આઝાદ ભારતનું પ્રથમ સ્કૅમ એટલે જીપ કૌભાંડ

પ્રફુલ શાહ
વી. કે. કૃષ્ણ મેનન 1947ની પંદરમી ઓગસ્ટ વિભાજનની ભયંકર વેદના છતાં દેશવાસીઓની આંખમાં એકદમ તાજ્જાં સપના હતાં. પોતાની સરકાર, દેશી નેતૃત્વના આગમનથી હર્ષોલ્લાસ હતા. ઉમંગ, આશા, આનંદ, અપેક્ષાના તોતિંગ મોજામાં સૌ ભીંજાતા હતા. મન, મસ્તક અને માહોલમાં એક જ લાગણીનો કોરસ ગુંજતો હતો-
દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે રંગ જીવન મેં નવા લાયો રે… એક તરફ અંગ્રેજોનો ગંદવાડ ઉલેચવાનો હતો. પ્રજાની આંકાક્ષાને મૂર્તિમંત કરવાની હતી પણ છૂટા પડેલા પાકિસ્તાનને બાલ્યાવસ્થામાં જ હાથમાં ચળ ઊપડી હતી. એણે ભારત સામે સત્તાવાર અને બિનસત્તાવાર યુદ્ધ છેડી દીધા હતા. 1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતીય લશ્કરને શસ્ત્રો અને જીપની જરૂર પડી. આ સ્વાભાવિક છે કારણ કે દેશનું જેમ લશ્કર નવું હતું અને હજી તો સ્થિર થાય કે કંઈ સમજ પડે એ અગાઉ પોતાનાં અસલી પાકિસ્તાને રંગ બતાવ્યો હતો. આને લીધે બ્રિટન સ્થિત હાઈ કમિશનર વેંગાલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન (3મે, 1896, 6 ઓક્ટોબર, 1974)ને શસ્ત્રો-જીપ ખરીદીની જવાબદારી સોંપાઈ. હકીકતમાં કોઈ દેશ કે શાસન વ્યવસ્થામાં હાઈકમિશનરને આવી સત્તા નહોતી.
પરંતુ આ બધાની ઝાઝી પરવા કર્યા વગર વી. કે. કૃષ્ણ મેનન એકદમ સ્ફુર્તિ સાથે સક્રિય થઈ ગયા. આ ભાઈ વચ્ચે ભૂતકાળમાં સ્વાતંત્ર્ય સૈનિક ઉપરાંત રાજકારણી અને વકીલ રહી ચૂકયા હતા. મેનને તો યુદ્ધની ઝડપે ઓર્ડર આપી દીધા. આ ઓર્ડર કોને, કઈ શરતે આપ્યા એનો હોબાળો સ્વતંત્ર ભારતના કૌભાંડયુગનો જનક બનવાનો હતો, એવું તે શું થયું હતું આ ફર્સ્ટ સ્કૅમ ઑફ ઈન્ડિયામાં?
વી. કે. કૃષ્ણ મેનને લંડનમાં બેઠા-બેઠા બ્રિટનની વિવાદાસ્પદ કંપનીઓ સાથે પોતે જ કરાર પર સહી-સિક્કા કરી નાખ્યા. આંતરરાષ્ટ્રીય શસ્ત્ર સોદાની એકેય ઔપચારિકતા પૂરી કર્યા વગર આ કરાર થયા હતા. સ્વાભાવિક છે કે એક હાઈ કમિશનર કોઈ રાજકીય પીઠબળ કે મોટા નેતાના ઈશારા વગર આટલી મોટી ગુસ્તાખી કરવાનું સપનામાં ય વિચારે નહીં.
હકીકતમાં એ સમયે અમેરિકા કે કેનેડામાંથી સારી ગુણવત્તાવાળી અને પ્રમાણમાં સસ્તી જીપ મળી શકી હોત. પરંતુ મેનને તો જીપ બ્રિટનની કંપની સાથે જીપ ખરીદવાના રૂા. 80 લાખ (આજે આ રકમ ચણા મમરા જેવી લાગે પણ ત્યારે નાનીસુની નહોતી જ. એક દાખલો આપું: ત્યારે દશ ગ્રામ સોનાનો ભાવ રૂા. 88.62- હા, અઠ્યાસી રૂપિયા ને બાંસઠ પૈસા-હતો)નો સોદો કરી નાખ્યો. સાવ અજાણી એવી એન્ટિ મિસ્ટાન્ટેસ કંપનીને આ ઓર્ડર અપાયો, ત્યારે એની કેપિટલ માત્ર 605 પાઉન્ડ હતી.
