ઈન્ટરવલ

ફ્રેન્ડ્ઝ ફોરેવર

ટૂંકી વાર્તા -અવિનાશ પરીખ

વસંતના વાયરા અનિકેતને મદહોશ બનાવી રહ્યા હતા. તે આરાધનાના પ્રેમમાં પડી ચૂક્યો હતો.ગઈકાલની જ વાત હતી. તેના નજીકતમ મિત્ર અરૂણે પોતાના ફાર્મ હાઉસમાં પાર્ટી આપી હતી. વસંતઋતુના માદક વાતાવરણમાં લીલીછમ લોન ઉપર પાર્ટી ખીલી હતી.

એક સફળ બિઝનેસમેન પિતાનો સફળ બિઝનેસમેન પુત્ર અનિકેત “મોસ્ટ એલિજિબલ બેચલરહોઈ પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર સ્વાભાવિક રીતે જ બની ગયો હતો. આકર્ષક દેહલાલિત્ય ધરાવતી, ફેશનેબલ યુવતીઓ અનિકેતની આસપાસ ઘૂમી રહી હતી. અનિકેત આ પ્રકારની યુવતીઓથી દૂર જ રહેતો હતો. તેને તલાશ હતી એવી યુવતીની જેની સાદગીમાં સૌંદર્ય સમાયેલું હોય, જેની બોડી લેન્ગવેજ નકલીપણાથી રહિત હોય, જે સહુથી અલગ હોય.

અનિકેત હાથમાં કૉફીનો મગ લઈને લૉનમાં મુક્તમને મહાલી રહ્યો હતો. તે દરેકને હૃદયપૂર્વક, પ્રેમથી મળી રહ્યો હતો. અચાનક તેની નજર દૂરના ખૂણામાં ઊભી રહેલી યુવતી ઉપર ગઈ. તે યુવતી બ્લેક જીન્સ અને બ્લેક કુર્તામાં અનેરી સૌંદર્ય આભા છલકાવી રહી હતી. તેનો ગોરોવાન અને ખભા સુધી ઝુલતા રેશમી કેશ રૂપની એક નવી પરિભાષાને જન્મ આપી રહ્યા હતા. તે ફોન ઉપર હસીહસીને વાત કરી રહી હતી.

અનિકેત તેનાથી થોડેક જ દૂર જઈને ઊભો રહી ગયો. યુવતીનું મુખ તે સ્પષ્ટપણે જોઈ શકતો હતો. તેની આંખોની નિર્દોષતા માણવાલાયક હતી. અનિકેતના હૃદયમાં પ્રણયનાં સ્પંદનો જાગૃત થઈ ચૂક્યાં હતાં. કદાચ… તેને આ યુવતીની જ તલાશ હતી.

યુવતીની વાત પૂરી થઈ.

તેના હોઠ ઉપર સ્મિત હતું. અનિકેત ત્વરાથી યુવતી સમીપ જઈને ઊભો રહી ગયો. યુવતીએ અનિકેત તરફ ઉડતી નજર નાખી. અનિકેતે બિનધાસ્તપણે હસ્તધનૂન કરવા પોતાનો હાથ યુવતી તરફ લંબાવ્યો.

“આઈ એમ અનિકેત તેણે આકર્ષક અંદાજમાં પોતાનો પરિચય આપ્યો.

યુવતી વિચારમાં હતી.

ક્ષણાર્ધ બાદ તેણે પોતાનો હાથ લંબાવ્યો અને અનિકેત સાથે હાથ મિલાવતાં કહ્યું “આઈ એમ આરાધના. ત્યારબાદ તરત જ તેણે પોતાનો હાથ છોડાવતાં કહ્યું “આઈ એમ ઈન હરી… મિ. અનિકેત. તમે અરૂણને એટલું કહી શકશો કે આરાધના અગત્યના કામસર પાર્ટી છોડીને જતી રહી છે…! હું બાદમાં અરૂણ સાથે ફોન ઉપર વાત કરી લઈશ.

અને વીજળીના ચમકારાની જેમ આરાધના ત્યાંથી સરકી ગઈ. બસ, અનિકેત ઉપર તે ભૂંસાનારી અસર છોડતી ગઈ. અનિકેત હવે પાર્ટીમાં રોકાવો ઈચ્છતો નહોતો. તે ધૂનમાંને ધૂનમાં પોતાની કાર તરફ ચાલવા માંડ્યો. તેને એ પણ યાદ ન રહ્યું કે આરાધના તેને અરૂણને કશુંક કહેવાનું કહી ગઈ હતી. તેને ફક્ત આરાધનાનું જ સ્મરણ હતું, બીજું કંઈ જ નહીં.

