ઈન્ટરવલ

અંતે અમારો ભૂવાનાદ ભોળિયા મહાદેવે સાંભળ્યો

વ્યંગ -ભરત વૈષ્ણવ

દુનિયામાં મને કોઇની ઇર્ષા થતી નથી સિવાય કે અમદાવાદની. હા, મને અમદાવાદની અતિ ઇર્ષા થાય છે. અમદાવાદ સ્થાપનાકાળથી ‘નેઇબર્સ એનવી’ -પાડોશી માટે ઈર્ષાનું કારણ બની રહ્યું છે. સ્થાપના પણ કેવી કલ્પનાતીત ઘટના.‘જબ કુતે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા!’

અમારું ગાંધીનગર રાજ્યની રાજધાની ખરી, પરંતુ,ગાંધીનગરની સ્થાપનાની કોઇ ભવ્ય સ્ટોરી જ નહીં. એક ગેસ્ટહાઉસમાં ગાંધીનગરની પ્રથમ ઇંટ મુકાયેલી. આમાં ક્યાં કોઇ ચિલ કે થ્રિલ જોવા મળે?.
ચોમાસું અમદાવાદમાં ચમત્કાર સર્જી રહ્યું છે. જો કે, ચોમાસા સિવાય પણ અમદાવાદ અસ્ખલિત નિરંતર ભૂવાસર્જન કાર્યાન્વિત હોય છે. રોડ પર ભૂવા (ખાડા પડવા) ન હતા ત્યાં સુધી ભૂવા એટલે માતાજીના ભૂવા અગર કોઇ ભૂવા અટકધારી સજજન હોય એવી અમારી પ્રખર અને અફર માન્યતા હતી! રોડ પર ભૂવો પડે કે લોકો નવજાત ભૂવાને નિહાળવા ધસી જાય છે. આમ, ભૂવા ટ્રાવેલિંગ શરૂ થઇ ગયું છે. અહીંનો ભૂવાધ્યમાં નવા આયામો સર્જાઇ રહ્યો છે. અમદાવાદના ભૂવા આસમાનની ઊંચાઇ સર કરી રહ્યા છે, સોરી, પાતાળની ઊંડાઈ સર કરી રહ્યા છે!

અમદાવાદ બસ સેવા શહેરના જોવાલાયક સ્થળો માટે એક દિવસની ક્ધડકટેડ ટુર ગોઠવે છે. આ રીતે વિવિધ સાઇઝના, વિવિધ આકારના ભૂવાની સર્કિટ ટુર ગોઠવી શકાય.ઘણા દેશોમાં પ્રવાસી અમુક રકમ ભરે તો વગર ગુનાએ,વગર સજાએ ફન ફોર જેલ જીવનનો અનુભવ કરી શકે તેવી ટુર ઓર્ગેનાઇઝ થાય છે. આપણે તો આફતને અવસરમાં બદલનાર પ્રજા છીએ.

ભૂવા રિપેર કર્યા સિવાય ભૂવામાં રહેવાની અડધા દિવસ કે આખા દિવસની ટુર ગોઠવી શકાય, જેમાં મિનરલ વોટરના બદલે ડહોળું પાણી આપી શકાય. ગટરની સ્મેલ એડ કરી શકાય. ભૂવામાં ગરકાવ થયેલી કારનો બેઠક રૂમ કે સોફા તરીકે, સ્કૂટરનો ટીપોઈ તરીકે ઉપયોગ કરી શકાય. નાળાંનો ગેસ ત્યાં ઉપલબ્ધ છે તેમાંથી ચા-કોફી બનાવી શકાય.ભૂવામાં ભેજવાળી હવા છે જ. આવા સમશીતોષ્ણ વાતાવરણમાં ચાય પે ભૂવા ચર્ચા કરી શકાય. જગતભરમાં પડેલા ભૂવાની રેપ્લિકા મંગાવીને દસ હજાર એકર જમીનમાં વર્લ્ડ કલાસ નહીં, પણ ગ્લોબલ કલાસ મ્ચુઝિયમ બનાવી આવનારી પેઢીને ભૂવાની અદ્યતન વિગતોથી વાકેફ કરી શકાય!