મેનને દાવો એવો કર્યો હતો કે આ કંપની આપણને જીપ સાથે સ્પેરપાર્ટસ પણ આપશે એટલે એની પસંદ કરાઈ છે. કોઈ પણ જીપ કે એની ગુણવત્તા અંગેના પ્રમાણપત્રોની ચોકસાઈ કર્યા વગર મેનને એ કંપનીને ઓર્ડરની કુલ રકમના 65 ટકાની આગોતરી ચુકવણીની તૈયારી બતાવી. બાકીની 20 ટકા રકમ જીપના નિરીક્ષણ બાદ અને અંતિમ હપ્તો ડિલિવરી પર ચુકવવાનું નક્કી થયું હતું. આ સાથે કંપનીએ આપેલી 10 ટકા જીપની ચકાસણી કરવાની પણ શરત મુકાઈ હતી.
હા, એક મુદ્દો રહી ગયો. નવી નહીં પણ રિર્ફબીશડ એટલે કે સેક્ધડ હેન્ડ કે સમારકામ થયેલી જીપ ખરીદવાનો આ સોદો કરાયો હતો. ખેર, પહેલા લોટની 155 જીપ ભારત આવી પણ સંરક્ષણ મંત્રાલયે એ સ્વીકારવાનો સ્પષ્ટ નનૈયા ભણી દીધો. કારણ એટલું જ કે સાવ નકામી 1500 જીપના સોદામાંની આ 155 જીપનો પહેલો લોટ કેવો હતો? એ બંદરથી ગેરેજ પહોંચવાની ક્ષમતા ય ધરાવતી નહોતી, તો પછી યુદ્ધમાં કેટલી ઉપયોગી થઈ શકે? સંરક્ષણ મંત્રાલયે સ્વાભાવિક કારણોસર જીપ ન સ્વીકારી તો ભોંઠા પડીને ક્ષમા માગવાને બદલે કંપનીએ બાકીની જીપ મોકલવા પર બ્રેક મારી દીધો.
બચાડા મેનનની હાલત કફોડી થઈ કારણકે એ કંપનીનો સંપર્ક જ સાધી શકતા નહોતા. અંતે મેનને એસ.સી.કે. એજંસીઝ સાથે 1007 જીપના સોદા માટે કરાર કર્યો. આમાં એવું નક્કી થયું હતું કે ભારતને દર મહિને 68 જીપની ડિલિવરી મળશે અને આ જૂની કંપની સાથે થયેલા નુકસાનનું વળતર નવી કંપનીના સોદામાં ભારત સરકારને ચુકવી અપાશે. આ જાદુ કેવી રીતે થયો હશે? જૂની કંપની 300 પાઉન્ડમાં જીપ વેચવાની હતી, જેના માટે નવી કંપની 458 પાઉન્ડ લેવાની હતી. વળી, મેનને કરારમાં એક નવો ફેરફાર સ્વીકાર્યો કે છ મહિના સુધી દર મહિને 12-12 જીપ મોકલશે. પછી દર મહિને 120-120 જીપ અપાશે.
અને નવો સોદો સાંગોપોગ પાર પડ્યો ખરો? ના, આ નવી કંપનીએ બે વર્ષમાં માત્ર 49 જીપ જ પૂરી પાડી અને ભારતને કાણી કોડીનું ય વળતર ચુકવવાનો ઈનકાર કરી દીધો અને બ્રિટન સરકારે શું કહ્યું? બીજા વિશ્ર્વ-યુદ્ધ પેટે બ્રિટને ભારત પાસેથી રકમ વસૂલવાની હતી. એ આ જીપના સોદામાં વળી ગઈ. આ હતો આઝાદ ભારતનું પ્રથમ કૌભાંડ આમાં એક માત્ર નામ વી. કે. કૃષ્ણ મેનનનું ઉછળ્યું હતું. નવીસવી લોકશાહીમાં કૉંગ્રેસનો દબદબો હોય એ સ્વાભાવિક છે. લોકસભામાં 22 પક્ષના પ્રતિનિધિ હતા પણ ગૃહની 489માંથી કૉંગ્રેસની તાકાત 364 સભ્યોની હતી. આ સંજોગોમાં જીપ કૌભાંડનું શું થયું? વી.કે. કૃષ્ણમેનનને કેવી રીતે કેટલી સજા થઈ? મુખવટાની પાછળ ચીનમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારને ‘તાનવુ’ અર્થાત ઘૃણિત પાપ કહે છે. ભારતીય કૌભાંડની જનની જેવા જીપ સ્કૅમનો ઉતરાર્ધ જાણીએ આવતા અઠવાડિયે.
(ક્રમશ:)