રાતભર ઊંઘ વેરણ બની ગઈ. સૂર્યોદય થયો અને ગઈકાલની સ્મૃતિઓ ઝળહળી ઊઠી. તે આરાધનાના પ્રેમમાં પડી ચૂક્યો હતો. બસ, આ સત્ય તેને વીંટાળાઈ વળ્યું હતું.

અનિકેતે અરૂણને મોબાઈલ જોડ્યો.

અરૂણ સાથે ઔપચારિક વાતો બાદ તેણે સ્વસ્થતા જાળવતાં પૂછ્યું, “આરાધના કોણ છે?

અરૂણનો ઉત્તર સાંભળવા તેના કાન અને હૃદય બંને તલસી રહ્યાં હતાં. થોડી ક્ષણોના મૌન બાદ અરૂણ શાંત સ્વરમાં બોલ્યો, ‘કેવી લાગી, આરાધના?’ અનિકેતે શરારતભર્યા અંદાજમાં કહ્યું, ‘મને ગમી છે તે.

સામે છેડે અરૂણનો કોઈ પ્રતિભાવ ન આવતા અનિકેતે અચકાતા સ્વરમાં પૂછ્યું, “ઉત્તર નહીં આપે?

અરૂણ હસી પડતા બોલ્યો, “આરાધના તારી ભાભી બનશે, અનિકેત. હું તેની સાથે લગ્ન કરવાનો છું

અનિકેતના હૃદયમાંથી શીત લહર પસાર થઈ ગઈ. તેના હાથપગ ઢીલા પડી ગયા. તે અસ્વસ્થ બની ગયો. અરૂણે એક જ વાક્યથી તેના સ્વપ્નોને દહન કરી દીધાં હતાં.

“શું થયું અનિકેત?

“નથિંગ…નથિંગ….અરૂણ…!હું તારા ભાગ્યની સરાહના કરતો હતો.

અરૂણે થોડી ક્ષણો બાદ કહ્યું, “આરાધના દિલ્હીની છે. અમારા બિઝનેસ પાર્ટનરની ડૉટર છે. પ્રથમ વાર જ તે અમદાવાદ આવી છે. મારી સાથે તે પરિચય કેળવવા માગે છે. તે મને ગમે છે. હું તેને ગમી ગયો તો અમારા લગ્ન આટોપવા બંનેના માબાપ થનગની રહ્યાં છે.

એનિકેતે વાત પૂરી કરી અને સોફા ઉપર ફસડાઈ પડ્યો. અરૂણ તેનો બાળગોઠિયો હતો, છતાં પણ, આરાધનાને તેની પાસેથી આંચકી લેવા તે સજ્જ બન્યો હતો. આરાધના તેના દિલોદિમાગનો કબજો લઈ ચૂકી હતી. તે અન્ય કોઈની થઈ જ ન શકે એ વાતસિવાય તેને કશું સૂઝી રહ્યું નહોતું.

આરાધનાને તે મળવા માગતો હતો. તે અમદાવાદમાં ક્યાં ઊતરી હતી તે વિશે અરૂણને પૂછવાનું રહી ગયું હતું. ફરી ફોન કરીને પૂછવું સદંતર અયોગ્ય હતું. અનિકેત બેડરૂમમાં આંટા મારવા માંડ્યો. તે બબડ્યો, “હું તેને આટલી ઝંખું છું તો તે મને ક્યાંય તો દેખાવી જ જોઈએ. મારા હૃદયનો સાદ તેને ખેંચી લાવશે. હું અત્યારે લૉ ગાર્ડન વિસ્તારમાં જઈશ. આરાધના ત્યાં આવવી જ જોઈએ.

અને પંદર મિનિટમાં તે લૉ ગાર્ડનની બહાર પોતાની કારને અઢેલીને ઊભો હતો. તેની દૃષ્ટિ દરેક ખૂણામાં આરાધનાને શોધી રહી હતી. આરાધનાને તે અંતરના ઊંડાણમાંથી હાક મારીને બોલાવી રહ્યો હતો. આરાધના આવશે જ તેવો તેનો વિશ્ર્વાસ દૃઢ બનતો જઈ રહ્યો હતો.

અને તેનો વિશ્ર્વાસ રંગ લાવ્યો.

