એકસ્ટ્રા અફેર : ‘જય શ્રી રામ’ ના નારાના વિવાદ સાથે ભાજપને શું લેવાદેવા?

-ભરત ભારદ્વાજ
તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલાં બિલોને અટકાવી રાખવા બદલ સુપ્રીમ કોર્ટની અડફેટે ચડી ગયેલા તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ નવા વિવાદમાં ફસાયા છે. રવિ શનિવારે મદુરાઈની એક ખાનગી એન્જિનિયરિંગ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બન્યા હતા. કાર્યક્રમમાં રવિએ વિદ્યાર્થીઓને તેમના ભાષણના અંતે ઉત્સાહિત થવા કહ્યું અને વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું કહ્યું તેમાં બખેડો ઊભો થઈ ગયો છે. રવિ વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું કહેતા હોય એવો વીડિયો બહાર આવ્યો પછી ભાજપ સહિતના તમામ પક્ષોએ રવિને ઝાટકી કાઢ્યા છે.
તમિલનાડુમાં ડીએમકે-કૉંગ્રેસ સહિતના કહેવાતા સેક્યુલર પક્ષોની સરકાર છે ને રવિ સાથે તેમને પહેલેથી છત્રીસનો આંકડો છે એટલે તક મળતાં જ બધા તૂટી પડ્યા છે. કૉંગ્રેસ સહિતના પક્ષોનું કહેવું છે કે આર.એન. રવિ બંધારણીય હોદ્દા પર બેઠા છે ત્યારે ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું વિદ્યાર્થીઓને કહેવા જેવાં કૃત્ય તેમને શોભતાં નથી. રવિ એક ધાર્મિક નેતાની જેમ બોલી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના પ્રચાર માસ્ટર બની ગયા છે.
તમિલનાડુના કહેવાતા શિક્ષણ વિશેની બનેલી સંસ્થા તમિલનાડુ સ્ટેટ કોમન સ્કૂલ સિસ્ટમ ફોરમ (એસપીસીએસએસ) એ પણ રવિ સામે વાંધો લીધો છે. ફોરમે રવિ સામે બંધારણીય શપથનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરીને તેમને તાત્કાલિક રાજ્યપાલપદ પરથી દૂર કરવાની માગ કરી છે. તમિલનાડુ સ્ટેટ યુનિફોર્મ સ્કૂલ સિસ્ટમ ફોરમનું કહેવું છે કે, રાજ્યપાલ રવિ તમિલનાડુના શૈક્ષણિક માળખા અને સાંસ્કૃતિક બાબતોથી અજાણ છે અને તમિલનાડુની શાળાઓ અને કૉલેજોમાં અનુસરવામાં આવતા અભ્યાસક્રમથી પણ અજાણ છે. અજ્ઞાન અને ઘમંડને કારણે રાજ્યપાલ શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.
ફોરમનો મત છે કે રાજ્યપાલ એક સમુદાયને બીજા સમુદાય સામે ઉશ્કેરવાના ઉદ્દેશ્યથી ખોટા વિચારો ફેલાવી રહ્યા છે. ફોરમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને ભારતીય બંધારણની કલમ 159નું ઉલ્લંઘન કરવા બદલ રવિને પદ પરથી દૂર કરવા વિનંતી કરી છે. બંધારણની કલમ 159 રાજ્યપાલો દ્વારા લેવામાં આવતા શપથ સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ રાજ્યપાલે બિનસાંપ્રદાયિક બનીને વર્તવું ફરજિયાત છે અને રાજ્યપાલ કોઈ ચોક્કસ ધર્મનો પ્રચાર નથી કરી શકતા. બીજાં ઘણાંએ પણ રવિની ટીકા કરી છે અને તેમનો મત પણ એ જ છે કે, રાજ્યપાલે ‘જય શ્રી રામ’ નારા બોલાવડાવીને પોતાના બંધારણીય હોદ્દાને લાંછન લગાડ્યું છે.
રાજ્યપાલ રવિએ ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવીને બંધારણીય ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં એ રાષ્ટ્રપતિ નક્કી કરશે. રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂ પણ ભાજપનાં છે એ જોતાં એ કદાચ રવિની તરફદારી કરે તો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. મામલો સુપ્રીમ કોર્ટમાં જાય એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ શું કરશે એ ખબર નથી પણ રાજ્યપાલ રવિએ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે તેમાં શંકા નથી. ભારતમાં હિંદુઓની બહુમતી છે તેથી રાજ્યપાલે ‘જય શ્રી રામ’ ના નારા લગાવડાવ્યા તેમાં શું આભ તૂટી પડ્યું એવો પણ ઘણાંનો મત હોઈ શકે. બલકે બહુમતી લોકોને મત એવો હોઈ શકે પણ આ મત બંધારણની જોગવાઈઓને અનુરૂપ નથી. રાજ્યપાલ તરીકે કોઈ ધર્મના નારા લગાવડાવવા એ ખોટું જ છે.
જેમને લાગતું હોય કે, રાજ્યપાલે કોલેજના વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા તેમાં કશું ખોટું નથી તેમણે એક વાતનો વિચાર કરવો જોઈએ કે કોઈ મુસ્લિમ રાજ્યપાલ હોત ને તેણે અલ્લાહુ અકબર કે બીજો કોઈ નારો વિદ્યાર્થીઓ પાસે લગાવડાવ્યો હોત તો હિંદુઓ એ સહન કરી શકે? બિલકુલ ના કરી શકે. એ હરકત બંધારણીય જોગવાઈની વિરુદ્ધ જ કહેવાય અને આવી હરકતને બિલકુલ ના પોષાય.
મિશનરી સ્કૂલોમાં આપણાં બાળકોને ખ્રિસ્તી પ્રાર્થના કરાવાય તેની સામે આપણને વાંધો હોય જ છે તો આ ઘટના સામે વાંધો લેવાય તેમાં કશું ખોટું નથી. વ્યક્તિગત રીતે પણ રાજ્યપાલ રવિની ધાર્મિક માન્યતા ગમે તે હોય, વિદ્યાર્થીઓને એ નારા લગાવવાની ફરજ બિલકુલ ના પાડી શકાય. રવિને આ દેશના નાગરિક તરીકે પોતાની ધાર્મિક માન્યતાઓ રાખવાનો અધિકાર છે પણ બંધારણીય હોદ્દા પર બેઠા પછી તેમણે આ માન્યતાઓને બાજુ પર મૂકવી જ પડે, એક હિંદુ તરીકે નહીં પણ એક સેક્યુલર તરીકે જ વર્તવું પડે કેમ કે આ દેશનું બંધારણ ભારતને સેક્યુલર માને છે. ભારત હિંદુ રાષ્ટ્ર બને ત્યારે જે નારા લગાવવા હોય એ લગાવજો, એ વખતે કોઈ નહીં રોકે.
રવિએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવા માટે ‘જય શ્રી રામ’ ના નારા લગાવડાવ્યા એવી દલીલ થાય છે. રાજ્યપાલ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા જ માગતા હતા તો દેશનો જયજયકાર કરતા નારા પણ લગાવડાવી શક્યા હોત પણ તેના બદલે તેમણે ધર્મના નારા લગાવડાવ્યા. રાષ્ટ્ર ધર્મ કરતાં મહાન છે અને તેનાથી ઉપર કશું ના આવે એવું આપણે કહીએ છીએ. ધર્મને રાષ્ટ્રથી ઉપર ગણનારાંને આપણે ઝાટકીએ છીએ ત્યારે બંધારણીય હોદ્દા પર બેઠેલાં લોકોની તો એ ફરજ બને છે.
જો કે આ ઘટનાને ભાજપ અને સંઘ સાથે જોડી દેવાય છે એ રાજકીય ફાયદા માટેની હલકી હરકત છે. રાજ્યપાલે ‘જય શ્રી રામ’ ના નારા લગાવડાવ્યા એ તેમની અંગત પસંદગી છે ને તેને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે ભાજપના બંધારણીય હોદ્દા પર બેઠેલા બીજા કોઈ નેતા હોય, કોઈએ પોતે હોદ્દાની રૂએ હાજર રહ્યા હોય એવા કાર્યક્રમમાં હજુ સુધી આ રીતે ધર્મના નારા લગાવડાવ્યા હોય એવું નથી બન્યું. તો પછી આ ભાજપની વિચારધારા હોવાનું કઈ રીતે કહી શકાય?
આર.એન. રવિ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં સેવા આપી ચૂકેલા પૂર્વ આઈપીએસ અધિકારી છે. આરએન રવિએ 2021માં તમિલનાડુના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો એ પહેલાં કે પછી તેમને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. આ સંજોગોમાં તેમની હરકતને ભાજપની હરકત કે વિચારધારા ના ગણાવી શકાય.
જે લોકો આ ઘટનાને ભાજપ કે સંઘ સાથે જોડી રહ્યા છે તેમના પોતાના રાજકીય સ્વાર્થ છે. ભાજપ હિંદુત્વને થોપીને આ દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે એવો ડર પેદા કરવાની મલિન માનસિકતા સાથે એ લોકો વર્તી રહ્યા છે. આ ડર પેદા કરીને ચોક્કસ સમુદાયની મતબેંકને પોતાની તરફ વાળવાના તેમના બદઈરાદા છે.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : રાજ્યપાલો બિલ રોકી રાખે તો વિધાનસભાનું કામ શું?