એકસ્ટ્રા અફેર : રાહુલ વિદેશી નાગરિક છે એવું સાબિત કોણ કરે?

-ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે કેમ કે અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઊ કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી ભારતીય નહીં પણ બ્રિટિશ નાગરિક છે તેથી તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા જોઈએ અને તેમની સામે ખોટું બોલવા બદલ કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ કેસ લગભગ છ વર્ષથી ચાલે છે ને સુપ્રીમ કોર્ટે પહેલાં કેન્દ્રના ગૃહ મંત્રાલયને આ મુદ્દે તપાસ કરવા પણ કહેલું.
ગૃહ મંત્રાલયે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો પણ હાઈ કોર્ટે તેને યોગ્ય માન્યો નથી કેમ કે ગૃહ મંત્રાલયે યુકે સરકાર પાસે આ અંગે સ્પષ્ટતા માગી હતી. યુકે સરકારે હજુ જવાબ આપ્યો નથી એવો જવાબ ગૃહ મંત્રાલયે રજૂ કર્યો પણ હાઈ કોર્ટે અસંતોષ વ્યક્ત કરીને કેન્દ્ર સરકારને વધુ સ્પષ્ટ જવાબ આપવાનું ફરમાન કર્યું છે કે, આ મામલો રાષ્ટ્રીય મહત્ત્વનો છે અને તેમાં વિલંબ ચલાવી લેવાય નહીં. હાઈ કોર્ટના વલણને પગલે કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે વધારાનો સમય માગ્યો પછી હાઈ કોર્ટે આગામી સુનાવણી પાંચ મેના રોજ થશે એવું જાહેર કર્યું છે પણ કેન્દ્ર સરકારને આ વખતે ચોક્કસ જવાબ સાથે આવવા પણ તાકીદ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ વખતે શું જવાબ લઈને હાજર થાય છે એ જોવાનું છે પણ આ મુદ્દે જે ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે એ જોયા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, ભારતમાં નવરા લોકોની કમી નથી અને આપણી અદાલતોને પણ કેસોનો નિકાલ કરવા કરતાં વધારે રસ આવા નવરા લોકોને પોષવામાં અને તેમની ફાલતુ વાતોમાં પડે છે. રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં એ મુદ્દો મહત્ત્વનો છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ આ મુદ્દો ચ્યુંઈગ ગમની જેમ લંબાયા કરે છે એ કઠે છે. છેલ્લાં 6 વર્ષથી રાહુલ ગાંધી ભારતીય નાગરિક નથી એવા દાવા થાય છે પણ એ સાબિત કરવાના કોઈ પુરાવા રજૂ કરાતા નથી. 2019માં પહેલી વાર અરજી થઈ ત્યારથી આ ખેલ ચાલ્યા કરે છે.
રસપ્રદ વાત પાછી એ છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતી એક અરજી સુપ્રીમ કોર્ટ બહુ પહેલાં જ ફગાવી ચૂકી છે. એ વખતે ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતાના મામલાની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપવા વિનંતી કરાઈ હતી. રાહુલ ગાંધી બ્રિટનના કોઈ કંપનીમાં ભાગીદાર છે અને આ કંપની દ્વારા બ્રિટિશ સરકારમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજોમાં રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવું કહેવાયું હોવાના દાવા સાથે રાહુલને સંસદસભ્યપદેથી ગેરલાયક ઠેરવવા અરજી કરાઈ હતી.
ભાજપે જેમને પછીથી રાજ્યસભાના સભ્ય બનાવ્યા એ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ગોગોઈએ આ ચુકાદો આપતાં કહ્યું હતું કે કોઈ કંપની રાહુલ ગાંધીને એક ફોર્મમાં બ્રિટિશ નાગરિક જાહેર કરે તેનો અર્થ એ નથી કે તેઓ બ્રિટિશ થઈ ગયા છે. રાહુલની બ્રિટિશ નાગરિકતા માટે નક્કર પુરાવા જોઈએ અને એક ફોર્મ આ પુરાવો ના બની શકે.
સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી એ પછી નહેરૂ-ગાંધી ખાનદાન અને નરેન્દ્ર મોદી બંનેની પાછળ હાથ ધોઈને પડેલા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ગયા વરસે પાછી દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં માગણી કરી હતી કે, હાઈ કોર્ટ ગૃહ મંત્રાલયને રાહુલની ભારતીય નાગરિકતા રદ કરવા માટે આદેશ આપે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું હતું કે, તેમણે પાંચ વર્ષ પહેલાં એટલે કે 2019માં રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. હજુ સુધી ગૃહ મંત્રાલયે આ મુદ્દે કશું કહ્યું નથી કે શું પગલાં લીધાં છે તે સ્પષ્ટ નથી કર્યું. આ સંજોગોમાં રાહુલની નાગરિકતા રદ કરવા માટે હાઈ કોર્ટે આદેશ આપવો જોઈએ.
દિલ્હી હાઈ કોર્ટમાં આ મુદ્દો અટવાયેલો છે ત્યાં 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી લોકસભાની રાયબરેલી બેઠક પરથી જીતી ગયા એટલે પાછી રાહુલની નાગરિકતા સામે શંકા કરતી નવી અરજી થઈ ગઈ. 1 જુલાઈ, 2024ના રોજ કર્ણાટકના વકીલ અને ભાજપના નેતા એસ વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી કરીને રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. વિગ્નેશે 2022માં બ્રિટિશ સરકારના એક ગુપ્ત મેઇલનો ઉલ્લેખ કરીને આ આક્ષેપ મૂકીને ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 9(2) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગ કરી હતી.
અરજીમાં રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકતા છુપાવી હોવાથી રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી રદ કરવાની માગ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી છે કે તેમની પાસે બ્રિટિશ સરકારના બધા દસ્તાવેજો અને કેટલાક ઇમેઇલ્સ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તેથી ભારતમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય છે.
હાઈ કોર્ટે તાત્કાલિક આ મામલો હાથ પર લીધો અને પચીસ નવેમ્બર, 2024ના રોજ હાઈ કોર્ટે ગૃહ મંત્રાલયને આદેશ આપેલો કે, 19 ડિસેમ્બર, 2024 સુધીમાં રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની અરજી પર નિર્ણય લો. 19 ડિસેમ્બર, 2024ના રોજ સુનાવણી થઈ ત્યારે ગૃહ મંત્રાલયે જવાબ રજૂ કરવા માટે 8 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. આ સમય પણ પૂરો થઈ ગયો અને ભારત સરકારે યુકે સરકારનો સંપર્ક પણ કર્યો છે પણ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી.
આપણ વાંચો: ફોકસ : મૌન રહેવું હવે યોગ્ય નથી..!
આ જવાબ ક્યારે આવશે એ ખબર નથી પણ હાઈ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ધંધે લગાડી દીધું છે. હાઈ કોર્ટનું આ વલણ વિચિત્ર છે. ખરેખર તો જેણે આક્ષેપ મૂક્યો છે કે, રાહુલ ગાંધી ભારતીય નાગરિક નથી તેણે તેના પુરાવા રજૂ કરીને આ વાત સાબિત કરવાની હોય. ગૃહ મંત્રાલય શું કરવા આ બધી મગજમારીમાં પડે? વિગ્નેશનો દાવો છે કે, તેની પાસે પૂરતા પુરાવા છે. હાઈ કોર્ટે આ કહેવાતા પુરાવા નક્કર છે કે નહીં એ નક્કી કરવાનું હોય ને તેના આધારે કેસનો નિવેડો લાવવાનો હોય. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે એ જ કરેલું ને અત્યારે પણ એ જ શ્રેષ્ઠ રસ્તો છે. તેના બદલે હાઈ કોર્ટ ગૃહ મંત્રાલયનો સમય બગાડી રહી છે.