આરાધના તેનાથી થોડે જ અંતરે કારમાંથી ઊતરી. તેને ઉતારીને કાર જતી રહી. આરાધના ચોતરફ નજરો દોડાવીને કશુંક શોધી રહી હતી. અનિકેત તેની સમક્ષ હાજર થઈ ગયો.

આરાધના તેને જોઈને આશ્ર્ચર્યથી સહેજ ચમકી. અનિકેતે હસ્તધનૂન માટે હાથ લંબાવ્યો.

આરાધનાએ હસ્તધનૂનની રસમ પૂરી કરી. તે અનિકેતનો અભ્યાસ કરી રહી હતી. અનિકેતને તેની આ ચેષ્ટા ગમી.

“મારો પીછો કરી રહ્યો છે? આરાધના હસી. અનિકેતે નોંધ્યું કે આરાધના તમે ઉપરથી તું ઉપર આવી ગઈ હતી. તેના હૃદયને આ ચેષ્ટા ગમી. તેણે ઊંડો શ્ર્વાસ લીધો. તેની દૃષ્ટિ આરાધના ઉપર જડાયેલી હતી.

તે હળવું મુસ્કુરાયો, ” હું માનું છું … તું મારો પીછો કરી રહી છે.
“નો… નોટ એટ ઓલ. હું તો અહીં કોઈને મળવા આવી છું
“કો…કો…ને? અનિકેત થોથવાયો.

“મારા બોયફ્રેન્ડને. આરાધના સહજ હતી.

અનિકેતના મુખ ઉપરનો રંગ ઝાંખો પડી ગયો. આરાધના આ ફેરફાર પામી ગઈ. તેના હોઠ ઉપર સ્મિત પથરાઈ ગયું. અભિસારીકાની જેમ તે ચોતરફ નજરો દોડાવી પોતે કોઈના ઈંતેજારમાં છે તેવો આભાસ ઊભો કર્યો. અનિકેતે આરાધના ઉપર ઉડતી નજર નાખી. આરાધનાએ તીરછી નજરથી અનિકેતને માપ્યો.

તે તરત જ બોલી, “કોઈ બોયફ્રેન્ડની રાહ નથી જોઈ રહી. હું તો આ ગાર્ડનમાં વૉક માટે આવી છું.
અને તે ખડખડાટ હસી પડી.

અનિકેતના જીવમાં જીવ આવ્યો. તેની આશાઓે પુન: જાગૃત થઈ ઊઠી. તેણે વાતમાં મોણ ન નાખતા મૂળ મુદ્દા ઉપર આવવાનું ઠરાવી લીધું. તેનો આત્મવિશ્ર્વાસ વધ્યો હતો.
તે બોલ્યો, “મને તારામાં રસ છે.
“અરૂણને પણ મારામાં રસ છે.
“તને કોનામાં રસ છે?

“મને પૈસામાં રસ છે. આરાધના ગંભીર હતી. અનિકેત ચમક્યો.

આરાધનાની વાત તેના વ્યક્તિત્વને સોહે તેવી નહોતી. પૈસા કમાવાની વાત સુંદર ક્ધયા કરે તે સત્ય તેને અસ્વીકાર્ય હતું. અનિકેત ન વિચારવાનું વિચારી રહ્યો હતો. આરાધનાનું કોમળ વ્યક્તિત્વ અનિકેત માટે સહેજ ખરબચડું બન્યું હતું. તે મૌનને મમળાવી રહ્યો હતો.

આરાધનાએ અનિકેતનો હાથ પકડ્યો. અનિકેત ચમક્યો. આરાધનાએ હાથ છોડ્યો. તે મુસ્કુરાઈ. અનિકેત અસમંજસમાં હતો.

“અનિકેત… મને અરૂણની સંપત્તિ આકર્ષી રહી છે. તેની સાથે લગ્ન કરીને હું તેની તમામ સંપત્તિ હાંસલ કરી લઈશ. હા, તું મને ગમે છે. લગ્ન બાદ તારી અદ્શ્ય પત્ની હું જરૂર બનીશ. અરૂણને આપણા સંબંધો વિશે જરા પણ શંકા નહીં જાય.આરાધના પોતાની જાત છતી કરતી જઈ રહી હતી. અનિકેત ગમે તે હિસાબે આરાધનાને પ્રાપ્ત કરવા ઈચ્છુક હતો. આરાધનાના પ્રસ્તાવમાં દમ હતો. જોખમ પણ હતું, પણ પ્રેમમાં પડ્યા પછી કેવળ જોખમો જ ભાગ્યમાં આવતાં હોય છે. અનિકેત જોખમ ખેડવા રાજી હતો. તેણે નિર્ણાયક સ્વરમાં કહ્યું, ” તારો પ્રસ્તાવ મને મંજૂર છે.
“તો … હું… અરૂણને લગ્ન માટે હા પાડી દઉં છું. આરાધના ગંભીર હતી.

