ઈન્ટરવલ

એકસ્ટ્રા અફેર : ભારતને ટેસ્ટમાં વિરાટ-રોહિતની ખોટ નહીં વર્તાય

-ભરત ભારદ્વાજ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો મુદ્દો છવાયેલો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા તેની બહુ નોંધ ના લેવાઈ. પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ થવાની જાહેરાત કરી ને તેના ચાર દિવસ પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતને 2024 ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવ્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ બંને સાથે નિવૃત્ત થયા છે.
હવે બંને માત્ર વન ડે ક્રિકેટમાં રમશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ધુરંધર મનાય છે પણ બંનેની નિવૃત્તિમાં આભ-જમીનનું અંતર છે. રોહિત અને વિરાટ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં છે પણ રોહિતને ફરજિયાત નિવૃત્તિની ફરજ પડાઈ છે જ્યારે વિરાટ કોહલી બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા (BCCI)ની અનિચ્છા છતાં નિવૃત્ત થઈ ગયો છે.

રોહિત શર્મા પહેલાં વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. પછી સતત નિષ્ફળ જતાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયેલો. રોહિત શર્મા પણ સતત નિષ્ફળ જવા માંડતાં રોહિત શર્માને જૂનમાં રમાનારી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનપદેથી દૂર કરાશે એ નક્કી મનાતું હતું. રોહિત શર્માને કેપ્ટનપદે ના રખાય તો ટેસ્ટ ટીમમાં રહેવામાં રસ નહોતો તેથી તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી.

વિરાટ કોહલીએ 10 મેના રોજ બોર્ડને પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માગે છે તેની જાણ કરી હતી. બોર્ડે કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. અમે 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ વિરાટ સાથે વાત પણ કરી હતી. વિરાટે એ છતાં નિર્ણય ના બદલ્યો અને 12 મેના રોજ નિવૃત્તિ જાહેર કરી દીધી. વિરાટે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતાં લખી નાંખ્યું કે, ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને હું જીવનભર યાદ રાખીશ એવા પાઠ મને શીખવ્યા છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કારકિર્દી વધારે પ્રભાવશાળી છે. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમીને 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે અને તેની ટેસ્ટ ક્રિકેટમાં સરેરાશ 50 રનથી વધારેની છે જ્યારે રોહિત શર્માની એવરેજ 40 રનની આસપાસ છે. રોહિતે 67 ટેસ્ટમાં 40.57ની સરેરાશથી રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 40ની આસપાસની સરેરાશ સારા બેટ્સમેનની ના કહેવાય.

રોહિત શર્માની ટેસ્ટમાં બેટિંગ સાતત્યપૂર્ણ પણ નથી. રોહિતે 2013માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પણ તેનું ટીમમાં સ્થાન નક્કી નહોતું. 2021થી રોહિત પ્લેઇંગ-11માં કાયમી થયો પણ તેની બેટિંગ સાતત્યપૂર્ણ નથી જ રહી. રોહિતને 2022માં કેપ્ટનશીપ મળતાં તે ટીમમાં કાયમી થયો ખરો પણ તેની બેટિંગ સતત ખરાબ થતી ગઈ છે. રોહિત ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. રોહિતની ન્યૂ ઝીલેન્ડ સામે એવરેજ 15.16 રન અને ઓસ્ટ્રેલિયા સામે 6.20ની સરેરાશ હતી. તેના કરતા સારી સરેરાશ તો છેલ્લા નંબરે આવનાર ખેલાડીની હતી.

રોહિત ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કેપ્ટન તરીકે પણ સાવ નિષ્ફળ રહ્યો હતો. ન્યૂ ઝીલેન્ડ સામે ભારત પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારેલું. ઓસ્ટ્રેલિયા સામે રોહિત પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો. જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવાયેલો અને બુમરાહની કેપ્ટન્સી હેઠળ ભારતે પહેલી ટેસ્ટ જીતી હતી. એ પછી રોહિત શર્મા પાછો આવ્યો અને ફરી કેપ્ટન બન્યો તો રોહિતની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ હારી ગઈ હતી.

