ઈન્ટરવલ

ચીનને તાઈવાનનો ઝટકો જોર કા ઝટકા ધીરે સે?

લાઈ ચિન્ગના વિજયથી વિશ્ર્વમાં ત્રીજું યુદ્ધ ચાલુ થઈ જાય એવો ભય…?

પ્રાસંગિક -અમૂલ દવે

તાઈવાન પ્રજાએ તાજેતરમાં ચીનની ચેતવણીને નકારી કાઢીને શાસક ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી’ ને માત્ર ઐતિહાસિક નહીં, પણ અભૂતપૂર્વ હેટ-ટ્રિક અપાવી છે.

તાઈવાનના લાઈ ચિન્ગ-તે એમના બે વિપક્ષી હરીફોને શિકસ્ત આપીને રિપબ્લિક ઓફ ચાઈના’ ના પ્રમુખ બનશે. અલબત્ત, આ વિજયને લીધે શક્તિશાળી અને વિસ્તારવાદી ચીનને મોટો ફટકો પડ્યો છે. ચીને જે વિરોધી પક્ષ કુઓમિનતાન્ગ’ (કેએમટી)ના ઉમેદવારને ટેકો આપ્યો હતો તે હાઉ યુ-ઈહને ૩૩.૪૯ ટકા વોટ મળ્યા, , જ્યારે પ્રમુખ બનનારા લાઈએે ૪૦ ટકા મત હાંસલ કર્યા હતા. ત્રીજી પાર્ટી તાઈવાન પીપલ્સ પાર્ટી’ (ટીપીપી)ના ઉમેદવાર કો વેન-જેને ૨૬.૪૫ ટકા મત મળ્યા. આ ચૂંટણીમાં તાઈવાનના ૭૧ ટકા લોકો એટલે કે ૧.૪ કરોડ લોકોએ ભાગ લીધો હતો. તાઈવાનની કુલ વસતિ ૨.૩૫ કરોડની છે.

જો કે આને લીધે એક પાર્ટીની સરમુખત્યારશાહી ધરાવતા ચીનના પ્રમુખ શી જિન પિન્ગ તાઈવાન પર લશ્કરી અતિક્રમણ કરે એવો ભય ઉદ્ભવ્યો છે.

ચીનની લાંબા સમયની હતાશા એ છે કે વિશ્ર્વની બીજા નંબરની મહાસત્તા હોવા છતાં એનાથી ૧૦૦ દરિયાઈ માઈલ દૂર આવેલા ટચૂકડા ટાપુ પર હજી એ પોતાનું પ્રભુત્વ જમાવી શક્યું નથી. ૧૯૪૯થી ચીનાઓ તાઈવાનમાં પોતાનો પાવર દેખાડી શક્યા નથી. ચીને આન તો તાઈવાનની કનડગત કરવામાં કશું બાકી રાખ્યું નથી. ચીનના ફાઈટર જેટ વારંવાર તાઈવાનની સરહદની નજીક આવી જાય છે. તાઈવાન પર વારંવાર સાઈબર એટેક થાય છે. ટાપુનો સંદેશવ્યવહાર સમુદ્રમાં રહેલા કેબલ પર આધારિત છે એ કેબલને તોડીને તાઈવાનને વિખૂટું પાડવાનું કાવતરું પણ ચીન કરી શકે.
ચીનના વિદેશ મંત્રાલયે તો ચૂંટણીના પરિણામ પછી એવી ચીમકી- ચેતવણી આપતાં કહ્યું છે કે તાઈવાનમાં ભલેને જે પણ પરિવર્તન આવે, પરંતુ હકીકત એ છે કે વિશ્ર્વમાં એક જ ચીન છે અને તાઈવાન ચીનનો ભાગ છે…

અત્યારે બે યુદ્ધ ચાલી રહ્યા છે. રશિયા – યુક્રેનની લડાઈમાં અમેરિકા અને યુરોપના તેના સાથીદારો યુક્રેનને મદદ કરી રહ્યા છે અને આને લીધે જ ટચૂકડું યુક્રેન છેલ્લા બે વર્ષથી રશિયા જેવી મહાસત્તાને હંફાવી રહ્યું છે. રસિયાના આક્રમણ સામે ટકી રહ્યું છે.

બીજી બાજુ, હમાસે ઈઝરાયલમાં આતંકવાદી હુમલો કરતાં ઈઝરાયલે ગાઝાપટ્ટી પર આક્રમણ કર્યું છે. આ યુદ્ધ પણ આજે ૧૦૦ દિવસથી ચાલુ છે. ઈઝરાયલને અમેરિકા અને એના યુરોપના સાથીદારોનો જોરદાર ટેકો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લીધે રાતા સમુદ્રમાં શિપની અવરજવર પર સંકટ આવ્યું છે. ઈરાનના ટેકાવાળા હૂથી આતંકવાદીઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેડ સીમાંથી જતી કમર્શિયલ શિપ પર હુમલો કરી રહ્યા છે. અમેરિકા અને એના સાથીદારોએ યમનમાં રહેલા હૂથીની આક્રમણ કરવાની ક્ષમતાને બુઠ્ઠી બનાવવા તેના પર બે દિવસ હવાઈહુમલા કર્યા હતા. જો કે આ હુમલા છતાં હાઉથી આતંકવાદી સંગઠન કૂણું પડ્યું નથી.

