ફોકસ : મૌન રહેવું હવે યોગ્ય નથી..!

-અંતરા પટેલ
‘બધા પુરુષો ખરાબ નથી હોતા.’ જ્યારે પણ જાતીય હિંસા અને અત્યાચાર પર ચર્ચા થાય છે, ત્યારે આ સામાન્ય વાક્ય ચોક્કસપણે સાંભળવામાં આવે છે અને તેની સાથે હતાશાની લાગણી પણ આવે છે. પુરુષોને લાગે છે કે જેઓ મહિલાઓ સામે જઘન્ય અપરાધ કરે છે. તેમને તેની સાથે જોડવું અયોગ્ય છે, કારણ કે આખો પુરૂષ સમાજ અમુક લોકોની ક્રિયાઓ માટે જવાબદાર ન હોઈ શકે. આ દલીલ સાંભળવામાં ખૂબ સારી લાગે છે. ચોક્કસ દરેક માણસ ગુનેગાર નથી હોતો. પરંતુ એક પ્રશ્ન છે જે આપણે આપણી જાતને પૂછવો જોઈએ – ભલે બધા પુરુષો ગુનામાં સીધી રીતે સામેલ ન હોય, તો પણ સિસ્ટમમાં કેટલા લોકોની મિલીભગત છે, જે આ અપરાધોને નિરંતર થવા દે છે.
કલ્પના કરો કે 100 પુરુષોમાંથી, 10 ટકા રીઢા અપરાધીઓ છે, જેઓ સ્ત્રીઓ સામે સતત અપમાનજનક અથવા હિંસક વર્તન કરે છે. આમાં 5 ટકા બીજા ઉમેરો જેઓ ક્યારેક આવું કરે છે અને ખુલાસો આપે છે કે હું નશામાં હતો કે મારાથી ભૂલ થઈ છે. ઘણીવાર પુરુષો વિચારે છે કે સમાજ આ 15 ટકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેઓ રક્ષણાત્મક બની જાય છે, જે કામ અન્ય કરે છે તેના માટે મને શા માટે દોષિત માનવામાં આવે છે? આ 15 ટકાથી આગળ જોવાની જરૂર છે. બાકીના 85 ટકા પુરુષોનું શું? આ 85 ટકા માંથી મોટા ભાગના લોકો સીધા ગુના નથી કરતા, પરંતુ તેમનું વર્તન, વલણ અને મૌન સમસ્યામાં ફાળો આપે છે. આ જૂથના બીજા 20 ટકાને લો જેઓ ‘સહનશીલ અપરાધ’ કરે છે, જેમ કે જાહેરમાં અપમાન કરવુ, બસોમાં મહિલાને દબાવવી કે અશ્ર્લીલ ટિપ્પણીઓ કરવી. અન્ય 20 ટકા લોકો ઊંડી પિતૃસત્તાક લાગણી ધરાવે છે અને તેઓ ઘણીવાર ગુનેગારની ક્રિયાઓને એવું કહીને યોગ્ય ઠેરવે છે કે તેણે કેવા કપડાં પહેર્યા હતા? અથવા તે આટલી મોડી રાત્રે ઘરની બહાર કેમ હતી?’
હદ તો એટલી છે કે 11 માર્ચ, 2025ના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ સંજય કુમાર સિંહે બળાત્કારના આરોપીને જામીન આપતાં પીડિતાને દોષી ઠેરવતા કહ્યું કે તેણે પોતે જ મુશ્કેલીને આમંત્રિત કરી છે અને તે તેના પગલાની નૈતિકતા અને મહત્ત્વને સમજવા માટે સમજદાર છે. પીડિતા નશામાં હતી અને તેને આરામની જરૂર હતી. આથી તે આરોપી સાથે ગઇ હતી. પરંતુ શું આનો અર્થ એ છે કે તેની પર બળાત્કાર થવો જોઈએ? હકીકતમાં, એવી ધારણા બનાવી લેવામાં આવી છે કે સ્ત્રીની પસંદગી જ તેને તેની પરિસ્થિતિ માટે જવાબદાર બનાવે છે. પુરુષોનો કોઈ દોષ નથી.
અંતે 10 થી 15 ટકા પુરુષો જ પોતાનો અવાજ ઉઠાવે છે. આ તે લોકો છે જેઓ જ્યારે કંઇક ખોટું થતું જુએ છે ત્યારે દખલગીરી કરે છે. એ સ્વીકારવું જરૂરી છે કે આ મુદ્દો માત્ર પુરુષો પૂરતો મર્યાદિત નથી. મહિલાઓનો પણ આ હાનિકારક પ્રણાલીમાં ફાળો છે. ઘણી સ્ત્રીઓ અજાણતા પીડિતને દોષી ઠેરવતા સ્ટીરિયોટાઇપ્સને ટેકો આપે છે અને અત્યાચાર થાય ત્યારે ચૂપ રહે છે.
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!
પુરુષોને પણ હિંસા અને અત્યાચારનો સામનો કરવો પડે છે, પરંતુ સમાજ ઘણીવાર તેની અવગણના કરે છે. પીડિત પુરુષને ઘણીવાર શરમ અને કલંકના વધારાના સ્તરને સહન કરવું પડે છે. જોકે, ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અથવા ‘પુરુષો રડતા નથી’ એવા સ્ટીરિયોટાઇપને કારણે, પીડિત પુરુષો માટે મદદ મેળવવી વધુ મુશ્કેલ બની જાય છે. પરિણામે, શારીરિક, ભાવનાત્મક અથવા જાતીય શોષણનો ભોગ બનેલા પુરુષોને ઘણીવાર અવગણવામાં આવે છે અથવા તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી.