ઈન્ટરવલ

એકસ્ટ્રા અફેર : સોનિયા શિક્ષણ નીતિની ટીકા કરે એ શોભતું નથી

-ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી 2020 ની આકરી ટીકા કરતો લેખ લખ્યો તેના કારણે માંડ માંડ ઠરેલો નેશનલ એજ્યુકેશન નીતિનો મામલો પાછો ભડક્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા આક્ષેપ મૂકાયો છે કે, મોદી સરકાર નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી દ્વારા હિન્દી થોપવાના પ્રયાસ કરી રહી છે. આ મામલે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે જ એક અંગ્રેજી અખબાર માં પ્રકાશિત લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર શિક્ષણ નીતિ દ્વારા તેના 3ઈ એજન્ડા (સેન્ટ્રલાઈઝેશન-કેન્દ્રીકરણ, કોમર્શિયલાઈઝેશન-વ્યાપારીકરણ અને કોમ્યુનાલિઝમ-સાંપ્રદાયિકતા)ને અનુસરી રહી છે. સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે, મોદી સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી ભારતના યુવાનો અને બાળકોના શિક્ષણ પ્રત્યે મોદી સરકારની ગાઢ ઉદાસીનતા દર્શાવે છે.

સોનિયા ગાંધીએ આ લેખમાં મોદી સરકાર સામે ચાર આક્ષેપ કર્યા છે. પહેલો આક્ષેપ એ કે, મોદી સરકાર શિક્ષણ વ્યવસ્થાને નબળી બનાવી રહી છે. બીજો આરોપ એ છે કે, મોદી સરકાર સરકારી સ્કૂલોને બદલે પ્રાઈવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપી રહી છે. ત્રીજો આક્ષેપ એ છે કે, યુનિવર્સિટીઓને લોન લેવા મજબુર કરવામાં આવી રહી છે અને ચોથો આક્ષેપ એ છે કે, મોદી સરકાર શિક્ષણ વ્યવસ્થા દ્વારા લોકોમાં નફરત ફેલાવી રહી છે.

આ ચારેય આક્ષેપો ગંભીર છે પણ સાચા છે ખરા ? આ આક્ષેપોમાં કેટલાક મુદ્દા સાચા છે પણ આક્ષેપો સો ટકા સાચા નથી. જે મુદ્દા સાચા છે તેના માટે પણ મોદી સરકાર પર સંપૂર્ણપણે દોષનો ટોપલો ઢોળી શકાય તેમ નથી. કેટલાક મુદ્દા તો સંપૂર્ણપણે રાજકીય જ છે.

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શિક્ષણ મારફતે નફરત ફેલાવવાનો અને નફરતને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો છે. સોનિયાના કહેવા પ્રમાણે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઈઆરટી નાં પુસ્તકોમાંથી ઇતિહાસને લગતા મહત્ત્વપૂર્ણ ભાગો દૂર કરવામાં આવ્યા છે. મોગલ કાળ અને મહાત્મા ગાંધીની હત્યાને લગતા વિષયો અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને બંધારણની પ્રસ્તાવના પણ દૂર કરાઈ હતી. પ્રજાના વિરોધ પછી બંધારણની પ્રસ્તાવના પાછી ઉમેરવામાં આવી હતી એવો સોનિયાનો દાવો છે. સોનિયાનું કહેવું છે કે, શૈક્ષણિક લાયકાતને બદલે વૈચારિકતાના આધારે શિક્ષણમાં નિમણૂકો થઈ રહી છે અને ટોચની સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા ભાજપની વિચારધારાઓ ધરાવતા લોકો માટે અનામત રાખવામાં આવ્યા છે. પ્રોફેસરો અને વાઇસ-ચાન્સેલર્સ માટે લાયકાત ઘટાડવી એ પણ આ એજન્ડાનો એક ભાગ છે.

સોનિયાનો આક્ષેપ સંપૂર્ણપણે રાજકીય છે. ભાજપે પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યા છે પણ તેના કારણે લોકોમાં નફરત વધે એવું કશું કરાયું નથી. કોઈ ચોક્કસ ધર્મ કે વર્ગનાં લોકોને ટાર્ગેટ કરાયા હોય તો નફરત વધે પણ કેટલાક ભાગો દૂર કરવાથી નફરત ના વધે.