આમ જૂવો તો આ બે યુદ્ધમાં ચીન પ્રત્યક્ષ રીતે સંડોવાયેલું નથી. જ્યારે અમેરિકાને સીધું નુકસાન થતું હોવાથી તેનો પાવર ઓછો થતો જાય છે. ચીન અમેરિકાને કમજોર કરવા ચીન અત્યારે રશિયા, ઈરાન, ઉત્તર કોરિયા વગેરે દેશોને સહાય કરે છે.

આ બધા વચ્ચે ચીન મોકાની તલાશમાં છે. જેવો એને અવસર મળશે તે તાઈવાન પર હુમલો કરીને એને બળજબરીપૂર્વક ચીનમાં ભેળવી દેશે.

તાઈવાનનો મુખ્ય મદાર અમેરિકા પર છે. અમેરિકા કહે છે કે એનો પ્રયાસ તાઈવાનમાં લોકશાહી જાળવી રાખવાનો છે. હકીકત તો એ છે કે અમેરિકા તેના ભૌગોલિક હિતને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. એ જે રીતે ,ચીન પેસિફિકમાં પગદંડો ન જમાવે એ માટે અમેરિકાએ ત્યાં ટાપુની શૃંખલા ઊભી કરી છે. અમરિકાની પરંપરાને અનુસરીને પ્રમુખ બાઈડને તાઈવાનમાં એક બિનસત્તાવાર પ્રતિનિધિમંડળ મોકલાવ્યું છે. જો કે ચીન તરફથી આના આકરા પ્રત્યાઘાત આવ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર સ્ટીફન હેડલીએ વિદાય લેનારા પ્રમુખ સી વેનને મળ્યા હતા. એમણે અમેરિકાના લોકો તરફથી સ્વશાસન ધરાવતા ટાપૂની લોકશાહીને વિશ્ર્વનું ઉજ્જવળ ઉદાહરણ ગણાવ્યું હતું. એમણે કહ્યું કે તાઈવાન તરફ અમેરિકાની પ્રતિબદ્ધતા ખડક જેવી અડીખમ છે. સીના આઠ વર્ષના શાસનમાં તાઈવાનના અમેરિકા સાથેના સંબંધો સુદૃઢ બન્યા હતા. અમિેરકાએ તેને નાણાકીય ટેકો અને હથિયાર આપવાનું વધાર્યું હતું. બીજિંગે કોપાયમાન થઈને અમેરિકાને કહ્યું હતું કે તાઈવાન અમારો પ્રદેશ છે અને અમે તેને બળજબરીપૂર્વક ઝુંટવી લઈશું. અમેરિકાએ ચીનને આપેલા વચનનો ભંગ કર્યો છે. અમરિકા તાઈવાન સાથે ફક્ત સાંસ્કૃતિક અને વાણિજય સંબંધો રાખી શકે.
તાઈવાનના તાજેતરના વિજેતા પ્રમુખ લાઈને અભિનંદન આપનારા જાપાન- ઈંગ્લેન્ડ અને કેનેડાની પણ ચીને ઝાટકણી કાઢી છે.

૧૯૪૫ સુધી તાઈવાન જાપાનની કોલોની એટલે કે વસાહત હતી. અમેરિકાએ ૧૯૭૯માં તાઈપેઈને બદલે બીજિંગને રાજદ્વારી માન્યતા આપીને તાઈવાન સાથેના ઔપચારિક સંબંધો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ અમેરિકા તાઈવાન સાથે બિનસત્તાવાર સંબંધો ધરાવે છે, પરંતુ ચીનના હુમલામાં અમેરિકા તાઈવાનના બચાવમાં આવશે કે નહીં એની કોઈને ખબર નથી. પ્રમુખ બાઈડેને તો તાઈવાનનાં ચૂટણી પરિણામો વિશે કહ્યું કે અમે તાઈવાનની આઝાદીને ટેકો આપતા નથી. ચીન કહે છે મેમાં હોદ્દો સંભાળનારા આગામી પ્રમુખ લાઈ અથડામણનો માર્ગ પસંદ કરી રહ્યા છે અને આશંકા પણ એવા છે કે જો આમ થશે તો તાઈવાન યુદ્ધ અને મંદીની નજીક સરકી જશે…

તાઈવાનને સજા કરવા એ જે માલની ચીનમાં નિકાસ કરે છે તેના ટેરીફના દર ચીન વધારી શકે. તાઈવાનને ડરાવવા ચીન તાઈવાનની સરહદની નજીક ફાઈટર પ્લેન અને યુદ્ધજહાજ મોકલવાનું ચાલુ રાખશે.

જો કે તાઈવાનના સુરક્ષા અધિકારીઓ માને છે કે હાલમાં શિયાળાના આકરા હવામાન, ચીનના અર્થતંત્રમાં મુશ્કેલીઓ અને અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય શિખર પરિષદની સફળતાને લીધે ચીન હાલ તુરત તાઈવાન પર તરત હુમલો નહીં કરે. ચીને આઠ વર્ષના સમયગાળામાં તાઈવાનની ઘણી કનડગત કરી છે, પરંતુ કયારેય યુદ્ધ છેડ્યું નથી. તાઈવાનના નવા ચૂંટાયેલા પ્રમુખ લાઈ પણ એવી આશા રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button