એક હસીના થી… બાંગ્લાદેશનો બળવો બિઝનેસને બાળશે!
બાંગ્લાદેશની આંતરિક બબાલને કારણે ૧૩ અબજ ડોલરના દ્વિપક્ષી વેપાર અને ડઝનથી વધુ કંપનીઓના ભાવિ અદ્ધરતાલ!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
આપણાં પાડોશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલો બળવો અને તેને પરિણામ થયેલા સત્તાપલ્ટાને કારણે આપણે વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતા કરાવે એવાં અનેક કારણો ઊભા થયા છે. સૌથી મોટી ચિંતા સંરક્ષણને લગતી છે અને બીજી ચિંતા ઊભયપક્ષી વેપારને લગતી છે. હાલ તો એવું જણાય છે કે આ દેશ સાથેના દ્વિપક્ષી વેપારને ફટકો પડવા સાથે તેની સાથે સીધા બિઝનેસ રિલેશન ધરાવતી કંપનીઓને તાત્કાલિક ફટકો પડશે.
બાંગ્લાદેશ કટોકટીથી અસરગ્રસ્ત થઈ શકે તેવી ભારતીય કંપનીઓ ઇમામી, મેરિકો અને પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય ઉપભોક્તા કંપનીઓ કે જેઓ બાંગ્લાદેશમાં કાર્યરત છે અને હાલ આ કંપનીઓ ત્યાની પરિસ્થિતિ અનેે અસરને વધુ સારી રીતે સમજી તેનું મૂલ્યાંકન કરવાની કવાયતમાં છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આ દેશ સાથેનો દ્વિપક્ષીય વેપાર ૧૩ અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. આ દેશ ભારતના કપાસની નિકાસ માટે ટોચનું મથક છે. આ ઉપરાંત આપણો પેટ્રોલિયમ ઉત્પાદનો અને અનાજનો મહત્ત્વનો આયાતકાર છે. તેનાથી વિપરીત, ભારત બાંગ્લાદેશમાંથી વર્ષે સરેરાશ ૩૯.૧૦ કરોડ ડોલરના તૈયાર વસ્ત્રોની આયાત કરે છે.
નાણાં મંત્રાલયની બાંગ્લાદેશમાં ઉદ્ભવેલા સંકટ પર ચાંપતી નજર છે. નાણાં ખાતાને એે દેશ સાથેના વેપાર અને આર્થિક સ્થિરતા પર ત્યાની રાજકીય ઊથલપાથલની સંભવિત અસરનો ક્યાસ કાઢી રહ્યું છે. શેખ હસીનાના કાર્યકાળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં ભારતની તરફેણમાં નોંધપાત્ર ટ્રેડ સરપ્લસ રહ્યું છે, તેમના પદ્ભ્રષ્ટ થવાથી આ લાભો વિક્ષેપિત થઈ શકે છે, માલસામાન અને લોકોની અવરજવરને અસર કરી શકે છે અને બે રાષ્ટ્રો વચ્ચે સંભવિત મુક્ત વેપાર કરાર (એફટીએ) અટકી શકે છે.
જોબ ક્વોટા અંગેના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શેખ હસીનાની હકાલપટ્ટીએ ભારતના પડોશી વિસ્તારોને માત્ર સુરક્ષાને લગતાં જોખમો માટે સંવેદનશીલ નથી બનાવ્યા, પરંતુ આ કટોકટીની ભારતીય કંપનીઓ પર પણ નકારાત્મક અસર થવાની છે.
આમાંથી ઘણી સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. જેમ કે, બાંગ્લાદેશની રાજકીય ઊથલપાથલની અસર સફોલા ખાદ્યતેલ ઉત્પાદક કંપની મેરિકોના શેરમાં જોરદાર કડાકા સાથે જોવા મળી હતી, કારણ કે પાડોશી દેશમાં તેના વેચાણ પર અસર થઈ શકે છે, જ્યાંથી તે લગભગ ૧૧થી ૧૨ ટકા સુધીની આવક મેળવે છે.
એ જ રીતે, પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ, ઈમામી, બેયર કોર્પ, જીસીપીએલ, બ્રિટાનિયા, વિકાસ લાઈફકેર, ડાબર, એશિયન પેઈન્ટ્સ, પીડિલાઈટ, જુબિલન્ટ ફૂડવર્કસ અને બજાજ ઓટો સહિત બાંગ્લાદેશમાં કામગીરી ધરાવતી અન્ય કેટલીક કંપનીઓને પણ ચાલુ તે દેશમાં ચાલુ રહેલી આરાજકતાથી નકારાત્મક અસર થઈ શકે છે. બાંગ્લાદેશ કટોકટીથી પ્રભાવિત થઈ શકે તેવી ભારતીય કંપનીઓનું બજાર હિંસાગ્રસ્ત દેશની વર્તમાન પરિસ્થિતિને કારણે સાવ ડહોળાઇ ગઇ છે અને હવે નવી સરકાર કેવી આવે છે અને તેની નીતિ ભારત માટે કેવી રહે છે, તેને આધારે આ કંપનીઓએ નવો વ્યૂહ અપનાવવો કે ત્યાંથી ઉચાળા ભરવા તેને નિર્ણય લેવો પડશે. ઇમામી લિ., મેરિકો લિ., અને પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ભારતીય કંપનીઓ આગામી સંભાવનાને વધુ સારી રીતે સમજવા માટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.
બાંગ્લાદેશ હાલમાં મેરિકોના કોન્સોલિડેટેડ બિઝનેસમાં ૧૧ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે હાલની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કંપની ધીમે ધીમે બાંગ્લાદેશ વ્યવસાય પર તેની નિર્ભરતા ઘટાડી રહી છે, જેમાં અગાઉના નાણાકીય વર્ષમાં આવકનો હિસ્સો ઘટીને ૪૪ ટકા થયો હતો જે નાણાકીય વર્ષ ૨૦૨૨માં અગાઉના ૫૧ ટકા હતો.
એ જ રીતે, ઇમામીની પણ આ હિંસાગ્રસ્ત દેશમાં ફેક્ટરી છે, તેની કુલ આવકનો છ ટકા હિસ્સો આ પાડોશી દેશમાંથી આવે છે. પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, જયુબિલન્ટ ફૂડવર્કસ લિ., એશિયન પેઇન્ટ્સ લિમિટેડ અને ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ જેવી અન્ય કંપનીઓ પણ બાંગ્લાદેશમાં કાર્યરત છે.
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને પણ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિને કારણે તે દેશમાં તેની ઓફિસો સાતમી ઓગસ્ટ સુધી બંધ રહેશે. ટુંકમાં ઓદ્યોગિક અને કોર્પોરેટ સેકટર આ સમસ્યામાંથી બહાર નીકળવાના પોતાના પ્રયાસો શરૂ કરી દીધા છે, પરંતુ સરહદી સુરક્ષાના ધોરણે ભારત સરકારે સહેજે ગફલત રાખ્યા વિના દેશને નવાં ઉપાયો સાથે સજ્જ બનાવવો પડશે.