‘ભૂવા નહીં દેખા તો કુછ નહીં દેખા,’ ‘કુછ તો દિન ગુજારો ભૂવામે’ જેવા આક્રમક સ્લોગન સાથે ભૂવા ટુરિઝમનું બ્રાંન્ડિંગ કરી શકાય. મેં જ્યારે જ્યારે છાપું ખોલ્યું છે ત્યારે કોઇપણ જાતના મેટરનિટી હોમ અગર ગાયનેકોલોજીસ્ટની મદદ વગર અમદાવાદમાં બેબી બમ્પ વિના બેબી શાવર વિના ભૂવારત્નોનું પૃથ્વી પર અવતરણ વાંચ્યું છે ત્યારે મારું મસ્તિક અમદાવાદની દેવભૂમિને કોટિ કોટિ પ્રણામ કરતા ચરમ અને પરમ અહોભાવથી ઝૂકી ગયું છે. ભૂવાઓનું નિરંતર સર્જન કરતી એ ફળદ્રુપ જમીન પરત્વેના સન્માન અને ભક્તિભાવમાં સાતત્યપૂર્ણ સાત્ત્વિક વધારો થયો છે. કેવી એ મહાન ભૂમિ છે, જે વગર માંગ્યે, કોઇ પ્રયત્ન વિના અનાયાસે શહેરીજનોના ચરણકમળમાં ભૂવારત્નોની ભેટ ધરે છે. અમદાવાદના પવિત્ર યાત્રાધામ સમાન ભૂવાધામમાં સાક્ષાત દંડવત પ્રણામ કરીને કરોડો ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મારાથી સહજ સાક્ષીભાવે તુલના થઇ જતી. અમદાવાદ જેવી તમામ લાયકાત હોવા છતાં ભૂવાના નામે ગાંધીનગરીને ઠેંગો?આવો અન્યાય?મારી ભૂમિ નિર્માલ્ય અને નિર્વીર્ય છે કે એક ભૂવો તો શું એક ભૂવું પણ પાડી ન શકે? અમારે ભૂવાની આશામાં મરી જવાનું?અમારી ગાંધીનગરની ભૂમિના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ નોર્મલ છે, છતાં ગાંધીનગરને સારા દિવસો કે ભૂવાવડથી વંચિત રહેવાનું? અમારી નસેનસે ભૂવાને ઝંખતી હતી. તેરે બિના કયા જીના ઓ ભૂવા રે એવું ગીત અમારા હૃદયને શારડીની માફક વીંધતું હતું.

આવા બધા વિચારોથી અમે અમારા કિસ્મતને કોસતા હતા.ત્યાં.. કહે છે કે ભગવાનને ઘરે પણ નથી અને અંધેર પણ નથી. ભગવાનની ચકી ધીમું દળે છે. ભગવાને અમારો આર્તનાદ સાંભળ્યો. શ્રાવણમાં મારો ભોળિયો શંભુ અમારો ભૂવાનાદ ન કેમ સાંભળે? ભોળિયો મહાદેવ તરત દાન ને પુણ્યમાં માને છે. ચટ અરજી અને પટ ભૂવો આપે છે.

અંતે અમારા ગાંધીનગરને ભૂવાના મામા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે.ગાંધીનગરના સેકટર ૭-૮ વચ્ચે અમારા સેકટરમાં પ્રથમ ભૂવાનો પ્રસવ થયો છે. રોડ અને નવજાત ભૂવાની તબિયત સારી છે.અમાલા નાનલા ભૂવાને રમાડવા વહેલા આવજો.

તા. ક:
નવજાત ભૂવા માટે ઝભલું કે ઘૂઘરો ન લાવશો. ભૂવાને વધુ ઊંડો કરવા કોદાળી-પાવડો જરૂરથી લાવજો. જય ભૂવાનંદ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો