કાર્યકરમાંથી અંગત માણસ તરીકે કરેલી પ્રગતિનો આબ ક્યારેય છલકે નહીં.
કોલસાને પણ શરમાવે એવો વાન. કાયમ ખાદીના સફેદ ઝભ્ભો-લેંઘો જ પહેરે. કાંડા પર હંમેશા બ્રાઉન કલરનું પાઉચ ભેરવેલું રાખે. કાળા ડિબાંગ ચશ્મા રાતે સૂતી વખતે જ ઉતારે. ગલોફામાં પાન હોય જ. કદાચ રાતે સૂતી વખતે પણ એ મોંમાં જ રહી જતું હશે. મોંફાડની એક બાજુ પાનનો લાલ રંગ અજાણતા રેલાય ત્યારે સફેદ રંગના રૂમાલથી લૂછી લે. વર્ષમાં એકાદ-બે વાર બાબુલાલ આ ઝૂંપડપટ્ટીમાં પગલાં પાડે. અને લાલચભરી આંખો સાથેનું ટોળું બાબુલાલની પાછળપાછળ ચાલે. એક ઝૂંપડાની બહાર બાબુલાલના ચરણ અટક્યા. આધેડ ઉંમરની એક બાઇ બહાર આવી. બાબુલાલે તરત જ પાઉચમાંથી પાંચસોની કડકડતી નોટ બહાર કાઢીને એના હાથમાં મૂકી.
`કાલે મોરચો છે…આવી જવાનું છે. ટ્રક આવી જશે’ બાબુલાલની અદામાં રાજકારણી હતો અને વાણીમાં વિનમ્રતા.
વિધાનસભાનું શિયાળુ સત્ર શ થઇ રહ્યું હતું અને વિરોધ પક્ષોએ હિંમતસિંહની આગેવાની હેઠળ સત્રના પહેલા જ દિવસે વધતી જતી મોંઘવારીને મુદ્દે સરકાર પર આક્રમક મિજાજ સાથે ત્રાટકવાની યોજના ઘડી હતી. દર વખતની જેમ મોરચા માટે ભાડૂતી માણસો ભેગા કરવાનું કામ બાબુલાલનું હતું. મુંબઇની ઝૂંપડપટ્ટીમાંથી લોકોને એકઠા કરીને વિરાટ મોરચો કાઢવાનું બાબુલાલ માટે સૌથી સરળ હતું કારણ કે આખી ઝૂંપડપટ્ટી એની મુઠ્ઠીમાં હતી. આમેય નાણાંની થેલી મોંઢું ખોલે તો ભલભલાના મોઢાં બંધ થઇ જતા હોય છે. વિધાનસભ્ય હિમંતસિંહ નાણાંનો કોથળો ખોલતો અને બાબુલાલ ઝૂંપડપટ્ટીમાં પૈસા વેરતો. વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી માણસો એકઠા થાય, પૈસા વેરાય, વિરાટ મોરચા નીકળે, શકિતપ્રદર્શન થાય ને બાબુલાલના તળિયા વિનાના કૂવામાં પણ નાણાં ઠલવાય.
પણ આ વખતની વાત જરા જુદી હતી. વિપક્ષો મોંઘવારીને મુદ્દે સરકાર તોડી નાખવાના મૂડમાં હતા. મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલી પ્રજાનો સાથ-સહકાર મળશે એની એમને ગળા સુધીની ખાતરી હતી…બીજીબાજુ બાબુલાલે પણ માણસો ભેગા કરવા કમર કસી હતી.
ઝૂંપડે-ઝૂંપડે સભ્યદીઠ પાંચસોની નોટ પકડાવતા બાબુલાલના કદમ ઝૂંપડપટ્ટીને છેવાડે આવેલા એક ઝૂંપડા પાસે અટકી ગયા. ઝુપડાને એક ખુણે બેસીને માટલા ઘડી રહેલા અંધ રામુદાદા બાબુલાલના પગલાંનો અવાજ પારખી ગયા.
`આવી ગ્યો માણસોની દલાલી કરવા બાબુલાલ.’ રામુદાદાએ નારાજગીના સૂરમાં સવાલ કર્યો. ખંધો બાબુલાલ હસ્યો. રામુદાદા આગળ કાંઇ કહે એ પહેલાં 11 વર્ષની કમુ ઝૂંપડામાંથી પાણીના ગ્લાસ સાથે બહાર આવી.
`બાબુકાકા પાણી.’ બાબુલાલ આવે ત્યારે માત્ર રામુદાદાના ઘરનું જ પાણી પીએ અને એ પણ કમુના હાથનું. બાબુલાલે ગલોફામાં પડેલા પાનને પાણી અડે નહીં એ રીતે પીધું. કમુ રામુદાદાની પૌત્રી સ્કૂલમાં ભણે અને બાકીના ટાઇમમાં લોકોના ઘરકામ કરે.
પક્યો ક્યાં છે.?' બાબુલાલે પૂછ્યું.
પ્રકાશભાઇ ગેરેજમાં કામે લાયગો છે, છ મહિના થ્યા.’ કમુએ ભાઇની કોઇ વિરલ સિદ્ધિ વર્ણવતી હોય એમ ગર્વથી કહ્યું. કમુની વાતથી ખંધા બાબુલાલના ચહેરાના હાવભાવમાં કોઇ ફરક પડ્યો નહીં.
`પક્યાને કહેજે કાલે મોરચો છે. એણે આવવાનું છે.’ બાબુલાલે પાંચસોની નોટ કમુના હાથમાં મૂકતા કહ્યું. ઘણા વખતે જોયેલી પાંચસોની નોટને કમુએ મુઠ્ઠીમાં વાળી લીધી. વાત સાંભળીને ખુદ્દાર રામુદાદા ભડક્યા. પક્યો હજી હમણાં જ કામે લાયગો છે. એને રજા નો મળે. એ નઇ આવે. તું તારા પૈહા પાછા લઇ જા.’
રાત-દિવસ રાજકારણીઓની સોબતમાં રહેતા બાબુલાલ માટે પાંચસોની નોટ મોટી ચીજ નહતી. આ વખતની રાજકીય ચાલ મહત્ત્વની હતી, મોંઘવારીને મુદ્દે સરકાર પાડી દેવાનું મહત્ત્વ હતું અને એ માટે મહત્વનો હતો જંગી મોરચો.
`કાંઇ વાંધો નહીં, આવા મોરચા તો આપણે લગભગ આખો મહિનો કાઢવાના છે.’ બાબુલાલે પોતાના વિશાળ દિલને ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાં બીછાવી દીધું.
`કમુબેટા, ભાઇને કહેજે કામ મોટું છે, પૈસા પણ મોટા છે, સરકાર ગબડાવવાની છે તમારે સરકાર…. કહેજે રજા લઇને આવી જાય.’ આવી બધી રાજરમતમાં અબુધ કમુ એટલું સમજે છે કે મોરચામાં જવાના પૈસા મળે છે. એણે હથેળીના પરસેવામાં ભીની થઇ ગયેલી પાંચસો રૂપિયાની નોટ જોઇને વિચાર્યું: આવા મોરચા રોજ નીકળતા હોય તો કેવું હાં.!
રામુદાદા ગુસ્સામાં માટીનો એક મોટો લોંદો ચાકડાની વચ્ચોવચ મૂકીને ચાકડો જોરથી ઘુમાવતા બોલ્યા: આમ ભાડૂતી માણસો ભેગા કરીને મોરચા કાઢવાથી સરકાર પડતી નથી બાબુડા. દર વખતે તું આવા મોટા મોટા મોરચા કાઢસ એકેય વાર સરકાર પયડી. મોંઘવારી ઘયટી.?’ રામુદાદાના આકરા સ્વભાવને જાણતો બાબુલાલ ત્યાંથી નીકળી ગયો.
રાતે જમતી વખતે પક્યાએ હજી માંડ એક કોળિયો મોમાં નાખ્યો ત્યાં રામુદાદા બોલ્યા: ઓલો મોરચાવાળો બાબુલાલ આયવો તો, કાલે મોરચો છે, પણ તારે જાવાની કાંઇ જરૂર નથી.' કમુએ પક્યાની સામે જોયું. પક્યો ઘરે આવ્યો ત્યારે એણે બધી વાત કરી જ દીધી હતી.
દાદાજી, પેલા ય હું મોરચામાં જાતો જ તો ને.’પે'લાની વાત જુદી હતી. તંયે તું નવરોધૂપ હતો. કોઇ કામધંધા નો'તા. હવે તને નોકરી મળી ગૈ છે.'
દાદાજી, પણ એક દિ’ના આટલા `પૈસા કોણ આપે?’ પક્યાએ દલીલ કરી.
આ મે'નતનો પૈહો નથી. આપણને આવો
પૈહો નથી જોતો.’
`દાદાજી, હું મારો ટેમ આપું, ગળું ફાડીને નારા લગાઉં, પોલીસના દંડા ખાઉં. આ મે’નતનું કામ નૈ? મારી વાત તો હમજો તમે દાદાજી, હું ગેરેજમાં કામ કરું ઇના રોજના પચા પિયા મળે ને મોરચામાં જાવાના પાંચસો રૂપિયા…દાદાજી પાંચસો રૂપિયા.!’
પક્યો રામુદાદાની નિસ્તેજ આંખોનો એકમાત્ર આશાનો દીપક હતો. પ્રકાશ અને કમુ સાવ નાના હતા ત્યારે મા-બાપે એક જ અઠવાડિયામાં ડેન્ગ્યૂમાં જીવ ગૂમાવ્યા. જનમથી જ અંધ રામુદાદાએ બંનેને માટીના માટલાની જેમ ઘડ્યા ને ઉછેર્યા. પક્યાને કમુડીની ભારે ચિંતા રહે. પોતે ભણ્યો નહીં પણ બેનને ભણાવવા ખાતર એ કાંઇપણ કરી છુટવા તૈયાર. પક્યો કાયમ કહે કે મારે બે જ કામ કરવા છે: એક કમુડીને ભણાવીને, એના હાથ પીળા કરીને સાસરે વળાવવી છે અને દાદાજીના હાથ માટીમાંથી કાઢી લેવા છે. બહુ મે’નત કરી એણે.’ દાદાજીએ પક્યાના જોશની સામે રોષના શસ્ત્રો હેઠાં મૂકી દીધા. દાદાજીની નારાજગી સમજી ગયેલી કમુએ પક્યાને એટલું જ કહ્યું: ભાઇ, આ છેલ્લી વાર મોરચામાં જઇ આવ. પછી ક્યારે ય નહીં જવાનું. હોં’ નાની બેનની આવી શાણપણભરી વાત સાંભળીને પક્યાનું પેટ ભરાઇ ગયું. (ક્રમશ:)