ઈન્ટરવલ

બધા અનાજ ખાય છે, ઘાસ કોઇ નથી ખાતું!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

દુનિયામાં એટલે કે, આપણે જયાં રહેતા હોઇએ તે સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર હોય છે, મતલબ કે બુદ્ધુઓની સંખ્યા ઓછી હોય છે. હવે, આવું કે આટલું કહેવા માટે પણ ચોવક છે: “ધુનીયા મેં મિડે અન્ન ખેંતા, ઘા કો નતો ખાય અર્થ સહજ છે: દુનિયામાં બધા જ લોકો અનાજ ખાય છે, ઘાસ કોઇ નથી ખાતું! ‘ધુનીયા’ શબ્દ શરૂઆતમાં વપરાયો છે. જેને ગુજરાતીમાં આપણે દુનિયા કહીએ છીએં. ‘મિડે’ એટલે બધા જ. ‘ખેં તા’ (બન્ને અક્ષર એક એક શબ્દ છે, એટલે અલગ અલગ લખાય છે) નો અર્થ થાય છે: ખાય છે. ‘ઘા’ એટલે ઘાસ, ‘કો’ એટલે કોઇ, ‘ન તો ખાય’ નો અર્થ થાય છે, નથી ખાતા!

સમજદારીના સંકેત આપતી ચોવક છે, પરંતુ તેનું પ્રમાણ વિષયવાર વધતું કે ઓછું હોઇ શકે! સમજની પણ મર્યાદા હોઇ શકે. મર્યાદા શબ્દ પરથી એક મસ્ત ચોવક યાદ આવી ગઇ: “થોડેં જો મોં સકર સેં ભરાજે, જિજેં જો મીઠે સે ય ન ભરાજે સંખ્યા ઓછી હોય તો તેમના મોઢાં સાકરથી ભરી શકાય પણ ખૂબ વધારે હોય તો મીઠાંથી પણ ન ભરી શકાય! ‘થોડેં’ એટલે અલ્પ કે થોડા, ‘મોં’ એટલે મોઢું, સકરને આપણે સાકર તરીકે ઓળખીએં છીએ. ‘ભરાજે’નો અર્થ છે, ભરાય ‘જિજેં’ એટલે ‘ઝાઝા’ કે વધારે. ભાવાર્થ એવો છે કે, મર્યાદામાં મજા છે! મર્યાદાની માઝા છોડવામાં નહીં!
એવી જ, મર્યાદાની વાતના અર્થની નજીક ગણી શકાય તેવી ચોવક છે: “જિતરો ગુડ વિજોં તિતરો મિઠો થીયે અર્થ સ્પષ્ટ છે. જેટલો ગોળ નાખો તેટલી મિઠાસ વધે. “જિતરો એટલે જેટલો ‘ગુડ’ને આપણે ગોળ કહીએ છીએ. ‘વિજોં’નો અર્થ છે નાખો. ‘તિતરો’ એટલે તેટલો. ‘થીયે’ એટલે થાય. કોઇ બાબતનો વ્યાપ જેટલો ધારીએં એટલો વધારી શકાય. જેટલો ગોળ નાખીએં તેટલી મિઠાસ વધતી જાય. ઘણી વાર એવી પરિસ્થિતિ પેદા થાય કે, શું કરવું? તેવો સવાલ મૂંઝવતો હોય છે. ‘આમ કરું તો પણ માર, તેમ કરું તો પણ માર!’ તો પછી કરવું શું? આવી સ્થિતિ વર્ણવતી કચ્છીમાં એક ચોવક છે : “ચિભડેં વારી ભરી, બધોં ત ફિસી પે, છોડયો ત સડી પે’ ચિભડેં એટલે ચિભડું. ભરી એટલે ભારો, ‘ફિસી પે’નો અર્થ થાય ‘ફૂટી જાય’, ‘છોડયો’ એટલે છોડીએં તો, ‘રૂડીપે’ એટલે લસકી જાય! તમે જોઇએ? ચિભડાંની ભારી (ભારો) બાંધતાં? અને બાંધેલો ભારો ખોલતાં? પહેલી વાત કે ભારો બાંધતાં ગાંઠ બાંધવી પડે અને તેમ કરતાં ચિભડું ફૂટી જાય! અને જેમ તેમ કરીને ભારો બંધાઇ જાય તો જયારે ખોલીએં ત્યારે ચીભડાં ભારામાંથી લસકીને રોળવા લાગે! ઘણીવાર તો આ ચોવક આખી બોલવાની પણ જરૂર નથી રહેતી, એટલું જ બોલાય છે: “ચિભડ વારી ભરી આય…’ પછીએ જીવન હોય કે સંસારના વ્યવહારો હોય!

ચિભડાંનો ઉલ્લેખ આવતાં એ શબ્દના પ્રયોગ વાળી અર્થસભર ચોવક યાદ આવી ગઇ: ‘માડૂ નેં ચિભડ પ્યો પ્યો વધે’ જીવનના ક્રમ પર કટાક્ષ કરતી આ એક મસ્ત ચોવક છે. ચોવકમાં માણસની સરખામણી ચિભડાં સાથે કરવામાં આવી છે! તમે ચિભડાંનું કદ વધતાં જોયું છે? ચિભડાંનો વેલો હોય વૃક્ષ ન હોય! ચિભડું જમીન પર પડયું પડયું, પોતાની જન્મદાત્રી વેલમાંથી પોષણ મેળવતું રહે અને તેનું કદ વધતું રહે છે! તેવું જ માણસનું છે, કાંઇ ન કરતાં કે પડયાં પડયાં પણ આયુષ્ય તો આગળ વધતું જાય છે! અહીં ‘માડૂ’ શબ્દ છે જેનો અર્થ છે, માણસ. ‘પ્યો પ્યો ’ એટલે પડયાં પડયાં … જાતે -પોતે કાંઇ ન કરવું પડે તેવી સ્થિતિ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button