અનિકેતે તેના હાથ હસ્તધનૂન માટે લંબાવ્યા. અરૂણ અને આરાધના પરણી ગયાં. અનિકેત ખુશ હતો. આરાધના તેની માશૂકા બની ચૂકી હતી. બસ, ક્યાં… કઈ રીતે મળવું… તે નક્કી કરવાનું હતું.
થોડાક જ દિવસ રાહ જોવાની હતી.

દસ દિવસ પસાર થઈ ગયા.

અનિકેતના સંયમની પાળની કાંકરીઓ ખરવાની શરૂઆત થઈ ગઈ હતી. તે આરાધનાને મળવા ખૂબ જ આતુર બન્યો હતો. તેણે એક સાંજે પોતાના મોબાઈલનો નંબર ઘૂમાવી આરાધનાને ફોન જોડ્યો. સામે તરત જ પ્રતિભાવ મળ્યો. અનિકેતે ઊંડો શ્ર્વાસ લીધો અને સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી.

તે બોલ્યો, “આરાધના, આઈ લવ યુ.
“આઈ ટુ.
“તો ક્યારે મળે છે?
“આજે જ.
“ખરેખર? ક્યાં મળવું છે?અનિકેતના શ્ર્વાસની ગતિ વધી ગઈ હતી.

આરાધના બોલી,”મારા ઘરે આવી જા. અરૂણ મુંબઈ ગયો છે.
“તો… હું નીકળું છું. કહીને અનિકેતે વાત પૂરી કરી.

તે પંદર મિનિટમાં જ અરૂણના વિશાળ બંગલે પહોંચ્યો.

તેના હૃદયની ગતિ અસાધારણ રીતે વધી જવા પામી હતી. અનિચ્છનિય કૃત્ય કરવા તે જઈ રહ્યો હતો કેમકે દિલથી તે મજબૂર હતો. આરાધનાના ગળાડૂબ પ્રેમમાં તે હતો. તે અરૂણની પત્ની હતી એ સત્ય તે ભૂલી જવા માગતો હતો. અરૂણ તેનો પરમ મિત્ર હતો. મિત્રદ્રોહ તો તે કરી જ રહ્યો હતો, તે પણ તેના જ ઘરમાં પ્રવેશીને પાપલીલા આચરીને.

મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશીને તે સીધો જ અરૂણના બેડરૂમમાં ગયો. આરાધના તેની રાહ જોઈ રહી હતી. તેની આંખોમાં વિજયી સ્મિત હતું. તેના લોભામણાં વસ્ત્રો મહેંકી રહ્યાં હતાં. આરાધના સોફા ઉપર હતી. અનિકેત તેની સામેના સોફામાં ગોઠવાયો.

“ડરેલો કેમ છે? આરાધનાએ પૂછ્યું.

“આઈ ડોન્ટ નો… અનિકેતે વેદનાપૂર્વક વાત ઉચ્ચારી.

“બંગલામાં કોઈ નથી. મેં બધા જ નોકરોને રજા આપી દીધી છે. તું અને હું. સાથે આ એકાંત. આરાધના મારકણી ભાસતી હતી.

અનિકેતે પરાણે એક ફિક્કું સ્મિત કર્યું.

“હું ફ્રેશ થઈને આવું છું. વેઈટ ફોર મી. કહીને આરાધના બાથરૂમ તરફ દોડી ગઈ.

અનિકેતે અચાનક એક અસહ્ય ભારની લાગણી હૃદય ઉપર અનુભવી.

અરૂણનો ચહેરો તેની નજર સમક્ષ ઊભરાઈ આવ્યો. તેની દોસ્તીનું સ્મરણ થઈ આવ્યું. તેની સાથે માણેલા પ્રસંગોની ક્ષણો તે વાગોળવા માંડ્યો. તેના કપાળ ઉપર પ્રસ્વેદબિંદુઓ ઊપસી આવ્યાં. તે ઊભો થઈ ગયો.

ખંડમાં બેચેનીપૂર્વક ટહેલવા માંડ્યો. પોતાની જાતને તે કોસી રહ્યો હતો. આરાધના તેની ભાભી હતી. મિત્રની પત્ની હતી. ભલે તે ચરિત્રહીનતાનું પ્રદર્શન કરી રહી હતી, પોતે શા માટે અયોગ્ય માર્ગે જઈ રહ્યો હતો? તેની ફરજ આરાધનાને યોગ્ય માર્ગે વાળવાની હતી.