બીજું એ કે, કૉંગ્રેસે પોતે ભૂતકાળમાં એ જ કર્યું છે. કૉંગ્રેસના શાસન વખતે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ તથા તેમના વફાદારો જ આઝાદીની લડાઈ લડ્યા હોય એવું ચિત્ર ઉભું કરાયું જ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા આઝાદીની મહાન લડવૈયાઓના યોગદાનની અવગણના કૉંગ્રેસના શાસનમા કરાઈ. એ જ કૉંગ્રેસનાં નેતા સોનિયા મોદી સરકાર પાઠ્યપુસ્તકોમાં ફેરફારોની વાતો કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે. કૉંગ્રેસના શાસનમાં પણ મહત્વના હોદ્દા કૉંગ્રેસીઓને જ મળતા હતા તેથી ભાજપ સરકાર સામે એ આક્ષેપ કરવાનો તો સોનિયાને જરાય અધિકાર નથી. ભાજપ ખાનગી સ્કૂલોને વધારે પ્રોત્સાહન આપે છે એ સાચું છે પણ ભાજપને એ વારસો કૉંગ્રેસ પાસેથી જ મળ્યો છે. આ દેશમાં ખાનગી સ્કૂલો અને કોલેજોની શરૂઆત કૉંગ્રેસ શાસનમાં જ થઈ. કૉંગ્રેસે તમામ પ્રકારના શિક્ષણનો ખર્ચ સરકાર જ ઉઠાવે અને સરકારી સ્કૂલોમાં જ ફરજીયાત શિક્ષણ લેવું પડે એવી નીતિ કેમ ના બનાવી ? કેમ કે કૉંગ્રેસના નેતાઓએ ખાનગી સ્કૂલો કરીને કમાણી કરવી હતી. આ દેશમાં મેડિકલ, એન્જિનયરિંગ કે બીજા મહત્વના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોના માલિકો કોણ છે એ જોઈ જજો. મોટા ભાગના કૉંગ્રેસી નેતા જ નિકળશે. ખાનગી કોલેજો દ્વારા કૉંગ્રેસીઓ માલદાર થયા ને હવે સોનિયા મોદી સરકાર પર ખાનગી સ્કૂલોને પોષવાનો આક્ષેપ મૂકે એ શોભતું નથી.

જો કે એક વાત નોંધવી જરૂરી છે. નેશનલ એજ્યુકેશન પૉલિસી દ્વારા મોદી સરકાર પાસે શિક્ષણને બદલી નાંખવા માટેની બહુ મોટી તક હતી પણ એ તક મોદી સરકારે રોળી નાંખી છે. મોદી સરકારે શિક્ષણને વધારે બોજારૂપ બનાવી દીધું છે. નાનાં બાળકો માટે પહેલાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીનું શિક્ષણ ફરજિયાત નહોતું. મોદી સરકાર આ શિક્ષણ ફરજિયાત કરીને બાળકો પર બોજ વધારી રહી છે અને તેમનું શિક્ષણ છિનવી રહી છે.

મોદી સરકારે ફરજિયાત ત્રણ ભાષાનો જે ડખો ઊભો કર્યો છે એ પણ વણજોઈતો અને પેટ ચોળીને શૂળ ઊભો કરનારો છે. નેશનલ એજ્યુકેશન પૉલિસી પ્રમાણે પહેલા ધોરણથી વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ શીખવી પડશે. કોઈપણ ભાષા ફરજિયાત બનાવવામાં આવી નથી અને રાજ્યો અને સ્કૂલોને કઈ ત્રણ ભાષાઓ શીખવવી તે નક્કી કરવાની સ્વતંત્રતા છે પણ ભલામણો ચોક્કસ કરાઈ છે.

આ ભલામણો પ્રમાણે, પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5માં અભ્યાસ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં કરવાની ભલામણ કરવામાં આવે છે. ધોરણ 6 થી 10માં ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત છે. બિન-હિન્દી ભાષી રાજ્યોમાં માતૃભાષા ઉપરાંત અંગ્રેજી અથવા આધુનિક ભારતીય ભાષા શીખવવાની રહેશે. શાળા ઈચ્છે તો માધ્યમિક વિભાગ એટલે કે 11માં અને 12માં ધોરણમાં વિદેશી ભાષાનો વિકલ્પ પણ આપી શકે છે.

દુનિયામાં અત્યારે ટેકનોલોજીની બોલબાલા છે અને ટેકનોલોજીનું શિક્ષણ સૌથી મહત્ત્વનું છે ત્યારે મોદી સરકાર ભાષાઓનું શિક્ષણ આપવા પર ભાર મૂકી રહી છે એ મોટી ખોટ છે. ભાષામાં રસ પડે તો વ્યક્તિ મોટી ઉંમરે પણ શીખી શકે છે પણ ટેકનોલોજીનું શિક્ષણ પાછળથી નથી મેળવી શકાતું. સરકારે ખરેખર પહેલા ધોરણથી ટેકનિકલ વિષયોનું પાયાનું જ્ઞાન આપવાનો વિષય રાખવાની જરૂર છે. આ જ્ઞાનના કારણે બાળકોને નાની ઉંમરથી જ ટેકનિકલ શિક્ષણમાં રસ પડવા માંડશે અને કંઈ નહીં તો ભવિષ્યમાં નાના ટેકનિકલ વ્યવસાય આપનાવવામાં પણ એ કામ આવશે.

મોદી સરકારે શિક્ષણને ટેકનિકલ નોલેજ આધારિત બનાવવું જરૂરી હતું પણ તેના બદલે ભાષાની ભાંજગડ ઊભી કરી નાંખી. તેની પાછળ રાજકીય ગણતરીઓ છે અને મોદી સરકાર ભાવિ પેઢીના ઉજજવળ ભવિષ્યને ખાતર પણ રાજકીય ફાયદા જ જોવાની ટૂંકી ને સ્વાર્થી વૃત્તિ નથી છોડી શકી એ કમનસીબી કહેવાય.

આપણ વાંચો:  કચ્છી ચોવક : જરૂર હોય ત્યારે મળે તેનું જ મૂલ્ય હોય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button