રોહિત બંને ટેસ્ટમાં સાવ નિષ્ફળ પણ ગયો હતો. બીજી ટેસ્ટમાં રોહિત મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો હતો પણ ચાલ્યો નહોતો. રોહિત સિડનીમાં છેલ્લી ટેસ્ટ રમી શક્યો ન હતો અને હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે. રોહિતે કદાચ નિવૃત્તિ ના લીધી હોત તો તેને ટીમમાંથી દૂર કરી દેવાયો હોત એ જોતાં તેનો નિર્ણય યોગ્ય છે અને ભલે સમયસરનો નથી પણ તેનું વધ્યુંઘટ્યું ગૌરવ બચી જશે.

વિરાટ રોહિત કરતાં સારો બેટ્સમેન હતો અને હજુ પણ છે. વિરાટે ધાર્યું હોત તો હજુ એકાદ વર્ષ રમી શકે તેમ હતો પણ તેણે સમજદારી બતાવીને ધક્કા મારીને કાઢવો પડે એ પહેલાં ખસી જવાનું પસંદ કર્યું. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી ગૌરવપૂર્ણ રહી છે ને તેની વિદાય પણ ગૌરવપૂર્ણ રહી.

રોહિત અને વિરાટ મોટાં નામ હતાં પણ બંનેના જવાથી ટીમ ઈન્ડિયાને કઈ ખોટ પડવાની નથી એ નક્કી છે. રોહિત શર્મા તો છેલ્લી બે સિરીઝથી ટીમને સાવ માથે જ પડેલો હતો એ જોતાં એ નહીં હોય તો કોઈ યુવા ખેલાડીને તક મળશે અને ટીમનો દેખાવ પણ કદાચ સારો થઈ જશે. રોહિત છેલ્લાં 6 વર્ષથી ટેસ્ટમાં ઓપનિંગ કરી રહ્યો છે. ઓપનિંગમાં રોહિતનું સ્થાન લઈ શકે એવા ખેલાડીઓમાં કે.એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પ્રબળ દાવેદાર છે. રોહિતનું સ્થાન લેવા માટે કેટલાક યુવા ખેલાડીઓ પણ રેસમાં દાવેદાર છે. સાઈ સુદર્શન, દેવદત્ત પડ્ડિકલ, અભિમન્યુ ઈશ્વરન અને ઋતુરાજ ગાયકવાડ સહિતના ખેલાડી પણ ઓપનર તરીકે આવી શકે છે. આ પૈકી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વધારે સારા વિકલ્પ છે તેમાં બેમત નથી.

વિરાટ કોહલીનું સ્થાન લેવા માટે પણ ઘણા ખેલાડી રેસમાં છે. શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ વગેરે પ્રબળ દાવેદાર છે પણ સૌથી સારો વિકલ્પ કરૂણ નાયર છે. ડોમેસ્ટિક ક્રિકેટની છેલ્લી સીઝનમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચનાર કરૂણ નાયરને ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ પણ છે. ઘરઆંગણે ભારત માટે ત્રેવડી સદી ફટકારવા ઉપરાંત કરૂણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 23 સદી પણ ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરેન્દ્ર સેહવાગ પછી ત્રેવડી સદી ફટકારનારો કરૂણ નાયર એક માત્ર ભારતીય ક્રિકેટર છે. કરૂણ નાયર પીઢ છે, અનુભવી છે અને ટેક્નિકલી સાઉન્ડ છે એ જોતાં વિરાટના વિકલ્પ તરીકે કરૂણ નાયર બહેતર વિકલ્પ છે. અલબત્ત વિરાટના સ્થાને બીજા કોઈ યુવાનને તક અપાય તો પણ ચાલશે જ.

આપણ વાંચો:  કચ્છી ચોવક : બંધ મૂઠી લાખની, ઉઘાડી વા ખાય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button