તેટલામાં આરાધનાના મોબાઈલ ફોનની ઘંટડી રણકી. ફોન પલંગ ઉપર હતો. અનિકેત ફોન પાસે ગયો. ફોન હાથમાં લીધો. અરૂણનું નામ સ્ક્રીન ઉપર ચમકી રહ્યું હતું. આરાધના બાથરૂમમાં હતી. પોતે ફોનનો જવાબ આપવાની સ્થિતિમાં ક્યાં હતો. રિંગ બંધ થઈ ગઈ.

થોડી ક્ષણો બાદ પુન: મોબાઈલની રિંગ વાગવા માંડી.

અનિકેતે જોયું તો અરૂણ જ લાઈન ઉપર હતો. તે મોબાઈલને તાકી રહ્યો હતો. થોડીવારથી મોબાઈલ શાંત થઈ ગયો. અનિકેતના હૃદયમાં શાતા વળી. તે પલંગ પર હળવેકથી બેઠો.

એક જ મિનિટમાં આરાધના બહાર આવી. ગુલાબી ગાઉનમાં તે સૌંદર્યવતી ભાસી રહી હતી. તે સહેજ ભાર હેઠળ હતી. મોબાઈલને પલંગ ઉપરથી ઉઠાવીને નંબર જોડીને તેણે ફોન કાને માંડ્યો. તે વાતો કરતી કરતી દૂરના ખૂણે જતી રહી. અનિકેતે તે જ ક્ષણે આરાધનાના ફોન બાદ ઘરે જતા રહેવાનું નક્કી લીધું. તે મિત્રદ્રોહ કરવા માગતો નહોતો. આરાધનાનેે પણ પોતાનું વલણ છોડવાનું સૂચન તે કરવા માગતો હતો. આ નિર્ણયે તેને હળવોફૂલ બનાવી દીધો હતો. તેણે મનોમન ઈશ્ર્વરનો પાડ માન્યો. એક ભયંકર પાપ કરવામાંથી તે ઊગરી ગયો હતો. તેણે આરાધના તરફ જોયું. પોતાની વાત પૂરી કરીને તે સ્થિર મુદ્રામાં ત્યાં ઊભી હતી.

અનિકેત તેની પાસે પહોંચ્યો.

તરત જ આરાધના બોલી, “અરૂણનો ફોન હતો.

થોડી ક્ષણો અટકીને તે બોલી,”હી લવ્ઝ મી સો મચ.

અનિકેત તેને તાકી રહ્યો હતો. આરાધના શાંત સ્વરમાં બોલી,”લગ્ન પછી પસાર કરેલા તમામ દિવસોએ મારું હૃદય પરિવર્તન કર્યું છે. અરૂણ સાથે દ્રોહ કરવા મેં તને આજે જરૂર બોલાવ્યો છે, પણ ભયંકર અપરાધની લાગણી મને પીડી રહી છે. બાથરૂમમાં સ્નાન કરતી વખતે મેં વિચારી લીધું હતું કે હું અરૂણની વફાદાર પત્ની બનીને રહીશ. તેની સંપત્તિ ઉપરની મારી લાલસાનું આજે બાષ્પીભવન થઈ ગયું છે. અને અત્યારે આવેલા ફોને તો મને પારવાર પશ્ર્ચાતાપની ક્ષણો પ્રદાન કરી છે. ફોનમાં તેણે તને ખૂબ જ યાદ કર્યો હતો. મને દસ વાર “આઈ લવ યુ કીધું હતું. અનિકેત, તું પરત જતો રહે. વી શેલ રિમેન ગુડ ફ્રેન્ડઝ ફોરેવર.

અનિકેતના મુખ ઉપર ગજબની હળવાશ પથરાયેલી હતી.

આરાધનાએ પૂછ્યું, ” તું પવિત્ર પુરૂષ લાગી રહ્યો છે. કેમ?

અનિકેતે આરાધનાનો હાથ પકડ્યો. બંને સોફા ઉપર આવીને ગોઠવાયાં. અનિકેતે પોતાનામાં આવેલા હૃદય પરિવર્તનની વાત શરૂ કરતા પહેલા બે ક્ષણો માટે આંખો બંધ કરી અને પુન: ખોલી. આરાધના તેને સાંભળવા આતુર હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી